Abid Khanusia

Romance Inspirational

3.6  

Abid Khanusia

Romance Inspirational

ગેરસમજ

ગેરસમજ

9 mins
23.9K


આખરે સુમિત અને સુસ્મિતાના છુટાછેડાના ચૂકાદાનો દિવસ આવી પહોંચ્યો. તેમના કેસનો ચૂકાદો કદાચ સવારના સેશનમાં આવશે તેથી સમયસર આવી જવા સુમિતના વકીલે તેને કહ્યું હોવાથી તે થોડોક વહેલો આવી ગયો હતો. ન્યાયમંદિર સંકુલમાં ફેમીલી કોર્ટની બહાર મુકેલા આધુનિક બાંકડા પર સુમિત લાંબો થઈને બેઠો હતો. ન્યાયાલય સંકુલમાં ધીરે ધીરે ચહલપહલ વધવા માંડી હતી. સુમિત આંખો બંધ કરી કંઈક વિચારી રહ્યો હતો ત્યારે તેના કાને કોઈ સ્ત્રીનો અવાજ પડ્યો. “ રહેવા દો, તમને એમાં ખબર નહિ પડે ”. તેના લગ્ન જીવનના શરૂઆતના દિવસોમાં સુસ્મિતા અવાર નવાર તેને વિશિષ્ટ લહેકામાં આ શબ્દોથી ટોકતી હતી. માનો કે તે સુસ્મિતાનું “તકિયાકલામ” હતું. તેણે આંખો ખોલી તો ૬૦ વર્ષની આસપાસની ઉંમર ધરાવતું એક સુશિક્ષિત અજાણ્યું જોડું તેની સામે ઊભું હતું. તેમના ચહેરા ઉપર માયાળુ હાસ્ય જોઈ સુમિત પણ હસ્યો. તેણે તે જોડાને બાંકડા પર બેસવા માટે જગ્યા કરી આપી. બંને જણા તેની આજુબાજુ બેસી ગયા. એક પળ પછી પેલા અજાણ્યા પુરુષે કહ્યું ,” મારું નામ વિક્રમસિંહ છે અને હું નિવૃત્ત ડી.એસ.પી. છું. આ મારી પત્ની રાજેન્દ્રકુમારી. તે પણ તાજેતરમાં સમાજકલ્યાણ અધિકારીના હોદ્દા પરથી નિવૃત્ત થઈ છે.” તેમની આંખોમાં સુમિતનો પરિચય મેળવવાના ભાવો જોઈ સુમિત બોલ્યો, “ હું સુમિત પટેલ, સોફટવેર એન્જીનીયર છું અને એક મલ્ટી નેશનલ કંપનીમાં ટીમ હેડ તરીકે કામ કરું છું.” 

“ખુબ સરસ” રાજેન્દ્રકુમારી બોલ્યા. વિક્રમસિંહે પૂછ્યું, “કોઈ કેસ છે?” સુમિત થોડોક સમય ચૂપ રહી બોલ્યો “હા, અમારો છૂટાછેડાનો કેસ આ કોર્ટમાં ચાલે છે અને આજે તેનો ચૂકાદો આવવાનો છે. રાજેન્દ્ર્કુમારી બોલ્યા “ ખુબ દુ:ખદ..!!!” સુમિત કંઈ બોલ્યા વિના ચૂપ રહ્યો. તેટલામાં સુમિતના વકીલે આવીને સમાચાર આપ્યા કે ફેમીલી કોર્ટના જજ શ્રીમતી સુજાતા મહેતા આજે સીક લીવ પર હોઈ આજે તેના કેસનો ચૂકાદો આપવામાં નહીં આવે. હવે પછીની તારીખ મેળવી તેની જાણ કરવાનું કહી સુમિતનો વકીલ ચાલ્યો ગયો. સુમિતે આજે ઓફિસમાં રજા મૂકી હતી એટલે હવે શું કરવું તેનો વિચાર કરતો હતો ત્યાં વિક્રમસિંહ સાહેબ ખુબ મૃદુ આવાજે આત્મીયતાથી બોલ્યા “ સુમિત જો તને વાંધો ન હોય તો આપણે કોઈ સારી હોટલમાં જઈ સાથે લંચ કરીએ.” સુમિત માટે આ ઓફર અણધારી હતી. સુમિતના જવાબની રાહ જોયા વિના વિક્રમસિંહે સુમિતનો હાથ પકડી તેને ઊભો કર્યો. સુમિત તેમના આગ્રહને ટાળી ન શકયો. ત્રણે જણા ન્યાયમંદિરની પાસે આવેલીએ એક મશહુર હોટલમાં દાખલ થયા. વિક્રમસિંહે હોટલમાં એ.સી. પાસેનું એક અલાયદું ટેબલ પસંદ કર્યું અને મેનુ જોઈ જમવાનો ઓર્ડર આપ્યો.  

સૂપ પીરસાયા બાદ રાજેન્દ્રકુમારી બોલ્યા, “સુમિત, અમે નિવૃત્તિ પછી સમાજસેવાનું કામ કરીએ છીએ. ખાસ કરીને ઘરેલું સમસ્યાઓના સમાધાનના પ્રયત્નો કરીએ છીએ. જો તમને વાંધો ન હોય તો તમારા જીવનમાં આ દુઃખદ પ્રસંગ કેમ બન્યો તે અમારે જાણવું છે અને જો શક્ય હોય તો તમને બંનેને ફરીથી એક કરવા છે. રાજેન્દ્રકુમારીના આવાજમાં સુમિતને એક માતાના હૃદયની લાગણીભરી વેદનાનો પડઘો પડતો સંભળાયો. બે ક્ષણ વિચારી તેણે તેની વાત ચાલુ કરી. સુમિતની વાતનો સાર આ મુજબ હતો.

સુમિત અને સુસ્મિતાના એરેન્જડ મેરેજ હતા. બંનેના ખાનદાન સમાજમાં મોભાનું સ્થાન ધરાવતા હતા. સુસ્મિતા ફાયનાન્સમાં એમ.બી.એ. કરી એક પ્રાઇવેટ બેંકમાં નોકરી કરતી હતી. સુમિત સોફટવેર એન્જીનીયર હતો અને એક મલ્ટી નેશનલ કંપનીમાં ટીમ હેડ તરીકે કામ કરતો હતો. બંનેનું શરૂઆતનું લગ્ન જીવન ખુબ સુખી હતું. સુમિતની કંપની સવારે નવ વાગે શરુ થતી એટલે તે સવારે નાસ્તો કરી ઓફિસે ચાલ્યો જતો હતો અને ઓફિસની કેન્ટીનમાં લંચ લેતો હતો. સુસ્મિતા ઘરે રસોઈ બનાવી લંચબોક્ષ લઇ ઓફિસે જતી. સાંજે બંને ડીનર સાથે જ લેતાં. બંને ખુબ સુખી હતા. તેમના ઘરમાં કપડાં, વાસણ અને પોતા માટે એક બાઈ રાખવામાં આવી હતી જે બધું કામ કરી જતી. સુમિતે સુસ્મિતાને રસોઈ કરવા માટે એક રસોઈયો રાખી લેવા કહ્યું પણ તેને પોતાના હાથે રસોઈ બનાવી સુમિતને જમાડવાનો શોખ હોવાથી તેણે રસોઇયો રાખવાની સ્પષ્ટ ના પાડી દીધી. સુમિતને ઘણી વાર ઓફિસેથી આવતાં મોડું થાય તો પણ સુસ્મિતા કદી એકલી જમતી નહિ. સુમિત સુસ્મિતાને ઘણી વાર કહેતો કે જો મારે આવવામાં મોડું થાય તો તેણે ડીનર પતાવી દેવું. પણ “બેસો, તમને તેમાં સમજણ નહી પડે...!!” કહી સુસ્મિતા તેની રાહ જોતી. સુસ્મિતા ખુબ રમતિયાળ હતી. હમેશાં હસતી રહેતી અને તેની ફની હરકતોથી સુમિતને હસાવ્યા કરતી. 

એક દિવસે સુમિત ઘરે આવ્યો ત્યારે સુસ્મિતા ડાયનીંગ ટેબલ પર તેના માટે રસોઈ મૂકી સૂઈ ગઈ હતી. કદાચ બીમાર હશે અથવા થાકી ગઈ હશે તેમ માની સુમિત બેડરૂમમાં ગયો તો સુસ્મિતા સૂઈ ગઈ હતી પરંતુ તેના ગાલ પર સૂકાઈ ગયેલા આંસુ જોઈ સુમિતને લાગ્યું કે કદાચ તે ખુબ રોઈ હશે. સુસ્મિતાને જગાડવાનું ઉચિત ન લાગવાથી તે પણ ડીનર લઇ સૂઈ ગયો. સુમિત સવારે જાગ્યો ત્યારે સુસ્મિતા ઘરમાં ન હતી. ડાયનીંગ ટેબલ પર એક ચિઠ્ઠી હતી જેમાં સુસ્મિતાનો સંદેશ હતો કે “ હું હંમેશ માટે મારા મમ્મી પપ્પાના ઘરે જાઉં છું. મને તેડવા આવતા નહિ.” સુમિત પર જાણે આભ તૂટી પડ્યું. સુમિત માટે સુસ્મિતાનો સંદેશો અચરજ પમાડનાર હતો. કેમકે તેમની વચ્ચે કોઈ ઝઘડો, અણબનાવ કે બોલાચાલી થઇ નહતી તેથી કઈ બાબતે સુસ્મિતાને ખોટું લાગ્યું તે કળવું સુમિત માટે અઘરૂ થઇ પડ્યું. સુસ્મિતાનો મોબાઈલ બંધ આવતો હતો. સુમિત સુસ્મિતાની ઓફિસે ગયો. હજુ ઓફીસ ખુલવાને વાર હતી. સફાઈ કર્મચારીને સુસ્મિતા વિષે પૂછ્યું તો તેણે જણાવ્યું કે “મેડમ તેમનો રજાનો રીપોર્ટ અને કબાટની ચાવી આપી અહીંથી જતાં રહ્યા છે.” તેણે ફરીથી સુસ્મિતાને મોબાઈલ પર કોન્ટેક્ટ કરવા પ્રયત્ન કર્યો પરંતુ તેનો મોબાઈલ હજુ બંધ આવતો હતો. સુમિતને સુસ્મિતાની ખુબ ફિકર થવા લાગી. સુસ્મિતાના મમ્મી પપ્પા ગામડે રહેતા હતા અને ત્યાં પહોચવામાં ઓછામાં ઓછા ત્રણ કલાક લાગે તેમ હતા. હાલ તેમને ફોન કરી સુસ્મિતા વિષે જાણકારી મેળવવાનું તેને ઉચિત ન લાગ્યું. 

લંચબ્રેકમાં સુમિતે સુસ્મિતાને મોબાઈલ પર સંપર્ક કરવા પ્રયત્ન કર્યો. સુસ્મિતાએ મોબાઈલ રીસીવ ન કર્યો. તેણે તેના સસરાનો ફોન પર સંપર્ક કર્યો અને સુસ્મિતા ત્યાં પહોચી છે કે કેમ તે વિષે જાણકારી મેળવી. તેમણે કહ્યું કે સુસ્મિતા ત્યાં પહોચી ગઈ છે પરંતુ ખુબ અપસેટ છે અને કોઈ પણ કારણ જણાવ્યા સિવાય અવારનવાર રડ્યા કરે છે. સુસ્મિત રાત્રે તેની સાસરીએ પહોચી ગયો. સુસ્મિતા તેની સાથે કોઈ વાત કરતી ન હતી. તેણે તેને કઈ બાબતે વાંકું પડ્યું છે તે બાબત જાણવા માંગી પરંતુ તેણે કંઈ જણાવ્યું નહી. સવારે પરત ફરતી વખતે ફરીથી તેણે સુસ્મિતાને પોતાનાથી કોઈ ભૂલ થઇ હોય તો તેની માફી માગી અને તેની સાથે ઘરે ચાલવા જણાવ્યું. તે ચૂપ રહી. તે ગાડીમાં બેઠો ત્યારે તેની સાસુમા આવી એટલું જણાવી ગયા કે “ જમાઈરાજ, તમે સુસ્મિતા સાથે દગો કર્યો છે તેવું તે જણાવે છે.” દગો અને શાનો દગો તે સુમિત સમજી શકયો નહિ. થોડા દિવસોમાં બધું થાળે પડી જશે તેવું વિચારી તે પરત ફર્યો.

એક મહિના સુધી સુસ્મિતા તરફથી કોઈ સમાચાર ન આવ્યા પરંતુ એક દિવસે તેને સુસ્મિતાના વકીલ મારફતે છૂટાછેડા મેળવવાની નોટીસ મળી. છૂટાછેડાનો કેસ કોર્ટમાં દાખલ થયો. સુસ્મિતાના વકીલે સુમિતને અન્ય સ્ત્રી સાથે અફેર છે અને તે વ્યભિચારી છે તેવો આરોપ મૂકી બંનેના છૂટાછેડા કરી આપવા નામદાર કોર્ટને અપીલ કરી. તેના સમર્થનમાં વકીલે એક સ્ત્રીના પ્રેમનો એકરાર કરી તેની સાથે લગ્નનો પ્રસ્તાવ મૂકતો કોમ્પ્યુટર પર ટાઈપ થયેલો એક પત્ર નામદાર કોર્ટમાં પુરાવા રૂપે રજુ કર્યો જે પત્ર સુસ્મિતાના કહેવા મુજબ તેને સુમિતના કોટના ખીસામાંથી મળ્યો હતો. સુમિત દિગ્મૂઢ થઇ ગયો. તે પત્રની હકીકત નીચે મુજબ હતી.    

 અગાઉ તેમની ટીમ હેડ મિસ સૂર્યાકુમારી રાજવંશ હતી. એક દિવસે સૂર્યાએ સુમિતને ઓફીસ અવર્સ પછી થોડો સમય રોકાવા વિનંતિ કરી. બધો સ્ટાફ ચાલ્યો ગયો ત્યારે સૂર્યાએ સુમિતને તેની ચેમ્બરમાં બોલાવ્યો અને તે પત્ર આપ્યો. તે ખુબ અપસેટ હતી. પત્ર વાંચી સુમિત કંઈ સમજ્યો નહિ કેમકે પત્ર લખનારનું નામ ન હતું. સુમિત સમજયો કદાચ કોઈએ સૂર્યાને હેરાન કરવા આ નનામો પત્ર લખ્યો હશે. સૂર્યાએ કહ્યું, “આ પત્ર મને આપણી ટીમનો સભ્ય વિનેન્દ્રસિંહે હાથોહાથ આપી ગયો છે અને બે દિવસમાં તે અંગે જવાબ માંગ્યો છે. વિનેન્દ્ર ખુબ સારો છોકરો છે તે ઘણા સમયથી મારી તરફ આકર્ષાયો છે તે હું જાણું છું. તે આમારી જ્ઞાતિનો અને કુલીન ખાનદાનનો દિકરો છે. મને પણ તે ગમે છે. જો અમે લગ્ન કરીએ તો તે મને ખુબ સુખ આપી શકે તેમ છે પરંતુ હું તેની સાથે લગ્ન કરી શકું તેમ નથી કેમકે હું લ્યુકેમિયા (બ્લડ કેન્સર)ની દર્દી છું. તેથી કદાચ હું લાંબુ નહી જીવી શકું. હું વિનેન્દ્રને આ બાબત સમજાવી નહિ શકું. તે ખુબ સંવેદનશીલ છે એટલે મેં આજે જોબમાંથી રાજીનામું આપ્યું છે. હું આવતી કાલથી આવવાની નથી અને થોડાક દિવસોમાં સારવાર માટે હું અમેરિકા જવાની છું. તો સુમિત પ્લીઝ, તમે આ બાબત મારા વતી સાંભળી લેજો ને.” એમ કહી સૂર્યાએ તે પત્ર સુમિતને આપ્યો, જે લઇ સુમિત ઘરે આવ્યો. 

બીજા દિવસે સવારે કપડાં ધોતો વખતે પેલો પત્ર સુસ્મિતાના હાથમાં આવ્યો. તેને ગેરસમજ થઇ અને સુમિતને ખુલાસો કરવાનો મોકો આપ્યા સિવાય તે રિસાઈને ચાલી ગઈ. બીજા દિવસે સૂર્યાના રાજીનામાની વાત જાણી વિનેન્દ્ર તરત ઓફીસ છોડી ચાલ્યો ગયો અને ત્યારથી તે ઓફિસે આવતો ન હોવાથી સુમિત તેને સૂર્યાનો સંદેશો પહોંચાડી શકયો નહિ. ત્યારબાદ તો તે પણ તેના પ્રોબ્લેમમાં ફસાઈ ગયો અને તે બાબતને ભૂલી પણ ગયો. 

સુમિતની વાત સાંભળી રાજેન્દ્રકુમારીની આંખોમાંથી ટપટપ આંસુ વહેવા માંડયા. વિક્રમસિંહે પોતાની પત્નીની પીઠ પર હાથ મૂકી તેને આશ્વાસન આપ્યું. તે સુમિત સામે જોઈ ગળગળા અવાજે બોલ્યા “વિનેન્દ્ર મારો પુત્ર છે. તેણે સૂર્યાને પ્રોપોઝ કર્યું હતું. સૂર્યાનું અનુમાન એકદમ સચોટ હતું. સૂર્યાના રાજીનામાના સમાચાર જયારે તેણે જાણ્યા તો તેને ખુબ લાગી આવ્યું. તેને થયું કે સૂર્યાએ તેના પ્રોપોઝ કરવાના કારણે આટલી સરસ જોબ છોડી દીધી છે. તે ઘરે આવી ખુબ રડ્યો અને ત્યારથી તે ડિપ્રેશનનો શિકાર થઇ ગયો છે. અમે તેની ખુબ સારવાર કરાવીએ છીએ પરંતુ હજુ તે આધાતમાંથી બહાર નીકળી શકયો નથી એટલે ધાર્યું પરીણામ મળતું નથી.” થોડીકવાર શાંતિ છવાઈ ગઈ. વાતાવરણમાં ગમગીની છવાઈ ગઈ. તેમણે જેમ તેમ કરી લંચ પૂરું કર્યું. 

 વિક્રમસિંહે સુમિતને કહ્યું “ વિનેન્દ્રના પ્રસંગને કારણે અમને જીવનમાંથી રસ ઓછો થઇ ગયો હતો. ફેમીલી કોર્ટના જજ શ્રીમતી સુજાતા મહેતા અને તેમના પતિ અમારા મિત્ર છે. તેમણે અમારા જીવનને પૂર્વવત કરવા લોકોની ઘરેલું સમસ્યાઓમાં રસ લઇ સમાધાનના પ્રયત્નો કરવાની સલાહ આપી. અમને તેમની વાત પસંદ આવી અને અમે સ્વેચ્છાએ આ સમાજ સેવાનું કામ ઉપાડી લીધું. તમારા કેસમાં કોઈ એવું કારણ ન હતું જેથી તમને છૂટાછેડા આપી શકાય. શ્રીમતી સુજાતાએ અમને તારો અને સુસ્મિતાનો સંપર્ક કરી સમાધાન કરાવવાનો પ્રયત્ન કરવા જણાવ્યું. અમે સુસ્મિતાને મળી વિગતો જાણી. તેની પાસે તારી બેવફાઇના કોઈ ચોકકસ પૂરાવા ન હતા તેથી તેને કોઈ ગેરસમજ થઇ હોવાનું અમે તારણ કાઢ્યું. અમે તેને જીદ છોડી આ છૂટાછેડાનો કેસ પરત ખેચવા વિનંતિ કરી. સુસ્મિતાના મા બાપ પણ સમાધાન ઈચ્છે છે. ખુબ સમજાવટ પછી તે માની ગઈ છે. અમે તેના વકીલ સાથે પણ વાત કરી લીધી છે. આ બધી પ્રક્રિયામાં ઘણો સમય વેડફાઈ ગયો. હજુ તારી સંમતિ મેળવવાની બાકી હતી ત્યાં ચૂકાદાની તારીખ આવી ગઈ. ફેમીલી કોર્ટના જજ શ્રીમતી સુજાતા મહેતાએ એટલે જ આજે સીક લીવ મૂકી છે જેથી તારી સંમતિ મેળવી શકાય. સુસ્મિતા અને તેના પેરેન્ટ્સ મારા ઘરે છે. તું જો સંમત થાય તો તમારો સંસાર પુન: શરુ થઇ શકે તેમ છે. સુમિતને વિચારવાનો થોડોક સમય આપી ટૂંકા વિરામ બાદ વિક્રમસિંહ બોલ્યા “ બોલ તારો શો નિર્ણય છે ? તું સંમતિ આપે છે ?” સુમિતે સંમતિમાં માથું હલાવ્યું.

વિક્રમસિંહ અને રાજેન્દ્રકુમારી સુમિતને તેમના ઘરે લઇ ગયા. સુમિતે વિનેન્દ્રને સુસ્મિતાની હાજરીમાં સૂર્યાનો સંદેશો આપ્યો. વિનેન્દ્ર સુમિતની વાત સાંભળી ખુબ ખુશ થયો અને સુસ્મિતાની ગેરસમજ પણ દૂર થઇ. વિનેન્દ્રના મગજ પરથી એક મોટો બોજો ઉતરી ગયો હોય તેવું તેણે અનુભવ્યું. તે એકદમ નોર્મલ દેખાવા લાગ્યો. વિક્રમસિંહે સુમિતને બાથમાં લઇ તેનો આભાર માન્યો. રાજેન્દ્રકુમારીએ સુમિતનાં માથે હાથ મૂકી તેને સુખી લગ્ન જીવનના આશીર્વાદ આપ્યા. સુમિત તેમને વંદન કરી સુસ્મિતાને લઇ પોતાના ઘરે આવ્યો. દરવાજો ખોલ્યો તો સુસ્મિતાએ ઘર એકદમ અસ્ત વ્યસ્ત જોયું. સુસ્મિતા બધી ચીજો એકઠી કરી ગોઠવવા માંડી. સુમિતે સુસ્મિતાને કહ્યું “ થોડોક આરામ કર, પછી બધું ગોઠવીશું.” સુસ્મિતાએ તેના વિશિષ્ઠ લહેકામાં પેલો ચીર પરિચિત તકિયાકલામ “બેસો, તમને એમાં ખબર નહિ પડે” બોલી ઘર ગોઠવવાના કામમાં લાગી ગઈ. સુમિતના ચહેરા પર હાસ્ય ફરી વળ્યું. 


Rate this content
Log in

More gujarati story from Abid Khanusia

Similar gujarati story from Romance