ખોવાયેલું ધન
ખોવાયેલું ધન


ડૉ. રોહિણીના લગ્ન ડૉ. રોહિત સાથે થયા હતા. બંનેનું દામ્પત્ય જીવન ખુબજ સુખી અને સંપન્ન હતું. ડૉ. રોહિણી અવાર-નવાર મેડીકલ કેમ્પ યોજતા હતા. વિનામૂલ્યે જરૂરિયાતમંદ દર્દીઓની સેવા થાય તેવું આ કેમ્પનું લક્ષ્ય રહેતું. એક દિવસ એવો આવ્યો કે ડૉ. રોહિણીની સામે પોતાનો આખો ભૂતકાળ ફરીવાર બેઠો થઇ ગયો.
તે દિવસ રવિવારનો હતો. ડૉ. રોહિણી એ અમૃતમ વૃદ્ધાશ્રમમાં મેડીકલ કેમ્પનું આયોજન કર્યું હતું. કેટલાય અસહાય વૃદ્ધો આ કેમ્પનો લાભ ઉઠાવતા હતા. ડૉ. રોહિણી ખુબજ પ્રેમથી દર્દીઓનું નિદાન અને સારવાર સૂચવતા હતા. આવા સમયે ત્યાં વૃધાશ્રમના વ્યવસ્થાપક કલ્યાણભાઈ ઉઠાવળમાં ત્યાં હાજર થયા. કલ્યાણભાઈના ચહેરા પર ચિંતા વર્તાતી હતી . તેણે ડૉ. રોહિણીને કહ્યું, “મેડમ, અમારા વૃધાશ્રમમાં રહેતા એક વડીલની હાલત અત્યંત ગંભીર છે . તમે આવીને જરા તપાસી જુઓ, તો ખ્યાલ આવે. ગઈકાલથી તેમની તબિયત સાવનાજુક છે.” ડૉ. રોહિણી અને ડૉ. રોહિત બંને સાથે એ વડીલના ઓરડા તરફ ગયા.
સાવ નાનો ઓરડો. હતો. તેમાં એક પલંગ પર અત્યંત કૃશ થઇ ગયેલી કાયા ધરાવતા વૃદ્ધ પડખું ફરીને સુતા હતા. શ્વાસ લેવામાં તેમને તકલીફ થઇ રહી હતી અને ઉધરસ સતત આવતી હતી. ડૉ. રોહિતએ જઈને તેમના શરીરને સ્પર્શ કર્યો તો શરીર તાવમાં ધગધગતું હતું. ડૉ. રોહિણી તે વૃદ્ધને બેઠા કરવા મદદ કરવા ગયા અને ડૉ. રોહિતે તેને ઈન્જેક્શન આપવાની તૈયારી કરી. જયારે ડૉ. રોહિણીએ આ વૃદ્ધનો ચહેરો જોયો ત્યારે એક જ નજરમાં તેમને ઓળખી લીધા હતા. આ વૃદ્ધ બીજું કોઈ નહિ પણ ડૉ. રોહિણીના પિતા અમરકાંતભાઈ હતા. અમરકાંતભાઈની ઉમર પંચ્યાશી વર્ષ વટાવી ચુકી હતી. તેઓને એટલી નબળાઈ હતી કે શરીર લથડીયા ખાતું હતું .રોહિણીનું હૈયું ખુબ જોરથી ધડકતું હતું.
ડૉ. રોહિત અને ડૉ. રોહિણી બંને અમરકાંતભાઈને હોસ્પિટલ લઇ ગયા અને ત્યાં તત્કાલમાં અમરકાંતભાઈને સ્પેશીયલ રૂમમાં એડમીટ કર્યા અને અમરકાંતભાઈની સારવાર શરુ થઇ.ડૉ. રોહિણીનો ચહેરો તેમની વ્યથા કહી દેતો હતો આથી ડૉ. રોહિત તેમને પૂછવા લાગ્યા, રોહિણી, આપણે તો આવા અનેક પેશન્ટને ઠીક કરીએ છીએ . તો પછી આ પેશન્ટ વિષે તને કોઈ શંકા છે, અથવા કોઈ વાત તું મારાથી છુપાવે છે ? આ પેશન્ટને ન્યુમોનિયા હશે તેવું પ્રાથમિક તપાસ પરથી લાગી રહ્યું છે પણ બાકી તો રીપોર્ટસ પરથી ખબર પડશે.”
ડૉ. રોહિણી પોતાના આંસુ ન રોકી શક્યા. તેણે રોહિતને કહ્યું, “રોહિત, આ મારા પિતાજી છે. આજે અચાનક પચીસ વર્ષ પછી હું મારા પિતાને જોઈ રહી છું અને એ પણ આ હાલતમાં. રોહિત, મારા પિતાજી પણ એક ડૉ.ક્ટર હતા. જુઓ આ તેમનો યુવાનીનો ફોટો છે જે તેમણે દીવાલ પર ટીંગાડી રાખ્યો છે. આ તેમના સામાનમાં જરૂરી દવાઓ સાથે તેમનું આધાર કાર્ડ છે જે જોઈને હું સમજી ગઈ છું બધી જ પરિસ્થિતિ, રોહિત, જયારે હું આઠ વર્ષની અણસમજુ બાળકી હતી ત્યારે મારા પિતાજીને એક નર્સ સાથે પ્રેમ થઇ જતા તેને મારી મા અને મને તરછોડી દીધા હતા. ઘણા વખત સુધી કોર્ટના ધક્કા બાદ મારી માને છૂટાછેડા મળ્યા અને પિતાજી એ તે નર્સ સાથે સંસાર શરુ કર્યો. મારી માને મારા સિવાય આ દુનિયામાં બીજું પોતાનું કહેવાય તેવું કોઈ નહતું. તે અનાથ હતી માટે તેને પણ એક સામાન્ય નોકરી સ્વીકારી મારું પાલન-પોષણ કરવાનું બીડું ઝડપ્યું.”
ડૉ. રોહિણી વાતને આગળ વધારવા જતા હતા પણ ડૉ. રોહિતે તેને રોક્યા અને અમરકાંતભાઈની પૂરી દેખભાળ રાખવા માટે બંને પતિ-પત્ની રાતના અહિયાંજ રોકાશે તેમ નક્કી કર્યું. રાત્રે અમરકાંતભાઈની હાલત થોડી સુધારા પર આવી એટલે રોહિતે જમવા માટે રોહિણીને આગ્રહ કર્યો અને બંને જણા નજીકના રેસ્ટોરેન્ટ પર મન ન હોવા છતાં જમવા ગયા. ત્યાં પણ રોહિણીએ પોતાના આંસુને મનમાં દાબીને રોહિતને કહ્યું, 'મારા પિતાજીને પછી તે નર્સ થકી એક દીકરો હતો, કદાચ તેણે જ મારા પિતાજીની આ હાલત કરી હશે અને આ ઉમરે તેમને વૃધાશ્રમનો આશરો લેવો પડ્યો હશે. પણ રોહિત, મારા પિતાજી એ જે યાતના મારી માને આપી છે તે હું ભૂલી ન શકું, મારી માને કરવો પડેલો સંઘર્ષ આને પણ મને ધ્રુજાવે છે. કદાચ મારા પિતાજીની આજ સજા છે. તેઓ આજે જે ભોગવી રહ્યા છે તે એ કદાચ મારી મા સાથે તેમને કરેલા અન્યાયને કારણેજ હોઈ શકે. પણ હું શું કરું રોહિત,આખરે હું છું તો એક દીકરી અને દીકરીને બાપની ખુબ લાગણી હોય તેથી હવે શું કરવું તે સમજાતું નથી. મને કોઈ માર્ગ શોધી આપ રોહિત, મારું મગજ તો હવે કામ કરતુ બંધ થઇ ગયું છે.
રોહિતે પ્રેમ થી રોહિણીનો હાથ પકડીને સમજાવી અને કીધું, જો રોહિણી, આજથી પચીસ વર્ષ પહેલા જે બન્યું તેનું દુખ આજે પણ આપણને છે પણ હવે તારી મા આ દુનિયામાં નથી અને કદાચ પોતાના જિંદગીના છેલ્લા દિવસોમાં તેણે પણ તારા પિતાજીને માફ કરી દીધા હશે અને ઈશ્વરે તેમને તારા જેવી દીકરી આપી તેનો આભાર માનતા હશે. હવે ભૂતકાળને ભૂલી અને એ વિચાર કર કે ઈશ્વરે આજે આપણને તારા પિતાની દેખરેખ કરવાની તક આપી છે. આ તકને ન ગુમાવતા તું તારા પિતાજીની તબિયત પર ધ્યાન આપ. તારા પિતા હવે તને કદાચના ઓળખે પણ તું તે સાજા થઇ જઈ પછી તારી ઓળખાણ આપજે. જોજે, તે જરૂર રાજી થશે અને ફરીથી જીવવાનો ઉમંગ તેમનામાં પેદા થશે. આમ પણ આપણા ઘરે વડીલમાં કોઈ નથી. મારા માતા-પિતા પણ હવે આ દુનિયામાં નથી તો પછી આપણા સંતાનોને વડીલનો છાયો તારા પિતાજી થકી મળે તેમાં વાંધો શું છે ?”
ડૉ. રોહિણી હવે સ્વસ્થ થયા અને રોહિતની વાત સાંભળી તેણે પોતાના પિતાજીને સાથે રાખવાનો નિર્ણય કર્યો અને વૃધાશ્રમમાં પણ વાત કરી દીધી. બીજા દિવસથી બંને પતિ-પત્ની અમરકાંતભાઈની સેવામાં લાગી ગયા અને ટુંક સમયમાં અમરકાંતભાઈની તબિયત સુધારવામાંડી અને અઠવાડિયા બાદ જયારે ડૉ. રોહિણી અને ડૉ. રોહિત અમરકાંતભાઈને સાથે પોતાના ઘરે લઇ ગયા ત્યારે અમરકાંતભાઈને ખુબ નવાઈ લાગી પણ, જયારે રોહિણીના ઘરમાં પ્રવેશતાની સાથે પોતાની પ્રથમ પત્ની હેમાની તસ્વીર જોઈ ત્યારે અમરકાંતભાઈને આખી વાત સમજાઈ ગઈ અને ધ્રુસકે-ધ્રુસકે રોહિણીને ભેટીને બસ એટલુંજ બોલ્યા, બેટા આજે મને મારું ખોવાયેલું ધન મળી ગયું. હું ધનવાન બની ગયો.”
ડૉ. રોહિણી એ પણ હરખના આંસુ સાથે પિતાનું સ્વાગત કરીને તેને મીઠાઈનો ટુકડો ખવરાવ્યો અને ઘર આખામાં આ મીઠાશ પ્રસરી ગઈ.