એક વહુ આવી પણ
એક વહુ આવી પણ


આખી સોસાયટી સોના બેનને જોઈને આશ્ચર્યમાં પડી ગઈ, સોસાયટીના નાકે મંદિર હતું જ્યાં રોજ સવારે આરતી થાય અને તેમાં સોનાબહેન હાજર જ હોય પણ આજનો તેમનો વેશ જોઈને તો સોસાયટી ના લોકો ને તેમાંય ખાસ તો મહિલાઓ તો ફાટી આંખે જોઈ રહી.
વર્ષોથી સોના બહેનને બધાએ દરરોજ સાદી આછા રંગ ની સાડીમાં જ જોયેલા તે સોના બહેન આજે પીળા કલરના બાંધણી પ્રિન્ટના કુર્તા અને લેગીંગઝમાં સજજ હતા. ધોયેલા ખુલ્લા વાળ, અને આછો મેકઅપ ૪૮વર્ષ ના સોના બહેન જાણે ૩૫ ના લાગતાં હતા.
બહુ નાની ઉંમરમાં કેવલ ના પિતાનું અવસાન થયું ,પિયરમાં કોઈ હતું નહી, સોનાબહેને જ કેવલને એકલે હાથે મોટો કર્યો હતો.
સરકારી શાળામાં નોકરી કરતાં એટલે પૈસા નો પ્રશ્ન તો નહતો નડ્યો પણ એકલા હાથે કેવલને મોટો કરવો કઠિન હતું, પોતાની સુંદરતા જ તેમને નડતી હતી આખરે સમાજ ના કેટલાંક લોકો ની નજરથી બચવા તેમણે સાદગીમાં પોતાની જાત ઢાળી દીધી હતી,બસ સવારે સોસાયટીમાં આવેલા મંદિર જાય અને પછી સ્કૂલ,બસ આ બે જગ્યા સિવાય ક્યારેક ક્યાંક જવાનું નહીં, કેવલ ને મોટો કરી સારી નોકરી કરતો જોવો, સારો માણસ બનાવવો એ જ તેમનું ધ્યેય ને કેવલ જ તેમની પૂરી દુનિયા, કેવલ પણ સંસ્કારી હતો પોતાની મા ની મહેનત વર્ષોથી જોતો આવ્યો હતો એટલે ક્યારેય તેમને દુઃખ પહોંચે એવુ કામ ન કરતો.
હજુ તો ૨ દિવસ પહેલાં જ કેવલ ના લગ્ન થયા હતાં, રીવા ને જોકે સોના બહેને જ પસંદ કરી હતી, તેમના નણંદના સાસરી પક્ષમાં તેમના ફોઈ સાસૂની દીકરી હતી. લગ્ન પ્રસંગે ઘણીવાર રીવાને જોઈ હતી સુંદર તો હતી જ પણ તેની ફેશન સેન્સ પણ ગજબની હતી જે પણ પહેરતી તેમાં તેની સુંદરતા ઔર ખીલી ઉઠતી ઉપરથી કેવલની જેમ તે પણ એમ. બી. એ થઈ હતી અને કંપનીમાં જોબ કરતી હતી.
જો કે કેવલની ફોઈ તો સોના બહેનને ના જ પાડતાં હતા કે બહુ મોર્ડન છે આ તો આપણા ઘરમાં નઈ ચાલે પણ સોનાબહેનને ગમી હતી કેવલ સાથે આ જ છોકરી શોભે એમ કરીને તેમણે વાત આગળ વધારી હતી અને ધામધૂમથી લગ્ન કરાવ્યા હતા.
લગ્નની રાતે જ કેવલે રીવાને પોતાની મા એ પોતાના માટે કરેલા ત્યાગની વાત કરી હતી,અને અત્યાર સુધી મા એ મારા માટે ઘણું કર્યું છે, મને સાચવવામાં આ ઘર બહાર ની દુનિયા તે ભૂલી જ ગઈ છે, બસ સ્કૂલ અને ઘર. બસ તું મા ને હવે સાચવજે ,એમ કહ્યું હતું. રીવા થોડીવાર તો કંઈક વિચારમાં પડી ગઈ.
અચાનક કંઈક સૂંઝતા મા એ રૂમમાં આવતા પહેલાં આપેલી મનાલી ટુર ની હનીમૂન ટીકીટ લઈ આવી હતી બે દિવસ પછી જ તેઓ હનીમૂન મનાવવા મનાલી જવાના હતાં, તેણે ટિકિટ પરથી ટ્રાવેલ એજન્ટ ને કોલ કર્યો અને પોતાની સાથે એક સીટ વધુ બુક કરવા કહ્યું એજન્ટે બધી સીટ બુક થઈ ગઈ છે અત્યારે તાત્કાલિક તો સીટ નહીં જ મળે એમ જણાવ્યું પણ તેણે બહુ આગ્રહ કર્યો અને જો બીજી ટીકીટ નહીં મળે તો પોતે આ ટીકીટ પણ રદ કરશે એમ કહ્યું ત્યારે એજન્ટે થોડીવાર પછી કોલ કરવા જણાવ્યું.
થોડીવાર પછી એજન્ટ નો સામેથી કોલ આવ્યો કોઈકે પોતાની સીટ કેન્સલ કરાવી હતી તેની જગ્યાએ એક ટીકીટની વ્યવસ્થા કરી આપી. રીવા ખુશ થઈ ગઈ કેવલનો હાથ પકડીને તેને મા ના રૂમમાં લઈ ગઈ.
સોનાબહેન તો અડધી રાતે બેડરૂમનો દરવાજો ખખડતા ગભરાઈ ગયા પણ સામે ઊભેલી રીવાનુ મો ચડેલુ હતું તે જોઈ તેઓ મૂઝાંઈ ગયાં .
આ તમારો દીકરો તો આજે આ ખાસ રાત છતાં મારા માટે કંઈ ગિફ્ટ નથી લાવ્યો મને તો અત્યારે જ ગિફ્ટ જોઈએ રીવાએ ગુસ્સાથી કહ્યું.
સોનાબહેન ને તેમનાં નણંદની વાત યાદ આવી ગઈ, લગ્નમાં રીવાને જોઈએ એવી જણસો અને એકથી એક ચડિયાતી સાડીઓ લીધી હતી, તોય આને હજુ શું જોઈતુ હશે,તેમણે કેવલ સામે જોયું કેવલ શાંત ઊભો હતો. તેમણે રીવાને શાંત પાડતાં બોલ તને શું જોઈએ, હું આપીશ બસ એમ કહ્યું, ના પહેલાં પ્રોમિસ આપો માંગુ તે આપશો એમ રીવા એ નાના બાળકની જેમ જીદ કરતા કહ્યું।સોનાબહેને તેને પ્રોમિસ આપતા કહ્યું તુ જે માગશે તે આપીશ. તમારે પણ અમારી સાથે મનાલી ફરવા આવાનું છે એમ કહીને રીવા હસી પડી, કેવલ પણ મલકાઈ ઉઠ્યો.
હનિમૂન કરવા તો કોઈ માને સાથે લઈને જતુ હોય તેમ કહી સોનાબહેને ઘણી આનાકાની કરી પણ રીવા એકની બે ન થઈ. પતિ પત્ની એકબીજા સાથે સમય વિતાવે એકબીજાને સમજે એટલા માટે હનિમૂન પર જાય છે મારે તો તમારા દીકરાની સાથે સાથે તમને પણ સમજવા છે આપણો સંબંધ પણ મજબૂત બનાવવો છે, એમ કહીને રીવા તેમને વળગી પડી આખરે તે બંને ના પ્રેમ સામે સોનાબહેને ઝૂકવું જ પડ્યું.
બે દિવસમાં તો રીવાએ સોનાબહેનનો આખો લૂક બદલી નાંખ્યો,સાદી સાડીની જગ્યાએ સલવાર કમીઝ અને કુર્તા,લેગીસ આવી ગયા, સોનાબહેનને પ્રેમથી મનાવતા તેણે તેમની જિંદગીમાં ફરી રંગ ભરી દીધાં, આજે પણ સરસ મજાના તૈયાર થઈ મંદિર દર્શન કરવા આવ્યા પોતાને આવો સરસ દીકરો અને દીકરા કરતાંય સવાઈ એવી વહુ આપવા બદલ પ્રભુનો આભાર માન્યો.ત્યાં ગાડીનો હોર્ન સંભળાયો. તે મલકાતા મુખે મંદિરના પગથિયા ઉતર્યા દીકરા વહુ સાથે હનીમૂન પર જો જતાં હતાં.