ગીધો લુહાર
ગીધો લુહાર
"ભાઈ, ગીધા લુહારની કોડ ક્યાં આવી ?"
"ઉગમણે સિધ્ધા જઈને ઓતરાદા વળી જાજો, ગીધાની કોડ આવી જાશે"
ગીધાનું નામ તો ફઈબાએ ગીરધર પાડેલું પણ ગામડા ગામમાં આવડુ મોટુ નામ કોણ બોલે ભાઈ, જેમ પશ્વો, વાલજીનું વા'લો, એમ ગીરધરનું ગીધો થઈ ગયેલું. ચોયણી, પેહરણ અને કાળી બંડી આ ગીધાનો કાયમી પોશાક હા માથે કાળી ટોપી તો ભુલી ગયો. એક કાનમાં પેન્સિલ અને બિજા કાનમાં સાદી બિડી ભરાવેલી હોય અને મોઢામાં કાયમી પાનનો ડુંચો એ ગીધાની ઓળખ. આ ગીધાની બાહ્ય ઓળખ, બાકી ગીધાની અંદરની ઓળખતો એની પત્ની જમના, બે છોકરા, સગાવા'લા, ગામના લોકો કે ઉપરવાળો સાચો ગીરધર પણ ન્હોતો ઓળખી શક્યો, તો આપણે તો કોણ ?
આજુબાજુનાં પાંચથી છ ગામ વચાળે ગીધાની એક જ કોડ, શેત્રુંજી નદી અને ડેમથી નીકળેલી કેનાલના હિસાબે આ પંથક ખેતીવાડીથી બારેમાસ લિલોછમ રહેતો અને ગીધાને ખેતીવાડીના ઓજારોનું કામ પણ બહુ રહેતું, સમજોને કે, ગીધાની કોડમાંથી ચોવીસ કલાકમાંથી સતર અઢાર કલાક લોઢા ટીપવાનાં અવાજો આવ્યા કરતા. ગીધાનું ખોરડું પૈસે ટકે ખમતીધર કહેવાતું.
ચાલો, ગીધાની સાચી ઓળખ કરાવું. પાંચ છ ગામ વચ્ચે ગીધાની એક જ કોડને હિસાબે ખેડુતો પાસેથી મનફાવે એવા ભાવ લેતો, ખેડૂત નાનો હોય કે મોટો એકવાર ગીધાની કોડે ચડ્યો એટલે ખિસ્સેથી હોરાઈ ગયોં માનવાનું અને કામ કરાવનાર જ્યાં સુધી પુરા પૈસા ન આપે ત્યાં સુધી ગીધો ઓજાર ન આપતો. પૈસાને પરમેશ્વર ગણતો ગીધો આ પંથક બાર વ્યાજ વટાવનું પણ કરતો અને જર જમીન ઝવેરાત પર પૈસા ઊંચી ટકાવારીએ ધીરતો. કોણ જાણે ગીધાનો પૈસો એવો કાળમુખો હતો કે લેનાર કોઈ દિવસ પોતાની વસ્તુ છોડાવી ન્હોતો શકતો.
કોઈ નાના ખેડુતની બે ત્રણ વિઘા જમીનના કાગળ, કોઈ વિધવાના દાગીના, કોઈ પરણેતરનું મંગળસુત્ર એકવાર ગીધાના પટારામાં ગયું તે ગયું પછી બહાર નીકળવાનું નામ જ ન્હોતુ લેતુ. માંગણ, ભિખારી, સાધુ સંતો કોઈ દિવસ ગીધાના પગથિયે ચડતા નહીં અરે ખુદના છોકરાવ એક રુપિયાનાં ભાગ માટે ટળવળતા, ક્યાંય ગીધાના નામનો ધર્માદો લખાણો હોય એવું ગામમાં કોઈની સમજણમાં ન્હોતું. ગીધાની ઘરવાળી જમના ઘણી વાર કહેતી કે વ્યાજનો હાયવાળો આ કાળો રુપિયો એક દી'ઘર ડુબાડશે, પણ સમજે તો ગીધો શાનો.
જેમજેમ ઘરમાં કાળો રુપિયો વધતો ગયો એમ એમ ગીધાની પૈસા પાછળની ભુખ વધારે ઉઘડવા માંડી. થોડા દિવસથી ગામની નવરી બજારે એક વાતની નોંધ લીધી કે ગીધો રઘવાયો રઘવાયો હજી પ્હોનો ફાટ્યું હોય ને ક્યાંક બારગામ પરગામ જાય છે અને ક્યારેક એક દી'એ ક્યારેક અઠવાડીયે ઘરે આવે છે. એક બે ટીખળીઓએ પુછવાની કોશિષ પણ કરી કે 'કા ગીધા શેઠ હમણા ચકલી ફુલેકે કા ચડી છે ?"
" .... " મણ એકની જોખીને ગીધો સીધો સટ્ટ હાલ્યો ગયો.
જાણભેદુ ખબર લાવ્યા કે ગીધો ગીરનારમાં કોક બાવાની સંગતે ચડ્યો છે અને બાવો કહે એમ કરે છે એના પટારામાં પડેલા ઘરેણા શહેરના સોની મા'જનને વેંચી માર્યા છે અને જે જમીનો મંડાણે પડી હતી એ લાપાળીયાના દરબારને વેંચી નાખી છે. હવે આ બધુ ગામના લોકો માટે નવુ હતું, ગીધો સગા છોકરાને રુપિયો ન બંધાવે અને ઘર ખાલી થઈ જાય એવડો રુપિયો અજાણ્યા બાવાને શું કામ આપે ? ખણખોદીયાઓની ખણ ચાલુ હતી અને એક દિવસ સમીસાંજે મડદાલ જેવો ગીધો બસમાંથી ઉતર્યો અને ચોરે બેઠેલા સરપંચના પગમાં ઢગલો થઈને પોક મુકી.
"એલા ગીધા કાં હું થ્યું, પોક મુકીને કા રો, ધીરો પડ્યને વાત કર્ય"
ઘડી ભરમાં તો આખા ગામમાં વાત વે'તી થઈ કે ગીધો લઘરવઘર થઈને ચોરે સરપંચ આગળ પોકે પોકે રોવે છે, જેમ ગોળની કાકરી આગળ મકોડા ભેગા થાય એમ આખા ગામની નવરી બજાર ચોરે તમાશો જોવા ભેગી થઈ.
"અદા, લૂંટાઈ ગયો, મારી જીવનભરની મુડી બાવો લઈ ગ્યો", અને ગીધો હિબકે ચડી ગયો.
"પણ હું થ્યું એ મોઢામાંથી ફાટ્યને ભાઈ" સરપંચે વાંસામાં હાથ ફેરવતા પુછ્યું.
"અદા, જુનાણે શિવરાતના મેળામાં એક સાધૂ મળ્યો હતો, કે' તો તો કે એની આગળ લોઢામાંથી હોનુ બનાવવાની સિધ્ધી છે, અને અદા એણે એકવાર લોઢાની ખિલ્લીને હોનાની બનાવીને દેખાડી પણ હતી, અને હું લાલચમાં આવી ગયો, બાવો ઔષધીના નામે પૈસાની માંગણી કરવા લાગ્યો હું હોનાની લાલચે પૈસા દેતો ગયો, મારી પાહે આટલુ બધુ લોઢુ પડ્યું છે, અને આ સિધ્ધીથી મારા ગયેલા પૈસા હજાર ગણા થઈને પાછા આવશે એમ માનીને હાવ ખાલી થઈ ગ્યો ત્યાં સૂધી બાવાને પૈસા આપતો રહ્યોં, કાલે બાવાએ છેલ્લી ઔષધી લાવવા માટે એક લાખ રૂપિયા માંગ્યા ને હું હાવ આંધળો થઈ છેલ્લે વધેલા જમનાના બધા દાગીના વેંચીને બાવાને આપ્યા, બાવાએ કીધૂ 'બચ્ચા આજ પુણ્યમાસી હે, તેરા સપના સાકાર હો જાયે ગા, રાત કો બારા બજે કુટીયા પે આ જાના.'
હુ આખો દી' આનંદમાં ને આનંદમાં જુનાણાની બજારમાં ભૂખ્યો તરસ્યો ભટકતો રહ્યોં, રાતે બાર વાગે બાવાની કુટીર પર પહોચ્યો તો બાવો તો ન્હોતો પણ ચાર પાંચ જણા બેઠા બેઠા ચલમ ફૂંકતા હતા, મને જોઈને કે 'આવો ગીધાભાઈ તમને પારસમણી આપીએ', અને જોત જોતામાં પાંચેય જણે મને મારી મારીને અધમુવો કરી નાખ્યો અને ધમકી આપી કે જો હવે આંયા દેખાણો તો જાનથી જાઈશ અને પોલીસમાં ગયો તો તારા આખા કુટુંબને મારી નાખશું,"
"અદા, જેમતેમ કરીને અહીં પોગ્યો છું"
"હવે જે થ્યું એ ભુલી જા, આમેય તારી આગળ જે માયા હતી, એ અસૂરી હતી એણે એનો રસ્તો કરી લીધો ભાઈ, તારો જીવ બચી ગ્યો એ મોટી વાત છે, જમના અને છોકરાવ પર છાપરુ તો રહ્યું, જા કાલથી કોડ ચાલુ કરી દે મારા ભાઈ"
પણ, જેણે પૈસાને જ પરમેશ્વર માન્યો હોય એ આ આઘાત જીરવી શકે ? આજે જમના કોડમાં ધમણ ફૂંકે છે, અને બન્ને છોકરાવ લોઢુ ટીપીને ઘરના રોટલા કાઢે છે. અરે, પુછશો નહીં કે આપણા ગીધાભાઈનું શું થયું ?
ગીધાભાઈ બે કોથળા લઈને રોજ સવારે ગામમાં નીકળે છે, અને ઉડતા કાગળીયા, પાંદડાને પૈસા સમજી કોથળા ભર્યે રાખે છે, ગામની કચરા ટોપલીઓ ઉંધી વાળીને એમાંથી કાગળીયા પાંદડા વીણે અને કોથળામાં ભરે અને સાંજે એકાદ છોકરો બાવડુ પકડીને ઘરે લઈ જાય ત્યારે બન્ને કોથળા ખંભે નાખીને ઉભી બજારે ગીધો બોલતો જાય છે કે "મેરે પાસ બહોત રૂપિયા હે, મેરે પાસ બહોત રુપિયા હે"
