Pranali Anjaria

Children Stories Inspirational


5.0  

Pranali Anjaria

Children Stories Inspirational


સાચું શિક્ષણ

સાચું શિક્ષણ

5 mins 525 5 mins 525


અનંતરાય આમ તો એક નાનકડા ગામડાની સરકારી શાળા ના આચાર્ય હતા, પણ તેમનો જુસ્સો અને તેમની કાર્ય પ્રત્યેની ધગશ તેમની અલગ છબી ઊભી કરતી હતી. અનંતરાયનું ધ્યાન શાળાના તમામ વિદ્યાર્થીઓ પર રહેતું. દરેક વિદ્યાર્થી તેમના માટે ખાસ હતો. શાળા ફક્ત ધોરણ દસ સુધીની હતી. વિદ્યાર્થીઓની સંખ્યા પણ દિન-પ્રતિદિન વધતી જતી હતી. શાળામાં તમામ સુવિધાઓ સરકારશ્રી દ્વારા પૂરી પાડવામાં આવતી હતી. 


અનંતરાયનો એક નિયમ હતો કે રોજ શાળામાં લટાર મારીને દરેક વર્ગના વિદ્યાર્થી પર નજર રાખવી અને જો કોઈ વિદ્યાર્થી ભણવામાં નબળો જણાય તો તેના માતા-પિતા ને જાણ કરવી અને તે વિદ્યાર્થી પર શિક્ષક વધારે ધ્યાન આપે તેની કાળજી લેવી. આ નિયમ નું પાલન કરતા-કરતા એક દિવસ અનંતરાય શાળા વિરામ સમયે શાળા ના મેદાન તરફ ગયા. તેમાં તેની નજર ધોરણ આઠ માં અભ્યાસ કરતા વિદ્યાર્થી અજીત પર ગઈ. અજીત ભણવામાં હોશિયાર હતો અને ગામ ના સાધારણ ખેડૂત પરિવાર માં જન્મ્યો હતો. તેના પિતા બંસીધરભાઈ આચાર્ય સાહેબ ના ખાસ મિત્ર અને માતા કમળાબેન એક ગૃહિણી હતા જેમનો આખો સમય પોતાની અંધ દીકરી શીતલ ને સાચવવામાં જતો. બંસીધરભાઈ સ્વભાવે અત્યંત ભોળા હતા, કોઈ તેમને છેતરી જાય તો પણ તેમને જાણ ન થાય. અજીત ને આજે આચાર્ય સાહેબે અલગ સ્વરૂપમાં જોયો. તે તેના વર્ગ ના મિત્રો સાથે ખુબ મશ્કરી કરી રહ્યો હતો અને સાથે-સાથે બધા ભરપેટ નાસ્તો આરોગી રહ્યા હતા. આ નાસ્તો શાળા ની આજુ-બાજુ તો ક્યાય મળતો ન હતો, તો અજીતે આ ક્યાંથી મંગાવ્યો ? શું કમળાબેને બનાવી આપ્યો હશે ?


આ રીતે રોજ થવા લાગ્યું. અજીત કાયમ તેના સહપાઠીઓ ને નાસ્તો કરાવતો અને પોતે પણ કરતો. ક્યારેક આઈસ્ક્રીમ અને ઠંડા-પીણાની મહેફિલ પણ જામતી. અજીતે તો રોજ નજીક ના ફરસાણવાળા ચીમનભાઈ સાથે ગોઠવી રાખ્યું હતું. રોજ ચીમનભાઈ શાળા-વિરામ સમયે અજીત અને તેના મિત્રો માટે ક્યારેક સમોસા, ક્યારેક ખમણ તો ક્યારેક જલેબી-ફાફડા આપી જતા અને સૌ મિત્રો હરખભેર તેને આરોગતા. આવું એક અઠવાડિયું ચાલ્યું. આચાર્ય સાહેબ વિચારતા હતા કે અજીતના પિતા તો અજીત ને આ રીતે રોજ ખોટો ખર્ચ કરવા માટે પૈસા ન આપે પણ તો આખરે અજીત પાસે આ ખર્ચો કરવાના પૈસા આવે છે ક્યાંથી? આચાર્ય સાહેબ અજીત ને રોજ એક સો રૂપિયાની નોટ વાપરતા જોતા હતા. બંસીધરના સામાન્ય કુટુંબમાં આવું રોજ તો ન પાલવે, તેથી આચાર્ય સાહેબે તારણ કાઢ્યું કે નક્કી અજીત ગેરમાર્ગે દોરવાય ગયો છે અને ખર્ચો કરવાની લત તેને પડી છે. કદાચ આ પૈસા તે પોતાના પિતાના ગજવામાંથી ચોરી ને પણ લાવતો હોય તેવું બને. આચાર્ય સાહેબ બંસીધર ને મળ્યા અને આ બાબતે પૂછ્યું તો તેણે જણાવ્યું કે હું તો અજીત ને માત્ર પચ્ચીસ રૂપિયા ટીકીટ ભાડા માટે ના આપું છું. બાકી સો રૂપિયા વિષે મને કોઈ ખ્યાલ નથી. આચાર્ય સાહેબ આટલામાં બધુજ સમજી ગયા.


 શાળામાં અજીતની આ પ્રવૃત્તિ બધે ચર્ચાનો વિષય બની હતી. અજીતે બીજા અઠવાડિયે પણ પોતાનો ક્રમ જાળવી રાખ્યો અને રોજ પ્રમાણે સો રૂપિયાની નોટ કાઢવા પોતાના પાકીટમાં હાથ નાખ્યો તો બધાના આશ્ચર્ય વચ્ચે તેમાં એક પૈસો પણ ન નીકળ્યો. અજીત ને નવાઈ લાગી. તેને ચીમનભાઈ ફરસાણવાળા ને કાલે ચૂકવી આપીશ એવો વાયદો કરીને વળાવ્યા. 


બીજા દિવસે પણ અજીત સાથે આવી જ ઘટના ઘટી. તેના પાકીટમાંથી પૈસા કોઈ ચોરી લેતું હોય તેવી તેને શંકા ગઈ. ત્રીજા દિવસે પણ અજીતના પાકીટમાંથી સો રૂપિયા ગાયબ હતા. અજીતથી હવે ન સહેવાયું તેથી તેને આવનારા બીજા દિવસે આ ચોર ને પકડી પાડવાનો નિર્ધાર કર્યો. અજીત જાણી જોઈ ને પોતાનું પાકીટ વર્ગમાં મૂકીને બહાર નીકળ્યો, પાછળથી ચિંતન નામનો વિદ્યાર્થી વર્ગ માં દાખલ થયો અને અજીતના પાકીટમાંથી સો રૂપિયા કાઢી લીધા. અજીતે આ બધું જોતાની સાથે જ પકડી પાડ્યું અને ચિંતનને રંગે હાથે પકડ્યો. અજીત અને ચિંતનની વચ્ચે ખુબ મારામારી થવા લાગી.


શાળામાં આ મારામારી ના સમાચાર ફેલાયા અને આચાર્ય સાહેબ તેમજ બધા શિક્ષક વર્ગમાં દોડી ગયા. અજીત ચિંતનને છુટા હાથે મારી રહતો હતો. આચાર્ય સાહેબે ચિંતનનો હાથ પકડી તેને છોડાવ્યો અને અજીતને ઠપકો આપતા બોલ્યા, આ શું શિસ્તભંગ કરો છો તમે શાળામાં? અજીત, તારા પિતા ને કાલે મળવા માટે બોલાવી લાવજે. હું, તેમને તારી હકીકત જણાવવા માંગું છું. અજીત તો આચાર્યસાહેબ પર પણ ગુસ્સે થઇ ગયો. તે અનંતરાય આચાર્ય ને કહેવા લાગ્યો,” સાહેબ, આ ચિંતને ચાર-ચાર વખત મારા પાકીટમાંથી સો રૂપિયાની ચોરી કરેલ છે. તેને સજા તો મળવી જોઈએ, અને તમે મારા પિતા ને બોલાવવા માંગો છો. ગુનો તો ચિંતને કર્યો છે.


અનંતરાય એ હવે હકીકત જણાવતા કહ્યું, “ અજીત, ચિંતને કોઈ ગુનો નથી કર્યો. તેને તો આ ચોરી કરવા મેં કહ્યું હતું. રોજ સવારે શાળામાં પ્રાર્થના વખતે તારા ખીસ્સામાંથી ચીવટપૂર્વક તે પાકીટ કાઢી ને સો રૂપિયા લેતો હતો અને આજે વર્ગમાં પાકીટ હોય તેણે ત્યાં તારા પાકીટમાંથી ઉઠાંતરી કરી. આ બધું તારી આંખ ઉઘાડવા કર્યું છે. ચિંતને ખાલી મારી આજ્ઞાનું પાલન કર્યું છે. જયારે તું તારા પિતાના ગજવામાંથી સો રૂપિયા ચોરી લેતો હોઈશ ત્યારે તારા પિતાની પણ આ જ હાલત થતી હશે. તે ક્યારેય આ વિષે વિચાર્યું છે. મહા-મહેનતે, ડુંગળી અને કપાસના વાવેતરમાંથી પૈસા ઉભા કરી તારા પિતા ઘરનું ગુજરાન ચલાવે છે. ઉપરથી તારી અને તારી પ્રજ્ઞાચક્ષુ બહેનની જવાબદારી પણ સંભાળે છે. આવા સમયે તું પોતાના મોજ-શોખ પુરા કરવા ખોટો ખર્ચ કરે છે અને પિતા નો વિશ્વાસઘાત કરી ને ચોરી કરે છે. જયારે કોઈ ચોરી કરતા પકડાય ત્યારે તેનું શું પરિણામ આવે તે તને ખ્યાલ આવી ગયો હશે, માટે હવે, સુધરી જા. તારા પિતા જયારે કોઈ જરૂરી વસ્તુ ખરીદવા ગજવું ખોલતા હશે ત્યારે કાયમ આર્થિક રીતે ટુંકા પડતા હશે તારા કારણે. તને તો આ વાતનો અફસોસ થવો જોઈએ. “ 


અજીતને કાપો તો લોહી ન નીકળે તેવી હાલત થઇ ગઈ અને તે આચાર્યના પગે પડીને માફી માંગવા લાગ્યો. આચાર્ય સાહેબે તેને આવતા બે વર્ષ સુધી શાળામાં તેનું પાકીટ ચકાસી ને બેસવા દેવામાં આવશે તેવી સજા કરી. અજીત રડમસ થઇ ગયો અને જીવનમાં આવું પગલું ફરી ક્યારેય નહી ભરે તેવું વચન આપ્યું અને સજા કબુલ રાખી.


આ ઘટના પછી અજીતમાં ખુબ પરિવર્તન આવ્યું અને તે હોશિયાર તો ભણવામાં હતો જ પણ હવે વધારે ધ્યાનપૂર્વક ભણવા લાગ્યો. અનંતરાય આચાર્યની ખ્યાતિ વિદ્યાર્થીઓમાં અને બીજા શિક્ષકો માં વધતી જ ગઈ અને તેઓ આ રીતે અનેક વિદ્યાર્થીઓના જીવનને સુધારતા રહ્યા અને સાચા શિક્ષણની પરિભાષા સમજાવતા રહ્યા.Rate this content
Log in