જિંદગીને જીવી લેવાની જિદ
જિંદગીને જીવી લેવાની જિદ
વર્ચ્યુલ વર્લ્ડનો જમાનો છે. સ્ક્રીન પર સંબંધો સળવળતા રહે છે. ફ્રેન્ડ્સનું લિસ્ટ લાંબું હોય છે, પણ દિલની વાત કહી શકાય એવો એકાદ સંબંધ પણ સજીવન હોતો નથી. લાઈક કરવાની લાયકાત માત્ર એક ક્લિક કરવાથી મળી જતી નથી. કમેન્ટ્સના કલ્ચરમાં થોડાક શબ્દો ઠાલવી પીઠ થાબડતા હોવાનો કે સાંત્વના આપતા હોવાનો આભાસ ઊભો થતો રહે છે. બધાનાં પોતાનાં ‘ સ્ટેટસ ’ છે, અપડેટ્સ છે, પણ ઉષ્મા ક્યાં ? આદર ક્યાં ? ઈમોજીથી જ્યારે હાસ્ય ફોરવર્ડ થઈ જાય છે ત્યારે હોઠ જરાયે હલતાં નથી અને રુદનનું ચિત્ર રઝળતું મૂકાય ત્યારે આંખ સાવ કોરીકટ હોય છે.
માણસમાં બે વસ્તુ હોવી જોઈએ, ચહેરા પર તેજ અને આંખમાં થોડોક ભેજ. જિંદગીને બહાર ન શોધો. સુખ માટે ફાંફાં ન મારો, આનંદ માટે અધીરા ન થાવ, બસ તમે થોડાક તમારી નજીક જાવ. સંવેદનાનું એપી સેન્ટર તમારી અંદર જ છે.
