ગૃહલક્ષ્મીનો જીન
ગૃહલક્ષ્મીનો જીન
વૈદેહી ખૂબજ સુંદર,સુશીલ અને સંસ્કારી છોકરી હતી. વૈદેહી ભણીગણીને નોકરી કરવા ઈચ્છતી હતી પણ જેવી તે ઉંમર લાયક થઈ તેનાં પિતાએ સારું ઘર જોઈને તેને પરણાવી દીધી. વૈદેહીએ લગ્ન પહેલાં સાસરીવાળા અને તેનાં પતિને લગ્ન બાદ નોકરી કરવા બાબત પૂછેલું, ત્યારે એ લોકોએ હા પાડેલી તેનાં સાસુ ગોમતીબેને હસતાં હસતાં કહ્યું હતું," ઘરનું કામકાજ પૂરું કરી તું નોકરી કરવા જઈ શકે,મને કોઈ જ વાંધો નથી. વૈદેહી તેનાં સપનાઓ પૂરાં થશે એમ વિચારી રહી હતી પણ એને ક્યાં ખબર હતી કે તેનાં સપનાઓ સપના બનીને જ રહી જશે.
ગોમતીબેન વૈદેહીને કામમાં એવી ગુંચવાડી દે કે એ બહાર નિકળી જ ન શકે. શરૂઆતમાં વૈદેહી ગમે તેમ કરી ઝડપથી બધું કામ પૂરું કરવાં પ્રયત્ન કરતી, પ્રયત્ન શું ! એ કરી જ લેતી પણ તેમ છતાં કંઈક ને કંઈક અણધાર્યા કામ આવી જ જાય કંઈ ન હોય તો અચાનક મહેમાનો આવી જાય. ગોમતીબેનનાં કાવતરાંને વૈદેહી સમજી જ ન શકી અને જ્યારે સમજાયું ત્યારે લગ્ન જીવનનાં સોળ વર્ષ વીતી ગયાં હતાં અને વૈદેહીનાં સપનાઓ પણ હૃદયનાંનાં એક ખુણે દફન થઈ ગયાં હતાં.
એકધારા જીવનથી કંટાળેલી વૈદેહી ફરિયાદોનું પોટલું બાંધી પોતાની ખાસ મિત્ર મૈત્રિને મળવાં માં ગઈ પણ સંજોગો વસાત એ તેને મળી નહીં. ઉદાસ વૈદેહી એકલી દરિયા કિનારે પહોંચી ગઈ. વિશાળ દરિયો અને તેમાં ઉછળતાં મોજાઓને તે એકીટસે જોઈ રહી હતી. દરિયાનાં મોજાં ઉછળીને કિનારા સુધી પહોંચી શાંત થઈ જતાં હતાં, આ જોઈ વૈદેહીને પોતાનાં સપનાઓનું સ્મરણ થઈ આવ્યું. તે મનોમન વિચારવા લાગી કાશ મારાં સપનાઓને પણ કિનારો મળી ગયો હોત તો અંતરનો આ વલોપાત શાંત થઈ ગયો હોત. પછી પોતે એક ઊંડા નિસાસા સાથે બોલી,"હું તો એક ગૃહલક્ષ્મી બનીને રહી ગઈ છું અને બસ એજ બનીને રહી જઈશ". એ આવાં વિચારોમાં ખોવાયેલી હતી ત્યારે જ તેની નજર કિનારા પર પડેલી એક બોટલ પર પડી, તેમાં કાગળની એક ચિઠ્ઠી હોય તેવું તેને લાગ્યું એટલે તેણે એ બોટલ હાથમાં લીધી અને તેનું ઢાંકણ ખોલ્યું. તેણે જેવું ઢાંકણ ખોલ્યું એવો તેમાંથી ધૂમાડો નિકળ્યો આ જોઈ વૈદેહી ડરી ગઈ અને તે બોટલનો ઘા કરી ત્યાંથી ઘરે આવી ગઈ.
ગોમતીબેને વૈદેહી માટે કામનું લીસ્ટ તૈયાર જ રાખ્યું હતું. વૈદેહી કંઈ પણ બોલ્યાં વગર કામે લાગી ગઈ. રસોઈ કરતાં કરતાં વૈદેહી અચાનક ચક્કર આવતાં તે મૂર્છિત થઈ ગઈ. કોઈને આ વાતની ખબર પણ નહોતી જ્યારે તે ભાનમાં આવી તો તેણે જોયું કે બધીજ રસોઈ તૈયાર હતી. વૈદેહી આ જોઈ અચંબિત થઈ ગઈ, વિચારવા લાગી આ કોણે કર્યું હશે! હવે તો આવું વારંવાર થવાં લાગ્યું. વૈદેહીને તો કંઈજ સમજાતું નહોતું. એક દિવસ એજ ધૂમાડો ફરી એની સામે થયો અને તેમાંથી તેણે એક જીનીને નિકળતો જોયો. પહેલાં તો તે ખૂબજ ડરી ગઈ પણ પછી જીનીએ તેને કહ્યું," મારાથી ડરો નહીં હું તમારો ગુલામ છું, ગૃહલક્ષ્મીનો જીન છું, હું તમારી મદદ કરવાં માટે આવ્યો છું.
વૈદેહીને તો એક જ સમસ્યા હતી, કામ, કામ અને કામ એટલે એણે જીનીને તેમાં મદદ કરવાં માટે કહ્યું, વૈદેહીએ સોળ વર્ષે ફરી ગોમતીબહેનને પૂછ્યું," હું નોકરી કરવાં બહાર જાવ ?" ગોમતીબેને તરત જ બોલ્યાં," તને તો પહેલાં પણ ક્યાં ના પાડી હતી ! તું તારે ઘરના કામ આટોપીને જઈ શકે."
બીજા દિવસે ગોમતીબેનનું કાવતરું તૈયાર જ હતું એક પછી એક કામ ચિંધ્યા જ રાખે પણ આજે તો વૈદેહી પાસે જીન હતો. ચપટી વગાડતાં જ બધાં કામ થઈ ગયાં અને ગોમતીબેન પણ કામ ચીંધી ચીંધીને થાકી ગયાં એટલે તેને વૈદહીને નોકરી માટે જવા જ દેવી પડી. વૈદેહીએ જીનીની મદદથી પોતાનાં સપનાઓની ઉડાન ભરી. થોડાં જ સમયમાં એણે ઓફિસમાં ખાસ સ્થાન અને પ્રમોશન પણ મેળવી લીધાં.
ગોમતીબેનને કંઈક અસામાન્ય જેવું લાગતું હતું તે આજે નરી આંખે જોઈ ગયાં તેણે વૈદેહી સાથે વાતો કરતો જોયો, બસ પછી શું હતું આખા પરિવારને તેની ખબર પડી ગઈ અને બધાની અલગ અલગ ફરમાઈશો રજું થવાં લાગી અને સાથે લાલચ પણ. આ જોઈ વૈદેહીએ જીનીને મુક્ત કરી દીધો. આટલાં સમયમાં વૈદેહી અને જીની વચ્ચે એક ગાઢ સંબંધ બંધાઈ ગયો હતો. વૈદેહી જીનીને પાછો મોકલી ખૂબ દુ:ખી હતી તેનાં પરિવારની ભલાઈ માટે તેણે આ પગલું ઉપાડવું જ પડ્યું તે નહોતી ઈચ્છતી કે લાલચમાં આંધળા થઈ તેનો પરિવાર પાપનો ઘડો ભરી લે. તેથી તેણે હસતાં હસતાં જીનીને વિદાય આપી દીધી. હવે તે ફરી માત્ર ગૃહલક્ષ્મી બનીને નહીં પણ તે જે કંપનીમાં નોકરી કરતી હતી ત્યાંની મેનેજર પણ હતી. ગોમતીબહેનની કારી હવે તેની આ આવડત સામે હારી ગઈ. વૈદેહી પાતાનાં સપનાઓનાં સાકારત્વનો શ્રેય જીનીને જ માનતી હતી, આપતી હતી.
