એક ભૂલ
એક ભૂલ
પતિના એક જ સવાલથી અમિષા દિલ પર પથ્થર રાખી, મન મારીને આંખોમાં આંસુ સાથે, એજ ક્ષણે, દીકરાને એક નજર જોઈને તરતજ ગૃહત્યાગ કર્યો. અને ઇન્સપેક્ટર ગૌતમ એને જતી જોઈ રહ્યો. થોડી ક્ષણો પહેલા તો અતિ ક્રોધ અને આવેશમાં ગૌતમે પોતાની સર્વિસ રિવોલ્વર કાઢી, અને પોતાના જ મિત્ર સુરેશની સામે તાકી હતી. ને ઘડીભર એના મનમાં થયું કે અત્યારે જ આ દગાબાજ મિત્ર ! અને એની સાથે જ પોતાની બેવફા પત્નીને મોતને ઘાટ ઉતારી દે. પણ પછી નાનકડા દેવર્ષનો વિચાર આવ્યો અને એ રોકાઈ ગયો.
પોતાના જ ઘરમાં પોતે ઓચિંતા આવીને, પોતાના મિત્રની સાથે પોતાની પત્નીનો અનાચાર જોયો. બન્નેને રંગેહાથ પકડી પાડયા હતા. છતાં ક્રોધને કાબુમાં રાખી ગૌતમે બન્નેને ત્યાંથી ચાલ્યા જવા કહ્યું. અને અમિષા પસ્તાવો અને શરમથી કંઈજ બોલી શકી નહીં.
સુરેશે એનો હાથ ઝાલ્યો અને લઈ જવા લાગ્યો, પણ અમિષા એ દેવર્ષ સામે હાથ લંબાવ્યા. એ એને પણ સાથે લઈ જવા ઇચ્છતી હતી ? કે પછી ! રોકાઈ જવા ! અને ત્યાં જ ગૌતમે કહ્યું "જો તને લાગતું હોય કે તું મા કહેવડાવવાને લાયક છો તો જ દીકરાને હાથ લગાડજે. તને લાગે છે કે તું એક મા શબ્દ ને લાયક છો ?"
સુરેશની સાથે જવાનો નિર્ણય કરીને અમિષાએ વધુ એક ભૂલ કરી ? કે માત્ર એક ભૂલ માફ કરી સુધારવાનો મોકો ન આપીને ગૌતમે ? આજની અમિષા હજુ વિચારોના વમળમાં અટવાયેલી હતી. ત્યાં જ બહારથી અવાજ આવ્યો !
"અરે..ઓ..શીલા..! ઓ..જવાન બુઢીયા...! ચલ ચલ, તેરેકુ મોસી બુલાતી હૈ "
વળી એક અવાજે શીલાને દાયકા જૂની યાદોની તંદ્રામાંથી જગાડી. એ ઉભી થઈ સાડી ઠીક કરી, હોંઠો પર લાલી લગાડી, પગમાં ઘૂંઘરુ બાંધ્યા, માથું ઓળ્યું, અરીસામાં એ પોતાની છબી ઓળખવાનો પ્રયત્ન કરી રહી હતી. એ ક્યાંથી ક્યાં પહોંચી ગઈ હતી. એ ભાવભર્યા હૂંફાળા સંબંધોનો એનો સંસાર ! જેને એક જ ભૂલથી પોતે પોતાના જ હાથે રોળી નાંખ્યો હતો. અને એની પથ્થર જેવી કોરી ધાકોર આંખોમાંથી ઝાકળની બુંદો સરી. ને તરતજ એ લૂંછીને... શીલા..કોઈ શૃંગાર રસભર્યું..માદક ગીત ગણગણતી...મહેફિલમાં ઉતરી આવી !
