Prashant Subhashchandra Salunke

Tragedy Inspirational

3  

Prashant Subhashchandra Salunke

Tragedy Inspirational

ઘડપણનો સહારો

ઘડપણનો સહારો

4 mins
153


એકવાર એક પરિવારે પ્રવાસનું આયોજન કર્યું. પત્નીએ કોઈ દરિયાકિનારે જવાનું નક્કી કર્યું. ખૂણામાં કૂતરા સાથે બેસેલાં વૃદ્ધે કહ્યું “આપણે જો અંબાજી દર્શન કરવાં જઈએ તો ?”

વહુએ ગુસ્સામાં કહ્યું “માફ કરો પિતાજી આમપણ અમે તમને સાથે લઈ જવા માંગતા જ નથી, આ રવિવારે જ અમે તમને પહેલા વૃદ્ધાશ્રમમાં મૂકીશું અને પછી આરામથી પ્રવાસ કરવા જઈશું જો વૃદ્ધાશ્રમવાળા પરવાનગી આપે તો તમારો આ કૂતરો પણ ત્યાંજ મૂકીશું અને મનાઈ કરે તો દૂર જંગલમાં છોડી દઈશું. અંબાજી દર્શન કરવાં તમે ઘરડાં છો પણ અમે નહિ ! તેથી ચૂપચાપ ફક્ત સાંભળવાનું કામ કરો તમારી વણમાંગી સલાહની અમને કોઈ જરૂર નથી. તમને એમ પણ આવવાનું નથી..... ”

વૃદ્ધે લાચારીથી કહ્યું “બેટા, કૂતરાને જંગલમાં છોડશો ?”

વહુએ કહ્યું “કૂતરાને છોડો અને તમે વૃદ્ધાશ્રમમાં જવાની તૈયારીઓ કરવા માંડો. ઘરેથી જ ગોળીઓ બોળીઓ તમારી ખાઈને અને લઈને નીકળજો” વૃદ્ધે ગમ પી હસતાં કહ્યું “બેટા, હવે મારી તબિયત એકદમ ઘોડા જેવી છે.”

કૂતરાને પંપાળતા તેઓ બોલ્યા “કેમ ?”

કૂતરો ભસ્યો “ભો...ભો.....”

વહુ બોલી “તબિયત ઘોડા જેવી છે કે નહિ ખબર નહિ પણ તમે સાવ..ગધેડા જેવા છો. હવે મોઢું બંધ રાખો.....”

વૃદ્ધનો દીકરો બોલ્યો “કાજલ...... “

કાજલે ગુસ્સાથી પૂછ્યું “શું છે ?”

વૃદ્ધનો દીકરો બોલ્યો “આ રવિવારે તો મનીષનો સ્કૂલમાંથી પ્રવાસ છે.”

કાજલ “ખબર છે...એ નથી એટલે જ તો આ યોજના મેં બનાવી છે નહિતર એ દાદાને વૃધ્ધાશ્રમાં મૂકવા જતાં રાડારાડી કરી મૂકશે”

વૃદ્ધનો દીકરો બોલ્યો “પણ દરિયા કિનારે જવાની શી જરૂર છે ?”

કાજલ ગુસ્સામાં બોલી “તો આપણે નહિ જવાનું ? તમારી નોકરી પણ એક તો મજુર જેવી છે. માંડ માંડ ક્યારેક રજા મળતી હોય છે. પાછું આમણે વૃદ્ધાશ્રમમાં છોડવા જઈએ છીએ ત્યારે તેનાથી થોડેક જ દૂર એક સરસ દરિયા કિનારો છે ચાલોને ત્યાં જઈએ કયારેક ક્યારેક જ આવો મોકો મળે છે મારે એ છોડવો નથી. નહિતર મનીષની પરિક્ષા છે એટલે નહિ જવાનું ! દાદા ઘરે એકલા છે એટલે નહિ જવાનું ! કાંઈ નહી તો આ કૂતરો ક્યાં રહેશે એટલે ક્યાં નહિ જવાનું ! બંધ કરો તમારા નાટકો. આમતો બાપની પડેલી નથી ફક્ત ક્યાંક જવાનું હોય છે ત્યારે માત્ર પિતૃપ્રેમ જાગૃત થાય છે ?”

દીકરો બોલ્યો “કાજલ તને ખબર છે સીતાજીએ શ્રીરામ જોડે વનમાં જીવ્યા. પાર્વતીજીએ પતિ શિવજી માટે બધું ત્યજી દીધું અને તું મારી પરિસ્થિતિ કેમ સમજતી નથી ? ફાલતુંમાં ખર્ચો થઈ જશે.”

કાજલ બોલી “એમ ? તો આમણે અંબાજી જવું છે.. તો લઈ જાવ શ્રવણની જેમ એમને કાવડમાં બેસાડી ! એમાં તો કોઈ ખર્ચો નથી ને ?”

દીકરો બોલ્યો “કાજલ શ્રવણના માતા પિતાએ એવા સારા હતાં ! મારો બાપ તો મારા માથે પડ્યો છે.”

વૃદ્ધ લાચારીથી છોકરા તરફ જોતાં બોલ્યો “બેટા અમે પેટે...

દીકરો “બસ બસ...હવે...એકની એક વાત. ત્રેવડ નહોતી એટલે પેટે પાટા બાંધી અમને ખવડાવવું પડતું હતું. હું તમને સાચવી લેતો હતો સમજ્યા ?”

વૃદ્ધે કહ્યું “બેટા હું તારો બાપ છું ?”

દીકરો “તો ઉપકાર કર્યો ? ઉપકાર તો મેં કર્યો તમારા ઘરે જન્મી સમજ્યા નહીતો આખું આયુષ્ય મા ને વાંછ હોવાનો ટાનો સંભાળવો પડતો અને તમને લોકો શું કહેત ખબર છે ને ? મોટા મર્દ બની આખા ગામમાં ફરતા હતાં તે મારી કૃપાથી સમજ્યા ?”

વૃદ્ધે પોતાની લાકડી ઉપાડી. એ સાથે કૂતરો પણ ઉઠ્યો. વૃદ્ધ અંદર રૂમમાં જવા લાગ્યો. ત્યાંજ પાછો દીકરો તાડુક્યો “ત્યાં ક્યાં જાઓ છો ? તમારી બાહર પથારી હોય છે ખબર છે ને, કે ભૂલી ગયાં ?”

વૃદ્ધે કહ્યું “બેટા પાણી પીવા જાઉં છું ?”

દીકરો “ઠીક છે પણ ઊંચેથી પાણી પીજો... અને હા કૂતરાને પથારીમાં સૂવા ન દેતા સમજયા ?”

રવિવારના દિવસે બાપ, દીકરો,વહુ ત્રણે ઉપડ્યા. પૌત્ર શનિવારે જ સ્કૂલના પ્રવાસમાં નીકળી ગયો હતો. ગાડીમાં સામાન ગોઠવાઈ ગયો. વૃદ્ધે નિરાશાજનક રીતે છેલ્લીવાર ઘર તરફ નજર ફેરવી ત્યાંજ દીકરા એ ગાડીમાં બેસતાં કહ્યું “પિતાજી કૂતરો સીટ ફાડે નહિ તેનું ધ્યાન રાખજો અને બિસ્કીટ ખાવો તો ગાડીમાં કૂતરાને ન આપતાં. એ સીટ ખરાબ કરશે.”

વૃદ્ધ કાઈક બોલવા ગયો “અરે...હા....

દીકરો તાડુક્યો “બસ... બસ... હવે ફક્ત સાંભળવાનું શીખો ...”

કાજલ બોલી “આપણી આખી સોસાયટીમાં આમની જેટલી ઉમરના બધા ડોહાઓ મરી પરવાર્યા પણ આ ડોસાએ જાણે અમૃત પીધું છે.”

વૃદ્ધની આંખોમાંથી આંસુ નીકળવા લાગ્યાં. કૂતરો ચાટવા લાગ્યો. થોડી દૂર હાઈવે પર જતાં જ વૃદ્ધ બોલ્યો “બેટા ગાડી રોક જરા બાથરૂમ જવું છે.”

દીકરાએ બબડતાં બબડતાં ગાડી રોકી. વૃદ્ધ રસ્તાને ઓળંગી ઝાડીઓ પાસે ગયો. ત્યાંજ એના કાન પર એક જોરદાર અવાજ સંભળાયો. અવાજની દિશામાં એણે જોયું તો એના રૂવાડા ઊભા થઈ ગયાં. પાછળથી ઝડપભેર આવતી ટ્રક એમની સાઈડમાં રોકેલી કાર પર ચઢી ગયેલી. કારની હાલત કહેતી હતી કે અંદર બેઠેલામાંથી કોઈ જીવિત નહિ રહ્યું હોય. ટ્રક ડ્રાઈવરે ઝડપભેર ગાડી રીવર્સમાં લઈ ત્યાંથી નાસી છુટ્યો.

વૃદ્ધ આ જોઈ પોકારી ઉઠ્યો “રાજુ..... મારા બેટા... મારા ઘડપણના સહારા...” આમ બોલી તે કાર તરફ દોડતા દોડતાં બોલ્યે જતો હતો “દીકરા હવે કોન મારી વાતો સાંભળશે, હવે કોણ આ ડોસાનું દુઃખ સમજશે.. કોણ ?” આમ બોલી એણે ઝડપથી પાછળની સીટનો દરવાજો ખોલી કૂતરાને ખોળામાં લઈ આક્રંદ કર્યો....”બેટા રાજુ... તું મને કેમ છોડીને જતો રહ્યો ?” 


Rate this content
Log in

Similar gujarati story from Tragedy