એક નવી સવાર
એક નવી સવાર
સવાર સવારમાં એક માણસ ઘરના દ્વાર પર આવી દરવાજો જોરજોરથી ખટખટાવવા લાગ્યો. અલ્પેશભાઈ આંખ ચોળતા ચોળતા બહાર આવી દરવાજો ખોલે છે. ત્યાં સામે જ મકાનમાલિક રીતેષભાઈ ઉભેલા.
રીતેષભાઈ કહે," કેમ આવ્યા, અલ્પેશ તને એક વાતમાં સમજાતું નથી. કેટલી વાર કહ્યું મકાનભાડુ આપી દે. ત્રણ મહિના પુરા થયા. આજનો દિવસ તારા માટે છેલ્લો દિવસ છે. આવતીકાલે સવારે મને મકાનભાડુ નહી મળે તો તારા માલસામાનને બહાર ફેંકી દેવામાં આવશે. યાદ રાખજે."
રીતેષભાઈ તો આમ બબડતા બબડતા ચાલ્યા ગયા. અલ્પેશભાઈ વિચારમાં પડી ગયા. પોતે આખો દિવસ કામ કરે ત્યારે માંડ ઘરનું ભરણપોષણ થાય. એમાં આ ભાડાના પૈસા લાવવા ક્યાંથી ?
અલ્પેશભાઈના પરિવારમાં તેની પત્ની અને બે નાના છોકરા. તે એક સામાન્ય હોટેલમાં વેઈટર તરીકે કામ કરે. આખા દિવસની કમાણીમાંથી માંડ ઘર ખર્ચ પૂર્ણ થાય. એમાં આ ત્રણ મહિનાના ભાડાના પૈસા લાવવા ક્યાંથી ? આજ હોટલના માલિક જોડે વાત કરીશ એવા વિચાર સાથે પોતે હોટેલમાં જવા નીકળ્યા.
ખૂબ જ મુંઝવણ અને ઉદાસ ચહેરે હોટેલમાં પહોંચ્યો. કામમાં મન લાગતું ન હતું. બસ એક જ ચિંતા હતી કે કાલ શું થશે. કાલ જો ભાડું નહીં ચૂકવી શકું તો ખરેખર કાઢી મુકશે મકાનમાલિક. કાઢી મુકશે તો મારો પરિવાર ક્યાં જશે. મન વધારેને વધારે ઉગ્ર બનતું જાય છે. રૂપિયા માંગવાની હિંમત પણ થતી નથી. કેમ કરી દિવસ પસાર કર્યો.
સાંજે છૂટવા સમયે શેઠ પાસે રૂપિયા માંગી જોયા. પણ શેઠે તરત ના પાડી દીધી. ફરી એ જ નિરાશ ચહેરા સાથે ઘરે પરત ફર્યો. આવીને ભૂખ લાગી ન હતી કે ન તો આંખ નીંદરનુ નામ લેતી. રાત પસાર કરવી મુશ્કેલ હતી. કાલની ચિંતા એને કોરી ખાતી હતી. તેના એક મિત્રએ મોબાઇલ ભેટમાં આપ્યો હતો. ઘડીભર તો એવો વિચાર આવ્યો કે આ મોબાઇલ વેચીને ભાડું ચુકવી દઉં. પણ એમ કરતાં જીવ ચાલતો ન હતો. કેમકે આ તો મિત્રએ આપેલી ભેટ છે.
મને કમને સુવાની કોશિશ કરી. વિચારોમાં ને વિચારોમાં કયારે આંખ લાગી ગઈ ખબર જ ન પડી. સવાર પડતાં જ ઉઠીને સમય જોવા મોબાઇલ હાથમાં લીધો તો એમાં એક મેઈલ આવેલ હતો. એણે ખોલીને જોયું તો તેમાં લખ્યું હતું.
હું તારો નાનપણનો મિત્ર અજીત. તે બાળપણમાં મારી સાથે એક જગ્યાએ વીમા સ્વરૂપે હો રૂપિયા ભરેલા હતા. યાદ છે તને. જે આજે એક મોટી રકમ દસ હજાર બની ગયા છે. તું મારો સંપર્ક કર એટલે હું તને એ અપાવી શકું.
અલ્પેશભાઈની આંખમાં ખુશીના આંસુ આવી ગયા. તેમાં આપેલ મોબાઇલ નંબર પર તાત્કાલિક ફોન કરી દસ હજાર મેળવ્યા. મકાન ભાડું ત્રણ હજાર ચુકવ્યા. અને સાત હજાર બચત રૂપે જમા કર્યા. એક મેઈલથી તરત તેની ચિંતા ટળી ગઈ.
