દર્પણ
દર્પણ
જિંદગી અને માનસિકતાને સીધો સંબંધ છે. માણસના વિચારો એની જિંદગીને સુખી કે દુઃખી બનાવે છે. સતત આવતા વિચારો માણસને વેદના કે સંવેદના તરફ ખેંચતા રહે છે. કોઈક વખત માણસને કારણ વગર મજા આવતી હોય છે અને ક્યારેક મન વિના કારણે દુઃખી હોય છે. અમુક સમયે મન એવું વિચલિત થઈ જાય છે કે આપણે ડરવા લાગીએ છીએ. કંઈક અમંગળ બનવાનાં એંધાણ હોય એવો ડરામણો આભાસ ખડો થઈ જાય છે. ઘણી વખત સંજોગો અને પરિસ્થિતિ જ એવી સર્જાય છે કે માણસ મજામાં રહી શકતો નથી. આસપાસનું વાતાવરણ જ કાળું ડિબાંગ લાગવા માંડે છે.
હમણાં એક સર્વે થયો. તનની મન પર અને મનની તન પર અસર વિશેનો આ સર્વે કહે છે કે માણસની ખુશી અને સ્વસ્થતા ઉપર મનનો પ્રભાવ તન કરતાં વધુ રહે છે. આપણે એવા ઘણા કિસ્સાઓ વાંચીએ અને સાંભળીએ છીએ કે એણે પોતાના મક્કમ મનોબળથી બીમારી ઉપર જીત મેળવી. મોટા ભાગે એવું થાય છે કે માણસ વિપરીત સંજોગોને તાબે થઈ જાય છે. એને પોતાના ઉપર હાવી થવા દે છે. માણસને તાવ આવવાનો હોય એ પહેલાં જ તેને ખબર પડવા માંડે છે કે મને ઇઝી નથી લાગતું. આપણે ઘણાંને મોઢે સાંભળીએ છીએ કે મને તાવ આવે એવું લાગે છે. એ પછી મનની અસર તન ઉપર શરૂ થઈ જાય છે.