Mariyam Dhupli

Tragedy

2.8  

Mariyam Dhupli

Tragedy

ઘર તોડાવનાર સુંદર સાડી માં સજ

ઘર તોડાવનાર સુંદર સાડી માં સજ

6 mins
14.4K


સુંદર સાડીમાં સજ્જ કનિકા લગ્નના મંચ ઉપર ધીરે ધીરે પગથિયાં ચઢી રહી હતી . કેવો ભવ્ય લગ્ન સમારંભ હતો ! કેટલી ભવ્ય લગ્ન શણગાર ની તૈયારીઓ હતી ! અને આ રીસેપશન માટેનું સ્ટેજ તો સૌથી આકર્ષક હતું. પૃષ્ઠભૂમિમાં સફેદ ફૂલો અને એને દિપાવવા માટે પસન્દ કરાયેલો જાંબલી રંગનો પરદો. કન્યા અને વરના એક સમાન શ્વેત વસ્ત્ર પરિધાન મંચને ચારચાંદ લગાવી રહ્યા હતા. વર અને કન્યાની પડખે ઉભેલા પરિવારથી મંચની સુંદરતા વધુ દીપી ઉઠી હતી.

આંખો સામેના એ લગ્ન મંચને નિહાળી કનિકાની આંખો સામે પોતાના અને આશિષના લગ્નનો મંચ તરી આવ્યો. એમના લગ્નનો મંચ પણ આવોજ સુંદર અને ભવ્ય સજાવાયો હતો. ફૂલોનો તો જાણે ઉત્સવ યોજાયો હતો. તાજા ફૂલોની સુગઁધ અને પ્રેમની અનેરી તાજગીથી આખો મંચ મહેકી ઉઠ્યો હતો. દુલ્હા અને દુલ્હનના અતિ રમણ્ય વસ્ત્રોમાં સજ્જ કનિકા અને આશિષ હાથોમાં હાથ પરોવી પોતાની આસપાસ હાજર અનેક લોકો અને કેમેરાની ફ્લેશ લાઈટથી અજાણ ફક્ત એકમેકમાં કશેક ઊંડે ખોવાઈ ચૂક્યા હતા. એમનો પ્રેમ લગ્નના પવિત્ર સાત ફેરા જોડે, સાત જન્મો માટે એકબીજાને નામે થઇ ગયો હતો .

પરંતુ પ્રેમ અને લગ્ન એક બીજા સાથે સંકળાયેલી બાબતો ભલે હોય, એ બન્ને પાસાઓ બે તદ્દન વિપરીત પરિસ્થિતિઓ છે, એમાં બે મત કેવા ? પ્રેમ બે હય્યાઓ વચ્ચે થતો હોય છે જયારે લગ્ન બે પરિવારો વચ્ચે, પ્રેમમાં દરેક પરિબળો ફક્ત બે આત્માઓની અનુમતિથી ચાલે છે જયારે લગ્ન અને ઘર સંસારમાં કુટુંબ અને સમાજના નિયંત્રણો પણ પ્રવેશે છે. કનિકા અને આશિષનો પ્રેમ પણ મંગળસૂત્ર અને મંડપમાં ફરેલા સાત

ફેરાઓ જોડે ફક્ત બે આત્માના મિલન પૂરતો સીમિત ન રહેતા કુટુંબ અને સમાજના નિયંત્રણોનો પણ ભોગ બનવા લાગ્યો. 

આશિષની માતા આ પ્રેમ સંબંધ અને લગ્નથી જરાયે ખુશ ન હતા. જે દીકરાને નવ મહિના ગર્ભમાં સાચવ્યો, અનન્ય કાળજી અને સંભાળથી એક પુખ્ત યુવક બનાવ્યો, દિવસ રાત એક કરી જેનું ભરણપોષણ કર્યું એજ દીકરા માટે પોતાની પસંદગી -ના પસંદગી કોઈ મહત્વજ ધરાવતા ન હતા ? એક યુવતી માટે એણે પોતાની માતાની ઈચ્છાની લાજ ન રાખી ? આજ સુધી જેને માટે જીવન જીવતી રહી એણે પોતાનું નવું વિશ્વ્ પોતાની જ પસંદગીથી શણગારી લીધું એ પણ પોતાની માના વિરોધ છતાં !

કનિકા અને આશિષનું લગ્ન જીવન આશિષની માતા તરફના ભાવાત્મક અને નકારાત્મક વિઘ્નોથી અવરોધાવા લાગ્યું. રોજ રોજના ઘર કંકાસથી ઘર નું વાતાવરણ દૂણાવા લાગ્યું. કનિકા આધુનિક પેઢીની શિક્ષિત યુવતી હતી. વડીલોનું આદર સન્માન એને જેટલું જાળવતા આવડતું હતું એટલુંજ પોતાનું આત્મસન્માન પણ. વિના વાંકે, વિના કારણે ફક્ત કોઈની અંતરની ખુશી માટે એ પોતાની જાતનું અપમાન થવા દેવું સ્વીકારી શકેજ નહીં. આશિષની માતાના જુનવાણી ખ્યાલો અને માન્યતાઓને આંખે પાટા બાંધી એ અનુસરી શકેજ નહીં. માન મેળવવું હોય તો માન આપવું પણ પડે. 

કનિકાની આ આધુનિક વિચારધારા સામે આશિષની માતા નો ભાવાત્મક વિદ્રોહ ચરમસીમાએ પહોંચ્યો. પોતાની પત્નીના આકરા સ્વભાવ સામે એક પણ શબ્દન ઉચ્ચારી શકનાર આશિષના પિતા મૌનપૂર્વક બધીજ વાસ્તવિકતા તટસ્થ રીતે નિહાળી રહ્યા હતા. બે સ્ત્રીઓના પ્રેમ વચ્ચે હમેશા પુરુષ જ પીસાતો આવ્યો છે. સમાજની આ નક્કર વાસ્તવિકતા ને કોણ નકારી શકે ? મા અને પત્ની બન્ને પ્રત્યેની ફરજ અને જવાબદારીનું ત્રાજવું સંતુલિત રાખવાનો માનસિક પડકાર સહેલો હોય છે ? આખરે આશિષ અને કનિકાના લગ્નજીવનને બચાવવા એકજ ઉપાય અર્થસભર હતો. આશિષના પિતા એ એકાંતમાં આશિષ અને કનિકાને ઘરથી થોડાજ અંતરે એક અન્ય ફ્લેટમાં ભાડેથી રહેવા જતા રહેવાની યુક્તિ સુજાવી. થોડા અંતરથી આશિષની માતાને પણ કદાચ કનિકાની સાચી કદર થશે અને પોતાના બાળકોથી થોડો સમય દૂર રહી એમની સંવેદનાઓ અને ભાવનાઓને પણ સાચો માર્ગ મળશે એ આશા એ આશિષ પિતાની યુક્તિ અનુસાર કનિકા જોડે એક અન્ય ફ્લેટમાં રહેવા જતો રહ્યો .

કનિકા એ નિર્ણયથી જરાયે ખુશ ન હતી કારણકે એ સમાજ અને સામાજિક વિચારધારાને સારી પેઠે સમજતી હતી. જયારે પણ પતિ -પત્ની ઘર થી છુટા થાય ત્યારે એની પાછળના કારણને જાણ્યા સમજ્યા વિનાજ સમાજ એનો દોષ પત્નીનેજ આપે છે. કનિકાનું ગણિત તદ્દન સાચું નીકળ્યું. અન્ય ઘર માં રહેવા જતા રહેવાની યુક્તિ આશિષના પિતાની હતી અને એ યુક્તિને સ્વીકારવાનો નિર્ણય આશિષનો પોતાનો હતો, આમ છતાં સમાજે એ માટેનો સંપૂર્ણ દોષ કનિકાને જ આપ્યો. 

આશિષની માતાના વર્તન-વલણ પ્રત્યે કોઈએ પ્રશ્નો ન ઉઠાવ્યા. પરંતુ એક વૃદ્ધ માને એના દીકરાથી દૂર કરનાર દોષી તરીકે કનિકા પર જ સમાજના લોકો આંગળી ચીંધવા લાગ્યા. સમાજના આ પ્રત્યાઘાતો કનિકાને માનસિક રીતે પજવી રહ્યા. સામાજિક પ્રસંગો પર મહેણાં ટોણા સાંભળી એનું મન એમાં તર્ક શોધવા મથતું. આ બધામાં આખરે એનો શું વાંક હતો ? એને કઈ વાતની સજા મળી રહી હતી ?

આ બધા માનસિક તણાવોની વચ્ચે આશિષની માતા એ ભરેલા એક પગલાંથી આશિષ અને કનિકાનું લગ્ન જીવન કણકણ વિખેરાઈ ગયું. આશિષને પોતાના જીવનમાં પાછો વાળવા એમણે ભરેલું એ પગલું કનિકાની કલ્પના શક્તિની તદ્દન બહારનું હતું. પોતાની હાથોની નસો કાપવાનો, આત્મહત્યાનો પ્રયાસ ! આશિષનું મગજ પણ હવે જાણે કાર્ય કરતું થંભી ગયું હતું. જો એમને કઈ થઇ જતે તો ? ના, કનિકાને પણ કોઈના મૃત્યુ નો ભાર છાતી પર લાદી જીવન જીવવું મંજુર ન હતું. એક સંબંધથી જ્યાં બધુજ વિખેરાઈ રહ્યું હોય ત્યાં એ સંબંધની ગાંઠ છોડી દેવીજ બધા માટે હિતાવહ. કનિકાને ઘર વસાવવું હતું, વિખેરવું નહીં ! સમાજે આપેલા 'ઘર તોડાવનારી 'ના આક્ષેપોથી આખરે એણે પોતાની જાતને મુક્ત કરાવી દીધી. માં અને દીકરાના સંબંધ વચ્ચે થી એ હંમેશ માટે દૂર જતી રહી.

ભારતીય સમાજમાં માતાનું સ્થાન સૌથી ઊંચું છે. ઈશ્વરે એના પગને તળિયે સ્વર્ગ અર્પણ કર્યું છે. એની સેવામાંજ સ્વર્ગની પ્રાપ્તિ છે. કારણકે માનો પ્રેમ નિઃ સ્વાર્થ હોય છે. પોતાના બાળકોની ખુશી જ એના હૃદયની સાચી ખુશી હોય છે. માતાના ધાવણની કિંમત ચૂકવવાની કોઈ બાળકની હેસિયત હોય શકેજ નહીં. પણ જયારે એજ માતૃત્વ પોતાના ધાવણની કિંમત વસૂલવા ઉતરે છે ત્યારે એ પ્રેમ નહીં વેપાર કરે છે. કંઈક કરીને કંઈક મેળવવું એ સ્નેહ નહીં ફક્ત સ્વાર્થ ! પોતાના જતન અને કાળજીના બદલામાં બાળકોને પોતાના હાથની કઠપૂતળી બનાવવાની ઈચ્છા માતૃત્વ નજ હોઈ શકે.

કેમેરાના પ્રકાશથી વિચારોમાં ઊંડે ઉતરેલી કનિકા ચોંકી. સ્ટેજ ઉપર પહોંચેલી કનિકા એ દુલ્હનના હાથમાં સહપ્રેમ ભેટ આપી. દુલ્હાના હાથ માં બૂકે થમાવ્યો .

" લગ્નની ખુબ ખુબ શુભકામનાઓ..."

દુલ્હાના વસ્ત્રોમાં સજ્જ આશિષની મૌન આંખો નીચે ઢળી પડી. આશિષના પિતાને પગે લાગી, આશીર્વાદ લઇ એ સ્ટેજની દાદર તરફ વળી. આશિષની માતાની આંખોમાં આખરે પણ પોતાની પસંદગીની વહુ લઇ આવવાની જીતનો હર્ષ છલકાતો સ્પષ્ટ ડોકાઈ રહ્યો હતો. સ્ટેજની દાદરો ઉતરતી કનિકાની આંખો ઉપસ્થિત સમાજના લોકો ઉપર તકાઈ અને એની હેરતપૂર્ણ આંખો એમને મૌન પ્રશ્ન પૂછી રહી :

"આખરે ઘર તોડાવનાર કોણ ?"

પણ અફસોસ ઉત્તર કશેજ ન જડ્યો...


Rate this content
Log in

Similar gujarati story from Tragedy