એકનાં પ્રેમમાં એકનો ભોગ
એકનાં પ્રેમમાં એકનો ભોગ


અનોખી રૂપ રૂપનો અંબાર અને સાલસ સ્વભાવની. ખુબ જ હોંશિયાર અને પ્રેમાળ. એનું ડ્રોઈંગ એટલું સરસ કે એ આબેહૂબ કોઈનો પણ સ્કેચ બનાવી આપે. આમ એ પોતાની દુનિયામાં ખુશ રહેતી..
બ્રાહ્મણ સમાજ ના પ્રમુખ હતા અનોખીના પપ્પા. નાતમાં એમનું બહું જ માન હતું. બધા એમને પુછીને જે કોઈ નવું કામ કરતાં. આમ અનોખીના પપ્પાનો વટ હતો. અનોખીની મોટી બહેન લતાનું નાતમાં નક્કી કર્યું. અનોખી એનાં પપ્પા ને ખુબ જ પ્રેમ કરતી હતી એનાં પિતા કહે એ જ કરતી હતી.
લગ્ન નો દિવસ હતો એ દિવસે લતા બ્યુટી પાર્લરમાં તૈયાર થવા ગઈ. જાન આવી ગઈ એને પોંખી ને ઉતારો આપ્યો.
લગ્ન નો સમય થયો. મુહુર્ત પ્રમાણે ગોર મહારાજે વિધિ ચાલુ કરી. " કન્યા પધરાવો સાવધાન " ની બૂમ પડતા.. હજુ લતા નથી આવી?
અનોખી બ્યુટી પાર્લર પર લેવા નિકળી અને એ જેવી ત્યાં પહોંચી એને ખબર પડી કે લતા તો બ્યુટી પાર્લર પર એક ચિઠ્ઠી મૂકીને જતી રહી છે.
અનોખી એ ઘેર આવી તેના પિતાજી ને ચિઠ્ઠી આપી.
એના પિતાએ ચિઠ્ઠી ખોલી.
પુ.. પપ્પા. અનોખી. ભાઈ.
હું મારી મરજીથી રવિ જોડે જવું છું, હું અને રવિ એકબીજાને ખૂબ જ પ્રેમ કરીએ છીએ.અમે ત્રણ મહિના પહેલા જ કોર્ટમાં લગ્ન કરી લીધા છે તો તમારા આશીર્વાદ આપશો અને મને શોધવાની કોશિશ ના કરશો. રવિ આપણા નાતનો નથી. પણ મને આશા છે આપ મને માફ કરશો.
લિ. તમારી લતા.
અનોખી ના પપ્પા એ ગુસ્સામાં દિવાલમાં હાથ પછાડ્યો અને ચિઠ્ઠીનો ઘા કર્યો.
મંડપમાં હજુ લતા પહોંચી નહીં તો વાતો થવા લાગી. વેવાઈ અંદર આવ્યા અને પુછ્યું શું થયું છે?
લતા ક્યાં છે?
કોઈ જવાબ ના મળતા એમની નજર ડુચો વાળેલી ચિઠ્ઠી પર પડી એમણે ઉપાડીને વાંચી.
એમણે અનોખી ના પપ્પા ને કહ્યું આ શું છે બધું?
જવાબ આપો વેવાઈ. તમને તો ખબર જ હશે ને કે તમારી દીકરી કોઈને પ્રેમ કરે છે?
જાન એમનેમ પાછી નહીં જાય.
લતા નહીં તો અનોખી પરણાવો. અમારે આબરૂ છે .. અમે અહીંથી ખાલી હાથે પાછા નહીં જઈએ.
અનોખી ને તો આગળ ભણવું હતું હજુ તો એ અઠાર વર્ષની જ હતી. અનોખી એ એના પિતાને ના કહી..પણ એના પિતાએ એને આબરૂ બચાવવા પરણી જવા કહ્યું. અનોખી પિતાની આબરૂ બચાવવા અને સમાજ ના ડરથી ચોરીમાં બેઠી અને એના લગ્ન દિનેશ સાથે થયા.
જાન વિદાય કરવામાં આવી. અનોખી સાસરે આવી અને ત્યાંથી જ મ્હેણાં મારવાના ચાલુ થયા. લગ્નની પહેલી રાત હતી એ રૂમમાં હતી પણ દિનેશ આવ્યો જ નહીં અને આમ સવાર પડી એ તૈયાર થઈ બહાર આવી તો એને માર માર્યો કે તારા લીધે અમારો દિકરો આખી રાત બહાર રહ્યો અને ગમે એમ બોલ્યાં.
આમ એકનાં પ્રેમના લીધે એકનો ભોગ લેવાયો.
પહેલે આણે પિયર આવી એણે એના પિતાને બધું કહું કે મને મારે છે અને અપશબ્દો બોલે છે હું નહીં જવું.
પણ એના પિતાએ આબરૂ નો સવાલ છે તારે જવું જ પડશે હું તને બે હાથ જોડું છું.
ફરીથી પિતાના પ્રેમને લીધે એ સાસરે જવા તૈયાર થઈ.
અનોખી પાછી સાસરે આવી. સાસરે કોઈ એની સાથે સરખી વાત ના કરે અને રોજ મ્હેણાં ટોણાં અને મારા પડતો. રોજ ના આ શારિરીક અને માનસિક ત્રાસથી અનોખી આઘાતમાં સરી પડી અને એનું માનસિક સંતુલન ગુમાવી બેઠી અને પાગલ થઈ ગઈ... આમ કોઈનાં પ્રેમે કોઈની જિંદગીનું બલિદાન લીધું.
ખોટી આબરૂ બચાવવા જતાં અનોખી એક અલગ જ દુનિયામાં જતી રહી જ્યાં ના સમાજનો ડર કે ના આબરૂ સાચવવાની જરૂર રહી.