એ બાળપણની દોસ્તી
એ બાળપણની દોસ્તી


એ બાળપણની નિદોર્ષ દોસ્તી આજે પણ યાદ બનીને ધડકે છે અને એટલી જ ગેહરાઈ થી આજે પણ સંબંધો ની ગરિમા જળવાઈ રહી છે.
આ વાત છે ૧૯૭૦ ના દાયકા ની. ખેડાની બાજુનું નાનું ગામ.
પંચરંગી વસ્તી અને સંપી ને રેહતું એ ગામડું. ગામમાં મોટે ભાગે બધાં ખેતીવાડી જ કરતાં હતાં. બાકી અમુક જણ ગામમાં નાની દુકાનો કરીને જરૂરિયાત ની વસ્તુઓ વેચતાં હતાં. કંઈ પણ ખરીદી કરવી હોય તો ખેડા જ આવવું પડતું.
ગામમાં માધ્યમીક શાળા હતી. બાકીના ભણતર માટે ખેડા ભણવા આવવું પડતું એટલે બધાં બસ નો ઉપયોગ વધુ કરતાં અથવા પોતાના ટ્રેક્ટર નો.
એક ખડકીમાં રહેતાં હેમા અને લતા.
આમ તો એક ડઝન ઉપર છોકરીઓ હતી પણ. હેમા અને લતા ની પાક્કી બહેનપણી હતી એટલે બધાં એ લોકો ને હેમલતા કહીને જ બૂમો પાડી ને બોલાવે. .
આમ એકમેક માટે બન્ને ની નિર્મળ અને નિઃસ્વાર્થ અને નિર્દોષ લાગણીઓ હતી. . હેમા એનાં મામા મામી અને નાની પાસે રહીને મોટી થતી હતી અને એનાં મામા વાસણો ની લારી લઈને ઊભા રહેતાં હતાં એટલે કમાણી પણ ઓછી હતી અને ઘરમાં ખાનારાઓ ની સંખ્યા વધું હતી એટલે ભણવામાં પણ તકલીફ હતી.
જ્યારે લતાનાં પિતાને ગામમાં તમાકુ ની અને કપાસ ની ખેતી હતી એ સિવાય ગામમાં ઘર અને દુકાનો ભાડે આપ્યા હતાં એનું ભાડું આવતું હતું એટલે લતાને તો રૂપિયા ની કોઈ કમી નહોતી. એક મોટો ભાઈ જીતેશભાઇ હતો અને લતા.
ઘરમાં ચાર જણાં. એટલે લતાને મળતાં વાપરવાના રૂપિયા અને ભણવા જતાં ખેડાથી વસ્તુઓ ઘર માટે લાવવા જે રૂપિયા આપ્યા હોય એ બચેલા હોય એ પોતાની પાસે રાખી ને હેમા નો ભણવાનો ખર્ચ લતા કરતી.
હેમા નાં નાની મણીબા લતાને ખુબ વ્હાલ કરતાં.
એક દિવસ મણીબા અને હેમા નાં મામા વાસણો લેવા ખેડા ગયાં હતાં અને હેમા ને એની મામી સાથે માથાકુટ થઈ ગઈ એટલે એની મામીએ એને એક લાફો માર્યો એટલે હેમાને દિલમાં ખુબ દુઃખ થયું.
એનાં મામી ગામમાં જે જગ્યાએ હેમા ના મામા વાસણો ની લારી લઈને ઊભા રહેતાં હતાં એ જગ્યાએ આજે મામી ઉભા રહ્યા..
ઘરે હેમા અને એમની દીકરી સિમા જે નવ વર્ષની હતી એ રહ્યાં. હેમા ને ગુસ્સો આવ્યો હતો કે મારે માતા પિતા નહીં એટલે આ લોકો મને મારે છે એણે ઘરમાં ફાંફાં ફફોળા કરીને એક દવાની બોટલ મળી એ પી ને સૂતી અને એક નોટમાં લતાને ચિઠ્ઠી લખી.
પ્રિય લતા.
હું મારા ઘરનાં થી કંટાળી ગઈ છું. . તું મારો ભણાવાનો ખર્ચ પણ ઉપાડે છે પણ મારે માતા પિતા નથી તો આ લોકો મને પ્રેમ કરતાં નથી અને વાતે વાતે મારે છે તો મેં દવા પી લીધી છે.
મને માફ કરજે.
અને પછી નાં જન્મમાં મારી બહેન બનીને જ મળજે..
લિ. . તારી હેમા.
અને આ નોટ હેમાએ સિમા ને આપી અને કહ્યું કે લતાને આપી આવ..
અને એ આંખો બંધ કરીને સૂઈ ગઈ.
સિમા દોડતી લતાને ઘરે ગઈ અને કહ્યું કે આ નોટ તમારાં માટે છે. હેમા દિદીએ મોકલી છે.
લતાએ પાનાં ઉથલાવીને ચિઠ્ઠી વાંચી. .
દોડતી હેમા નાં ઘરે ગઈ . એને થપથપાવીને ઉઠાડવા કોશિશ કરી પણ ઉઠી જ નહીં.
હવે લતાએ સમય બગાડ્યા વગર ઘરે પાછી આવી અને પિતાએ સાયકલ લઈ આપી હતી એ લઈને ખેડા પૂરપાટ ભગાવી .
ખેડા એમનાં ફેમિલી ડોક્ટર નાં ઘરે જઈને એમને બધી વાત કરી અને દવા આપવા કહ્યું.
ડોક્ટર ઓળખતાં હતાં એટલે દવા આપી કહ્યું કે આ બે ગોળી વાટીને પીવડાવી દે તો વોમીટ થઈ જશે નહીં તો મોટા દવાખાને લઈ જવી પડશે.
લતા આભાર માનીને રૂપિયા આપી ને પાછી સાયકલ પૂરપાટ હેમાના ઘરે દોડાવી મૂકી અને હેમા નું ઘર આવ્યું એટલે સાયકલ છુટી મુકીને એનાં ઘરમાં દાખલ થઈ અને એક કપ પાણીમાં બે ગોળીઓ ઓગાળીને હેમા નું માથું ખોળામાં મુકીને ચમચી ચમચી એ દવા પીવડાવી દીધી.
અડધાં કલાકમાં જ એને વોમીટ થઈ અને એટલામાં જ મણીબા અને મામા પાછાં આવ્યાં એમણે વાત જાણી હેમા ને સમજાવી આવું કરાય. .. આ તો સારું છે કે લતાએ સમયસૂચકતા વાપરીને દવા લાવીને પીવડાવી તો બચી ગઈ.
પછી લતા ની હેમા એ માફી માંગી પણ લતાએ કહ્યું કે હું માફ ત્યારે જ કરું કે તું વચન આપ કે જિંદગીમાં ફરી ક્યારેય આવું પગલું નહીં ભરે.
હેમા એ વચન આપ્યું.
બન્ને બહેનપણીઓ ભેટીને ખુબ રડ્યા.
આજે તો હેમાનુ લગ્ન સૂરતમાં ઘનશ્યામ કુમાર સાથે થયેલું છે બે સંતાનોની મા છે અને લતા અમદાવાદમાં છે.
પણ બન્ને ની દોસ્તી આજે પણ અતૂટ છે.
આજે પણ એ લોકો રોજ ફોન પર વાતો કરે છે અને એકબીજાને ઘરે જાય છે અને પ્રસંગોપાત પણ મળે છે અને જૂની વાતો યાદ કરે છે.