ઘરમાં રહો -સુરક્ષિત રહો
ઘરમાં રહો -સુરક્ષિત રહો
કાયમ ખાતે ફૂટપાથ પર વસતો પશલો ઉભડક પગે બેઠો બેઠો દૂર જોઈ રહ્યો હતો. કાંઈ સૂઝ પડતી નહોતી.
મંગી બે છોકરાં સાથે માથે હાથ દઈને પશલા સામે બેઠી હતી. બેધ્યાન પશલાની સામે લાચારીથી બોલતી રહી,
“તે આ પેલું બળ્યું કોરોના કહે એ શું? હોંભર્યું સે કે મોટા મોટા પૈસાવારા હો એનાથી બો ગભરાય સે.”
પશલાએ નિષ્ણાતની અદામાં જવાબ આપ્યો,
“એ ને હોમે નેહાળવાળા સાયબ કે'તા 'તા કે નરકમોંથી કોઈ રાક્ષસ આઈ જ્યો સે તે સરકાર બાપડી બી જઈ સે. તાણે બધોંને ઘરમોં જ પડ્યા રે'વાનું કે સે.”
મંગીએ બે અરધાં નાગાંપુગાં છોકરાંના માથે હાથ ફેરવીને સ્વાભાવિકતાથી પૂછી લીધું,
“તાણે મીં ઈમ કઉં સું કે આપણે ચ્યાં રે'વાનું? કોના ઘેર રે'વાનું?”
હ...
પશલાએ બીડીના ધુમાડામાં વાત ફૂંકી દીધી. કારણકે જવાબ તો પોતાનેય ક્યાં ખબર હતી!