એક અજાણી સ્ત્રીની લાશ - 3
એક અજાણી સ્ત્રીની લાશ - 3
"સુનંદા.. આમ.. અચાનક ? અહીં ? કોની સાથે આવી છે તું ?"
"ઓહ.. સોરી મેં તમને ઓળખ્યા નહીં."
"સિદ્ધાર્થ"
"ઓહો.. સિદ્ધાર્થ ! તમે ..તું અહીંયા ?
"હા..આ મારી હોટલ છે. ચાલ અંદર આવ."
"સોરી સિદ્ધાર્થ. મને થોડું મોડું થાય છે. ફરી ક્યારેક.."
"આજે તને નહીં છોડું. તું દર વખતે વાયદા આપી ચાલી જાય છે. આ વખતે તો.."
"સિદ્ધાર્થ. મને કંઈક પ્રોબ્લેમ છે. નહીં આવી શકું." કહેતા સુનંદા રડી પડી.
"તારો પ્રોબ્લેમ મને કહે. ચલ અંદર ઓફિસમાં." સિદ્ધાર્થ સુનંદાનો હાથ પકડી ઓફિસમાં લઈ ગયો.
ઠંડા પાણીના બે ઘૂંટ ગળા ઉતારી, સુનંદા બોલી," શું કરે છે હવે ? તારી પત્ની, તારા બાળકો ક્યાં છે ? હવે તો બધા મોટા થઈ ગયા હશે. નહીં ?"
"કોની પત્ની ? કોના બાળકોની વાત કરે છે સુનંદા તું ?"
"તારી. બીજા કોની ?"
"મેં લગ્ન નથી કર્યા સુનંદા. હજી આજે પણ રાહ જોવું છું. રાહ જોઇશ જન્મોજન્મ સુધી..!"
"સિદ્ધાર્થ ! સિદ્ધાર્થ ..પ્લીઝ હું કશું સાંભળવાના મૂડમાં નથી. મારા લગ્ન થઈ ચૂક્યા છે. મારો એક દીકરો પણ હવે લગ્ન કરવા જેટલી ઉંમરનો થઈ ચૂક્યો છે."
"સુનંદા, મેં ક્યાં કહ્યું કે તું મને મળ. મને તારી એક ઝલક જ કાફી છે જીવવા માટે."
"સિદ્ધાર્થ, મારા પતિ પાસેથી જે શબ્દો સાંભળવા માટે હું વર્ષોથી તડપી રહી છું. તે શબ્દો આજે મેં તારા મોઢે સાંભળ્યા. પણ માફ કરજે. મારા તન, મન, ધનમાં અનંત સિવાય બીજું કોઈ જ નથી."
"હા. હું એ અનંતને જ જોઈ રહ્યો છું .જે સામેના કાચમાંથી બરાબર દેખાઈ રહ્યો છે. સુનંદા. તારો અનંત અહીં મારો કાયમનો કસ્ટમર છે. આ સ્ત્રી સાથે તે અહીં કાયમ આવે છે."
"શું તારી પાસેથી તે સ્ત્રીની વિગતો મળી શકશે ?"
"શું કરીશ મેળવીને ? ઘરે જઈને અનંતને પૂછી લેજે. સુનંદા, મને તારા અને અનંતના સંબંધોની કશી ખબર નથી. પણ આ સ્ત્રી કોણ છે તે વિગતો મેળવી આપું. તું તારો પ્રશ્ન અથવા મુસીબત મને નિસંકોચ કહે. તારા પ્રત્યેનો પ્રેમ મારો હજી એવો જ અકબંધ છે. તને હું વિશ્વાસ આપું છું, વચન આપું છું કે મારા તરફથી તારા જીવનમાં, તારા અનંતમાં કોઇ નુકસાન નહીં થાય. પણ મને એક વખત મદદ કરવાની તક આપ."
"સિદ્ધાર્થ, કોલેજમાં તારાથી છૂટી પડી, ત્યારે મનમાં ઉમંગ હતો કે તારી સાથે વિતાવેલી ક્ષણો જરૂર જીવનમાં પાછી આવશે. મારા પપ્પાને તારા વિશે હું કહીશ અને આપણા લગ્ન જરૂર થશે. હું ઘરે ગઈ ક્યારે પપ્પાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમને હાર્ટ એટેક હતો. થોડાક દિવસોમાં પપ્પા સારા થયા પણ પહેલા જેવા નહીં. તેમની નાદુરસ્ત તબિયતને લીધે ધંધામાં તેઓ બરાબર ધ્યાન આપી શક્યા નહીં અને ધંધામાં ખોટ ગઈ. આ વખતે પપ્પાના મિત્રએ તેમને ખૂબ મદદ કરી. આ મિત્ર એટલે સિદ્ધાર્થના પપ્પા. તેમણે મારા પપ્પાને નાદારીમાંથી બચાવી લીધા. મારી મમ્મીના નામ ઉપર અમારા ગામની જમીન તથા બીજી બધી મિલકત તો ઘણી બધી હતી. પપ્પાનો ધંધો ખૂબ વિશાળ હતો. આ બધામા .. બધી મિલ્કતોની વારસદાર હું એકલી જ હતી. સિદ્ધાર્થના પપ્પાએ સિદ્ધાર્થ અને મારા લગ્નનો પ્રસ્તાવ મૂક્યો. હજી હું પપ્પાને આપણા વિશે કશી વાત કહું તે પહેલા જ પપ્પાને બીજો હાર્ટ એટેક આવ્યો. પપ્પાએ લગ્નની હા પાડી દીધી. અમારા લગ્ન ધામધૂમથી થઇ ગયા. પણ રાત્રે જ મારા મમ્મી પપ્પા અને સિદ્ધાર્થના પપ્પાનું એક્સિડન્ટમાં મૃત્યુ થયું.તે મૃત્યુ કઈ રીતે થયું તે હજી સુધી ખબર પડી નથી. અનંત અને મારું જીવન ઘણું સુખમય છે. અમારો એક દીકરો જય પણ ખૂબ હોશિયાર અને સરસ છે."
"તું કેટલી સુખી છે ? તે તારો ચહેરો જ કહી આપે છે. સુનંદા!"
"લાગણીઓને વધારે વહેડાવવાની કોશિશ ન કર. હું અનંતની છું અને અનંતની જ રહીશ."
"સુનંદા,મે તારી તકલીફ પૂછી હતી. તારા જીવનનો અહેવાલ નહીં."
"મને હજી આજે જ ખબર પડી છે. અત્યારે ખબર પડી છે કે અનંતના જીવનમાં બીજી કોઈ સ્ત્રી છે."
"તો હવે શું કરવા માંગે છે ?"
"ખૂન"
"સુનંદા, ઘરે જા. થોડી શાંત થા. વિચાર. પછી કંઈક પણ પગલું ભરીશું. તારા દરેક પગલામાં મારો સાથ હશે"
મોઢા પરથી દુપટ્ટો ઉતારી સુનંદા ઓફિસની બહાર નીકળી. ગાડી પાર્કિંગમાંથી કાઢી, ચાલુ કરવા જાય ત્યાં જ..
"સુનંદા.. સુનંદા.."
કોણ છે ? કોણ છે એ ?
ક્રમશઃ
