Pranali Anjaria

Abstract

4.3  

Pranali Anjaria

Abstract

નવા ફૂલોની મહેક

નવા ફૂલોની મહેક

4 mins
269


"મમ્મી, હું ઓફિસ જવા નીકળું છું. તું આજે શોપિંગ મોલમાં જરૂર જઈ આવજે. બાજુવાળા કલ્પનામાસીને મે વાત કરી છે, તે તારી સાથે આવશે. " અરુણીતા ઉતાવળમાં હતી એટલે ઝડપથી નીકળી ગઈ. ઉમાબેન અરુણીતાને જોઈને મનમાં રાજી થયા કે દીકરી કેવી ઘર સંભાળીને ચાલી રહી છે. એક બાજુ ઘર અને બીજી બાજુ ઓફિસના તણાવમાંથી પસાર થતી દીકરી તેના ચેહેરા પર ક્યારેય થાક કે અણગમો આવવા નથી દેતી. 

અરુણીતા અને ઉમાબેન છેલ્લા દસ વર્ષથી એકલા રહેતા હતાં. .માં-દીકરીના જીવનની ઘટમાળ જાણે ગોઠવાઈ ગઈ હતી. એક બીજા- ના સહારે જિંદગી ચાલતી હતી. તેર વર્ષની અરુણીતા અને ઉમાબેનને છોડીને હેતાંગભાઈ જતાં રહ્યા હતાં. કદાચ તેમના મનમાં કોઈ બીજી સ્ત્રી પહેલેથી જ વસતી હતી. તેની જાણ ઉમાબેનને થાય તે પહેલા તો હેતાંગભાઈ તેને હાથતાળી આપીને કપરી જિંદગી જીવવા મજબૂર કરીને જતાં રહ્યા . કુટુંબ તો મોટું હતું. ઉમાબેન ના જેઠ-જેઠાણી અને તેનો પરિવાર હતો પણ ખરા સમયે કોઈ એ ઉમાબેનનો સાથ ના આપ્યો. આવા સમયમાં ઉમાબેન એ એક સ્કૂલમાં સામાન્ય ક્લાર્ક ની નોકરી સ્વીકારી અને અરુણીતાના અભ્યાસમાં ધ્યાન દીધું. 

સમય વહેતો ગયો અને અરુણીતા સમજદાર થઈ ચૂકી હતી. એટલે ઉમાબેન એ નોકરી છીડી દીધી અને અરુણીતા એ ઘરની જવાબદારી ઉપાડી લીધી. 

અરુણીતાએ નાની વયમાં ઘણું જ દુ:ખ સહન કર્યું હતું. તેથી તેને પરિવાર- કુટુંબ એવા શબ્દોથી ચીડ થઈ ચૂકી હતી. ખરા સમયમાં કાકા-કાકી એ સાથ ન આપી અરુણીતાના મન પર ઘાવ કર્યો હતો. ઉમાબેન બાલ્કનીમાં ઊભા-ઊભા આવા વિચારોમાં મગ્ન હતાં ત્યાં કલ્પનાબેનનો અવાજ આવ્યો," ચાલો, ઉમાબેન, મોડુ થશે " ઉમાબેન બધાજ વિચારોના સમુદ્રને મનમાં સંકેલીને શોપિંગ મોલ તરફ ઉપાડી ગયા. 

સાંજે અરુણીતા આવી ત્યારે ઉમાબેનના મુખ પર નવી આશા દેખાય રહી હતી. અરુણીતા એ ઉમાબેનને આટલા ખુશ પહેલા ક્યારેય જોયા ના હતાં. તેને એવું લાગ્યું કે મમ્મી આજે ઘણા વખતે કોઈ સુંદર સ્વપ્નમાં રાચી રહ્યા છે. અરુણીતા એ મનને વળી લીધું કે કદાચ ઘણા સમય પછી મમ્મી જો ખુશ હોય તો તેને આ સમયની મજા માણવા દેવી જોઈએ અને ખોટા સવાલો ન પૂછવા જોઈએ. 

બીજા દિવસે પણ ઉમાબેનની ખુશીનો પાર ન હોય તેમ બગીચામાંથી નવા ફૂલોને ચૂંટીને લાવ્યા અને ફૂલદાનીમાં સજાવી દીધા. અરુણીતાની મનપસંદ વાનગી ટિફિનમાં બનાવી આપી. અરુણીતા પણ જાણે ભગવાને મમ્મીના હાસ્યની ભેટ મળી હોય તેમ હરખતી ઓફિસે ગઈ. 

હવે તો આ નિત્યક્રમ બની ગયો. .અઠવાડિયું વીતી ગયું . ઉમાબેન જે વર્ષોથી એક કોચલામાં બંધ હતાં તે ધીરે-ધીરે બહાર નીકળી રહ્યા હતાં. સાંજે રોજ બાજુવાળા કલ્પનાબેન સાથે મંદિરે જવું, બગીચાના ફૂલોની માવજત કરવી તે તેની મનગમતી પ્રવૃતિ થઈ ચૂકી હતી. 

એક રવિવારના દિવસે અરુણીતાને પણ થયું કે આજે હું પણ મમ્મી સાથે થોડું મંદિર સુધી જાવ અને સાંજનો સમય પસાર કરું. તેણે કહ્યું, " મમ્મી ચાલ, આજે હું પણ તારી સાથે આવું છું અને પછી આપણે ક્યાક ડિનર લેવા સાથે જાશું. ઉમાબેન થોડી વાર માટે અટકી ગયા અને અરુણીતાને રોકી. અરુણીતાએ જિદ કરી પણ ઉમાબેન કદાચ તેણે સાથે લઈ જવા માંગતા નહતાં. અરુણીતાને હેરત તો થઈ પણ તેણે સયંમ જાળવીને રાહ જોવાનો નિર્ણય કર્યો. 

બીજા રવિવારે અરુણીતા ઉમાબેન અને કલ્પનામાસીની પાછળ -પાછળ મંદિર સુધી ગઈ. મંદિરમાં તેણે જોયું તો ઉમાબેન એક આધેડ વય ના દંપતી સાથે હસી- હસીને વાતો કરતાં હતાં. આ આ દંપતી બીજું કોઈ નહીં અરુણીતાના કાકા-કાકી હતાં. 

કાકા-કાકીની તબિયત નાજુક લગતી હતી અને ઉમાબેનના સહારે કાકી મંદિરની સીડીઓ ચડતા હતાં. આ બધુ જોઈને અરુણીતા ડઘાઈ ગઈ. અરુણીતાના મનમાં રોષ ઉભરાઈ આવ્યો. 

અરુણીતા આ બધુ જોઈને મંદિરથી પાછલા પગે ઘરે આવી અને લાલ આંખ કરીને ઉમાબેનને રાહ જોવા લાગી. ઉમાબેન ઘરે આવ્યા એટલે અરુણીતા એ તેનો ઉધડો લીધો, " મમ્મી, આજે મે તમને કાકા-કાકી સાથે જોયા, શું કામ જૂના ઘાવને ઉખેડો છો ?, એ લોકો એ કદી આપણી દરકાર કરી નથી. આપણે એકલા એ જિંદગીની કઠણ પરીક્ષા આપી છે અને હવે જ્યારે માંડ પરિસ્થિતીમાથી બેઠા થયા છીએ ત્યારે હવે તેમની સાથે સંબંધ રાખીને ફરીથી વિશ્વાસઘાત સહન નથી કરવો." 

ઉમાબેન બોલ્યા, " બેટા, ત્યારની પરિસ્થિતી અલગ હતી અને અત્યારની અલગ છે. તારા પિતા આપણને છોડીને જતાં રહ્યા હતાં ત્યારે તે લોકોને આપણાં તરફ નફરતનો ભાવ હતો. . તારા પપ્પા ના ગુના માટે તે મને જવાબદાર માનતા હતાં, પણ હવે એવું નથી. તેઓને પોતાની ભૂલનો અહેસાસ થઈ ગયો છે. તેઓ મને અચાનક શૉપિંગ સેન્ટર અને બીજા દિવસે મંદિરમાં મળ્યા. તેમને જોઈને હું પણ થોડું મુંઝાણી પણ પછી મનને સમજાવી લીઘું. બીજું કે તારા કાકા-કાકીનો પરિવાર પણ વિખાય ગયો છે. દીકરો હસ્તક અને દીકરી હસ્તી બંને વિદેશમાં જતાં રહ્યા છે. તેઓની તબિયત નાજુક રહે છે માટે તેઓ ઘણી તપાસ કર્યા બાદ આપણાં ઘરની નજીકના ફ્લેટમાં રહેવા આવ્યા છે, જેથી બંને પરિવાર એકબીજાની હૂંફના આધારે રહી શકીએ. 

ઉમાબેનનો અવાજ ગંભીર થતો હતો, " તું જ કે બેટા, તારા પપ્પા જેમ આપણને મૂકીને જતાં રહ્યા અને આપણે એકલા પડી ગયા એમ હાલ એ લોકો પણ એકલતા સામે લડી રહ્યા છે. આપણે એક-બીજા ની સાથે મીઠા સંબંધો રાખશુ તો સૌનું સુખ જળવાય રહેશે. એટલે હું રોજ તેમને મળવા જાવ છું અને જૂની યાદોને તાજી કરીને થોડીવાર હળવી થઈ જાવ છું. તારો ગુસ્સો ઠંડો પડે તો તું પણ આ વિષયમાં વિચાર જે, બાકી તું સમજદાર છે. ."

અરુણીતા કાઈ ન બોલી અને તરત પોતાના રૂમ આ જઈને ધડામ કરીને દરવાજો બંધ કરી દીધો. અંદર જઈને ખૂબ આંસુ વહાવ્યા. 

બીજા દિવસનો સૂર્ય જરા અલગ પ્રકારનો ઉત્સાહ લઈ આવ્યો અને અરુણીતા ઊઠીને બહાર આવી અને ઉમાબેનને ભેટી પડી. ઉમાબેન એ રોજની જેમ તાજા ફૂલો ફૂલદાનીમાં સજાવીને રાખ્યા હતાં અને તાજા ફૂલોની મહેક વાતાવરણમાં પ્રસરી રહી હતી. અરુણીતા ધીરેથી બોલી, "મમ્મી, કાકા-કાકીને મળવા મને લઈ જઈશને ?


Rate this content
Log in

Similar gujarati story from Abstract