Pranali Anjaria

Abstract Drama

4.5  

Pranali Anjaria

Abstract Drama

ગેરસમજ

ગેરસમજ

4 mins
229


" સ્મિતા, પપ્પા ને કહે કે ટીવીનું વોલ્યુમ ઓછું કરે, નિતાંત ને વાંચવામાં ખલેલ પડતો હશે. " વ્યોમેશ એ બેડરૂમમાંથી બૂમ પાડી. 

 સ્મિતા તરત ગઈ ને શશાંકભાઈ ને સમજાવી ને ટીવીનું વોલ્યુમ ઓછું કરાવ્યુ.

શશાંકભાઈ એટ્લે સ્મિતાના પિતા. ખુબજ સરળ સ્વભાવના વ્યક્તિ હતા અને સંતાનમાં સ્મિતા એકજ હતી. સ્મિતાના મમ્મીના અવસાન બાદ સ્મિતા શશાંકભાઈ ને એકલા રહેવા દેવા નહતી માંગતી માટે પોતાના ઘરે પિતા ને લઈ આવી હતી. વ્યોમેશ એ પણ સ્મિતાના આ નિર્ણય ને માન્ય રાખી શશાંકભાઈ ને હોશે-હોશે પોતાના ઘરે રાખ્યા હતા. 

પણ આજકાલ વ્યોમેશ વાતે-વાતે શશાંકભાઈની કોઈ પણ વાત પર ચિડાય જતો હતો. સ્મિતા ને આ બધુ થોડું વિચિત્ર લાગતું પણ શશાંકભાઈ ક્યારે પણ જમાઈ ની વાત નું ખોટું નહતા લગાડતા. વ્યોમેશ ના માતા-પિતા તો દિલ્લીથી વર્ષમાં ફક્ત એક-બે વાર આવતા એટ્લે સ્મિતાને ફક્ત પોતાના પિતાની જ જવાબદારી હતી. સ્મિતા હમેશા પિતાની સેવામાં તત્પર રહેતી. તેમના માટે દવાઓ લાવી આપવી, નિયમિત ડોક્ટરની મુલાકાત લેવી આ બધુ જ સ્મિતા કરતી હતી. 

બીજા દિવસે વ્યોમેશ એ ફરી પાછી સ્મિતા ને ટપારી ,"સ્મિતા, આજે મારા થોડા મિત્રો સાંજે ડિનર પર આવવાના છે તો પપ્પા ને કે જે કે જૂની ગુલાબી કફની ના બદલે નવી વાદળી કફની પહેરે જેથી મારા મિત્રો સામે ખરાબ ના લાગે. " સ્મિતા થોડી સમસમી ગઈ પણ તેણે શશાંકભાઈ ને સમજાવી નવા કપડાંમાં સજ્જ કરી ને બેસાડયા. 

આવું હવે અવાર-નવાર બનવા લાગ્યું. સ્મિતા વ્યોમેશ નું વર્તન સમજી શકતી નહતી. વ્યોમેશ શા કારણે શશાંકભાઈ ને નાપસંદ કરવા લાગ્યો છે એ વાત સ્મિતાના ગળામાં ઊતરતી નહતી.

એક રવિવાર હતો ને વ્યોમેશને નિરાંતના સમયમાં વાંચનની ઈચ્છા થઈ. તેણે મેગેઝીન-રેકમાંથી એક મેગેઝીન કાઢી। થોડી વાર આમતેમ ફંફોસ્યા બાદ તેણે સ્મિતા ને ફરી ટોકી ને કીધું, " સ્મિતા, આ શું? મારા બધાજ મેગેઝીન મહિના ના ક્રમ પ્રમાણે ગોઠવેલ હતા અને તારા પપ્પા એ બધાજ ભેગા કરી દીધા છે. હવે તો યાદ જ નથી આવતું કે કયા વાંચ્યા અને કયા બાકી છે, પપ્પા ને સમજાવ ને આવું ન કરે. "

સ્મિતા ડઘાઈ ને એક તરફ ઊભી રહી. મનમાં વિચારતી હતી કે શું મારા પિતા ને એટલો પણ આ ઘરમાં હક નથી કે તે પોતાના પસંદગીનું કાર્ય કરે ? 

જેમ જેમ દિવસો પસાર થતાં હતા તેમ-તેમ શશાંકભાઈ અને વ્યોમેશ વચ્ચે અંતર વધતું હતું. પહેલા જે સંબંધ બાપ-દીકરા ના સંબંધ જેવો મધુર હતો તે આજે સસરા-જમાઈ જેવો ઔપચારિક બની ગયો હતો. 

એક દિવસ શશાંકભાઈને ફોન આવ્યો કે તેમના નજીકના મિત્રનું અવસાન થયેલ છે. એકયાશી વર્ષ ના શશાંકભાઈ હવે એકલા બહાર નિકળવામાં અસમર્થ હતા. લાકડી લઈ ને ચાલવું પડતું અને બંને ઘૂટણનું ઓપેરેશન કરાવેલ હોય તેથી ચાલવામાં પણ ખૂબ તકલીફ પડતી. શશાંકભાઈની ઈચ્છા હતી તેના મિત્ર ને આખરી વિદાય આપવાની એટ્લે તેણે સ્મિતા ને પોતાના દિલની વાત કરી. સ્મિતા એ આ વાત માટે વ્યોમેશ ને કીધું તો વ્યોમેશ બોલ્યો," જો સ્મિતા, આજે મારે ઓફિસમાં ખૂબ કામ છે અને જો પપ્પાની ઈચ્છા હોય તો તું લઈ જા." સ્મિતા ચૂપ રહી અને અંતે વ્યોમેશના ઓફિસ ગયા બાદ તે શશાંકભાઈ ને પોતે લઈ ગઈ. પણ સ્મિતા હવે એટલું સમજી ચૂકી હતી કે વ્યોમેશ માટે શશાંકભાઈ એક બોજસ્વરૂપ છે અને તે નથી ઈચ્છતો કે તે વધારે સમય ત્યાં રહે. સ્મિતા એ મનમાં એક નિર્ધાર કરી લીધો અને પોતે લીધેલા નિર્ણયની જાણ શશાંકભાઈ ને કરી અને શશાંકભાઈ કબૂલ થયા. 

 વાત આટલેથી અટકી નહીં. જેમ હવા અગ્નિને બળ આપે છે તેમ સસરા-જમાઈ ની કથની આગળ વધતી જ જતી હતી. સાંજે વ્યોમેશ ઓફિસથી આવ્યો તો ખૂબ ગુસ્સામાં હતો. તેણે સ્મિતા પર પોતાનો ગુસ્સો ઠાલવ્યો, " સ્મિતા, આજે તો તે હદ કરી નાખી. પપ્પા માટે બનાવેલી નમક વગર ની દાળ તે મને પણ ટિફિનમાં આપી દીધી. તારું ધ્યાન આજકાલ તારા પપ્પા ઉપર વધુ છે અને મને તું કોઈ કારણસર તરછોડે છે."

સ્મિતા ત્યારે નિતાંત ને હોમવર્ક કરાવતી હતી એટ્લે નિતાંત ને બીજા રૂમમાં મોકલી તેણે વ્યોમેશ ને સણસણતો જવાબ આપ્યો, " તમારી તકલીફ થોડા દિવસમાં દૂર થઈ જશે. મે પપ્પાની બીજે રહેવાની વ્યવસ્થા કરી નાખી છે. બસ ત્રણ મહિનામાં પપ્પા સરિતાધામ ઘરડાઘરમાં જતાં રહેશે અને પછી તમને એમના તરફથી કોઈ ફરિયાદ નહીં રહે. "

વ્યોમેશ તો ચકિત થઈ ગયો સ્મિતાના આ જવાબથી. તેણે ધાર્યું નહતું કે સ્મિતા આવું પગલું ભરશે. તે મનમાં ખૂબ શરમાણો અને પછી પસ્તાવા સાથે સ્મિતા ને કહેવા લાગ્યો, " સ્મિતા, મારો કહેવાનો અર્થ આવો નહતો. મને પણ તારા પપ્પા પ્રત્યે માન છે પરંતુ કદાચ મારાથી તેમની માનહાનિ થઈ હોય તો મને માફ કરી દે અને તારા આ નિર્ણય ને બદલી નાખ. તારા પપ્પા ઘરડાઘરમાં જશે તો મારા પરિવાર પર લોકો થૂ -થૂ કરશે. હું હવે ક્યારેય પપ્પા માટે અણછાજતું નહીં બોલું. "

સ્મિતા કડક અવાજ માં બોલી, " મારો નિર્ણય અફર છે. પપ્પા પણ આ નિર્ણયથી ખુશ છે, મે બહુ મહેનતથી મનાવ્યા છે. મે હૃદય પર પથ્થર રાખી આ નિર્ણય લીધો છે . હવે મારો નિર્ણય બદલવાનો નથી. હું મારા પિતા ને હમેશા મળવા જતી-આવતી રહીશ. તમારા દિલમાં તમે બોજ ન રાખશો. કદાચ આ જ મારા પિતાનું ભાગ્ય હશે. હું ધારત તો તમારી સાથે ઝગડો કરત, કુટુંબ ના સભ્યો ને તમારી ફરિયાદ કરત, પણ મારી ખાનદાની મને આવું કરતાં રોકે છે. અને તમે ચિંતા ના કરો, પપ્પા ને મે ઘરડાઘરમાં નહીં પણ આપણી બાજુની સોયાયટીના ફ્લેટમાં ભાડે રહેવા મોકલવાનો નિર્ણય કરો છે જેથી ત્યાં તેમની બધીજ સ્વતંત્ર સગવડ સચવાય રહે અને તેના માટે હું મહેનત કરીશ. તમારે હવે પપ્પા તરફથી કોઈ ફરિયાદ નહીં રહે. એક સ્ત્રી છું એટલે સાસરું તેમજ પિયર બંનેની આબરૂ સાચવતા આવડે છે પણ ભવિષ્યમાં જેમ મે મારા પપ્પા ને સાચવ્યા એમ તમારો દીકરો તમને સાચવે તો મને યાદ કરજો. "

વ્યોમેશ છોભીલો પડી ગયો અને સ્મિતા સામે આંખ ન મિલાવી શક્યો. બાજુ ના રૂમ માથી નિતાંત આવ્યો. વ્યોમેશ એ નિતાંતની સામે જોયું તો એવું લાગ્યું કે જાણે પોતાનું ભવિષ્ય પોતાની જ સામે હસતું હોય અને કહેતું હોય કે, "આગળની દુનિયા હું તમને દેખાડીશ. એક ગેરસમજ ને કારણે વ્યોમેશ કાયમ માટે સ્મિતાની નજરમાંથી ઉતરી ગયો. 


Rate this content
Log in

Similar gujarati story from Abstract