એક પાગલ
એક પાગલ
... અને રસ્તા જાણે વર્ષો પછી વેકેશનમાં મામાને ત્યાં ગયા હોય એવા. ધૂળની રજકણોએ પણ જાણે સમીરની રાહ જોવી પડતી અન્ય પ્રદેશ જવા. ધમધોકાર તડકો વૃક્ષો સંગ પળેપળ છાયા માટે યુદ્ધ કરતો જાણે. એક પણ માનવ કે પ્રાણી સમ ખાવા પૂરતું પણ રખડતું ન દેખાય. ત્યાં એક પાગલ રસ્તાની કોરે લાગેલા મોટા હોર્ડિંગને જોઈને હસ્યા કરતો હતો, જેને સાંભળવા વાળું કોઈ નહીં અને સમજવાવાળું કોઈ નહીં.
"જે જ્યારે જરૂરી હતું ત્યારે કોઈ સમજ્યું નહીં. એ ગૂંગળાતી હતી, મૂંઝાતી હતી, બીમાર પડતી હતી આપણા કર્મોને લઈને, ત્યારે જરૂર હતી આ ચિત્રની. આજે તો સાલા બધા જ આ પહેરીને ફરતા થઈ ગયા, પોતાના જ કર્મે. અને આ મુક્ત થઈ ગઈ, શ્વાસ અને ધબકાર લેતી થઈ ગઈ. વાહ..."
એટલામાં પોલીસની ગાડી આવી,
"સર, તમે અહીં શું કરો છો?"
સર???
એ હોર્ડિંગ પર પૃથ્વીના ગોળાને માસ્ક પહેરાવેલું હતું, જ્યારે લોકડાઉનને લઈને પ્રદુષણ મુક્ત થઈ છે પૃથ્વી ત્યારે.
એ પાગલ એટલે વીતેલા વર્ષોનો શ્રેષ્ઠ પર્યાવરણવિદ અને પ્રદુષણ સામે બાથ ભીડનાર મહાન વ્યક્તિ.