સ્નેહનું બંધન
સ્નેહનું બંધન
શકુંતલાબેન અને શશાંકભાઈ ને આજે મનમાં આનંદ સમાતો નહતો. તેની જયેષ્ઠ પુત્રી દિવ્યા આજે દિલ્લીથી અભ્યાસ પૂર્ણ કરીને પાછી આવી રહી હતી. દિવ્યા એ દિલ્લીમાં પત્રકારત્વની ઉચ્ચ ડીગ્રી પ્રાપ્ત કરી હતી અને હવે આગળ એક મોટી સમાચાર સંસ્થા સાથે જોડાવાની હતી. નાની પુત્રી દેવાંશી હજી કોલેજના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી હતી અને ડોક્ટરની પદવી મેળવવા આગળ વધી રહી હતી. શકુંતલાબેન અને શશાંકભાઈ એ ખુબ સંઘર્ષ કરી ને બંને પુત્રીઓ ને ભણાવી હતી. એક બેંકમાં સાધારણ ક્લાર્ક માટે તો આ શક્ય નહતું માટે શકુંતલાબેને પણ યુવાનીમાં નાના બાળકો ને ટ્યુશન આપી ને કમાણીમાં પતિનો સાથ આપ્યો હતો. જિંદગીના પચાસ વર્ષ સુધી સતત શકુંતલાબેને નાના બાળકો ને શિક્ષણ આપ્યું અને પછી જયારે પોતાની પુત્રીઓ ને તેમના લક્ષ્ય સુધી પહોચાડી દીધી ત્યારે તેમણે આ કાર્યમાંથી નિવૃત્તિ લીધી. શશાંકભાઈ ને તો હજી રીટાયર થવામાં થોડા વર્ષો બાકી હતા એટલે તેઓ પ્રવૃત્તિમય હતા અને નાની પુત્રી દેવાંશીની કારકિર્દી તરફ ધ્યાન આપતા હતા. દિવ્યાની તો તેને હવે ફિકર નહતી કેમ કે દિવ્યા એ જે સ્તરનું શિક્ષણ મેળવ્યું હતું તે પ્રમાણે તે ખુબ પ્રગતિ કરશે તે નિશ્ચિત હતું.
શકુંતલાબેને આજે ઘરમાં નાની ઉજવણી કરવાનું નક્કી કર્યું હતું. દિવ્યાની આવવાની ખુશી માં આજે સત્યનારાયણ ની પૂજા અને પછી સૌ સ્નેહીઓ ને સાથે મળી ને જમણવાર કરવાનું આમંત્રણ આપી દીધું હતું. દિવ્યાની ફ્લાઈટ થોડી મોડી હતી. દેવાંશી અને શકુંતલાબેને આખું ઘર રોશનીથી શણગારી રાખ્યું હતું. શશાંકભાઈ પણ તૈયારીમાં લાગી ગયા હતા.
સત્યનારાયણ ની પૂજા સમાપ્ત થઇ અને દિવ્યાનું આગમન થયું. દિવ્યા એ આવતાની સાથે જ વડીલો અને માતા-પિતાના આશીર્વાદ લીધા. પછી જમણવાર શરુ થયો અને શશાંકભાઈ હરખભેર સૌ મહેમાનો ને મીઠાઈ ખવડાવતા હતા. આખરે તેમની મોટી લાડકડી સફળતાના સીમાડા સર કરીને આવી હતી. ઘર માં આનંદોત્સવ છવાયેલો હતો ત્યાં શશાંકભાઈના પંચ્યાશી વર્ષ ના ફઈબા હસુમતીબેન અચાનક દિવ્યા ને આશીર્વાદ દેતા ગમગીન થઇ ને બોલ્યા,”આજે, જો શિલાભાભી અને સાર્થકભાઈ અને કાર્તિક જીવતા હોત તો દિવ્યા ને જોઈ ને ખુબ રાજી થાત.”
દિવ્યા ને આ વાત ની ખુબ નવાઈ લાગી. કોણ છે આ શિલાભાભી અને સાર્થકભાઈ ? શકુંતલાબેનની આંખમાં પણ આ નામ સાંભળીને આંસુ આવી ગયા અને શશાંકભાઈ થોડીવાર માટે જાણે હસવાનું ભૂલી ગયા હોઈ તેમ ઉદાસ થઇ ગયા. જમણવાર પતિ ગયા પછી દિવ્યા એ પૂછી જ નાખ્યું ,” કોણ છે આ શિલાભાભી અને સાર્થકભાઈ અને કાર્તિક, મમ્મી મેં તો તેનું નામ કદી નથી સાંભળ્યું.” શકુંતલાબેન થોડા મુંઝાઇ ગયા પણ શશાંકભાઈ મન મક્કમ કરી ને બોલ્યા, શકુંતલા, આજે આપણે દિવ્યા ને આ છુપાવેલી વાત જાહેર કરી દેવી જોઈએ, દિવ્યા હવે આપણી પાસે જવાબ માંગે છે. દિવ્યા ને આ વાત સાંભળી ઉત્સુકતા વધી ગઈ. શશાંકભાઈ એ દિલ પર પથ્થર રાખી વાત શરુ કરી અને કહ્યું,” બેટા દિવ્યા સાચી હકીકત તો એ છે કે અમે તારા માતા-પિતા નથી, અમે તો તારા કાકા-કાકી છીએ. તારા સાચા માતા-પિતા તો મારા મોટાભાઈ સાર્થકભાઈ અને શિલાભાભી હતા. તું જયારે દોઢ વર્ષ ની હતી ત્યારે એક પ્રસંગ માં હાજરી આપવા જતા ભાઈ-ભાભી ને અકસ્માત નડ્યો અને તે મૃત્યુ પામ્યા. સદભાગ્યે તું બીમાર હોવાથી તારી કાકી પાસે રોકાણી હતી. પણ અમારા ફૂટેલા કર્મો એવા કે અમારો દીકરો જે ત્રણ વર્ષ નો હતો કાર્તિક તે ભાઈ-ભાભી સાથે ગયો હતો, તેને પણ ભગવાને છીનવી લીધો. કાર્તિક તારાથી મોટો હતો કારણ કે અમારા લગ્ન ભાઈ-ભાભીથી ત્રણ વર્ષ પહેલા થયા હતા. સાર્થકભાઈ ને કોઈ કન્યા પસંદ નહોતી પડતી અને જયારે પસંદ પડી ત્યારે બસ થોડાજ વર્ષો સાથે રહી શક્યા. આવી પરિસ્થિતિમાં અમે તને કાયદેસર રીતે દતક લીધી અને પછી તારા ભણતર અને વિકાસમાં કોઈ બાધા ન રહે માટે અમે સાર્થકભાઈ-શિલાભાભી અને કાર્તિક ત્રણેય ને કાયમ માટે વિદાય આપી દીધી અને તેમની કોઈ પણ યાદગીરી આ ઘરમાં ન રહેવા દીધી. તું જ અમારું સર્વસ્વ બની ગઈ. અને પછી તો જેમ પાનખર પછી વસંત આવે તેમ અમારા જીવન માં દેવાંશી પણ આવી. તમે બંને દીકરીઓ અમારું અભિમાન છો. તારી સાથે તો અમારું સ્નેહનું બંધન. જો, આજે હસુમતી ફઈ આ વાતનું સ્મરણ ન કરાવત તો કદાચ જિંદગીભર અમે તને આ વાતથી અજાણ રાખત.”
દિવ્યા આ વાત સાંભળીને એકદમ ગળગળી થઇ ગઈ. જે કાકા-કાકી એ પોતાની પુત્રીથી પણ વધુ પ્રેમ તેને આપ્યો હતો તે કાકા-કાકીને ગળે વળગીને ખુબ રડી. ત્યાં દેવાંશી બધા માટે પાણીનો ગ્લાસ ભરીને લાવી અને દિવ્યાના મનમાં આ સ્નેહનું બંધન વધારે મજબુત બની ગયું.