Pranali Anjaria

Inspirational Others

4  

Pranali Anjaria

Inspirational Others

જીવનનો વળાંક

જીવનનો વળાંક

5 mins
88


આજે વડોદરા શહેરની મધ્યમાં આવેલી સરકારી કોર્ટની ઓફિસમાં ખૂબ ધમાલ મચી હતી. વાત જાણે એમ હતી કે છેલ્લા તેત્રીસ વર્ષ થી સતત ફરજ બજાવતા હેડ-ક્લાર્ક સુશાંતાબેન આજે નિવૃત થવાના હતા. ઓફિસ માં તેના નીચે કામ કરતાં તેમજ તેમની સાથે કામ કરી ચૂકેલા અન્ય કર્મચારીઓ સુશાંતાબેન નો વિદાઇ -સમારંભ યોજવાના હતા. સૌ કોઈ ના દિલમાં સુશાંતાબેન માટે આદરભાવ હતો. ઓફિસ ના પ્યૂન થી લઈ ને ઉપરી અધિકારી સુધી સૌને સુશાંતાબેન નો સ્વભાવ પ્રભાવિત કરતો હતો. સુશાંતાબેન કાયમ હસતાં મુખે બધાને આવકરતા અને ઓફિસમાં જ્યારે કોઈ ને પોતાની મન ની વાત કરવી હોય તો સુશાંતાબેનથી બહેતર બીજી કોઈ વ્યક્તિ ન મળે. 

સૌની વાત ને હૃદયથી લગાડતા સુશાંતાબેનના હૃદયની વાત કોઈ પૂછતું નહતું. હકીકતમાં તો સૌ ને દિલાસો અને હૂફ આપનાર સુશાંતાબેન પોતે મનથી ઘાયલ થઈ ચૂકેલા હતા. સુશાંતાબેન ને કોર્ટ માં નોકરી મળી તેના એક વર્ષ પછી તેમના લગ્ન સુધીરભાઈ સાથે થયા હતા. સુધીરભાઈ અને સુશાંતાબેન નું દાંપત્ય જીવન લાંબુ ન ટક્યું. સુધીરભાઈ ના માતા-પિતા ને સુશાંતા નોકરી કરે તે ન ગમતું. વારે-વારે ઘર માં ક્લેશ થતો. સુશાંતાબેન ને ચાર ભાઈઓ હતા. એક-ની-એક બહેન ને આ રીતે હેરાન થતાં તે જોઈ નહતા શકતા અને  તેને વારંવાર પિયર પાછી આવી જવા માટે કહેતા. પરંતુ સુશાંતાબેન માટે સૌથી અગત્ય નો હતો સુધીર નો અભિપ્રાય. સુધીરભાઈ એ લગ્ન પહેલા નોકરી જરૂર કરજે તેવું વચન આપેલું અને ત્યારબાદ લગ્ન પછી સુધીરભાઈ નું ભેદી મૌન સુશાંતાબેન ને ડંખી રહ્યું હતું. અંતે બનવાકાળ બન્યું અને સુશાંતાબેને અડગ નિર્ણય લીધો કે ઘરસંસાર માટે હું મારી નોકરીનો ભોગ નહીં આપું. સુધીરભાઈ સાથે છૂટા-છેડા થયા અને સુશાંતાબેન તેના સૌથી મોટા ભાઈ ના ઘરે રહેવા લાગ્યા. સુધીરભાઈ સાથે જ્યારે નાતો તૂટી ગયો ત્યારથી સુશાંતબેને ફરી કદી લગ્ન ન કરવાનું નક્કી કર્યું. 

વર્ષો વિતતા ગયા અને સુશાંતાબેન નોકરી માં એવા તો પરોવાઈ ગયા કે હવે તેમને કોઈ સાથ-સંગાથની જરૂર લાગતી નહતી. મોટાભાઈનો પરિવાર એજ પોતાનું સર્વસ્વ એવું તેમણે માની લીધું હતું. મોટાભાઇ નો દીકરો સુશાંતાબેન ને અતિ વ્હાલો હતો અને તેની જોડે સમય ક્યાં વીતી જતો તેની ખબર સુશાંતાબેન ને ન પડતી. 

મોટાભાઇ નો દીકરો હવે પરણવા લાયક થયો હતો. કુટુંબ માં તેને લાયક કન્યા ની શોધ ચાલતી હતી પણ પણ ભત્રીજા ની શરત એટલી હતી કે કન્યા ભણેલ-ગણેલ તેમજ એક સરસ નોકરી કરતી હોય તેવી જોઈએ. સુશાંતાબેન પણ હવે પ્રૌઢ ઉમર ના થયા હતા. ભત્રીજા ના લગ્ન નો હરખ સુશાંતાબેનના મન માં હતો પણ ક્યારેક તેના મન માં એ વિચાર આવતો કે જમાનો કેવો બદલાય ગયો છે. જે નોકરી ને અનુલક્ષી ને મારા છૂટા-છેડા થયા , આજે નવી પેઢી એજ નોકરી કરતી કન્યા ને પ્રાધાન્ય આપે છે. પછી તો ભત્રીજા ના લગ્ન પણ થયા અને કન્યા પણ નોકરિયાત જ મળી. 

સુશાંતાબેન ની નિવૃતિ ના દિવસે તેમના મોટાભાઈ-ભાભી, ભત્રીજો તેમજ ભત્રીજા ની પત્ની સૌ હજાર હતા અને વિદાય-સમારંભ શરૂ થયો. ઉપરી -અધિકારી એ પણ સુશાંતાબેનની આટલા વર્ષોની કર્તવ્યનિષ્ઠા ને બિરદાવી. બધાજ સહ-કર્મચારીઓ એ અભિનંદન અને શુભકામના પાઠવી. રિટાયરમેંટ નિમિત્તે સર્વ મહિલા સ્ટાફ તરફથી સુશાંતાબેન ના હસ્તે કેક કાપી ને સન્માન થયું. ઘણા લોકો એ ફૂલો ના હારથી અભિવાદન કર્યું તો કોઈ એ ફૂલ નો બુકે ભેટમાં આપ્યો. અઢળક શુભકમના પત્રો, પ્રશંસા પત્રો સાથે જ્યારે સુશાંતાબેન એ ઓફિસમાંથી વિદાય લીધી ત્યારે તેમની આંખો ભીંજાય ગઈ અને તેઓ ફક્ત આભાર ના બે શબ્દો બોલી બોલી શક્યા. આગળ ના જીવન વિષે હજુ તેમના મન માં કોઈ ચિત્ર આવતું નહતું. 

બીજા દિવસ ની સવાર પડી અને સુશાંતાબેન ના નિવૃત જીવનનો પ્રથમ દિવસ ઊગ્યો. સુશાંતાબેન ને નિયમમુજબ પૂજા-પાઠ કરી ને જેવુ ઘર નું દ્વાર ખોલ્યું તો સામે તેની નજર ઘર ના બગીચા માં ઉભેલા સુધીરભાઈ પર પડી. સુધીરભાઈ હવે સાવ દુબળા થયા હતા અને એ પણ નિવૃત થઈ ચૂક્યા હતા. સુશાંતાબેન ના ભાઈ-ભાભી હજુ મોર્નિંગ -વોક પર ગયા હતા અને ભત્રીજો અને તેની પત્ની રવિવાર ની રજા હોવાથી હજુ આરામ કરતાં હતા. , તેથી સુશાંતાબેને  સુધીરભાઈ ને ઘર ની અંદર બોલાવ્યા અને તેમના માટે ચા મૂકી. 

સુધીરભાઈ ના હાથ માં ચા નો કપ મૂક્યો અને સુધીરભાઈ અચાનક એક લાગણી પ્રવાહ માં ડૂબવા લાગ્યા. થોડીવાર બંને જણા એ એક-બીજા ના હાલ-ચાલ પૂછ્યા અને પછી સુધીરભાઈ બોલ્યા, "સુશાંતા , તને આજે પણ યાદ છે કે મને કડક મીઠી ચા ભાવે છે. "

સુશાંતાબેન એ સામો જવાબ વાળ્યો, હા , દરેક પત્ની પોતાના પતિ ના ગમા-અણગમાનું ધ્યાન રાખતી હોય છે પણ પતિ ને ક્યારેય પોતાની પત્ની ની પસંદગી નું ધ્યાન રહેતું નથી. 

સુધીરભાઈ છોભીલા પડી ગયા અને ગમગીન ચહરે બોલ્યા, સુશાંતા, વર્ષો પહેલા ની વાત છે, મારા-માતા-પિતા જુનવાણી વિચારધારા ધરાવતા હતા તેમાં મારો શું વાંક ? મને તો મન થી એવું હતું કે હું તને નોકરી છોડવા મજબૂર નહીં કરું. માતા-પિતાની સામે હું લાચાર હતો. મે પણ તને છોડયા પછી બીજા લગ્ન નથી કર્યા"

સુશાંતાબેન બોલ્યા, આ વાત તમને હવે યાદ આવી જ્યારે તમારા માતા-પિતા હવે આ દુનિયામાં નથી અને હું નોકરીમાંથી નિવૃત થઈ ચૂકી છું. જ્યારે મને તમારા સાથ ની જરૂર હતી ત્યારે તમે મને એકલી મારા નિર્ણય પર છોડી દીધી તમારા માતા-પિતા ને હું નોકરી કરવા છતાં એક પણ વાત ની ખોટ ન લાગવા દેત. પણ, તેઓ ધીરજ ન રાખી શક્યા અને મને લગ્ન પછી એક-વર્ષ નો સમય પણ ન આપ્યો એ પુરવાર કરવા માટે કે મારી નોકરી તેમની સેવા માં આડખીલી રૂપ નહીં બને. અને સુધીર તમારું મૌન પણ જાણે મૂક-સમતી આપતું હોય તેવું મને લાગતું હતું. આથી મે મારો નિર્ણય લઈ ને છૂટા પડવાનું નક્કી કર્યું. પણ, અત્યારે આ વાત નો શું મતલબ છે સુધીર?

સુધીરભાઈ થી ન રહેવાયું એટ્લે બોલ્યા, " સુશાંતા, હવે તો બધુ કાચ જેવુ ચોખ્ખું થઈ ગયું છે ને? હવે આપણે જૂની વાત ને ભૂલી ફરી પાછા સાથે રહીએ તો કેવું? હું પણ એકલો આવડા મોટા ઘર માં કંટાળી જાવ છુ. તું હોય તો બે ઘડી મન હળવું થાય. "

સુશાંતાબેન બોલ્યા, સુધીર, હવે જૂનો સંબંધ તો કયાર નો તૂટી ગયો. હવે સંબંધ રાખવો હોય તો નવા રૂપ-રંગ સાથે બાંધવો પડે. એટ્લે કે પતિ-પત્ની તો આપણે હવે નથી રહ્યા, માટે હવે એક દોસ્ત બની ને જીવી શકીએ. પણ તમારા ઘરે ફરી પછી પાછી આવું તો એજ સંસાર ની જંજાળ માં જકડાય જઈશ. એટલા માટે હું અહિયાં જ મારા ભાઈ-ભાભી અને તેના પરિવાર સાથે રહીશ અને તમે તમારા ઘરે સુખી રહો. તમને જ્યારે મન હળવું કરવાનું યાદ આવે ત્યારે ચોક્કસ અહિયાં આવી જજો, સાથે ચા-નાસ્તો કરીશું અને ભૂતકાળ ભૂલી નવી કોઈ ઘટનાની વાતો કરીશું. ક્યારેક ફિલ્મો જોવા જઈશું તો ક્યારેક ભજન -સંધ્યામાં અને ક્યારેક પરિવાર સાથે નાનકડા પ્રવાસ પર પણ જઈશું. નિવૃત જીવન ની મજા માણો સુધીર. ભૂતકાળ ની વાતો ને યાદ કરી ને દુ:ખી થવાને બદલે આનંદ થી નવી શરૂઆત કરો. બોલો છે મંજૂર,? આમ બોલી ને સુશાંતબેને સુધીરભાઈ તરફ દોસ્તી નો હાથ લંબાવ્યો અને સુધીરભાઈ એ નિર્દોષ હાસ્ય સાથે હાથ મિલાવી ને એક નવી દોસ્તી નો પ્રારંભ કર્યો.બંને જણા ચા ની ચૂસકી સાથે ખડખડાટ હસી પડ્યા અને આજ ના છાપા માં આવેલી તાજી ખબરો વિષે ચર્ચા કરવા માંડ્યા.

મોર્નિંગ -વોકમાંથી પાછા ફરેલા ભાઈ-ભાભી સુશાંતાના જીવનમાં આવેલા આ વળાંક ને જોઈને ખૂબ ખુશ થયા.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational