એક કપ ચા
એક કપ ચા


શાંતિવન વૃદ્ધાશ્રમમાં છવાયેલી નીરવ શાંતિમાં વૃદ્ધાશ્રમનાં પટાંગણમાં માત્ર ઝાડ પર બેઠેલાં પક્ષીઓનો કલરવ અને જમીન પર પથરાયેલાં ઝાડ પરથી ખરીને સૂકાઈ ગયેલાં ખરેલાં પાન હવા સાથે ઊડીને અવાજ કરતાં હતાં. અને બીજી બાજું વૃદ્ધાશ્રમનાં વિશાળ હોલમાં વૃદ્ધાશ્રમનાં તમામ મેમ્બર તથા ટ્રસ્ટીઓ અને ત્યાંના ગૃહપતિ કુલ મળી સાઈઠ જણા હોલની વચ્ચોવચ પલંગ પર સૂતેલા સિત્તેર વર્ષીય વૃદ્ધ વસંતદાદાને ઘેરી ઊભેલાં બે હાથ જોડી આંખો મીંચી મનમાં વસંતદાદાનું સ્વાસ્થ્ય જલ્દી સારું થઈ જાય એ માટે મહામૃત્યુંજયનો જાપ જપતાં હતાં.
વસંતદાદા બીમાર હતા પણ એની બોલીમાં કોઈ જાતનો ફેર પડ્યો ન'હતો, એ તો ડોકટર સાથે આરામથી હસી મજાક કરી રહ્યાં હતાં જાણે કશું થયું જ ન હોય એવી રીતે. અને ડોકટર પણ વસંતદાદાનો મિત્ર પોપટભાઈનો દીકરો ડો. અનિકેત. એટલે પોતાના દીકરા સાથે વાત કરે તેમ જ વાત કરતા હતા.
ડો.અનિકેત વસંતદાદાના હાથના પંજામાં પાંચ પંચર કર્યા પછી રગ મળી અને અનિકેતે સોય બેસાડી લોહીનો બાટલો ચડવાની શરૂઆત કરી રહ્યો હતો એ જોઈ "વસંતદાદા બોલ્યાં બેટા એ લોહીનાં બાટલા સાથે એક ઝેરનું ઇન્જેક્શન પણ ભેળવી દેને તો, એટલે એ ધીમું ઝેર મારી નસેનસમાં ચડી જાય તો આ પીડાથી સદાય માટે મને મુક્તિ મળી જાય. ક્યાં સુધી આ વૃદ્ધાશ્રમના રોટલા તોડવા, આમ પણ હવે બંને કિડનીએ પણ રજા લઈ લીધી છે, અને આ પારકું લોહી કેટલાં દિવસ ચડાવું. આ તો તારા ટિકડાં ખાઈ આ શરીર ચાલી રહ્યું છે હવે મને મુક્તિ આપે તો સારું. અને છેલ્લા દશ વર્ષથી મારા પગ દબાવતી તારી વસુદાદીને પણ છુટકારો મળી જાય."
"ડો.અનિકેત: દાદા ખરેખર હવે મને લાગે છેે તમે ઘરડાં થઈ ગયા છો એ નક્કી, ક્યારના કઈ બોલતો નથી એટલે બોલ્યે રાખો છો. ચૂપ રહેવા માટે શું લેશો..?"
"વસંતદાદા: ગુસ્સામાં ઘરડો હશે તારો બાપ પોપટિયો હું કંઈ ઘરડો નથી સમજ્યો. અને તું શું કહેતો હતો ચૂપ રહેવા માટે શું લેશો..? "
વસંતદાદા: હું કહું તે આપીશ તો જ આ તારો દાદો ચૂપ રહેશે."
"ડો.અનિકેત: હા..બોલો શક્ય હશે તો જરૂર આપીશ પણ તમે બોલવાનું બંધ કરો તો."
"વસંતદાદા: તો સાંભળ દીકરા છેલ્લા દશ વર્ષથી એક ઈચ્છા છે, અને લગભગ આ મારી છેલ્લી જ ઈચ્છા હશે અને તું ના નહીં કહે મને એટલી ખબર છે."
"ડો.અનિકેત : તમે કહો શું ઈચ્છા છે. દાદા હું ડોકટર છું અંતર્યામી તો નથી તમે બોલો તો મને ખબર પડે."
"વસંતદાદા : તો સાંભળ મારે તારી દાદીની હાથની એક ઇંચ આદુનો ટુકડો, ચાર ઈલાયચી, આઠ ફુદીનાના વાટેલાં પાન સાથે વાઘ બકરીની પત્તી અને ત્રણ ચમચી સાકર વાળી એક ગરમાં ગરમ વસંતદાદા આટલું બોલ્યા ત્યાં તો.."ડો.અનિકેત : દાદા બિલકુલ નહીં..... મને ખબર હતી તમારી માંગણી આજ હશે. એક તો તમારી તબિયત સાવ નાજુક છે ઉપરથી સાડા ત્રણસો ડાયાબિટીસ એટલે સાકર વાળું તો નહીં જ...
કહો તો સુગરફ્રી વાળું હજુ મંગાવી આપું"
" વસંતદાદા : તારી એ સુગરફ્રી ટિકડાંવાળી ચ્હામાં શું મજા છે..? મારે નથી પીવી તારી એ ચા..છેલ્લા દશ વર્ષથી કંટાળી ગયો છું તારાથી અને આ તારી વસુદાદીથી અને તારી એ સુગરફ્રી વાળી ચ્હાથી. ચાલ્યાં જાવ બધા અહીંથી અને આ તારો લોહીનો બાટલો પણ લેતો જજે..આટલું બોલ્યા ત્યાં તો વસંતદાદાને એકદમ ખાંસી આવવા લાગી."
"ડો. અનિકેત : આટલી ખાંસી છે અને તમારો જીવ હજુ એક કપ ચ્હામાં છે..?
"વસંતદાદા : તું ચ્હાનો બંઘાણી નથી એટલે શું જાણે. તું અને તારી વસુદાદી ચ્હા નથી પીવા દેતા એટલે તો મારી આ હાલત છે. પૂછ તારી દાદીને જ્યારથી પરણી આવી છે ત્યારથી મેં કોઈ દિવસ કોઈના હાથની ચ્હાપીધી નથી, અને પરણ્યાંની પહેલી રાતે બધા દૂધ પીવે મેં ત્યારે પણ તારા દાદીની હાથની મસાલેદાર ચ્હા પીધી હતી. અને ઓફીસ જતો ત્યારે પણ તારી દાદી થર્મોસ ભરી ચ્હા આપી દેતી જે આખો દિવસ ચાલતી. આ તો તું નવી નવાઈનો ડોકટર થયો અને તારી દાદી તું કે એટલું જ પાણી પીવા દે, ફાંસીએ ચડતાં પહેલાં કેદીની ઈચ્છા પૂરી થતી હોય છે. અનિકેત તો તું મારી નાનકડી ઈચ્છા પૂરી નહીં કરે શું..?"
"ડો.અનિકેત : વસુદાદી સામે ઈશારો કરી દાદીને ચ્હા માટે કહ્યું,"વસુદાદી પલંગ પરથી ઊભા થઈ બહાર ગાર્ડનમાંથી ફુદીનાના આઠ પાન લઈ સીધા વૃદ્ધાશ્રમના રસોડામાં જઈ એક તપેલીમાં ગેસ પર થોડું પાણી મૂક્યું, પાણી ઊકળ્યું એટલે તેમાં વાઘ બકરી ચ્હાની પતી નાખી ત્રણ ચમચી સાકર નાખી પાણી ઊકળવા મૂક્યું. અને આરસના ખલમાં ફુદીનાનાં આઠ પાન, ચાર ઈલાયચી, એક ઇંચ આદુનો ટુકડો નાંખી દસ્તા વડે વાટી ઉકડતાં પાણીમાં મસાલો નાખ્યો સાથે બે કપ દૂધ નાખી દશ મિનિટ ચ્હા ઉકાળીને બે કપ ભરી હોલમાં લઈ આવ્યાં.
વસંતદાદા એ ચ્હાનો કપ જોઈ બેઠા થઈ ગયા, એક કપ ડોકટર અનિકેતને આપ્યો, અનિકેતે પણ આજે ચ્હા માટે ના ન કહીં, વસુદાદી એ બીજા કપમાં રહેલી ચ્હા રકાબીમાં ઠાલવી પોતાના હાથે વસંતદાદાને ચ્હા પીવડાવી, વસંતદાદા બહુ ખુશ થઈ ગયા તે એક કપ ચ્હાથી..અને ડોકટર અનિકેતનો આભાર માનતા બોલ્યા" વસુ હું હવે રજા લઉં છું "ત્યાંતો ડો. અનિકેતના ખોળામાં વસંત દાદાનું માથું ઢળી પડ્યું અને સદાય માટે વસંતદાદાની આંખ મીંચાઈ ગઈ.