Rahul Makwana

Horror Tragedy Thriller

4  

Rahul Makwana

Horror Tragedy Thriller

ઘરેણાં

ઘરેણાં

9 mins
570


સમય : સાંજનાં 5 કલાક

સ્થળ : સોની બજાર 

સાંજ વિશે આપણાં ગુજરાતી સાહિત્યમાં ઘણું બધું કહેવાયેલ અને લખાયેલ છે. સાંજે બધાં જ પશુઓ અને પક્ષીઓ પણ પોતાનાં ઘરે પાછા વળતાં હોય છે. માનવી પણ પોતાનાં નોકરી ધંધેથી પોતાનાં ઘરે પરત ફરતાં હોય છે. સાંજ એટલે પરિવાર સાથે અમુક પળો વિતાવવા માટે કુદરતે ગોઠવેલ સમયક્રમ.

સોનીબજારમાં ભીડ ખૂબ જ જામેલી હતી. આ ભીડ હવે ધીમે ધીમે વિખરાઈ રહી હતી. સોનીબજારમાં 42 વર્ષની આસપાસનો એક યુવક અલ્કેશ આ ભીડને ચીરતાં ચીરતાં આગળ ધપી રહ્યો હતો. તેનાં ચહેરા પર ચિંતાઓનાં કાળા ડિબાંગ વાદળો છવાયેલાં હતાં. ચિંતા અને ફિકરની લકિરો તેનાં ચહેરા પર સ્પષ્ટપણે ઉપસી આવેલ દેખાઈ રહી હતી, હાથમાં એક જૂની થેલી હતી. બજારને પાર કરતાં કરતાં અલ્કેશ વારંવાર પેલી થેલીને છૂપાવી રહ્યો હતો. તેનાં કપાળ પર કોઈ ડર કે ભયને લીધે પરસેવાનાં ટીપાઓ બાઝી ગયેલાં હતાં.

 અલ્કેશ આ બજારને ચીરતાં ચીરતાં સોનીની દુકાને જાય છે, અને દુકાનમાં પ્રવેશીને તેનાં હાથમાં રહેલ થેલીમાંથી સોનાની બે વીંટીઓ, બે બંગડીઓ અને બે કાનની બુટ્ટીઓ ટેબલ પર રાખતાં રાખતાં બોલે છે.

"સાહેબ ! હું આ સોનાનાં ઘરેણાં વેંચવા માંગુ છું...કેટલાં રૂપિયા આવશે આના ?" 

"શું આ તમારા પોતાનાં જ ઘરેણાં છે ?" દુકાનદાર અલ્કેશ અને ઘરેણાં સામે જોઈને બોલે છે.

"હા ! સાહેબ, આ ઘરેણાં મારી પત્નીનાં જ છે, અને તમે મારા દેખાવ પર ના જાવ, પરિસ્થિતિએ મને ખુબ જ મોટી લપડાક મારેલ છે, બાકી મારો પણ એક દાયકો હતો." - અલ્કેશ દુકાનદારની સામે જોઈને બોલે છે.

"હા ! હશે...પણ તમારે આ ઘરેણાં વેચવા પડે એવી તો કેવી કપરી પરિસ્થિતિ આવી પડી ?" દુકાનદાર અચરજ પામતાં અલ્કેશની આંખો સામે જોઈને પૂછે છે.

"સાહેબ ! મારી પત્નીને હાલ હોસ્પિટલમાં કેન્સરને લીધે દાખલ કરેલ છે. તેની સારવારમાં મારી પાસે જે કાંઈ જીવનમૂડી હતી તે બધી જ ખર્ચાય ગઈ અને હવે મારી પાસે મારી પત્નીનાં આ ઘરેણાં વેંચવા સિવાય કોઈ જ વિકલ્પ ના હોવાથી મેં આ કપરો નિર્ણય લીધો છે." અલ્કેશ પોતાની મનોવ્યથા જણાવતાં પેલા દુકાનદારને કહે છે.

"જી ! આ ઘેરણાંનું બિલ હશે તમારી પાસે ?" દુકાનદારે ખાતરી કરતાં કરતાં અલ્કેશને પૂછ્યું.

"જી ! સાહેબ આ ઘરેણાં તો મારા લગ્ન સમયે ગામડામાં બનાવેલાં હતાં, એટલે એનું બિલ નથી મારી પાસે…!" - અલ્કેશ થોડું વિચાર્યા બાદ દુકાનદારની સામે જોઈને જણાવે છે.

"ઓકે ! તમારા આ ઘરેણાનાં પોણા બે લાખ આવશે..જો તમારી પાસે આ ઘરેણાનું બિલ હોત તો તમને લગભગ બે લાખ રૂપિયા જેટલી રકમ મળી શકે એમ છે." સોનાનાં ઘરેણાનો વજન કરતાં કરતાં દુકાનદાર અલ્કેશને જણાવે છે.

"ચાલશે ! સાહેબ મારે અત્યારે તો ખાસ એક લાખ રૂપિયાની જરૂર છે, આપી દો !" અલ્કેશ પોતાની સહમતી દર્શાવતા બોલે છે.

ત્યારબાદ દુકાનદાર અલ્કેશને પોણા બે લાખ રૂપિયા ગણીને આપે છે, અને અલ્કેશ આ રૂપિયા ગણીને એ રૂપિયા પોતાની થેલીમાં મૂકી દે છે. ત્યારબાદ અલ્કેશ પોતાનાં બે હાથ જોડીને દુકાનદારનો સહૃદય આભાર માનીને તેની પત્નીને જે હોસ્પિટલમાં દાખલ કરેલ હતી, ત્યાં જવા માટે સોની બજારમાંથી બહાર નીકળે છે. હાલ અલ્કેશનાં ચહેરા પર થોડા સમય પહેલાં જે ચિંતાઓની લકિરો છવાયેલી હતી તેમાં આંશિક ઘણો ઘટાડો થયેલો હતો. જે તેનાં ચહેરા પર સ્પષ્ટપણે જોઈ શકાતું હતું.

એ જ દિવસે 

સમય : સાંજનાં 7 કલાક.

સ્થળ-ગુજરાત મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ.

 હોસ્પિટલમાં ડૉ. શાહ પોતાની ટિમ સાથે દાખલ બધાં દર્દીઓને તપાસવા માટે રાઉન્ડમાં નીકળેલા હતાં, એવામાં તેઓ એક સેમી સ્પેશિયલ રૂમમાં પ્રવેશે છે.

"અવનીબેન ! હવે તમને દુખાવામાં કેવું છે ?" ડૉ. શાહ અવનીની સામે જોઈને બોલે છે.

"જી ! સાહેબ મને હવે પહેલાં કરતાં ઘણું સારું છે અને દુખાવામાં પણ મને હવે ઘણી રાહત છે." અવની પોતાનું દર્દ છૂપાવતા છૂપાવતા ડૉ. શાહની સામે જોઈને જણાવે છે.

"સરસ ! હાલ ભલે તમને દુખાવામાં પહેલાં કરતાં રાહત થઈ ગઈ હોય, પરંતુ તમારા આંતરડામાં રહેલ કેન્સરની ગાંઠનું ઓપરેશન તો વહેલામાં વહેલી તકે કરવું ખૂબ જ આવશ્યક છે." ડૉ. શાહ અવનીને વાસ્તવિકતાનું ભાન કરાવતાં કરાવતાં બોલે છે.

"જી ! સર ! મારા પતિ ઓપરેશન માટે રૂપિયાની વ્યવસ્થા કરવાં માટે જ ગયાં છે." અવની ડૉ. શાહની સામે જોઈને દુઃખી અવાજે બોલે છે.

"એ રૂપિયા લઈને આવી તો જશે ને ? ક્યાંક એવું ના બને કે એ રૂપિયા લઈને આવે અને વધુ મોડું થઈ જાય." ડૉ. શાહ અવનીની સામે જોઈને બોલે છે.

"અવનીબેન ! તમારા પતિ જો એકાદ કલાક એટલે કે આઠ વાગ્યાં પહેલાં આવશે તો જ આજે તમારું ઓપરેશન થશે..અને જો આજે સાંજ સુધીમાં તમારા પતિ રૂપિયા લઈને નહીં આવે તો પછી તમારું ઓપરેશન આવતીકાલ પર જશે !" બાજુમાં ઉભેલ સ્ટાફ અવનીને જણાવતાં બોલે છે.

"જી ! સાહેબ ! મહેરબાની કરીને એવું ના કરશો..મારો પતિ રૂપિયા લઈને આવતો જ હશે." આંખોમાં આંસુ અને લાચારી સાથે અવની મેડિકલ ટીમ સામે જોઈને આજીજીભર્યા અવાજે વિનંતી કરતાં કરતાં જણાવે છે.

"ઓકે ! સ્યોર ! તો પછી અમે આજે જ તમારું ઓપરેશન કરીશું !" ડૉ. શાહ અવનીની સામે જોઈને બોલે છે.

 ત્યારબાદ ડૉ. શાહ મેડિકલ ટિમ સાથે બાજુનાં રૂમમાં રહેલ દર્દીને તપાસવા માટે જાય છે, બરાબર એ જ સમયે અલ્કેશ હાંફળા ફાંફળા થતો થતો ગભરાયેલી હાલતમાં અવનીને જે રૂમમાં દાખલ કરેલ હતી, તે રૂમમાં પ્રવેશે છે.

"અવની તું જરાપણ ચિંતા ના કરીશ.. તારું ઓપરેશન આજે જ થશે...તું એકવાર મારી સામે જો હું તારા ઓપરેશન માટે રૂપિયાની વ્યવસ્થા કરીને આવ્યો છું..!" અલ્કેશ અવનીની સામે જોતાં જોતાં બોલે છે.

અલ્કેશ દ્વારા બોલાયેલા આ શબ્દો જાણે અવનીના કાને પડ્યા જ ના હોય, તેમ અવની પોતાનામાં વ્યસ્ત હતી, જાણે અવનીએ અલકેશને જોયો જ ના હોય તેવું અલ્કેશ અનુભવી રહ્યો હતો. આથી અલ્કેશ ફરીથી અવનીની સામે જોઈને મોટા અવાજે અવની સાથે વાત કરવા માટે પ્રયત્નો કરે છે, પરંતુ અલ્કેશનાં બધા જ પ્રયત્નો વ્યર્થ ગયાં, અલ્કેશ જાણે પાણી પર ઉઝરડા પાડી રહ્યો હોય તેવું લાગી રહ્યું હતું.

 આ જોઈ અલ્કેશ ખૂબ જ નિરાશ અને લાચાર થઈ ગયો, તેનાં મનમાં અવનવા ઘણાં બધાં પ્રશ્નો જેવા કે શા માટે અવની મારી વાત નથી સાંભળી શકતી ? શું અવનીની બીમારીએ અવનીની શ્રવણશક્તિ પર અસર કરી હશે ? શા માટે અવની મને જોયા ના જોયા જેવું વર્તન કરી રહી હશે ? શા માટે અવની મને જોઈ કે અનુભવી શકતી નથી ? પોતાનું આધિપત્ય જમાવી રહ્યાં હતાં

બરાબર એ જ સમયે નર્સ રોશની અવનીનાં રૂમમાં પ્રવેશે છે અને અવનીની નજીક આવીને પૂછે છે.

"ડોકટર સાહેબે દાખલ બધાં દર્દીઓને ચકાસી લીધેલાં છે, અને તેઓ હવે પોતાનાં ઘરે જવા માટે નીકળવાના છે, માટે હું તમારી પાસે એટલાં માટે આવી કે જો તમારા પતિ રૂપિયા લઈને આવ્યાં હોય તો હું આ બાબતની જાણ તેઓને કરી શકુ અને તમારું આજે ને આજે ઓપરેશન થઈ શકે ?" કોઈપણ પ્રકારનાં અંગત સ્વાર્થ વગર અને માનવતાનું ઉદાહરણ બેસાડતાં બેસાડતાં નર્સ રોશની અવનીની સામે જોઈને પૂછે છે.

નર્સ રોશનીએ પૂછેલાં પ્રશ્નનો હાલ પોતાની પાસે કોઈ જ પ્રત્યુત્તર ના હોવાને લીધે અવની એકપણ શબ્દ બોલ્યાં વગર જ રડવા લાગી, અને ધીમે ધીમે આંસુઓ અવનીની આંખમાંથી નીકળીને તેનાં ગાલ પર થઈને તેનાં હાથ પર પડી રહ્યાં હતાં. અવનીની નિરાશ અને લાચાર રડતી આંખો જોઈને નર્સ રોશનીને જાણે અવનીની રડતી આંખો અને ખામોશ ચહેરાએ જાણે બધાં જ પ્રશ્નોનાં ઉત્તરો આપી દીધા હોય તેવું લાગી રહ્યું હતું.

"અવનીબેન ! તમે ચિંતા ના કરશો...હું ડૉ. શાહને કોઈને કોઈ બહાનું કરીને હજુપણ અડધી કલાક રોકવા માટેનો પ્રયત્ન કરું છું, જો આ દરમિયાન તમારા પતિ રૂપિયા લઈને આવે તો મને જાણ કરજો, તો અત્યારે જ તમારું ઓપરેશન કરીશું !" નર્સ રોશની અવનીને સાંત્વના આપતાં જણાવે છે.

"અવની ! તું કેમ કંઈ બોલતી નથી ? તું અમને જણાવ કે તેઓ ડૉ. શાહને બોલાવી આવે આ જો હું તારા ઓપરેશન માટે રૂપિયાની વ્યવસ્થા કરીને આવ્યો છું." અલ્કેશ અવની અને નર્સ રોશની તરફ જોતાં જોતાં બોલે છે.

અલ્કેશ દ્વારા બોલાયેલા આ શબ્દોનું પણ અગાવની માફક જ અવની પર કોઈ જ અસર ના થઈ, અવની તો ઠીક પરંતુ આ વખતે નર્સ રોશનીએ પણ અલ્કેશ દ્વારા બોલાયેલાં શબ્દો સાંભળ્યા ના હોય તેવું લાગી રહ્યું હતું, આ બધું જોઈને અલ્કેશ મનોમન ખૂબ જ વ્યથા અનુભવી રહ્યો હતો. પોતાની સાથે હાલ જે કંઈ ઘટનાઓ ઘટિત થઈ રહી હતી, તે પોતાની સમજમાં નહોતી આવી રહી. 

"અરે...રૂપિયાની થેલી ?" અલ્કેશ પોતાનાં હાથ તરફ નજર કરતાં કરતાં એક નિશાશા સાથે બોલી ઉઠે છે.

"અવની ! તું ચિંતા ના કરીશ...હું એ રૂપિયાની થેલી શોધવા માટે અત્યારે જ જાવ છું, કદાચ એ થેલી હું ક્યાંક ભૂલી ગયો હોઈશ અથવા રસ્તામાં ક્યાંક પડી ગઈ હશે...હું હમણાં જ આવ્યો..!" અલ્કેશ અવનીને સાંત્વના આપતાં આપતાં હાંફળા ફાંફળા થતાં થતાં અવનીના રૂમમાંથી બહાર નીકળીને હોસ્પિટલની બહાર નીકળે છે.

 અલ્કેશ જ્યારે અવનીના રૂમમાંથી બહાર નીકળીને હોસ્પિટલના રીસેપ્શન તરફ જવાં માટે દાદરા ઉતરી રહ્યો હતો, બરાબર એ જ સમયે તેની નજર હોસ્પિટલનાં રીસેપ્શન એરિયામાં સ્ટ્રેચર પર રહેલ ડેડબોડી પર પડે છે. આ ડેડબોડી જોઈને અલ્કેશને એક ઊંડો આઘાત લાગે છે, તેનાં પગ હેઠેથી જાણે જમીન સરકી ગઈ હોય તેવું અલ્કેશ અનુભવે છે, એક જ પળમાં જાણે અલ્કેશનાં હજારો સપનાઓ કે ઈચ્છાઓ વેરવિખેર બની ગયાં હોય તેવું અલ્કેશ અનુભવી રહ્યો હતો….આથી અલ્કેશ જે દાદરા ઉતરી રહ્યો હતો તે જ દાદરા પર હતાશા, નિરાશા અને લાચારી સાથે બેસી જાય છે...કારણ કે સ્ટ્રેચર પર બીજા કોઈની નહીં પરંતુ ખૂદ પોતાની જાતને જ અલ્કેશ મૃત હાલતમાં જોઈ હતી.

 અલ્કેશે હાલ જે કાંઈ જોયું તેનાં પર તેની સગી આંખોને વિશ્વાસ નહોતો આવી રહ્યો. તેનું મન વારંવાર ભગવાન કે ઈશ્વરને વારંવાર પ્રશ્નો પૂછી રહ્યું હતું.."શા માટે હું જ ? મારા પરિવાર કે મારી પત્નીને જ્યારે સાચા અર્થમાં મારી જરૂર હતી બરાબર એ જ સમયે તે મને એક જ ઝબકારમાં અલગ કરી દીધો ? મારા વગર મારી પત્નીનું શું થશે ? તેની સાર સંભાળ કોણ કરશે ? તેનાં ઓપરેશનનું શું થશે..?

આ સાથે જ અલ્કેશને હવે ધીમે ધીમે અવની અને નર્સ રોશની શા માટે પોતાની વાત નહોતા સાંભળી શકતાં ? શા માટે તેઓ પોતાને જોઈ નહોતો શકતાં એ બાબતનો અલ્કેશને હવે ધીમે ધીમે ખ્યાલ આવી રહ્યો હતો. બરાબર આ જ સમયે અલ્કેશને અવની વિશેનો વિચાર આવતાની સાથે જ અલ્કેશ દોડતાં દોડતાં અવનીના રૂમમાં પ્રવેશે છે. ઈશ્વર જાણે હજુપણ પોતાની પરીક્ષા લેતાં લેતાં થાક્યો ના હોય તેમ જાણે હજુપણ તેની પરીક્ષા લઈ રહ્યો હોય તેમ...અવની તેના પલંગ પર સૂતેલી હતી, તેનાં માથા પર સફેદ રંગની ચાદર ઓઢાડેલ હતી. મેડિકલ ટિમ તેની આજુબાજુમાં ઉભેલ હતી. આ જોઈ અલ્કેશના મનને એકબીજો આઘાત લાગ્યો.

હાલ અલ્કેશ એકદમ દુઃખી, હતાશ,નિરાશ અને એકદમ નિ:સહાય બની ગયો હોય, તેમ ઈશ્વરને આધીન થતાં થતાં બે હાથ જોડીને વિનંતી કરતાં કહે છે કે,"હે ઈશ્વર મનુષ્ય તારી સામે લાચાર હતો, છે અને રહેશે...હું પછી હું તો શું કહેવાવ...બસ મારી તમને બે હાથ જોડીને એક જ વિનંતી છે કે આવતાં જન્મમાં પણ મને અને અવનીને જ મારી પત્ની બનાવવા મારી તમને નમ્ર વિનંતી છે.

બીજે દિવસે સવારે….

સવાર તેનાં રાબેતા મુજબ ઉગેલ હતી, સૌ કોઈ પોત પોતાના નોકરી ધંધે જવાં માટે ઘરેથી નીકળી પડેલ હતાં. બાળકો પર ભાર વગરનું ભણતર મેળવવા માટે શાળાએ પહોંચી ગયાં હતાં. ગુજરાત કેન્સર હોસ્પિટલની બહારની તરફ પોલીસનો કાફલો ઉમટી પડેલ હતો. હોસ્પિટલના રીસેપ્શન એરિયામાં લગાવેલ મોટા ટીવીમાં બ્રેકીંગ ન્યુઝ આવી રહ્યાં હતાં કે, "ગુજરાત મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલની એમ્બ્યુલન્સનાં ડ્રાઈવર મહેશએ અકસ્માતમાં ભોગ બનીને મૃત્યુ પામનાર એક દર્દી કે જેનું નામ અલ્કેશ હતું, જે તેની પત્નીનાં ઓપરેશન માટે ઘરેણાં વહેંચીને રૂપિયા લઈને હોસ્પિટલે આવી રહ્યો હતો, બરાબર તે જ સમયે અલ્કેશ એક કારની અડફેટે આવી જતાં. અલ્કેશ ઘટનાં સ્થળે જ મોતને ભેટી ગયેલ હતો. તેનાં રૂપિયા ડ્રાઈવરે કોઈને પણ જાણ કર્યા વગર જ પોતાની પાસે રાખી લીધેલાં હતાં. આ બાબતની જાણ મહેશે કોઈને પણ કરેલ હતી નહીં, એ મહેશે આજે કોઈ અગમ્ય કારણોસર હોસ્પિટલની છતમાંથી છલાંગ લગાવીને મોતને વ્હાલું કરેલ છે અને શહેરમાં લગાવેલા સી.સી. ટી.વી કેમેરા દ્વારા એ કારચાલકનો પતો લાગી ગયેલ છે જે હાલ જેલમાં કેદ છે." 

જ્યારે આ બાજુ અલ્કેશ રીસેપ્શન નજીક રહેલ સીડીઓ પાસે ઊભા ઊભા આ સમાચાર સાંભળી રહ્યો હતો..પોતે જે વ્યક્તિને લીધે મૃત્યુ પામેલ હતો તે કાર ચાલક અને રૂપિયાની લાલચમાં કોઈને પણ જાણ કર્યા વગર જ પોતાનાં રૂપિયા પચાવી પાડનાર મહેશને તેનાં કર્મોની સજા મળ્યાંના સમાચાર સાંભળીને અલ્કેશ ખૂબ જ ખુશી અનુભવી રહ્યો હોવાથી મનોમન મંદ મંદ હસી રહ્યો હતો. સાથોસાથ પોતાનાં જીવ જેટલી વ્હાલી પત્ની અવનીનાં વિરહને લીધે ભારોભાર દુઃખ પણ અનુભવી રહ્યો હતો. બરાબર એ જ સમયે હોસ્પિટલનાં રિસેપ્શન એરિયામાં આંખોને આંઝી દે તેવો તીવ્ર ચમકારો થાય છે, આથી હાજર રહેલ તમામ લોકોની આંખો અંજાય જાય છે, બરાબર આ જ સમયે હવામાં ધુમાડા અને પ્રકાશ દ્વારા "નર્સ રોશની તમે ખરેખર દયાની મૂર્તિ છો, તમારો અવની સાથે કોઈ જ અંગત સબંધ ના હોવાં છતાંય તમે તેનાં પ્રત્યે સહાનુભુતિ દર્શાવી મદદરૂપ થયાં, તમારી જેવાં વ્યક્તિઓને લીધે જ હાલ માનવતા જીવંત છે, આપનો સહૃદય ખૂબ ખૂબ આભાર - અલ્કેશ અવનીનો પતિ" આવું લખાય ગયું. આ બધું ત્યાં ઉભેલ નર્સ રોશની જોઈ રહી હતી….પોતાની નિસ્વાર્થ સેવાનું જાણે કુદરતે પ્રમાણ આપ્યું હોય તેવું અવની અનુભવી રહી હતી. અલ્કેશે પણ મૃત્યુ પછીના જીવનનો અનુભવ કર્યો કે ખરેખર એક ખરાબ સપના જેટલું જ ભયંકર હોય છે. ત્યારબાદ ફરી પાછો એક ઝબકારો થાય છે, અને આ ઝબકારા સાથે જ અલ્કેશ આ દુનિયામાંથી તેનાં આત્માને મોક્ષ કે શાંતિ મળતાં, અલ્કેશ હવે વાસ્તવમાં કાયમિક માટે આ દુનિયામાંથી વિદાય લઈ લે છે.


Rate this content
Log in

Similar gujarati story from Horror