દવાખાનામાં ડોક્ટરનું પ્રેમમિલન
દવાખાનામાં ડોક્ટરનું પ્રેમમિલન
કોલેજકાળનો પ્રેમ હદયમાં સંઘરીને બેઠેલ સ્વરા હજીય તેનાં સોહમની યાદો સાથે જ જીવી રહી હતી. સોહમનાં રૂઢિચુસ્ત પિતાજીએ લગ્નની ના પડતાં ભાગીને લગન કરવાની જીદ કરતાં સોહમને માંડ સમજાવીને પોતે ભારે હૈયે વિદેશમાં અભ્યાસ માટે ગઈ હતી. ડોક્ટર બન્યાં બાદ દશ વર્ષ બાદ તે ભારત પાછી આવી હતી.
"પગલે પગલે પ્રીતમ સાંભળે, હૈયે આ અધૂરપ જણાય
મળે જો વહાલો વીંટળાઈ જવા,
વેલની જેમ મન આતુર જણાય."
ભારતમાં આવીને પોતાનું દવાખાનું બનાવી તે પોતાનાં કામમાં વ્યસ્ત રહેવા લાગી હતી. એક દિવસ એક અકસ્માતનો કેસ આવતાં દર્દીને લઈ આવેલ સ્ત્રી ડોક્ટર સ્વરાને હાથ જોડી વિનંતી કરતી હતી,
"ડોક્ટર મેમ ગમે તેમ કરી આને બચાવી લ્યો પ્લીઝ !" તેને હિંમત આપી સ્વરા દર્દી પાસે ગઈ.
દર્દીને જોતાં જ સ્વરાનાં હોંશ ઉડી ગયાં. જોગાનુજોગ સાચે જ આ બેભાન દર્દી સ્વરનો જ પ્રેમી સોહમ હતો. તેનાં હાથ રોકાઈ ગયાં અને મનભરીને બસ નીરખતી જ રહી.
"મેડમ સામેથી કૂદીને આ ભાઈ મારી ગાડીની વચ્ચે આવ્યાં હતાં." બાજુમાં ઉભેલ એક ભાઈ બોલ્યાં.
અવાજ સાંભળીને સ્વરા હોશમાં આવીને સોહમને તપાસવા લાગી. ઓપરેશન માટે તરત જ ઓપરેશન રૂમમાં તેને લઈ ગયા. લોહીની જરૂર પડતાં સોહમનું બી નેગેટિવ લોહી ક્યાંય ન મળતાં સ્વરાએ પોતે તેને લોહી આપ્યું.પેલી સ્ત્રીએ સ્વરાનો ખુબ જ આભાર માન્યો.
સફ્ળ ઓપરેશન થતાં જ સ્વરા રાહતનો શ્વાસ લઈને બહાર આવી. પણ સ્વરા તો તે સ્ત્રીને સોહમની પત્ની માની ઈર્ષ્યા કરવા લાગી હતી. તે પોતાનાં ફૂટેલા નસીબ પર ખુબ જ રડવાં લાગી. ત્રણ કલાક બાદ સ્વરા સોહમને તપાસવા જઈને જેવો સોહમનાં હદય પર હાથ મુક્યો કે બેભાન સોહમનો ધીમો સ્વર સંભળાયો,
"સ્વરા મને ભરોસો હતો કે તું તારાં સોહમ પાસે આવશે જ" સ્વરાએ ચમકીને જોયું તો સોહમની આંખોમાં આંસુ વહી રહ્યાં હતાં.
પેલી સ્ત્રી બાજુમાં આવીને સોહમને કહ્યુ, "હા સોહમભાઈ ચિંતા ન કર તારી સ્વરા જરૂર આવશે. તું શાંત રહીને આરામ કર."
આ સાંભળીને ડોક્ટર સ્વરા હોંશ ગુમાવી બેઠી. પેલી સ્ત્રીએ સ્વરાને કહ્યું, "ડોક્ટર મેમ મારો ભાઈ દસ વર્ષ બાદ પણ પોતાની પ્રેમિકાને ભૂલી શક્યો નહીં."
જોગાનુજોગ સોહમની આંખો ખુલતાં જ સ્વરા ભાન ભુલીને તેની છાતીએ વળગી પડી. દવાખાનામાં ડોક્ટર સ્વરા અને સોહમ બંને સાચા પ્રેમીઓનાં મિલનથી ખૂશીની લહેર ફેલાઈ ગઈ.

