એ સમયની કિંમત
એ સમયની કિંમત


મારો પણ સમય આવશે એવું સમજનારાઓને કુદરતે શાનમાં સમજાવી દીધું. કે તમે કુદરત થી અને સંયુક્ત કુટુંબમાંથી દુર થયા .. ભારતીય સંસ્કૃતિ ભૂલ્યા એટલે મારે આ સમયની કિંમત સમજાવી પડી છે.
" સોશિયલ મિડિયા માં ફરે છે આ વાત કે જ્યારે ભૂકંપ આવ્યો ત્યારે કોઈ ઘરમાં રહેવા તૈયાર નહોતું..
આજે કોઈ ઘરની બહાર જવા તૈયાર નથી "
આ છે સમય ની બલિહારી.
એક જાણીતા ભજનિક નું ભજન છે
" હે માનવ વિશ્વાસ કરી લે
સમય બની સમજાવું છું
આ દુનિયામાં ઈચ્છાથી અવતાર ધરી હું આવું છું "...
એક મોટા શહેરને અડીને નાનું ગામડું હતું કરશનભાઈ અને મંજુ બેનને બે દિકરાઓ હતા.
બન્ને વચ્ચે બે વર્ષ નો સમયગાળો હતો.
મોટો મોહન અને નાનો દીકરો સોહન..
ગામની પ્રાથમિક શાળામાં સાત ધોરણ સુધી ભણ્યાં.
પછી મોહને પિતાને ખેતરમાં મદદ કરાવાની ચાલુ કરી.
માતા મંજુ બહેન ચુલા પર રોટલો અને શાક બનાવતાં પણ એની મિઠાસ જ કંઈક અલગ હતી.
આમ સંપીને રહેતા . પણ સોહન ની આકાંક્ષાઓ ખુબ ઉંચી હતી.
એણે મોહન ને કહ્યું કે મને ખેતીવાડી માં કોઈ જ રસ નથી મારે તો શહેરમાં જઈને આગળ ખુબ ભણવું છે અને મોટો ઓફિસર બનવું છે.
તો ભાઈ તું જ પિતાને સમજાવ મને શહેરમાં જવા દે.
મોહને કહ્યું. સોહન તારી આકાંક્ષાઓ ખુબ ઉંચી છે પણ ભાઈ આપણે રહ્યા ધરતી પુત્રો .. આ ધરતી પર જ આપણો કિંમતી સમય આપીશું તો ચોક્કસ એવો સમય આવશે કે આપણી પાસે ગામમાં સૌથી વધુ જમીન અને મોટું પાક્કું ઘર હશે.
સોહન કહે ભાઈ પણ શહેર જેવું સુખ થોડું મળશે. શહેરમાં રોનક જ અલગ હોય છે . મોટી મોટી બિલ્ડીંગો અને પાક્કા રોડ અને વિશાળ બંગલાઓ.. મોટી હોટલો મને તો શહેરમાં જ જવું છે આ ધૂળમાં શું દાટ્યું છે..
મોહન કહે ભાઈ મારાં એ ચમકદમક પાછળ નાં દોડ નહીં તો ભગવાન નાં કરેને એક દિવસ એવો સમય આવે કે તારે પસ્તાવાનો વારો ના આવે.
પણ સોહન ને કોઈ અસર થઈ નહીં અને એક દિવસ જિદ કરીને ઘરમાં કહ્યા વગર શહેરમાં ભાગી ગયો.
સમયનાં વહેણને જતાં ક્યાં વાર લાગે છે..
સોહન ને શહેરમાં ગયા ને વીસ વર્ષ નો સમયગાળો પસાર થઈ ગયો હતો..
શહેરમાં ભાગી આવીને એક ગેરેજમાં કામ કર્યું અને બધું જ શીખી લીધું અને પછી એક દિવસ શેઠને કહ્યું કે હું તમારી નોકરી છોડીને જવું છું.
આમ કહીને જે થોડા રૂપિયા ભેગા થયા હતા એ લઈને બીજા એરિયામાં ફૂટપાથ પર ગેરેજ નું કામગીરી ચાલુ કરી.
પોલિસ વાળા અને એ એરિયાનાં માથાભારે તત્વો ને એ મફત કામ કરી આપતો એટલે એને ફૂટપાથ પરથી કોઈ ખસેડતુ નહીં.. આખો દિવસ મહેનત કરી ને રાત્રે નજીકના ઢાબા માં જમતો ત્યારે મા નાં હાથનો રોટલો યાદ આવતો અને એ સમય યાદ આવતો ભાઈ સાથે કોણ વધુ રોટલો ખાઈ એની હરિફાઈ ચાલતી અને આંખમાં થી આંસુ સરી પડતું.
પણ જિદ હતી કે હું કંઈક બનીને બતાવીશ.
ધીમે ધીમે ગેરેજ નું કામ વધવા લાગ્યું..
થોડાંક રૂપિયા ભેગા થયા એટલે એક ભાડાંનું ઘર લીધું.
અને એ જ એરિયામાં એક નાની ભાડાની દૂકાન લીધી.
આમ કરતાં દસ વર્ષનો સમય સરી ગયો..
એ
જાણીતાં એરિયામાં સોહન નું નામ થઈ ગયું એટલે એણે એક માણસ ને નોકરીએ રાખ્યો..
આ બાજુ કરશનભાઈ આઘાત માં બિમાર પડયા અને ટૂંકી માંદગી પછી દુનિયાને અલવિદા કરી ગયા.
મોહન ની ખેતરમાં સિઝન પ્રમાણે પાક લેવાની આવડત અને મહેનતથી એ ઘણું કમાયો અને એક ટ્રેક્ટર લીધું અને શહેરમાં જાતે જ પાક નું વેચાણ કરતાં ધાર્યા કરતાં સારાં રૂપિયા મળ્યા અને સમયની બલિહારી કે બીજા વર્ષે પણ ખેતરમાં મબલખ પાક ઉત્પાદન થયો એટલે એનું પરિણામ એ આવ્યું કે ગામમાં માટીનું ખોરડું પાડીને પાકું મકાન બે માળનું બનાવ્યું..
હવે મંજુ બા એ આજુબાજુના ગામોમાં વાત કરીને મોહન માટે ...
બાજુના ગામની એક છોકરી ગીતા જોઈ અને એની સાથે ઘડિયાં લગ્ન લેવાયાં.
ગીતા પણ ખૂબ જ સમજદાર અને ઠરેલ હતી.
મોહન નાં લગ્ન ને બે વર્ષ થયાં અને મંજુ બા એ હરિદ્વાર જાત્રા જવું છે કહ્યું.
મોહને કહ્યું સારું મા.
એ જ સમયે ગામમાં થી એક સંઘ જાત્રાએ જતો હોય છે એમની સંગાથે મોહન મંજુ બા ને મોકલે છે.
આમ મોહને એની મહેનત અને આવડત થી સમય સાથે તાલમેલ કર્યો.
અને મોહને બીજી જમીન પણ ખરીદી.
હવે શહેરમાં બહારનું ખાવાપીવામાં સોહનની તબિયત બગડતાં એને સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો.
અને વિશ્વમાં કોરોના વાઈરસ ફેલાતાં.
ગુજરાતમાં પણ તકેદારી રૂપે પગલાં લેવામાં આવ્યા.
સોહનને સારું થતાં એ ઘરે આવ્યો પણ કામકાજ બધું ઠપ્પ થઈ ગયું હતું.
ઘરમાં બેસીને એ કરે પણ શું ?
અને જમે પણ શું ?
એ ગેરેજ પર આવ્યો પણ પોલીસે આવી બંધ કરાવ્યું એ રડી પડ્યો.
એક પોલીસ વાળા ને દયા આવી પુછ્યું શું થયું ?
એણે પોતે ભાગીને આવ્યો અને આ હાલતમાં છું એ વાત કરી.
પોલીસ વાળા એને જમાડયો અને કહ્યું કે તું રાત્રે તારો સામાન અને રૂપિયા લઈને તૈયાર રહેજે હું તને તારા ગામમાં તારાં ઘરે મૂકી જઈશ.
લે આ માસ્ક પહેરી લે અને આ સેનેટાઈઝર રાખ અને ઘરમાં રહે..
આ સમયને સાચવી લે. હું રાત્રે આવું છું.
જાત્રાએ થી મંજુ બા પાછા આવી ગયા અને મોહનને ખુબ આશિર્વાદ આપ્યા.
રાત્રે પોલીસ આવી અને જીપમાં બેસાડીને સોહનને એનાં ગામમાં એનાં ઘરે લઈ ગયા.
સોહન તો આ પાક્કું મકાન જોઈ આશ્વર્યજનક થઈ ગયો.
અને બારણું ખખડાવ્યું તો ગીતાએ ખોલ્યું.
પોલીસ વાળા ને જોઈ ને ગીતાએ મોહન ને બૂમ પાડી.
મોહન આવ્યો કહે શું થયું સાહેબ.
પોલીસે કહ્યું કે તમે જ મોહન. ?
મોહન કહે હા.
પોલીસ કહે આ સોહન છે તમારો ભાઈ લો સંભાળો.
આ બધું સાંભળી ને મંજુ બા પણ આવી ગયા .
સોહને પગમાં પડી માફી માંગી.
મોહન કહે અરે ભાઈ.
માફી નાં માંગ
એમ કહીને ભેટી પડ્યા.
અને કહ્યું સમય ની કિંમત તને ખરા ટાણે સમજાણી એ જ બહું મોટી વાત છે.
આ સમય જ છે ભાઈ જો એને સાચવીએ તો જ એ આપણો સમય બનીને આવે છે.
મંજુ બા એ પણ સોહનને ગળે લગાડી ને કહ્યું કે સમય રહેતો આવી ગયો બેટા એ સારું કર્યું.
અને પોલીસ ને હાથ જોડીને મોહન અને એનાં પરિવારે આભાર માન્યો..