એક અજાણી લાશ - 5
એક અજાણી લાશ - 5
" અનંત મે શું બગાડ્યું છે તમારું કે તમે આ રીતે મને મારી નાખવા માંગો છો ?"
"જીવન"
"જીવન મેં તમારું બગાડયું કે તમે મારું ?"
"સુનંદા, જો આને મળ. આ છે કનક. મારી બચપણની સખી. મારી પત્ની. મારી પ્રિયતમા. હું વર્ષો સુધી તેનાથી દૂર રહ્યો છું. મેં તને જ્યારથી પત્ની તરીકે અપનાવી ત્યારથી હું તારી સાથે જ રહ્યો છું. સંતાન સુખ પણ મેં તને જ આપ્યું છે. પણ હવે ? હવે તો હું કનકની સાથે જ રહેવાનો છું. કનકને જ બધું સુખ આપવાનો છું. મારા વગર તે એકલું જીવન જીવી. મારા પ્રેમ ખાતર તેણે આખા સમાજનો ત્યાગ કરી, તપ કર્યું. આખું જીવન મારા પ્રેમ માટે તેણે સમર્પિત કરી દીધું. હવે એ સમર્પણનું સુખ આપવાનો સમય થયો છે સુનંદા. મારા જીવનમાંથી હવે તું નીકળ."
સમર્પણ અને બલિદાન તો મેં પણ આપ્યું છે અનંત. મારી સર્વ મિલકત ઉપરાંત મારું જીવન તમને આપ્યું છે. મેં મારે માટે કંઈ જ રાખ્યું નથી. હવે આ ઉંમરે હું ક્યાં જઈશ ?"
"ઉપર.." અનંત બોલ્યો.
તે જ વખતે જયે સુનંદા ઉપરથી ગાડી ચલાવી દીધી. તેને કચડી નાખી. એક ચીસ હવામાં લહેરાઈ અને પછી બધુ શાંત થઈ ગયું.
***
હાઈવે પર બે ગાડી પૂરઝડપે ચાલી રહી હતી.
અનંત અને જયની ગાડી.
તેઓ ઘરે પાછા ફર્યા.
બા તો આરતીની થાળી લઈને ઊભા જ હતા. જાણે તેમને બધી જ ખબર હતી.
જાણે કશું જ ન થયું હોય તેમ ઘરમાં લાપસી બની અને સહ પરિવાર આનંદથી જમી રહ્યો હતો.
એ જ વખતે તે સુમસાન રસ્તા ઉપર શ્રીલેખા "બચાવો-બચાવો.. મદદ.." બૂમ પાડી રહી હતી. શ્રીલેખાના ખોળામાં સુનંદાનું માથું હતું. તે હજી જીવિત હતી. પણ લોહી ખૂબ વધી જવાથી તે બેભાન જેવી થઈ ગઈ હતી.
અચાનક પૂર ઝડપે એક ગાડી આવી. એ ગાડીમાંથી સિદ્ધાર્થ ઉતર્યો. તેણે સુનંદાને જગાડવાની કોશિશ કરી. સુનંદા બહુ લોહી વહી જવાથી બેભાન થઈ ગઈ હતી. તેના શ્વાસ ધીમા પડી રહ્યા હતા.
"સુનંદા.. સુનંદા.." સિદ્ધાર્થે ફરી ખૂબ નજીક આવીને બૂમ પાડી.
"હું હારી ગઈ. સિદ્ધાર્થ ..હું હારી ગઈ." બોલતા જ સુનંદાનું માથું ઢળી પડ્યું.
"ખૂન.. ખૂન.. અંકલ તમે આ આ ખૂન કેમ કર્યું ?" શ્રીલેખા ચીસ પાડીને બોલી ઊઠી.
"ખૂન ? બેટા આ ખૂન મેં નથી કર્યું. સુનંદા તો પહેલેથી જ ઘાયલ હતી. તારા ખોળામાં હતી. તેને જગાડવાની કોશિશ કરી. બસ મેં તો આટલું જ કર્યું છે."
"તો તમારા હાથ લોહીવાળા કેમ છે અંકલ ?'
"મેં સુનંદાનુ માથું હાથમાં લેવાની કોશિશ કરી એટલે.."
"અંકલ પોલીસ આવી રહી છે. આપનું જે સ્ટેટમેન્ટ હોય તે નક્કી કરી લો."
"પણ બેટા.."
ત્યાં તો પોલીસની જીપ આવી ગઈ. ઈસ્પેક્ટર રાઘવ નીચે ઉતર્યા. તેમણે જોયું કે એક સ્ત્રીની લાશ નીચે જમીન પર પડી છે અને એક પુરુષ તેની ખૂબ જ નજીક બેઠેલો છે. તે સ્ત્રીની લાશ લોહીથી લથપથ છે. તે પુરુષના હાથ લોહીવાળા છે.
"હલો મિસ્ટર. આપ કોણ છો ?"ઈસ્પેક્ટર રાઘવે સિદ્ધાર્થને પૂછ્યું.
સિદ્ધાર્થે આમતેમ જોયું. શ્રીલેખા ત્યાંથી ગાયબ થઈ ગઈ હતી.
"બોલો મિસ્ટર, આપનું નામ શું છે ? અહીં શું કરો છો ? આ સ્ત્રી કોણ છે ? શું તમારી પ્રેમિકા છે ? તેનું ખૂન તમે કેમ કર્યું ?"
"આ..આ.. સ્ત્રી સુનંદા છે. તેનું ખૂન મેં નથી કર્યું."
"તો પછી તમે અહીં શું કામ ઊભા છો ?"
"ઈસ્પેક્ટર સાહેબ, આ સ્ત્રી સુનંદા છે. તેનો મારા ઉપર ફોન હતો કે તેનો જીવ જોખમમાં છે. તેથી હું અહીં ઝડપથી આવ્યો. પણ આવતા પહેલા જ કોઈએ તેની આ દશા કરી."
"શું આપ આ સ્ત્રીને ઓળખતા હતા ? આ સ્ત્રીએ તમને જ કેમ ફોન કરીને બોલાવ્યા ? શું સંબંધ હતો તમારો અને આ સ્ત્રીનો ?"
"પ્રેમનો.. જન્મોજન્મનો.." સિદ્ધાર્થ મનમાં જ બોલ્યો.
"હલો મિસ્ટર, આપનું નામ શું ? ક્યાં ખોવાઈ ગયા ? જવાબ આપો."
"મારું નામ સિદ્ધાર્થ છે. હું અહીં પાસે આવેલી હોટેલ સુનંદાનો માલિક છું. આ સ્ત્રી સાથે મારે કોઈ સંબંધ..!"
"અટકી કેમ ગયા મિસ્ટર સિદ્ધાર્થ ? જે હોય તે સાચું બોલો. હું તમને બધી જ રીતે મદદ કરીશ."
"ઈન્સ્પેક્ટર, સુનંદા અને હું કોલેજમાં એક સાથે ભણતા હતા. હું સુનંદાને ખૂબ પ્રેમ કરતો હતો. સુનંદા પણ મને પ્રેમ કરતી હતી. અમે લોકોએ લગ્ન કરવાનું પણ નક્કી કર્યું હતું. પરંતુ તેના પપ્પાને હાર્ટ એટેક આવ્યો. ધંધામાં ખોટ ગઈ. તેના પપ્પાના મિત્રે તેમને મદદ કરી ધંધો ઉગારી લીધો. સુનંદાના લગ્ન તે મિત્રના પુત્ર સાથે થઈ ગયા. સાથે સુનંદાની કરોડોની મિલકત પણ તેની થઈ ગઈ. લગ્ન પછી સુનંદાના માતા-પિતા અને અનંતના પિતાનું એક એક્સિડન્ટમાં મૃત્યુ થયું તે મૃત્યુ કઈ રીતે થયું તે હજી સુધી જાણવામાં આવ્યું નથી. વર્ષો થયા આ વાતને..
પણ આજે સવારે સુનંદા મારી હોટલમાં આવી. તે રડતી હતી. મેં તેને ઓફિસમાં બોલાવી. તેણે કહ્યું કે સામેના ટેબલ ઉપર તેનો પતિ અનંત કોઈ બીજી સ્ત્રીને લઈને બેઠો છે. સાથે તેનો પુત્ર પણ તેની સાથે જ છે. પિતા-પુત્ર ,સુનંદા, તે બીજી સ્ત્રી અને જયની ગર્લફ્રેન્ડ. આ બધા મોટા અવાજે બોલાચાલી કરતા હતા. તેઓ ગાડીમાં બેસીને ગયા.
થોડા કલાકો પછી સુનંદાનો ફોન આવ્યો કે તેનો જીવ જોખમમાં છે. તેણે લોકેશન મોકલ્યું. અને હું આ બાજુ ગાડી ઝડપથી દોડાવીને.. પછી તો આપ, આ બધું આપણી સામે જ છે."
"આ સ્ત્રીની બધી માહિતી આપી શકશો ? તેમના પતિનું નામ ? તેમના ઘરનું સરનામું ?"
સિદ્ધાર્થે બધી જ વિગતો ઈન્સ્પેક્ટર રાઘવને આપી.
પણ સિદ્ધાર્થને હજી સુધી ખબર નહી પડી કે શ્રીલેખા ક્યાં ગાયબ થઈ ગઈ અને શ્રીલેખાએ એવું કેમ કહ્યું કે અંકલ આ ખૂન તમે કેમ કર્યું ? આખરે શું સત્ય હશે ?
જય તો સુનંદાને કચડીને જતો રહ્યો. તે વખતે સુનંદા જીવિત હતી. પણ પછી ?
ક્રમશઃ
