એ એક પળ
એ એક પળ


આકાશ તેના જીગરી મિત્ર તપનને ફોન કરીને એક ક્લાકમાં પોતાના ઘેર પહોચવાનું કહી ઓફિસેથી ઘરે જવા રવાના થયો. તપન આકાશના ઘર પાસે હતો. તેનું કામ અડધા કલાકમાં પૂરું થતાં તેણે પોતાના ઘરે જવાના બદલે આકાશના ઘર તરફ પ્રયાણ કર્યું.
આકાશનું સ્મિતા સાથે લગ્ન થયાને એક વર્ષ પૂરું થવા આવ્યું હતું. હમણાં થોડાક સમયથી પતિ પત્ની વચ્ચે નાના વિવાદો થતા હતા. ગઈ કાલે પણ બંને વચ્ચે ચક મક થઈ હતી. સ્મિતા રીસાઈ પડખું ફરી સુઈ ગઈ હતી. પૂરી આખી રાત અને સવારમાં પણ બન્ને વચ્ચે અબોલા રહ્યા. આકાશ જમ્યા વિના ઓફિસે ચાલ્યો ગયો. સ્મિતાએ પણ એક જણ માટે રસોઈ બનાવવાની કડાકૂટ કરવાને બદલે બ્રેકફાસ્ટથી ચલાવી લીધું હતું. સ્મિતા આખો દિવસ ધૂંધવાએલી રહી. સાંજે આકાશનો ઓફિસેથી પાછા આવવાનો સમય થયો ત્યારે દરવાજો અનલોક કરી તે બેડરૂમમાં જઈ સુઈ ગઈ.
તપને આકાશના ઘરે પહોચી ડોરબેલ વગાડ્યો. થોડીવાર સુધી કોઈ સંચાર ન થતાં તેણે બીજી વાર ડોરબેલની સ્વીચ દબાવી. સ્મિતા આકાશ આવ્યો હશે તેમ માની બેડરૂમમાં સુતી રહી. બીજીવાર ડોરબેલ વગાડવા છતાં કોઈ દરવાજો ખોલવા ન આવ્યું એટલે તપને દરવાજા પર હળવેકથી હાથ મુકયો એટલે દરવાજો ખુલી ગયો. તે ઘરમાં દાખલ થયો. બેઠક ખંડ કે રસોડામાં કોઈ ન હોવાથી તેણે કુતુહલવશ બેડરૂમમાં નજર કરી. સ્મિતા પારદર્શક નાઈટી પહેરી બેડ પર બેફિકરાઈથી સુતેલી હતી. તેના અંગ ઉપાંગો તેની સુંદરતામાં વધારો કરતા હતા. દરેક શ્વાસ સાથે ઉંચી નીચી થતી તેની છાતીનાં આરોહ અવરોહો સાથે તેના પયોધરો પણ લયબદ્ધ રીતે ઉંચા નીચા થતા હતા. તપન સ્મિતાના રૂપને તેની આંખો વડે પીતો થોડી વાર ઉભો રહ્યો.
સ્મિતાએ આકાશ આવ્યો છે તેમ સમજી તેને તડપાવવા પોતાની આંખો બંધ કરી લીધી હતી. સ્મિતાનું રૂપ જોઈ તપનના શરીરમાં ખૂન ખૂબ વેગથી દોડવા લાગ્યું. તેના શ્વાસ ખુબ ઝડપથી ચાલવા લાગ્યા. તે હળવેથી બેડ પર બેઠો. થોડીક વાર પછી તેણે પોતાનો હાથ સ્મિતાના હાથ પર મુકયો. સ્મિતાએ કોઈ વિરોધ ન કર્યો એટલે તેણે હિંમત કરી સ્મિતાને પોતાના બાહુપાશમાં ભીડી લીધી. સ્મિતાએ હજુએ પોતાની આંખો ન ખોલી તેથી એક ડગલું આગળ વધી તપને પોતાના હોઠ સ્મિતાના હોઠો પર મૂકી એક તસતસતું ચુંબન લઇ લીધું. સ્મિતાને રોજના સંવનન કરતાં આકાશનું આજનું સંવનન થોડુક જુદું લાગ્યું એટલે તેણે પોતાની આંખો ખોલી અને પોતાની જાતને તપનના બાહુપાશમાં જોઈ તેણે તપનને એક જોરદાર ધક્કો મારી પોતાની જાતને એકદમ અલગ કરી બેડરૂમની બહાર દોડી ગઈ અને હિબકે ચઢી ગઈ. તપનને પોતાની ક્ષણિક ભૂલનું ભાન થતાં તે ક્ષોભ પામ્યો અને “સોરી” કહી આકાશના ઘરમાંથી બહાર નીકળી ગયો.
આકાશ ઘરે આવ્યો ત્યારે સ્મિતા ખુબ રડતી હતી. તેની આંખોમાંથી ધાર ધાર આંસુ વહેતાં હતાં. આકાશને જોઈ તે તેને વળગી પડી અને આકાશની છાતીમાં તેની નાજુક મુઠીઓ વડે પ્રહાર કરવા લાગી. આકાશ સમજયો ગઈકાલના રીસામણાના કારણે સ્મિતા રડતી હશે તેમ માની તેણે સ્મિતાને રડવા દીધી. ઘણી વાર સુધી આકાશ સ્મિતાની પીઠ પર હાથ પસરાવતો રહ્યો પરંતુ સ્મિતાની આંખોમાંથી આંસુ બંધ થતા ન હતા. હવે તો તે હિબકે ચઢી ગઈ હતી. એકાએક તે બેહોશ થઇ આકાશ ઉપર ઢળી પડી.
આકાશ સ્મિતાને ઊંચકીને બેડરૂમમાં લઇ ગયો. તેણે તેના ચહેરા પર પાણી છાટ્યું. બે ત્રણ વાર પાણીનો છંટકાવ કર્યા પછી સ્મિતાએ આંખો ખોલી. આકાશને જોઈ તેને વળગી પડી અને તે ફરીથી રોવા લાગી. આકાશે પાણી લાવી સ્મિતાને આપ્યું. પાણી પી શાંત થઇ સ્મિતાએ આકાશને તપને તેની સાથે કરેલ વહેવારની વાત કરી ફરીથી રડવા લાગી. આકાશે સ્મિતાને સાંત્વના આપી શાંત કરી અને રીલેકસ થવા થોડો આરામ કરવાની સલાહ આપી. બેડરૂમના એ.સી. નું ટેમ્પરેચર થોડુક નીચું કરી સ્મિતાને સુવડાવી તેની ઉપર ચાદર ઓઢાડી તે બેડરૂમની બહાર આવ્યો.
આકાશ સોફા પર આડો પડ્યો. છેલ્લા અડધા કલાકમાં તેની સાથે બનેલ એક પ્રસંગ તેની સમક્ષ તરવરી ઉઠ્યો. તેના અને સ્મિતાના અવાર નવારના ઝગડા અંગે સ્મિતાને થોડીક સલાહ આપવા અને બંને વચ્ચે અબોલા તોડાવવાના ગર્ભિત ઉદ્દેશ્યથી તપનને પોતાના ઘરે એક કલાકમાં આવી જવાનો ફોન કરી આકાશ તેની ઓફિસેથી નીકળ્યો. વચ્ચે તેને થોડુક કામ હતું જે કામ ધાર્યા કરતાં થોડુક જલ્દી પૂરું થઇ જતાં તેણે તપનને પોતાની સાથેજ તેના ઘરે લઇ જવાના ઈરાદાથી પોતાની કાર તપનના ઘર તરફ વાળી. તે તપનના ઘરે પહોચ્યો ત્યારે તપન ન હતો પરંતુ તેની પત્ની આકાંક્ષા હતી. આકાંક્ષાનો વાન ડાર્ક ઘઉંવર્ણો હતો. થોડીક શામળી કહી શકાય તેવી પરંતુ ભગવાને તેને એક અલગ પ્રકારની સુંદરતા બક્ષી હતી. તેનો નાક નકશો અને શરીરનો બાંધો ખૂબ આકર્ષક હતો. તેના પર જે કોઈની પ્રથમવાર નજર પડતી તે થોડીકવાર ભાન ભૂલીને તેની સામે અચૂક તાકી રહેતો. ટૂંકમાં તે એક આકર્ષક અને સુંદર દેહ સૌષ્ઠવ ધરાવતી માનુની હતી. તેના પિતા એક રાજકીય પક્ષના કદાવર નેતા હતા. ઘરમાં દોમદોમ સાહબી વચ્ચે ઉછરેલી આકાંક્ષા એક બોલ્ડ યુવતી હતી. તે એકદમ ચંચળ હતી. બોલવા ચાલવામાં તે એકદમ ફ્રેંક હતી. બ્રાન્ડેડ કપડાંનો તેને ગાંડો શોખ હતો. હંમેશા સજી ધજીને તૈયાર રહેતી. તેના ચહેરા પર હમેશાં તોફાની હાસ્ય રમતું રહેતું. ઘણીવાર તે મિત્રો વચ્ચે બેધડક “ નોન વેજ “ જોક પણ કહેતી. આકાશને જોઈ તેણે તેની તરફ એક માદક સ્મિત વેર્યું અને વેલકમ કહી આકાશને ઘરમાં દોરી ગઈ.
ઘરમાં પ્રવેશી આકાશે આકાંક્ષાને પૂછ્યું , “ભાભી, તપન ક્યાં છે ?” આકાંક્ષા બોલી “કોઈ અગત્યના કામ માટે માર્કેટ ગયા છે.” તપનની ગેરહાજરીને કારણે આકાશ ઘરની બહાર નીકળવા પાછળ ફર્યો એટલે આકાંક્ષાએ હળવેથી આકાશનો ખભો દબાવી બેસવા ઈશારો કર્યો અને બોલી, “આકાશભાઈ, આજે ગરમી વધારે છે તમે બેડરૂમમાં જઈ બેસો ત્યાં એ.સી. ચાલુ છે. હું તમારા માટે ચા નાસ્તો લઈને આવું છું.” તેણે આકાશને બેડરૂમમાં જવાનો ઈશારો કર્યો. આકાશ બેડરૂમમાં પહોંચ્યો એટલે તે ફ્રિજમાંથી ઠંડા પાણીનો ગ્લાસ ભરી બેડ રૂમમાં આવી.. આકાશે પાણી પી ગ્લાસ બાજુની ટીપોઈ પર મૂકી જવા માટે ઉભો થયો એટલે આકાંક્ષાએ ફરીથી આકાશ સામે માદક સ્મિત વેર્યું. પાણીનો ગ્લાસ ટીપોઇ પરથી લેવાના બહાને વધારે પડતી તેની કમર નમાવી તેણે જાણી જોઈ સાડીનો છેડો પોતાની છાતી પરથી સરકવા દીધો. તેની લો-કટ ચોલીમાંથી તેના ભરાવદાર ઉરોજો આકાશ સામે ઉઘાડા થઇ ગયા. આકાંક્ષાએ બેફિકરાઈથી થોડીવાર સુધી પોતાની છાતી ઉઘાડી રહેવા દીધી. તેણે તેની આંખોનો એક મસ્તી ભર્યો માર્મિક ઉલાળો કરી આકાશને ઈજન પાઠવ્યું. એક કાચી ક્ષણ માટે આકાશ પોતાની જાત પરનો કાબુ ખોઈ બેઠો પરંતુ તેને ગઈ કાલે તેના મિત્ર દ્વારા વોટ્સએપ પર ફોરવર્ડ કરેલો કોઈ સંતનો વિડીઓ યાદ આવી ગયો જેમાં તે સંતે તેમના પ્રવચનમાં જણાવ્યું હતું કે વ્યભિચાર ખુબ મોટો ગુનો છે માટે તેનાથી બચતા રહેવું જોઈએ. તેમણે વધુમાં એ પણ જણાવ્યું હતું કે જો કોઈ વ્યભિચાર કરે છે તો તેના નજીકના સબંધીઓ જેવાકે, મા, બહેન, પત્ની, બેટી વિગેરે વ્યભિચારનો ભોગ બને છે. આ વાત યાદ આવતાં આકાશે બીજી પળે પોતાની જાત પર કાબુ મેળવી લીધો અને આકાંક્ષાને માઠું ન લાગે તે રીતે પોતાની જાતને પાપ કરતાં બચાવી તપનના ઘરમાંથી નીકળી ગયો.
આકાશ વર્તમાનમાં આવ્યો. સામે સ્મિતા ઉભી હતી. સ્મિતાના મનમાં હજુ પણ પોતાનાથી કઇંક ખોટું થઇ ગયું હોવાનો ભાવ રમતો હોવાથી તેના ચહેરા પર વિષાદ હતો. આકાશે તેને બાથમાં લઇ કહ્યું, “ સ્મિતા એક પુણ્ય આત્માના પ્રવચને લીધે હું થોડાક સમય પહેલાં એક લપસણી કાચી પળ જીરવી વ્યભિચારના પાપમાંથી બચીને આવ્યો છું અને તેથીજ તારું ચારિત્ર સચવાઈ ગયું છે જે માટે હું તે પ્રવચન દ્વારા મારામાં સંસ્કાર સિંચન કરનાર પુણ્ય આત્મા અને ભગવાનનો આભાર માનું છું. ભગવાનની પરીક્ષામાં આપણે બંને પાસ થયા છીએ. ભગવાને આપણને અધ:પતનમાંથી બચાવી લીધા છે માટે ચાલ આપણે જીવનમાં કદી ન રીસાવાના સોગંદ ખાઈ ભગવાનનો આભાર માનવા મંદિરે દર્શન કરી કોઈ સારી હોટલમાં જમી તેની ઉજવણી કરીએ.
સ્મિતાના હૃદય પરથી એક મોટો બોજો ઉતરી ગયો અને તે તરું-લતાની જેમ આકાશને વીંટળાઈ ગઈ.