સ્પર્ધા-એક સિક્કો
સ્પર્ધા-એક સિક્કો
કિશોરભાઈ અને કીનાબેન સફળ દાંમ્પત્યજીવન જીવી રહ્યા હતાં. બંનેએ સીંચેલો બાગ હર્યોભર્યો અને બાળકોના કલબલાટથી ગુંજી રહ્યો હતો. કિશોરભાઈ ખોટી સ્પર્ધામાં માનતા નહીં, કોઈ સાથે ખોટી સ્પર્ધામાં ઉતરવા માગતા પણ નહીં. કિશોરભાઈ રીક્ષા ચલાવીને ગુજરાન ચલાવતા હતા.
સમાજમાં વાતો પણ થતી કે શું જોઈને કિશોરભાઈ સ્પર્ધા કરે ? કંઈ હોય તો કરે ને ? કિશોરભાઈ ખોટી ડંફાસ મારે છે કે "મારે સ્પર્ધામાં ઉતરવું નહીં ને છોકરાઓને ઉતારવા પણ નહીં."
કીનાબેન ત્રણ-ચાર ઘરે રસોઈ કરવા જતાં હતાં. કીનાબેન એ ઘરોનું વાતાવરણ જોઈને બાળકોને સાથે લઈને જવાનું છોડી દીધું, ત્યાં ખોટા ખર્ચા, દેખાદેખી, મોબાઈલના વપરાશમાં પણ હરિફાઈ. બંને બાળકો સમજદાર હતાં, એટલે ભણવામાં વધારે ધ્યાન આપી નંબર લઈ આવતાં હતાં. બંનેને ખબર પડી ગઈ હતી કે સ્પર્ધા વગર જીવન આકરું છે.
કિશોરભાઈને બીક હતી કે છોકરાંઓને ભણતરનાં ભાર હેઠળ લઘુતાગ્રંથી કે ગુરુતાગ્રથી ન આવી જાય, માનસિક તાણમાં ભણી ન શકે. માનસિક રીતે હતાશ થઈ જાય તો !
એક દિવસ અચાનક કિશોરભાઈની રીક્ષાને એક ખટારાએ ઠોકર મારી દીધી. કિશોરભાઈ કોઈપણ જાતની સ્પર્ધા વગર શાંતિથી રીક્ષા ચલાવતા હતા. આ એક નાનકડા અકસ્માતે કિશોરભાઈને આઈ.સી.યુ.માં પહોંચાડી દીધા. કીનાબેન વારંવાર કિશોરભાઈ માટે દવાખાને અને બીજાની ઘરે રસોઈ કરવા જતાં હોવાથી કોરોના નામની બીમારીમાં સપડાયાં. કીનાબેન પણ આઈ.સી.યુ.માં પહોંચી ગયા.
કિશોરભાઈના બંને બાળકો રાઘવ અને રીના મક્કમ બની ગયા. બંને ભાઈ-બહેને નક્કી કર્યું કે સ્પર્ધામાં જરુર ઉતરશે, અને મમ્મી-પપ્પાને જરુર બચાવશે. રાઘવે રીક્ષા હરિફાઈ માં ભાગ લીધો, પ્રથમ નંબરે આવી ચાલીસ હજારનું ઇનામ મેળવ્યું. રીનાએ ચિત્ર દોરવાની સ્પર્ધામાં ભાગ લીધો, શહેરમાં પ્રથમ આવી. એ ચિત્ર પચાસ હજારમાં વેચાયું. રાઘવે સમયને પારખીને પૈસા માટે રીક્ષા હરિફાઈમાં ભાગ લીધો હતો, બાકી, એ એન્જીનીયર બનવાની ઈચ્છા ધરાવે છે. રીના પણ બેંકમાં નોકરી કરવાનું સપનું સેવે છે. રીના ચિત્ર દોરવાના શોખથી પ્રેરાઈને ભવિષ્યમાં ચિત્ર પ્રદર્શન પણ ગોઠવશે.
કીનાબેનને યોગ્ય સારવાર મળતાં સ્વસ્થ થઈ ઘરે આવી ગયાં. બંને બાળકોની પ્રગતિ જોઈ કિનાબેન ખૂબ ખુશ થઈ ગયા,અને વિચારે ચઢી ગયા -સ્પર્ધા સારી કે ખરાબ ? કિશોરભાઈની વિચારધારા પણ ખોટી ન હતી. કિશોરભાઈ બંને બાળકોની પ્રગતિ જોઈ ન શક્યા. એમની જીંદગી ટુંકી નીકળી. કીનાબેન બંને બાળકોને પાંખમાં લઈને ધ્રુસકે-ધ્રુસકે રડી પડ્યાં.
કાશ, એક જ સિક્કાની બીજી બાજુ કિશોરભાઈ જોઈ શક્યા હોત. પ્રગતિ અને સ્પર્ધામાં પણ ફરક છે. પોતાની જાતને સાબિત કરવા સ્પર્ધામાં ઉતરવું જ પડે, પરંતુ સ્પર્ધામાં ભેદભાવ, બીજાને નુકશાન પહોંચાડવાની ભાવના કે બીજાને ઉતારી પાડવાની ભાવના ન હોવી જોઈએ.
સ્પર્ધામાં કયારેય વિશ્વાસ ન ધરાવતા કિશોરભાઈનું ખોળિયું, આજે સ્મશાનમાં અગ્નિદાહ માટે રાહ જુએ છે. કોરોનાને કારણે સ્મશાનમાં જાણે હોડ જામી હતી કે પહેલો વારો કોનો આવશે ?
આ સ્પર્ધા શું માંગે ? - કિશોરભાઈનો આત્મા બબડયો.