Prashant Subhashchandra Salunke

Drama Inspirational

5.0  

Prashant Subhashchandra Salunke

Drama Inspirational

એકતાનગરમાં પીઝા ડિલિવરી બોય

એકતાનગરમાં પીઝા ડિલિવરી બોય

4 mins
395


“આ ઘોષ બાબુનું ઘર ક્યાં છે?” પીઝા ડિલિવરી બોયે ઉતાવળમાં થોમસને પૂછ્યું. થોમસે એક દિશા તરફ આંગળી ચીંધતા કહ્યું, ‘અહીંથી ડાબી બાજુ વળી... બે ગલી છોડી દેજો... ત્યારબાદ જે વળાંક આવે ત્યાં ઉભા રહીને કોઈકને પૂછી લેજો.”

પીઝા ડિલિવરી બોયે ઉતાવળમાં બાઈક હંકારી મૂકી. થોમસ વિદેશથી ભારતના નગરો અને તેમાં વસતા નાગરિકોનો અભ્યાસ કરવા આવેલ એક વિદેશી સંશોધક હતો. થોમેસે પીઝા ડિલિવરી બોયને આમ ઘોષબાબુના ઘરનું ખોટું સરનામું કહેતા જોઈ પાસે ઉભેલા પેસ્તનબાબાને અચરજ થયું. તેમણે પૂછ્યું, “થોમસબાબા, આ ઘોષબાબુનું ઘર તો સામે જ આવેલું છે ની... તો પછી તમે એ પેલા પીઝા ડિલિવરી બોયને આમ ગોળ ચક્કર કેમ મરાવ્યો?”

થોમસે એક આંખ મીચકારી કહ્યું, “આજે આપણા ઘોષબાબુ મફતમાં પીઝા ખાશે.”

પેસ્તનબાબા બોલ્યા, “એ કેવી રીતેની બાબા?”

થોમસભાઈ બોલ્યા, “જુઓ એ પીઝા ડિલિવરી બોય હવે આ એકતા નગરની ગલીઓમાં એવો તો મુંઝવાઈ જશે કે તે નિયત સમયમાં ઘોષબાબુના ઘરે પીઝા ડિલિવર નહીં કરી શકે... પરિણામે કંપનીના નિયમ મુજબ ઘોષબાબુને પીઝાના પૈસા ચૂકવવા નહીં પડે.”

પેસ્તનબાબા અચરજથી થોમસ તરફ જોઈ રહ્યા.

થોમસ ખડખડાટ હસતા બોલ્યો, “ભારતીયોને મફતમાં વસ્તુ કેવી રીતે મેળવવાની તે શીખવાડવું ન પડે... એ તો તેમની ગળથુથીમાં જ વણાઈ ગયું છે. એક કામ કરીએ... આપણે દગડુભાઉ, પટેલભાઈ, બલ્લુભાઈ અને મુસ્તાકભાઈને પણ ફોન કરીને કહી દઈએ કે પીઝાબોયને ઘોષબાબુના ઘરનું ખોટું એડ્રેસ આપજો એમ...”

પેસ્તનબાબા બોલ્યા, “થોમસબાબા, તમે ફોન કરો... મારે જરા કામ છે.” આમ કહી પેસ્તનબાબાએ તેમનું સ્કુટર હંકારી મુક્યું.

થોમસભાઈ સહુને ફોન કરવામાં વ્યસ્ત થઇ ગયા.

સાંજે....

થોમસ વસ્તીમાં દગડુભાઉ, પટેલભાઈ, બલ્લુભાઈ અને મુસ્તાકભાઈ જોડે વાતોએ વળગ્યો હતો. ત્યાં સામેથી ઘોષબાબુને આવતા જોઈ તે બોલ્યો, “બાબુમોશાય... પીઝા કેવો લાગ્યો?”

ઘોષબાબુએ મસ્તનો ઈશારો કરતા કહ્યું, “ઝકાસ....”

થોમસે એક આંખ મીચકારી કહ્યું, “મફતનો પીઝા ઝકાસ જ લાગે ને.”

ઘોષબાબુ બોલ્યા, “થોમસભાઈ, મને પુરા અઢીસોનો પીઝા મસ્ત લાગ્યો.”

થોમસે કહ્યું, “મતલબ!!! પીઝા ડિલિવરી બોય તમારા ઘરે સમયસર આવી ગયો હતો?”

ઘોષબાબુ બોલ્યા, “હા...”

થોમસે કહ્યું, “એ કેવી રીતે શક્ય છે?”

ઘોષબાબુ બોલ્યા, “અરે! બિચારો પીઝા ડિલિવરી બોય તો આપણી એકતા નગરની ગલીઓમાં અટવાઈ જ ગયો હતો. તેમાંય કોઈક બદમાશે તેને ઉંધે રસ્તે ચડાવ્યો હતો. એ તો ભલું થાઓ પેસ્તનબાબાનું કે તેઓ પીઝા ડિલિવરી બોયને સમયસર મારા ઘરે લઇ આવ્યા હતા.”

થોમસે હોઠ બીડીને ગુસ્સામાં કહ્યું, “આ પેસ્તનબાબા પણ ખરા લુચ્ચા નીકળ્યા. ઘોષબાબુ આજે તમને મફતમાં પીઝા મળ્યો હોત પણ પેસ્તનબાબાને લીધે પીઝાબોય તમારા ઘરમાં સમયસર ડિલિવરી કરવા આવ્યો અને...”

“મોડો આવ્યો હોત તો પણ ઘોષબાબુએ તેને પીઝાના પૈસા ચૂકવ્યા જ હોત...” પાછળથી આવતા પેસ્તનબાબા બોલ્યા. “વળી તમે ભલે દગડુભાઉ, પટેલભાઈ, બલ્લુભાઈ અને મુસ્તાકભાઈને ફોન કરીને પીઝા ડિલિવરી બોયને ખોટું સરનામું આપવા કહ્યું હતું પરંતુ જો પીઝા ડિલિવરી બોયે આમાંથી કોઈને પણ પૂછ્યું હોત તો તેમણે સાચું જ સરનામું દેખાડ્યું હોત.”

થોમસે સહુ સામે જોયું. તો તેમણે હકારમાં માથું હલાવ્યું.

બલ્લુભાઈ બોલ્યા, “ઓયે, આજ પછી આવા ફોન અમને કરવાની હિમંત પણ કરતો નહીં... તારા દેશની ગંદી સોચ તારી પાસે જ રાખ સમજ્યો?”

પેસ્તનબાબાએ થોમસના ખભે હાથ મુકતા કહ્યું, “થોમસબાબા, અમે ભારતીયોને મફતમાં વસ્તુ કેવી રીતે મેળવવાની તે શીખવાડવું ન પડે... એ તો અમારી ગળથુથીમાં જ વણાઈ ગયું છે. પરંતુ કોઈકના મોઢાનો કોળીયો કેવી રીતે ઝૂંટવવો તે તમો વિદેશીઓ જ સારી રીતે જાણો છો. હા... અમે ભારતીયો વસ્તુની ખરીદી વખતે રકઝક કરીએ. એક એક રૂપિયા માટે ગ્રાહક અને વ્યાપારી વચ્ચે જીભાજોડી થાય છે કારણ અમે બંને મહેનત અને ઈમાનદારીથી કમાવેલા એક એક રૂપિયાની કિંમત જાણીએ છીએ.”

થોમસ નીચું જોઈ ગયો.

દગડુભાઉ બોલ્યા, “થોમસભાઈ તમારા જેવા વિદેશીઓએ જ ભારતવાસીઓની નૈતિકતા ખંડિત કરીને તેમને અળવે માર્ગે ચડાવ્યા છે. કંપનીના નિયમ મુજબ ઘોષબાબુને પીઝાના પૈસા ચૂકવવા નહીં પડે પરંતુ તેની કિંમત એ પીઝા ડિલિવરી બોયને ભોગવવી પડશે તેનું શું?

મુસ્તાકભાઈએ કહ્યું, “અહીં અમે સહુ આખો દિવસ ઈમાનદારીથી મહેનત મજૂરી કરીને રોજીરોટી ક્માવીએ છીએ. તેથી અમને એ વાતનો અહેસાસ છે કે જયારે પીઝાબોયને તેના ખિસ્સામાંથી આપણે ખાધેલા પીઝાના પૈસા ચૂકવવા પડતા હશે ત્યારે તેને કેટલી તકલીફ પડતી હશે. પોતાના બાળકો રાતે ભૂખ્યા ન સુવે એટલે એ પીઝા બોય બિચારો સમયસર ડિલિવરી આપવા બાઈકને સડકો પર રમફાટ દોડાવે છે. એક એક મિનિટ બચાવવા તે પોતાના જીવનની એક એક ક્ષણ દાવ પર લગાડે છે.”

પટેલભાઈ બોલ્યા, “ચાલો પીઝા ડિલિવરી બોય પાંચ દસ મિનિટ મોડો પણ આવ્યો તો શિક્ષા રૂપે પીઝાના પૈસા જ ન આપવા એ ક્યાંનો ન્યાય? પાંચ દસ મિનિટ વહેલું મોડું થવાથી આપણે ભૂખ્યા મરી નહીં જઈએ પરંતુ એ પીઝાબોયના બાળકોને એ રાતે ભૂખ્યા સુવું પડશે. એકતાનગરવાસીઓ પીઝાબોયના બાળકોના મોઢામાંથી રોટલો છીનવી, ખુદ તેના જ પૈસે ચીઝ બટરવાળો પીઝા આરોગે એટલા હલકટ નથી.”

થોમસની આંખમાં આંસુ હતા. તે બોલ્યો, “રીઅલી ઇન્ડિયા ઈઝ ગ્રેટ... તમે લોકો કોઈ વાતને આટલી ગંભીરતાથી વિચારતા હશો એવું મેં સ્વપ્નેય વિચાર્યું નહોતું. ખરેખર જ્યાં સુધી તમારા જેવા લોકો છે ત્યાં સુધી ક્યારેય નહીં અટવાય એકતાનગરની ગલીઓમાં કોઈ પીઝા ડિલિવરી બોય.”


Rate this content
Log in

Similar gujarati story from Drama