Nayanaben Shah

Tragedy

4  

Nayanaben Shah

Tragedy

ઘાલખાધ (અનામત)

ઘાલખાધ (અનામત)

4 mins
342


"યુક્તા, તારૂ આવું વર્તન આપણી ફર્મને કેટલું નુકશાન કરશે !" સ્વર સુનમુન બનીને બેસી રહેલી પત્નીને સમજાવી રહ્યો હતો. આખા શહેરમાં "યુક્તાસ્વર" ફર્મનું નામ જાણીતું હતું. બંને જણ સી. એ. જોડે જ થયા. ત્યારબાદ એક જ ફર્મમાં બંને નોકરી કરતાં હતાં. સતત સહવાસ પ્રેમમાં પરિણમ્યો.

જો કે યુકતાના ઘરનાનો વિરોધ હતો. ઘણી બધી સમજાવટ છતાંય યુક્તા કોઈનું માનવા કે સાંભળવા તૈયાર ન હતી. સ્વરના ઘરે બધા ખુશ હતાં. યુક્તાના પિતાને લાગ્યું કે યુક્તા નહીં માને, કહે કે, "યુક્તા, હું તારો વિરોધ નથી કરતો પરંતુ બેટા, ઓછો પૈસો ચાલે ઓછા સંસ્કાર ના ચાલે."

"પપ્પા, તમે તો કહેતાં હતાં કે `સંગ તેવો રંગ´ તો મારામાં એટલી આવડત છે કે હું બધાને બદલી શકીશ. "

"ઈશ્વર કરે અને એવું જ થાય. પરંતુ જે ઘર પુરૂષપ્રધાન હોય અને એનું એક ચક્રીશાસન હોય, પતિ પત્નીનું માન ના સાચવતો હોય, પતિ વારંવાર બધા મહેમાનો અને પોતાના બાળકોની હાજરીમાં પત્નીનું અપમાન કરતો હોય અને સંતાનો પણ પિતાનું જોઈ માતાનું અપમાન કરતાં હોય એ ઘર સંસ્કારી તો ના જ હોય !

એ તો ઠીક એમને ત્યાં મહેમાનોની અવરજવર પણ નથી. જેને ત્યાં મહેમાનો નથી આવતાં એના સ્વભાવ વિષે પ્રશ્નાર્થ ઊભો થાય. જેને કોઈ મિત્ર ના હોય, પડોશીઓ પણ ખરાબ લાગતાં હોય એ કારણે વારંવાર પોતાનું ઘર વેચી નવા ઘરમાં રહેવા જાય. ત્યાં પણ પડોશ સારો નથી કહી ઘર બદલે. જે હમેશ બીજાનો વાંક જોતાં હોય અને પોતે સર્વગુણ સંપન્ન છે એવું માનતા હોય એ ઘરમાં હું મારી દીકરી ના આપું. કારણ જેને કોઈ જોડે બનતું ના હોય, જેનામાં જતું કરવાની ભાવના ના હોય અને નાનામોટાનું માન ના જળવાતું હોય એ બાબતમાં તું વિચારીને નિર્ણય લે જે. બાકી તારી જિંદગી છે તારે તારી રીતે જીવવાની છે. પરંતુ લગ્ન પહેલાં આ બાબતનો વિચાર કરી જોજે. બાકી હું તને દુઃખી જોવા નથી ઈચ્છતો. "

"યુક્તાસ્વર"ફર્મની ગણતરી ભારતની પ્રથમ દસ ફર્મમાં થતી હતી. એમને કરેલું ઓડિટ નીતિનિયમ મુજબ અને પુરી ઈમાનદારીથી થયેલું હોય એવી એમની છાપ હતી. સ્વર તો હોસ્ટેલમાં રહીને ભણેલો હતો. એનો મિત્રવર્ગ ઘણો વિશાળ હતો. યુક્તાના સ્વભાવમાં તો જાણે કે પ્રેમ સિવાય કંઈ જ ન હતું. બધા સાથે પ્રેમાળ વર્તનને કારણે જ એમને ત્યાં ઘણાબધા ક્લાયન્ટો આવતાં. એને તો પ્રેમ સિવાય જિંદગીમાં કયાં કંઈ જોયું હતું ?

એવું માનવામાં આવે છે કે જેનું મિત્રમંડળ વિશાળ હોય તથા બધા એકબીજાની મદદ કરવા તત્પર હોય તો એ વ્યક્તિનો સ્વભાવ સારો જ હોય કારણ મિત્રો તો વિવિધ સ્વભાવના હોય બધા સાથે હળીમળીને રહેનાર કયારેય દુઃખી ના થાય. જુદાજુદા સ્વભાવવાળી વ્યક્તિને અનુકૂળ થનાર વ્યક્તિ પ્રેમાળ જ હોય.

લગ્નબાદ થોડો સમય ખૂબ સારૂ ચાલ્યું. પરંતુ સરળ સ્વભાવની યુક્તાનું નાની નણંદ પણ અપમાન કરતી એ વાત એના માટે અસહ્ય હતી. યુક્તા વારંવાર રડતી. સ્વરને કહેતી, "સ્વર જે દીકરી પોતાના પિતાનું કહ્યું ના માને એની દશા મારા જેવી જ થાય. "

"યુક્તા, આમ કયાં સુધી તું ઉદાસ બેસી રહીશ ? તારી બહેનપણીઓના તારી ખબર પૂછવા સતત ફોન આવ્યા કરે છે. બધા ફર્મ પર પણ તારી ખબર પૂછવા આવે છે. ઘેર તો મમ્મી પણ કહેતાં હતાં કે, "યુક્તા કેટલી પ્રેમાળ છે ! બધા એની તબિયતની ચિંતા કરે છે ! યુક્તા જે વ્યક્તિમાં સંસ્કાર ના હોય ગમેતેમ બોલે એના કારણે તારૂ બી. પી. વધારવાની જરૂર નથી. માણસના બોલેલા શબ્દ પરથી એના સંસ્કારની ખબર પડે. "

યુક્તા તારૂ મન કામમાં પરોવ. હા, હમણાં જ કરોડીમલનો ફોન હતો કે નફાનુકશાન ખાતુ અને સરવૈયું તૈયાર કરવાનું છે. આમ તો આપણે મોટી કંપનીના જ ઓડિટ કરીએ છીએ પણ આ તારો પહેલો ક્લાયન્ટ છે એટલે એ પેઢીનું નામુ લખવાનું છોડવાની તું ના કહે છે. આજે તું ત્યાં જા હું તારી સાથે મદદ માટે આવું છું.

સ્વરે ચોપડો ખોલ્યો. જોયું તો બધી ઉધારી આવી ગઈ હતી. માત્ર એક જ ઉધારી બાકી હતી અને એ પાછી આવે એવી શક્યતા નહીંવત્ હતી. પરંતુ યુક્તાએ પહેલેથી જ ઘાલખાધ(અનામત)નું ખાતુ ખોલ્યું હતું જેથી કોઈ ઉધારી ના આવે તો એ રકમ ઘાલખાધ(અનામત)ખાતે લઈ જવાય. સ્વર યુક્તા સામે જોઈ બોલ્યો, "યુક્તા, આપણા ધંધામાંથી જો કેટલું શીખવાનું છે ! ઉધારી ચોક્કસ મુદતમાં પાછી આવી જાય. આ ઉધારી એ તેં બધાને આપેલો પ્રેમ છે જે અચૂક પાછો આવે. તારી આસપાસ કેટલી પ્રેમાળ વ્યક્તિઓ છે ! જોકે એકાદ વ્યક્તિ પ્રેમના બદલે અપમાન કરે તો એને ઘાલખાધ(અનામત) ખાતે લઈ જવાની. પછી તું સરવૈયું તૈયાર કર અને જો ત્યાં માત્ર પ્રેમરૂપી નફો જ દેખાશે. "

યુક્તા પતિની સમજાવાની રીત સાંભળી જ રહી. ધંધાને પણ જીવન સાથે સાંકળીને સમજાવવાની રીતથી એના મોં પર ઘણાદિવસો બાદ હાસ્ય જોવા મળ્યું.


Rate this content
Log in