Rahul Makwana

Horror Tragedy Thriller

4  

Rahul Makwana

Horror Tragedy Thriller

દ્રષ્ટિ - વાત એક અદભૂત રહસ્યની

દ્રષ્ટિ - વાત એક અદભૂત રહસ્યની

13 mins
306


દિવાળીનો તહેવાર આપણે ખુશી અને આનંદથી ઉજવીએ છીએ, દિવાળી હિંદુ ધર્મની માન્યતા પ્રમાણે પવિત્ર તહેવાર છે, દિવાળી એ પ્રકાશનો તહેવાર છે જે અંધકાર પર પ્રકાશનાં વિજયનું પ્રતીક છે.

આકાશ પોતાના ઘરની બહારની તરફ રાત્રે 9 વાગ્યાની આસપાસ ફટાકડા ફોડી રહ્યો હતો, આખે-આખી શેરીમાં બધા જ બાળકો ફટાકડા ફોડી રહ્યા હતાં, એવામાં આકાશે એક ફટાકડાની વાટ સળગાવી, પરંતુ ફટાકડો ફૂટ્યો નહીં, આથી આકાશ ફટાકડાની નજીક ગયો, જેવો તે ફટાકડાની નજીક ગયો તેવો અચાનક ફટાકડો ફૂટ્યો અને આકાશના આંખના ભાગે ગંભીર ઈજા થઈ, આથી આકાશને તાત્કાલિક નજીકની આવકાર મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલમાં લઈ ગયાં, થોડા જ સમય પહેલા જે ગલીમાં આનંદ અને હર્ષનો કલરવ સંભળાતો હતો, એ ગલીમાં એકદમ સન્નાટો છવાઈ ગયો, આવી દુર્ઘટના બનશે તેવું કોઈએ વિચાર્યું પણ ન હતું.

આકાશને હોસ્પિટલમાં તાત્કાલિક ઓપરેશન થિયેટરમાં લઈ ગયાં, આકાશનો આખો પરિવાર ઓપરેશન થિયેટરની બહાર ગભરાયેલા અને ડરેલી હાલતમાં ઉભેલા હતાં, આકાશની બહેન મોનિકા, જ્યારથી આકાશને ઓપરેશન થિયેટરમાં અંદર લઈ ગયાં ત્યારની રડી રહી હતી.

આકાશના પિતા માધ્યમિક શાળામાં શિક્ષક તરીકેની ફરજ બજાવતા હતાં, આથી તેનું સોસાયટીમાં ખૂબ જ માન હતું. આકાશના પિતાએ જીવનનાં બધાજ તડકા- છાંયડા નજીકથી જોયેલા હતાં. 

 એવામાં ડો. તરંગ માકડીયા ઓપરેશન થિયેટરની બહાર આવ્યા અને આકાશમાં પરિવારને જણાવતા કહ્યું કે આકાશની બંને આંખોમાં ગંભીર ઈજા પહોંચી છે, અને હવે આકાશ પોતાની આંખોથી ક્યારેય જોઈ શકશે નહી.

 આ સાંભળી આકાશનો પૂરો પરિવાર શોકનાં સાગરમાં ડૂબી ગયો, જે પરિવાર થોડાક જ કલાકો પહેલા આનંદ અને ઉત્સાહમાં હતો તે પરિવાર શોકનાં સાગરમાં ગરકાવ થઈ ગયો, આકાશના પિતાએ પોતાની પત્ની અને મોનિકાને હિંમત આપી, જો કે પોતે પણ અંદરથી તો સંપૂર્ણપણે હિંમત હારી ચૂક્યા હતાં. મોનીકા રડતાં - રડતાં બોલી.

“પપ્પા ! હું અને ભયલું જયારે સંતામણી કે આંધળો પટ્ટો રમતાં ત્યારે હું આકાશની આંખો પર જ્યારે પટ્ટો બાંધતી તો તે મને કહેતો હતો કે મને કંઈ જ દેખાતું નથી, અને મને બીક લાગે છે….આકાશ પોતાની આંખો પર વધારે સમય સુધી પટ્ટો બાંધી શકતો ન હતો, જો વધારે સમય સુધી આ પટ્ટો બાંધેલ રાખવામાં આવે તો તે ગભરાઈ જતો હતો. હવે તો તે આખી જિંદગી જોઈ નહીં શકે, તો આકાશ કેવી રીતે રહી શકશે….?”

મોનિકાની આ વાત સાંભળી આકાશના મમ્મી- પપ્પાએ મોનિકાની ગળે વળગાળી ને રડવા લાગ્યા, અને આકાશના પિતાએ હિંમત આપતા કહ્યું કે..

“ના ! બેટા...કુદરત આપણને દુઃખ આપે છે, તેની સાથે- સાથે તેમાંથી બહાર નીકળવા માટે કોઈ ચોક્કસ રસ્તો પણ આપે જ છે, હું મારાથી શક્ય હશે એટલાં પ્રયત્નો કરીને પણ આકાશ ફરીથી જોઈ શકે તે માટે દિવસ રાત એક કરી દઈશ, પછી ભલે મારે મારી બધી સંપત્તિ વહેંચવી પડે.. પણ હું મારી સાચી સંપત્તિ સમાન આકાશને દ્રષ્ટિ આપવીને જ રહીશ.”

આટલું બોલી બધા પરિવારવાળા આકાશને જે રૂમમાં ઓપરેશન બાદ રાખવામાં આવેલ હતો ત્યાં ગયાં.

 આકાશની ઉમર લગભગ 21 વર્ષની આસપાસ હશે, પોતે કોલેજના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતો હતો, આકાશ જે કોલેજમાં અભ્યાસ કરતો હતો, તે કોલેજ પોતાના ગામથી 10 કિ.મી દૂર આવેલ હતી, આકાશ દરરોજ પોતાની બાઈક લઈને કોલેજ જતો હતો. આકાશ ભણવામાં પણ ખૂબ જ હોશિયાર હતો, આપણે ત્યાં કહેવત છે કે ‘મોરનાં ઈંડા ચીતરવા ના પડે’ આકાશની બાબતમાં આ વાત એકદમ સાચી જ હતી, કારણ કે આકાશનાં માતા- પિતાના બધા જ ગુણ આકાશમાં ઉતરેલા હતાં.

આકાશે પોતાના ગ્રેજ્યુએશનના ત્રણેય વર્ષમાં ડિસ્ટિંગશન સાથે પ્રથમ ક્રમ પ્રાપ્ત કરેલ હતો, આથી દર વર્ષે થતા અન્યુલ ફંકશનમાં આકાશને દર વર્ષે આમંત્રિત પ્રતિષ્ઠિત મહેમાન દ્વારા ઈનામ પણ મળેલા હતાં. 

ત્રીજા વર્ષના એન્યુલ ફંકશનમાં શહેરના કલેકટરશ્રી ને મુખ્ય અતિથિ તરીકે કોલેજ તરફથી આમંત્રિત કરવામાં આવેલ હતાં, અને એન્યુઅલ ફંકશન દરમિયાન, જ્યારે આકાશ પોતાનું ઈનામ લેવા માટે સ્ટેજ પર કલેકટરશ્રી પાસે ગયો, ત્યારે કલેકટરશ્રીએ આકાશની પીઠ થબ- થબડાવતાં કહ્યું.

“કોંગ્રેચ્યુલેશન”

“થેન્ક યુ સર” - આકાશ કલેકટરશ્રી સાથે હાથ મેળવી પગે લાગતાં બોલ્યો.

“તારું પૂરું નામ શું છે બેટા..?” - કલેકટરશ્રી એ આકાશની સામે જોઈ પૂછ્યું.

“જી ! સાહેબ મારું નામ….આકાશ કિશોરભાઈ સરવૈયા.”

“તારા પિતા શું વ્યવસાય કરે છે ?” 

“જી ! સાહેબ મારા પિતા અમારા ગામની માધ્યમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે.”

“તારા ગામનું શું નામ છે ?” 

“સાહેબ ! મારા ગામનું નામ સોનગઢ છે, અને અહીંથી માત્ર 10 કિ.મી જ દૂર છે.”

“ઓહ ! સોનગઢ..!” - કલેકટરશ્રી એકદમ ઝબકારા સાથે બોલતા, મનમાં થોડું વિચારીને તેણે આકાશને કહ્યું કે.

“બેટા ! તારા પપ્પાને કહેજે કે પપ્પા તમારી પાસે ભણતો તમારા કલાસનો રઘલો, તમારી સોટીઓ અને ઠપકાઓ ખાઈ- ખાઈને આજે રઘુવીર શાહ, શહેરનો કલેકટર બની ગયો છે.” - પોતાનો ભૂતકાળ યાદ કરતાં - કરતાં કલેકટરશ્રી બોલ્યાં.

આ સાંભળી આકાશને પોતાના પર તો ગર્વની લાગણી તો થતી જ હતી, પરંતુ હવે સાથે - સાથે પોતાના પિતા માટે પણ ગર્વની લાગણી થવા માંડી.

ત્યારબાદ આકાશે ઘરે આવી આ તમામ બાબત પોતાના પિતાને સંભળાવી, આ સાંભળી આકાશના પિતા કિશોરભાઈની એક શિક્ષક તરીકે છાતી ફૂલઈ ગઈ, અને મનમાં વિચાર્યું કે 

“આપણાં સમાજમાં શિક્ષક જ્યારે વિદ્યાર્થીને મારે કે ઠપકો આપે તો તે વિદ્યાર્થીઓને ક્યારેય ગમતું જ નથી, પરંતુ કોઈપણ શિક્ષકને પોતાના વિદ્યાર્થીઓને ઠપકો આપવો કે માર મારવો જરાપણ પસંદ નથી હોતું, પરંતુ, એ ઠપકો કે મારા વિદ્યાર્થીઓના સારા માટે જ હોય છે, જો પોતે પણ પેલા રાઘલા ને ઠપકો ન આપ્યો હોત કે માર ન માર્યો હોત તો તે આજે કલેકટરની જગ્યાએ કોઈ ચાની હોટલમાં મજૂરી કામ કરતો હોત.”

 આકાશ પલંગ પર સૂતેલો હતો, તેની બહેન અને મમ્મી આકાશના પલંગની પાસે બેઠા હતાં. આકાશ જ્યારે ભાનમાં આવશે ત્યારે એની શું હાલત થશે ? આ વિચાર આવવાથી મોનીકા ખૂબ જ રડી રહી હતી, આકાશના મમ્મી આકાશના માથા પર પ્રેમથી પોતાનો હૂંફાળો હાથ ફેરવી રહ્યાં હતાં, માત્ર થોડાક કલાક પહેલાં જ પરિવારમાં ખુશીનું વાતાવરણ હતું, એની જગ્યાએ આકાશના શરીર સાથે લગાડેલ મલ્ટીપેરા મોનિટરોનો જ અવાજ આખા રૂમમાં ગુંજી રહ્યો હતો.

અચાનક આકાશ ભાનમાં આવ્યો, ભાનમાં આવતાની સાથે જ એક ચીસ પાડી.

“મમ્મી-પપ્પા ! મને કેમ કંઈ દેખાતું નથી…? મારી દ્રષ્ટી ક્યાં જતી રહી, મને બધું જ અંધકારમય જ લાગે છે, મારો જીવ ગભરાય છે.” - આકાશ તરફડીયા મારતાં - મારતાં બોલ્યો.

આકાશની આ ચીસ સાંભળીને તેના પિતા પણ દોડીને આકાશની પાસે પહોંચી ગયાં, અને તેને સાંત્વના આપતા કહ્યું કે 

“બેટા ! તું જ્યારે ફટાકડા ફોડતો હતો, એ સમયે તને જે ગંભીર ઈજા થઈ હતી, તેમાં તારી બને આંખોની દ્રષ્ટિ જતી રહી છે.”

“તો મમ્મી ...પપ્પા ! હું હવે ક્યારેય નહીં જોઈ શકીશ..?”

“ના ! બેટા એવું નથી, ડોકટર સાહેબે કહ્યું છે કે જો આકાશને કોઈએ ડોનેટ કરેલ આંખો મળી જાય તો આકાશ ફરીથી જોઈ શકશે” - આકાશના મમ્મીએ આકાશની પીઠના ભાગે વ્હાલથી હાથ ફેરવતા કહ્યું.

“પણ ! મમ્મી ..મને કંઈ જ નથી દેખાતું તો મારું ધ્યાન કોણ રાખશે….? અને ક્યાં સુધી મારું ધ્યાન રાખશે…?”

“ભયલું ! હું છું ને તારી બહેન, તારું ધ્યાન રાખવા, તું ચિંતા ના કરીશ હું હંમેશા તારી સાથે જ રહીશ અને તારું ધ્યાન રાખીશ.”

“બહેન ! આપણે જ્યારે આંધળો પાટ્ટો રમતા હતાં, ત્યારે ક્યારેય પણ એવુ નહોતું વિચાર્યું કે જીવનમાં ક્યારેક સાચે જ આવી રીતે જીવવાનો વારો આવશે…!”

“બસ ! બેટા હવે તું આરામ કર..!” - આકાશના મમ્મી પોતાની આંખોમાં આંસુ સાથે બોલ્યાં.

આકાશની રંગબેરંગી દુનિયા એક જ પળમાં આવી બેરંગી અને ઉજ્જડ થઈ જાશે તેવું આકાશે સપનામાં પણ વિચાર્યું નહીં હોય.”


છ મહિના બાદ

સમય - સવારનાં 11 કલાક

સ્થળ - આકાશનું ઘર

આકાશના ઘરમાં રહેલ ટેલિફોન અચાનક રણક્યો,

“હેલો ! કિશોરભાઈ છે ઘરે…?”

“ના ! કિશોરભાઈ તો ઘરે નથી..તેઓ તો નોકરી પર ગયાં છે, હું તેમની પત્ની વાત કરી રહી છું, તમે કોણ…?”

“જી ! હું ડૉ. તરંગ માકડીયા વાત કરી રહ્યો છું.”

“નમસ્તે ! સાહેબ...બોલો.”

“જી ! આજે અમારી હોસ્પિટલમાં એક વોલ્ટરી ડોનરે પોતાની બને આંખો ડોનેટ કરેલ છે, માટે આ આંખો જો આકાશને મળે તો તે ફરથી પહેલાની જેમ જ જોઈ શકશે, આથી અમુક ફોર્માંલિટી તથા અમુક તપાસ કરવાની હોવાથી મેં તમને ફોન કરેલ છે.”

“જી ! સાહેબ ચોક્કસ ...તમારો ખુબ-ખુબ આભાર અમે આજે બપોરે પછી જ આવી જાશું આપની હોસ્પિટલે.” - આકાશના મમ્મી આંખોમાં ખુશીના આંસુ સાથે બોલ્યાં.

 ત્યારબાદ આકાશના મમ્મીએ આકાશના પિતા બપોરે જ્યારે જમવા માટે આવ્યાં, ત્યારે આ બઘી વાત જણાવી આથી કિશોરભાઈએ પોતાની સ્કૂલમાં ફોન કરીને અડધા દિવસની રજા મૂકી દીધી, અને બધાં હોસ્પિટલે પહોંચ્યા.

 હોસ્પિટલમાં બધી ફોર્માલીટી પૂરી કરીને, ડો.તરંગ માકડીયાએ જણાવ્યું કે,

“ અમે બધી જ ફોર્માલીટી અને તપાસ કરી લીધી છે, અને આકાશ માટે ડોનેટ થયેલ આંખ એકદમ બરાબર મેચ થાય છે, આપણે આવતી કાલે જ આકાશનું ઓપરેશન ગોઠવીએ છીએ, અને બે જ દિવસમાં આકાશ ફરીથી પહેલાંની માફક જોઈ શકશે.”

આ સાંભળી આકાશનાં આખા પરિવારમાં ખુશીનું વાતાવરણ છવાઈ ગયું, બધાએ ભગવાનનો અને ડો. તરંગ માકડીયાનો હૃદયપૂર્વક આભાર માન્યો, અને આકાશને હોસ્પિટલમાં દાખલ કરી દીધો.

ત્યારબાદ અગાવ નક્કી કરેલા દિવસે જ આકાશની આંખોનું ઓપરેશન કરવામાં આવ્યું, અને માત્ર બે જ દિવસમાં આકાશ પહેલાની માફક જોઈ શકતો હતો, પોતાને દ્રષ્ટિ પાછી મળવાથી આકાશ ખુબજ ખુશ થઈ ગયો. ત્યારબાદ આકાશને હોસ્પિટલ માંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો, અને બધા પહેલાની જેમ જ રાજી - ખુશીથી રહેવા લાગ્યાં.

આકાશને આંખો તો મળી ગઈ પરંતુ તેને મળેલ દ્રષ્ટિ એ પોતાની હતી જ નહિ, એ દ્રષ્ટિ તો બીજા જ કોઈ વ્યક્તિ કે જેણે પોતાની બંને આંખો ડોનેટ કરી હતી તેની હતી, હવે આકાશ સાથે જે થવાનું હતું તેની આકાશે કે તેના પરિવારનાં કોઈપણ સભ્યએ સપનામાં પણ કલ્પના નહી કરી હોય.


એક મહિના બાદ

આકાશની કોલેજમાં એક કલચરલ પ્રોગ્રામ હતો, આ પ્રોગ્રામ મોડી રાત સુધી ચાલ્યો, આથી આકાશ આ પ્રોગ્રામ પૂરો કરી રાત લગભગ 11 કલાકની આસપાસ પોતાના ઘરે પરત ફરી રહ્યો હતો, આખા રસ્તામાં આકાશ એક જ પોતાની બાઈક ચલાવી રહ્યો હતો, એકપણ માણસ તો ઠીક પરંતુ એક પતંગિયું પણ રોડ પર જોવા નહોતું મળી રહ્યું, રાતનો એકદમ ઘોર અંધકાર, સુમસામ અને વેરાન રસ્તો, રોડ પર માંડ ત્રણેક કિ.મીનાં અંતરે એકાદ સરકારી લાઈટો હતી,જે ઝાંખો - ઝાંખો પ્રકાશ રેલાવી રહી હતી, પરંતુ આકાશ બહાદુર છોકરો હતો, આથી તેણે હિંમત કરી પોતાની બાઈક ચલાવવાનું શરૂ રાખ્યું.

લગભગ પાંચેક કિ.મી બાઈક ચલાવી હશે, એવામાં આકાશના કાને એક દર્દભરી કોઈકની ચિચિયારી પડી, કોઈ મદદ માટે બુમો પાડી રહ્યું હતું, આ અવાજ સાંભળી આકાશે એકદમ સ્પીડથી પોતાની બાઈક પેલા અવાજની દિશામાં ભગાવી, ત્યાં જઈને જોયું તો એક વ્યક્તિ લોહીથી લતપત હાલતમાં જમીન પર પડેલ હતી, આકાશે નજીક જઈને જોયું તો તેની આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ, કારણ કે એ બીજું કોઈ નહીં, પરંતુ તેને કોલેજના છેલ્લા ફંકશન દરમ્યાન જેના હસ્તે ઈનામ મળેલ હતું, તે શહેરના કલેકટરશ્રી રઘુવીર શાહ હતાં, જેના પેટના ભાગે કોઈએ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરેલ હતો.

 આથી આકાશ પોતાની બાઈકની ઘોડી ચડાવી તેને મદદ કરવા માટે દોડ્યો, જેવો આકાશ રઘુવીરજીની મદદ કરવા ગયો, ત્યાં રઘુવીરજીએ કહ્યું કે

“બેટા ! મને હવે બચાવવાનો કોઈ જ અર્થ નથી, થોડીક જ ક્ષણોમાં હું મરી જઈશ, હું કોઈપણ હાલતમાં બચી શકું તેમ નથી, મારી પાસે ખૂબ જ ઓછો સમય છે, તું મારું એક કામ કરીશ..?” - કલેકટરશ્રીએ આકાશનો હાથ પોતાના હાથમાં પકડાતા કહ્યું.

“હા ! સર ચોક્કસ...હું તમારી મદદ કરીશ..તમે જણાવો..!”

“બેટા ! આ પેન ડ્રાઈવ તારી પાસે રાખ, આમાં આપણાં શહેરનાં નામાંકિત વ્યતિઓનાં ગેરકાયદેસર કામોનું સબૂત છે, અને આ બધાની મેં એક સિક્રેટ ફાઈલ પણ બનાવેલ છે, જે મારી ગાડીમાં પડી છે, મારી કાર રોડની સાઈડમાં આવેલ ખાડામાં પડી ગઈ છે, તું એ બધાને એના આ કાર્યો માટે સજા અપાવજે, જો તું આ બધાંને સજા અપાવીશ પછી જ મારા જીવને શાંતિ મ...ળ…શે…!” - આટલું બોલતાની સાથે જ રઘુવીરજીનો જીવ તેનું શરીર છોડીને કાયમિક માટે જતો રહ્યો.

આકાશને શું કરવું એ કંઈ સમજાતું ના હતું, આથી થોડું વિચાર્યા બાદ તે રઘુવીરજીએ જણાવ્યાં મુજબ તેની કાર પાસે ગયો અને તેમાંથી ફાઈલ લઈને, એકદમ ઝડપથી પોતાના શહેર તરફ ગયો, ત્યાં તેણે નજીકની પોતાની આંખોનું ઓપરેશન જે આવકાર હોસ્પિટલમાં થયું હતું ત્યાં જઈ તેણે એમ્બ્યુલન્સ માટે મદદ માંગી, આથી તરત જ એમ્બ્યુલન્સ સાથે મેડિકલ ટિમ આ બનાવ સ્થળે તાત્કાલિક પહોંચી ગઈ.

 ઘટના સ્થળે પહોંચતાની સાથે જ આકાશની આંખો એકદમ આશ્ચર્યથી પહોળી થઈ ગઈ, કારણ કે જે જગ્યાએ આ ઘટના બની હતી, ત્યાં તો કઈ બન્યું જ ના હોઈ તેમ બધું નોર્મલ જ હતું, આથી પોલીસે અને મેડિકલ ટીમે આકાશને ખૂબ જ ઠપકો આપ્યો, પરંતુ આકાશ પોતાની સાથે જે કઈ બની રહ્યું હતું તે સમજાતું ન હતું, આથી આવડો ઠપકો મળવા છતાંપણ આકાશ એકપણ શબ્દ બોલ્યો નહીં, આકાશ આ બધાને કેવી રીતે વિશ્વાસ અપાવું તે સમજાતું ના હતું.

આથી આકાશ પોતાની શંકાના સમાધાન માટે કલેકટરશ્રીની કાર જે જગ્યાએ પડેલ હતી તે જગ્યાએ ગયો, ત્યાં જઈને જોયું તો ત્યાં કાર પણ નહોતી પડેલ, આથી આકાશ હવે મનમાં ખૂબ જ મૂંઝાવા લાગ્યો.

ત્યારબાદ આકાશ એકદમ હતાશ થઈને, મનમાં હજારો પ્રશ્નો સાથે પોતાના ઘરે પરત ફર્યો, પોતાની સાથે જે કઈ પણ બન્યું તે અવિશ્વાસનીય તો હતું જ પણ કોઈને કહી ન શકાય તેવું પણ હતું, જો તે આ બાબત તેના પરિવારના કોઈ સભ્યને કરે તો એ લોકો પણ વિશ્વાસ કરે નહીં એવું બની શકે...આથી આકાશે આ બાબતની જાણ પોતાના પરિવારના એકપણ સભ્યને કરી નહી, એ રાત આકાશ માટે ખૂબ જ ડરામણી હતી, આખી રાત આકાશ સૂઈ ના શક્યો.

આથી બીજે જ દિવસે આકાશ પોતાના ગામમાં આવેલ પોલીસ સ્ટેશને પહોંચી ગયો, અને ગઈકાલે પોતાની સાથે જે બનાવ બન્યો હતો, તેની જાણ કરી, આકાશની વાત સાંભળી પોલીસ ઈન્સપેક્ટર શ્રીવાસ્તવ એકદમ આશ્ચર્ય અને નવાઈ સાથે બોલ્યા.

“આકાશ, તને પાકો ખ્યાલ છે કે એ આપણા શહેરના કલેકટરશ્રી રઘુવીર શાહ જ હતાં..?”

“હા ! સાહેબ...ગયા જ વર્ષે આમારી કોલેજના એન્યૂલ ફંક્શનમાં તેના જ હસ્તે મને એવોર્ડ મળેલ હતો, હું તમને કેવી રીતે ભૂલી શકું.”

“પરંતુ આકાશ આ વસ્તુ શક્ય જ નથી, આવું બની જ ના શકે..”

“શું ! વાત કરો છો સાહેબ…?..મેં મારી સગી આંખે જોયું એ ખોટું..?”

“હા ! આકાશ તારે પણ મારી વાત પર વિશ્વાસ કરવો જ પડશે...કારણ કે તું જે આપણા કલેકટરશ્રી રઘુવીરજીની વાત કરી રહ્યો છો.. તેનું તો આજથી છ મહિના પહેલાં જ કોઈ અજાણ્યાં શખ્સો દ્વારા ખૂન થઈ ગયેલ હતું.” - શ્રી વાસ્તવજીએ રજીસ્ટર બતાવતા કહ્યું.

 આ સાંભળતાની સાથે જ જાણે આકાશના પગ હેઠળની જમીન ખસી ગઈ હોય તેવું લાગી રહ્યું હતું, આકાશના મનમાં હજુ પણ ઘણાં પ્રશ્નો હતાં જ તે, પોતાને કોનાં પર વિશ્વાસ કરવો એ સમજાતું ન હતું, કારણ કે પી.આઈ શ્રીવાસ્તવે જણાવેલ બાબત અને એમ્બ્યુલન્સ લઈને જ્યારે આકાશ ઘટના સ્થળે પહોંચ્યો ત્યારે જે કઈ અનુભવ્યું હતું એ બંને એકબીજાનો સૂર પુરાવી રહ્યાં હતાં.

આથી આકાશે એવું વિચાર્યું કે કદાચ પોતાની સાથે જે ઘટના બની એ આ દુનિયાનાં માણસોની સમજણ બા'ર હશે, કદાચ કલેકટરશ્રીનો જીવ ન્યાય મેળવવા કે પોતાની ઈચ્છા અધૂરી રહેવાથી ભટકતો હશે, અને કુદરતે કલેકટરશ્રીની ભટકતી આત્માને મોક્ષ અપાવવાના શુભ કાર્યમાં પોતાની પસંદગી કરી હશે એવું માની, ટેબલ પર પાણી ભરેલ ગ્લાસ ઉઠાવ્યો, થોડુ પાણી પીધા બાદ આકાશે કહ્યું કે…

“સાહેબ ! કદાચ બની શકે કે તમે સાચા હોવ, પરંતુ હું મારા અને કલેકટરશ્રી વતી આપને એક વિનંતી કરું છું કે તમે મને કલેટરશ્રીની અધૂરી ઈચ્છા પૂરી કરવામાં મદદ કરો…! - આટલું બોલી આકાશે પી.આઈ શ્રીવાસ્તવને પેનડ્રાઈવ અને ફાઈલ આપતા કહ્યું.

“સાહેબ ! તમે ભલે મારી વાત પર વિશ્વાસ ના કરો, પરંતુ આ પેનડ્રાઈવ મને આપણાં કલેકટરશ્રીએ પોતાના હાથે આપતા કહ્યું હતું આમાં બધાં ગેરકાનૂની કામો કરવાવાળાનાં પ્રુફ છે, તું એ બધાં ને સજા અપાવજે, જો આમ કરીશ તો જ મારા આત્માને શાંતિ મળશે, અને આ ફાઈલ પણ મને કલેકટરશ્રીની કારમાંથી જ મળી છે, આ જોતા જ શ્રીવાસ્તવને હવે આકાશની બાબત પર થોડો-થોડો વિશ્વાસ આવવા લાગ્યો.

 ફાઈલ અને પેનડ્રાઈવ જોયા બાદ શ્રીવાસ્તવે કહ્યું કે - “આકાશ આ ફાઈલ તથા પેનડ્રાઈવમાં જે લોકોની માહિતી અને પ્રુફ છે એ લોકો અગાવથી જ અમારા ટાર્ગેટમાં જ હતાં જ તે પરંતુ અમારી પાસે યોગ્ય સબૂત ન હોવાને લીધે અમે તમને પકડી શકતાં ન હતાં, હવે અમારી પાસે પાકા સબૂત આવી ગયાં, આથી હવે આ બધાને હું ચોક્ક્સથી સજા અપાવીને જ રહીશ…!” - આટલું બોલી શ્રીવાસ્તવે આકાશનો ખુબ ખુબ આભાર માન્યો.

 ત્યારબાદ, આકાશ પોતાના ઘરે પરત ફર્યો, બપોરે જમીને થોડોક આરામ કર્યો, જાગ્યા બાદ પોતે જ્યારે ચા પીતો હતો, ત્યારે આ આખો બનાવ વાગોળતો હતો, અચાનક તેના મનમાં એક ઝબકારો થયો હોય તેવી રીતે સોફાની બાજુમાં પડેલ લેન્ડલાઈન ફોનનું રીસીવર ઉઠાવ્યું અને એક નંબર ડાઈલ કર્યો.

“હેલો..”

“હેલો ! આવકાર હોસ્પિટલ”

“જી ! હું આકાશ સારવૈયા વાત કરું છું, મારે ડો. તરંગ માકડીયા સાથે અરજન્ટ કામ હોવાથી તેમની સાથે વાત કરવી છે, તો તમે મારી વાત તેમની સાથે મહેરબાની કરીને કરાવો..!” - આકાશે વિનંતી કરતાં કહ્યું.

“જી ! સાહેબ, હું તમારો કોલ ડૉ. તરંગ માકડીયાનાં કન્સલ્ટિંગ રૂમમાં ટ્રાંસ્ફર કરી આપું છું.” - રિસેપનીસે આકાશનો કોલ ડૉ. તરંગ માકડીયા રૂમમાં ટ્રાંસ્ફર કરી દીધો.

“યસ ! ડૉ. તરંગ માકડીયા વાત કરું છું.”

“સાહેબ ! હું આકાશ સરવૈયા બોલું છું..”

“હા ! બોલો આકાશભાઈ ! કેવું છે તમને હવે બંને આંખોમાં..?”

“સાહેબ ! મને તો સારું જ છે પરંતુ મેં તમને માત્ર એટલુ જ જાણવા માટે ફોન કર્યો છે કે તમે હોસ્પિટલમાં જે લોકો પોતાનું ઓર્ગન ડોનેશન કરે તેનો રેકોર્ડ રાખતા હશો ને….?”

“હા ! ચોક્કસ, અમે એ બધો જ રેકોર્ડ રાખીએ છીએ….પણ કેમ તમે આવુ પૂછો છો.?” - માકડીયા સાહેબે નવાઈ સાથે પૂછ્યું.

“સાહેબ ! તો મને જેણે આંખો ડોનેટ કરેલ છે, એનો પણ રેકોર્ડ હશે ને….? તો મને એ વ્યક્તિનું નામ જણાવશો જેમણે મને આંખો સાથે એક નવી દ્રષ્ટિ આપી છે..!”

“હા ! ચોક્કસ” - આટલું બોલી માકડીયા સાહેબ પોતાના ટેબલ પર રાખેલ ડેસ્કટોપમાં ચકાસવા લાગ્યા અને થોડી વાર પછી બોલ્યા કે

“આકાશ ! તમને જેમણે આંખો ડોનેટ કરી છે તેમનું નામ છે…...શ્રી રઘુવીર શાહ, જે આપણા શહેરના એકદમ યંગ કલેકટર હતાં…!”

આ સાંભળતા જ આકાશના મનમાં રહેલા અનેક પ્રશ્નો નો જવાબ ડૉ. તરંગ માકડીયાના એક જ વાક્યમાં મળી ગયાં.”

“ખુબ ખુબ આભાર, સાહેબ” - આટલું બોલી આકાશે કોલ ડિસ્કનેક કરી નાખ્યો.

હવે આકાશને આખી ઘટના સમજાઈ રહી હતી, તેને ખ્યાલ આવ્યો કે પોતાને આંખો મળી હતી, પરંતુ દ્રષ્ટિ તો પેલા કલેકટરશ્રીની જ હતી, જે ઘટના કલેકટરશ્રીની સાથે બની હતી, એ જ ઘટના પોતાની નજર સમક્ષ ફરી બની હતી જે નિહાળનાર દ્રષ્ટિ પણ કલેકટરશ્રીની જ હતી, અને પોતાની અધૂરી ઈચ્છાઓ સાથે કમોતે મારવાને લીધે તેમની આત્મા ન્યાય મેળવવા અને ગુનેગારોને સજા અપાવવા માટે આ અગોચર વિશ્વમાં ભટકી રહી હતી, આકાશ પોતે તો માત્ર કલેકટરશ્રીની અધૂરી ઈચ્છા પૂરી કરવા માટેનું માત્ર એક માધ્યમ જ હતો.

મિત્રો, કલેક્ટરશ્રીની ભટકતી આત્મા પોતાને ન્યાય મળે તે માટે ભટકતી હતી, અને મૃત્યુ બાદ પણ પોતાની દ્રષ્ટિ આકાશને મળવાથી તેઓએ આકાશ દ્વારા બધા જ ગુનેગારોને સજા અપાવવામાં સફળ થયા, અને તેમની ભટકતી આત્માને મોક્ષ મળ્યો, અને આની સાથે - સાથે કલેકટરશ્રી રઘુવીર શાહે પોતાના પર રહેલ આકાશના પિતાનું ઋણ પણ જણાતાં - અજાણતાં જ આકાશને પોતાની દ્રષ્ટિ મળવાથી ઉતારી દીધું.


Rate this content
Log in

Similar gujarati story from Horror