આંખ
આંખ
આંખ માત્ર દુનિયા કેવી છે એ દેખાડતી જ નથી પણ આપણે કેવા છીએ એ પણ દુનિયાને હોય છે. કેટલીક આંખો ઉછાંછળી હોય છે. કેટલીક આંખો જેલને અને કેટલીક મહેલને લાયક બતાવી દેતી હોય છે. તમે કેવા છો એની ચાડી આંખ ફૂંકી દેતી હોય છે. કેટલીક આંખો બોલકી હોય છે. આંખ વોન્ટેડ પણ હોય છે અને આંખ અનવોન્ટેડ પણ હોય છે. કેટલીક આંખો જંગલ જેવી ગાઢ હોય છે અને કેટલીક આંખો સ્મશાન જેવી ગૂઢ હોય છે. આંખો તેના તેજ અને ભેજથી ઓળખાઈ જાય છે. કેટલીક આંખો તરબતર હોય છે અને કેટલીક આંખો લથબથ હોય છે. આંખને ઓળખતાં આવડે તો માણસને ઓળખતા આવડે. કેટલીક ખુલ્લી આંખો પણ અંધ હોય છે જે કંઈ જ જોઈ નથી શકતી અને કેટલીક બંધ આંખો આપણને આખી દુનિયાનો રસ્તો ચીંધાડી જાય છે.
બાળકની આંખ શિયાળામાં ફૂલની પાંદડી પર છવાતા ઝાકળના બિંદુ જેવી હોય છે. ઉંમર મુજબ આંખો બદલાય છે. નિર્મળ આંખો થોડીક મોટી થાય એટલે આંખોમાં કુતૂહલ અંજાઈ જાય છે. યુવાનીની આંખોમાં તરવરાટ છે. પ્રેમીની આંખમાં ન્યોછાવરી છે. પ્રેમી આંખ મિલાવે ત્યારે બે નજરની સાથે બે દિલ કનેક્ટ થાય છે. આંખ એ ઇમોશન બતાવી દેનારું સૌથી મોટું માધ્યમ છે. હતાશ લોકોની આંખ થાકેલી અને હારેલી હોય છે. બુઠ્ઠી થઈ ગયેલી આંખોમાં અનુભવોનો ભાર હોય છે. કેટલીક આંખો માપવાની હોય છે અને કેટલીક આંખો પામવાનું મન થાય એવી હોય છે. કેટલીક આંખો ઝૂકે ત્યારે આખી જન્નત ઝૂકી ગઈ હોય એવું લાગે છે. આંખમાં ઇશારા પણ હોય છે અને આંખમાં તિખારા પણ હોય છે. કેટલીક આંખો બાળી નાખે એવી હોય છે અને કેટલીક આંખો તારી દે એવી હોય છે. કોઈ આંખ જુએ તો જોતું જ રહે એવી ઈચ્છા થાય છે અને કોઈ આંખ સામે નજર માંડવાની હિંમત થતી નથી. આંખ માણસની કિંમત કરી જાય છે
