Shailesh Prajapati ' સસ્મિત ' / ' શૈલ '

Romance

4.0  

Shailesh Prajapati ' સસ્મિત ' / ' શૈલ '

Romance

એક પળ ગુલાબની

એક પળ ગુલાબની

2 mins
385


મોબાઈલના સ્ક્રીન ઉપર વ્યક્ત પ્રેમાલાપની દુનિયામાંથી ક્યારે વાસ્તવિક દુનિયાનો પ્રેમ પંથ પકડાયો...ખબર જ ન રહી !

પ્રણયઊર્મીઓ વોટસએપ પર ઉભય પક્ષે એક યા બીજા સ્વરૂપે વ્યક્ત થતી રહી અને હૃદયથી હૃદય સુધીનું સેટેલાઇટ કોમ્યુનિકેશન સ્થાપિત થયું.

બાહ્ય દુનિયા સાથે ટૂંકાક્ષરી વાર્તાલાપો સામાન્ય થઈ ગયા અને મોબાઈલના સ્ક્રીનની કિનારીઓ અમારા નવ પલ્લવિત થતા મનોદૈહિક આકર્ષણને વ્યક્ત કરવા માટેની પ્રણય રેખાઓ સમી ઉભરી રહી...!

સ્ક્રીનની પણ એક મર્યાદા અને દુનિયાના બંધનોની પ્રેમપંથને અટકાવતી મર્યાદા...બન્ને એ ખરું તાદાત્મ્ય સાધ્યું !

પોત પોતાના સંસારે નિર્દોષ બંધનોથી બંધાયેલા બન્ને નો આ નવ્ય પ્રેમ દુનિયાની નજરે દોષી તો ખરો જ ને...

***

આખરે એ પળે અણધાર્યું ઇજન અવતર્યું અને ખંભાતી બંધનોની આડશે શુદ્ધ સ્નેહને વ્યક્ત થવા સંયમની પાળે મુલાકાતથી મુલાકાત સાંપડી.

આંખો એ વાતો કરી પણ હૈયા થરકતા રહ્યા કેમ કે નિયમોની કચેરીઓની દુનિયા આસપાસ હતી એ ક્યાં ખબર નહોતી !

હૃદયમાં પ્રેમદીપ ટમટમે તે પહેલાં સંયમ અને સમયની સાંકળો ખખડી ઊઠે એવું હંમેશા થતું આવ્યું છે આ રમતમાં.

સહસા ... સ્ફુર્યું કે સાચો સ્નેહ વ્યક્ત કરી આ પ્રેમ વૈભવને શણગારવાની તક જતી કેમ કરવી ? 

જે નિર્દોષતા અને પ્લેટોનિક પ્રણય ભાવ મનુષ્ય જીવનની શોભા છે તે અહી ભલે પ્રસ્તુત થતો !

અહી...તેના કપાળ પર મારા અધરોએ સ્નેહ ભરપૂર સ્પર્શ કર્યો અને આંખો બંધ કરી હૃદયમાં પ્રેમ જીવનભર માટે ભર્યો. સાંસારિક જવાબદારીઓ અને સાત્વિક જીવનની વેદી ઉપર આ નિર્વ્યાજ લાગણીઓની બલિ ચઢાવવાનું જાણે બન્ને હૃદય એ નક્કી કર્યું હોય તેમ.......એક આંચકો અનુભવી જુદા થઈ ગયાં !

દરવાજા ઉપર સંસારી ટકોરા પડે તે પહેલાં હૃદયની ડોરબેલ રણકી ઊઠી અને ભર્યા પગલે બહાર દોડી જવાયું.

***

દુનિયામાં શ્રેષ્ઠ રીતે પ્રેમ વ્યક્ત કરવાની કળા જાણે અજાણે પ્રેમીના હોઠ અને પ્રણયોત્સુક પ્રેમિકાના લલાટે નિભાવી દીધી હતી. 

હવે કઈ બાકી રહ્યું ન હતું......

પૂર્ણ પ્રણયનું ગુલાબ સઘળું મહેંકી ને જીવન રૂપી કિતાબના પાનાઓ મધ્યે બીડાઈ ગયું હતું....!

અને...

આ "એક પળ ગુલાબની" બંનેના જીવનની અણમોલ વિરાસત બની ગઈ હતી.


Rate this content
Log in

Similar gujarati story from Romance