એક અજાણી સ્ત્રીની લાશ..1
એક અજાણી સ્ત્રીની લાશ..1
સુનંદાના ખભા પર એક સ્પર્શ થયો. ઠંડો ઠંડો બરફ જેવો. તેણે પાછળ ફરીને જોયું. અંનતરાય ઊભા હતા. તેના લાગણીવિહીન ચહેરા અને લાગણી વગરનો સ્પર્શ, જાણે બરફનો સ્પર્શ થતો હોય તેવું સુનંદાને લાગતું. "આ વ્યક્તિ સાથે આખી જિંદગી મેં કઈ રીતે વિતાવી ?" સુનંદા મનોમન બોલી ઊઠી.
મોઢા ઉપર કોઈપણ ભાવ લાવ્યા વગર સુનંદા બોલી." કહો અનંતરાય શું કામ હતું આપને ?"
"મારે બહાર જવું છે. મારા બહાર જવાના કપડા કાઢી આપ અને બેગ ક્યાં મૂકી છે ? મારા ફાઈલના કાગળો પણ મળતા નથી."
"લો. તમે ડાઇનિંગ ટેબલ પર બેસીને ચા પીઓ. હું હમણાં જ બધું લાવી આપું છું."એક કહ્યાગરી પત્ની.. માફક સુનંદા બેડરૂમમાં ગઈ.તેમના કપડા અને ફાઈલ કાઢીને બેડ ઉપર મૂકીને બહાર આવી.
"જાવ તૈયાર થઈ જાવ.બધું બેડ ઉપર મૂકીને આવી છું."
નિર્લેપ ભાવે અનંતરાય ત્યાંથી ઊભા થઈ ગયા.
રસોઈ કરતાં કરતાં ફરી સુનંદા વિચારે ચડી ગઈ." આ વ્યક્તિ.. શું તેનામાં લાગણી હશે જ નહીં ? શું ક્યારેય તેમને પ્રેમના મીઠા બોલ કહેતા આવડતા જ નહીં હોય ? એક મશીન જેવી જિંદગી અને તે જ રીતે બાળકો થયા. કોઈ દિવસ તેના ચહેરા ઉપર આનંદની લાગણી કે પ્રેમની લાગણી અનુભવી જ નથી. આખરે શું હશે તેમની જિંદગીમાં ? માત્ર પૈસા કમાવા સિવાય શું તેમને બીજા કશામાં રસ નહીં હોય ? કેટલા વર્ષ થયા લગ્નને ! હવે તો બાળકો પણ મોટા થયા. આખી જિંદગી આ વ્યક્તિની પાછળ સમર્પિત કરી દીધી. પણ આજ સુધી તેના મોઢામાંથી પ્રેમના બે શબ્દો હજી સુધી સાંભળી શકી નથી. હશે.જેવું મારું નસીબ. આમે હવે ઘડપણને ઉંમરે જ ઊભી છું ને !" મન મનાવતા સુનંદા ફિક્કું હસી.
" સુનંદા.. સુનંદા.. જરા મારી કોફી અને ડાયાબિટીસની,બીપીની દવા બહાર આપી જાને." કમળાબા હિંચકો ખાતા ખાતા બહારથી જ સુનંદા વહુને હુકમ કર્યો.
"જી..બા." સુનંદાએ જવાબ આપ્યો. કોફી અને દવા લઈ બહાર હિચકે ગઈ.
"આજે તમારું મોઢું કેમ ઉતરેલું લાગે છે ? સુનંદા વહુ શું થયું છે ?"
"કંઈ નહીં બા..બસ આમ જ."
"સુનંદા લગ્નને કેટલા વર્ષ થયા ? હવે તો તું વહુ મટી મારી દીકરી બની ગઈ છે. હવે તો તારે ત્યાં વહુ આવવાની તૈયારી છે. પોતાની માં પાસે કંઈક સાચું બોલતા શીખ હવે !"
"કશું નહિ બા. ક્યારેક અવળાસવળા વિચારો આવી જાય છે."
"વિચારો તો બીજા કોઈના નહીં. પણ અનંતરાયના જ હશે. નહીં ને સુનંદાવહુ ?"
"બા, તમે બધું જ જાણો છો તો પછી શું કામ પૂછો છો ?"
"સુનંદા આ અનંતરાયનું લાગણીવિહીન હોવું. તમારા પ્રેમમાં ખામી ન હોઈ શકે ?"
"આખરે તમે તમારા દીકરાની જ તરફેણ કરી. નહીં ને બા ?"
"જમણો કોળિયો મોઢામાં જ જાય." હસતા હસતા બા બોલી ઉઠ્યા. "હવે આ ઉંમરે શું પ્રેમ અને લાગણીના કોડ જાગ્યા છે સુનંદાવહુ ! ભગવતગીતા વાંચો. ભગવાનનું નામ લો."
"હા બા. હું તમને ભગવદગીતા લાવી આપું છું. શરૂઆત તમારાથી જ કરો."
સુનંદા પગ પછાડતી પછાડતી અંદર ગઈ. આજે તેનું હૃદય કંઇક વધારે વ્યથિત હતું. મનમાં ભારે અજંપો હતો. જાણે અધૂરી ઓલવાયેલી આગ ! ધુમાડો નીકળ્યા કરે ,ઝીણું ઝીણું અંદર સળગ્યા કરે , તેવો ધુંધવાટ તેના હૃદયમાં હતો. શા માટે ? શા માટે મન આજે અનંતરાય પાસે લાગણી માંગતું હતું ? એક બરફના પહાડ પાસે આગ માંગી રહ્યું હતું. મન અત્યંત ઉચાટ હતું. તેને રડવાનું મન થયું પણ રડી શકી નહીં. બહાર બગીચામાં પારિજાતના સુંદર ફૂલ નીચે પડેલા હતા તે જોઈને તેનું મન દ્રવી ઉઠ્યું. ગુલાબની કળી અર્ધ ખીલેલી ..પણ મૂરઝાઈ ગઈ હતી. શા માટે.. શા માટે હું આ વ્યક્તિને સહન કરું છું ? સમાજ માટે ? બાળકો માટે ? પોતાના માતા પિતાની આબરૂ માટે ?"
તે આઈના સામે આવીને ઊભી રહી. "ના..ના.. મારામાં મળેલ સંસ્કાર માટે હું આ વ્યક્તિને સહન કરું છું." શું આ ઉંમરે છૂટાછેડા લઈ શકાય ? પણ છૂટાછેડા લઈને હું કરીશ પણ શું ? મને આવડે છે પણ શું ? આખી જિંદગી રસોડું અને ઘર સંભાળવામાં જતી રહી. મારી મનગમતી પ્રવૃત્તિ શું છે ? તે તો હું ભૂલી જ ગઈ છું."
સુનંદા બાથરૂમમાં ગઈ અને ફ્રેશ થઈ. તેણે વ્હાઈટ ટી-શર્ટ અને બ્લુ જીન્સ પહેર્યા. વાળ છૂટાં રાખ્યા. હાથમાં પર્સ લઈ તે બહાર નીકળી.
" આ ઉંમરે આવા આધુનિક કપડા શોભે છે સુનંદા વહુ ?"
"બા.. "સુનંદા જવાબ આપવા ગઈ પણ તે જવાબ ગળી ગઈ. ખામોશ રહી."બા હું બહાર જઈ આવું છું. જય શ્રી કૃષ્ણ."
બહાર તો આવી. પણ જવું ક્યાં ? મમ્મીને ત્યાં, ભાઈને ત્યાં જાય કે પછી સહેલીને ત્યાં ? સાચે જ જેનો પતિ પોતાનો નથી હોતો તેનું કોઈ પોતાનું નથી હોતું. બાને આ વાત કઈ રીતે સમજાવું ?
કાર લઈને તે નીકળી પડી.
ખબર નહીં કયાં ? પણ દૂર દૂર.. તે ડ્રાઇવિંગ કરી રહી હતી.
શહેરથી દૂર શાંત જગ્યાએ તે આવી પહોંચી. ચારે બાજુ લીલીછમ વનરાજી પથરાયેલી હતી. ક્યાંક ક્યાંક ખીલેલા ફૂલોની સુગંધ આવી રહી હતી. લીલુ લીલુ ઘાસ પણ કંઈક અનોખી સોડમ આપી રહ્યું હતું. સફેદ અને પીળા કલરના પતંગિયા એકબીજા સાથે સંતાકૂકડી રમી રહ્યા હતા. દૂર એક ભવ્ય વિશાળ હોટલ પાસે તે આવીને ઊભી રહી. કાર પાર્કિંગ કરી રહી હતી ત્યાં જ તેની નજર એક ગાડી ઉપર ગઈ. આ તો અનંતની ગાડી !
અનંતની ગાડીમાંથી, અનંત અને તેની સાથે બીજું કોઈ ઉતર્યું. કદાચ તે સ્ત્રી હતી.
કોણ છે ? કોણ છે એ ?
(ક્રમશઃ)
