એ વતનનું ગામ
એ વતનનું ગામ
લોકેશ બેંકમાં નોકરી કરતો હતો. હમણાં જ તેની બદલી એના વતનના નાના ગામડામાં થઈ. મોટા શહેરમાંથી સાવ આવા નાના ગામડામાં જવા તેનું મન તૈયાર ન હતું. તેને ગામડા માટે અને ગામડાંના લોકો પ્રત્યે નફરત હતી. શહેરમાંથી ગામડામાં જવા તેનું મન બિલકુલ તૈયાર ન હતું. અહીં શહેર જેવી સગવડો ત્યાં નાના ગામડામાં ક્યાંથી મળવાની? તેની પત્ની અલ્કા પણ તૈયાર ન હતી પણ શું થાય? એ સિવાય બીજો કોઈ ઉપાય બચ્યો ન હતો. બેંક મેનેજર તરીકેનું પ્રમોશન જતું પણ કેમ કરાય? લોકેશે વિચાર્યું કે એકવાર પ્રમોશન લઈ લેવું પછી બદલી માટે પ્રયત્ન કરી શકાશે.
લોકેશને બે સંતાનો હતા મોટી દીકરી સેજલ અને નાનો કાર્તિક. વતનના ગામમાં હવે એનું કોઈ નહતું. જૂનું મકાન હતું માટીનું એ વેચી દીધું હતું. વતનના ગામ આવી લોકેશે ઘર ભાડે રાખી લીધું પછી પરિવાર અને સામાન લઈ આવ્યો. આજુબાજુના પડોશીઓ પડોશી ધર્મ નિભાવવા આવ્યા પણ બંને (પતી - પત્ની ) એ ના કહી. કારણકે લોકેશ અને અલ્કા ને ગામડાંના માણસો પ્રત્યે એક ચીડ હતી તેથી એમનો એ લોકો પ્રત્યેનો અણગમો વ્યક્ત થઈ ગયો. પડોશીઓની સારી ભાવનાને નજરઅંદાજ કરતા અને કોઈ સાથે વાતચીત કરતા નહીં અને બાળકોને પણ કોઈ જોડે રમવા ના દે. આખા ગામમાં આ બંન્ને જણાંને બધા તુંડમિજાજી અને અભિમાનીથી ઓળખવા લાગ્યા. થોડાજ સમયમાં સેજલ ને નિશાળે ભણવા મૂકી પણ એને સખત શબ્દોમાં સમજાવી દીધું કે એ કોઈ સાથે બોલે નહીં અને રમે નહીં.
આમ લોકેશ નો ઈરાદો એવો હતો કે છે મહીના નિકળી જાય પછી બદલી માટે અરજી કરું. પણ કિસ્મત ને કંઈક બીજું જ મંજૂર હતું.
એક દિવસ તહેવાર નિમિત્તે બેંકમાં રજા હોવાથી સવારે વહેલા જ ચારે જણ શહેરમાં ફરવા ગયા. પાછા ફરતા ધાર્યા કરતા ઘણું મોડું થઈ ગયું. ગામને પાદર પાસે રસ્તામાં જ વચ્ચો વચ્ચ ગાય બેઠી હતી એને ઉભી કરવા બાઈક ના હોર્ન વગાડી થાક્યા પણ ગાય ટસની મસ થઈ કંટાળીને લોકેશે ગાયની બાજુમાં થી સાઈડ કાપવા કોશિશ કરી પણ બેલેન્સ ગુમાવી દેતા બાઈક બાજું ના ખાડામાં ઉતરી ગયું અને ચારેય પડ્યા. સેજલ અને કાર્તિકને સાથે પગે છોલાયુ અને મૂઠમાર વાગ્યો પણ અલ્કા પડતા જ ગબડી ને એક ઝાડ સાથે અથડાઈ તો એને માથેથી લોહી અને સાથે પગે બહુંજ વાગ્યું લોકેશ પર બાઈક પડ્યું હતું એ તો બૂમો પાડતો ઉભો થઇ ગયો પણ અલ્કા ઉભી ના થઈ શકી છોકરા અને આ લોકોની બુમાબુમ થી પાદરમાંથી અને આજુબાજુના લોકો દોડી આવ્યા અને મદદ કરી ગામની બાજુમાં આવેલ દવાખાને લઇ ગયા. અલ્કા ને તો હાથમાં અને પગમાં ફ્રેકચર થયું હતું તો એક મહિનાનો પાટો બાંધવો પડ્યો અને બાકીના ત્રણેય ને પાટા પિંડી કરી આપી.
રાતે ઘરે આવી લોકેશને ચિંતા પેઠી કે અહીં ગામડામાં કોઈ રસોઈ કરવાવાળું કે ટીફીન આપી જાય એવું મળે તો કાલ સવારે શું થશે એમ મનમાં મુઝાતા રાત પસાર કરી. સવારે ઉઠીને દરવાજો ખોલ્યો તો બધા ગામવાળા હાજર હતા અને ગામવાળા એ વારા રાખી રોજ ચા, દૂધ અને સવાર, સાંજનું જમવાનું બનાવી ટિફીન આપી જવા લાગ્યા અને બાળકોની સંભાળ રાખી અને ઘર પણ રોજેરોજ સાફ કરી જતા અને અલ્કાની બહું જ સેવા ચાકરી કરી આમ એક મહિનો ક્યાં પસાર થઈ ગયો તેની લોકેશ ને ખબર જ ના પડી અને આમ લોકેશ અને અલ્કા નું હૃદય પરિવર્તન થઈ ગયું અને બદલીનો વિચાર પડતો મુકી આવા મજાના વતનના ગામમાં જ રહેવાનું નક્કી કર્યું. અને બધાં ને મદદરૂપ બની વતન ના ગામ ને આગળ લઈ જવા નિર્ણય કર્યો.