વાંચન
વાંચન
21 મી સદીના આજના આધુનિક સમયમાં વિજ્ઞાન ને ટેક્નોલોજીએ માનવસમાજને મનોરંજન કરાવી શકે એવી ઘણી શોધખોળ કરી છે. આ શોધખોળે માનવને મનોરંજન કરાવવાની નેમ લીધી છે. નેમ મુજબ શોધખોળે માનવને આનંદ આપ્યો છે. છતાંય તે શાશ્વતને બદલે ક્ષણિક આનંદ છે. આ ક્ષણિક આનંદ માનવને યંત્રવત્ બનાવી દીધો છે, પાંગળો બનાવી દીધો છે જેથી તે શાશ્વત આનંદની ભૂમિકાને સમજવા માટે બધિર કાં તો સંવેદનહન બન્યો છે. આ બધિરતા કે સંવેદનહીનતા ટાળવા એને શાશ્વત, જીવનલક્ષી ને વિચારપ્રેરક એવી વાંચનપ્રવૃત્તિનો આશરો લેવો જ રહ્યો. આ આશરે આપણી જીવનશૈલીને નવ્ય આકાર પ્રાપ્ત થાય છે. જહૉન લૅક આ સંદર્ભે એક વિચાર આપતાં જણાવે છે કે, “વાંચન એ તો આરસપહાણ છે. વ્યક્તિ તેમાં રસ ધરાવે ત્યારે તેની મૂર્તિ ઘડાય છે.”
વાંચનપ્રવૃત્તિમાં રસ ધરાવવાથી કે કેળવવાથી આપણું ઘડતર થાય છે. આપણો જીવનની ઉત્કૃષ્ટતા તરફનો સાચો અભિગમ સમજાય છે. અંતઃ જીવનને નિરખવાની આપણને નવ્ય દૃષ્ટિ મળે છે. વિવિધ પુસ્તકોના વાંચને જીવનઘડતરની પ્રક્રિયા શરૂ થાય છે. આ જીવનઘડતરની પ્રક્રિયા આપણી સમાજવ્યવસ્થા ને માનવસમાજની દૃષ્ટિએ નવો આયામ પ્રદાન કરે છે. માટે જ તો મિરેકલ ઓફ રાઈટ થોટ્સના સર્જક એરિસન સ્વેટે કહ્યું છે, “વાંચન આપણા વિચારોને, આપણી મનોવૃત્તિઓને, આપણી લાગણીઓને તથા આપણી જાતને ઘડવાનું ઓજાર છે.”
