Leena Vachhrajani

Drama Tragedy Thriller

0.8  

Leena Vachhrajani

Drama Tragedy Thriller

દિયા ઔર બાતી - એક સત્યકથા

દિયા ઔર બાતી - એક સત્યકથા

5 mins
341


સોળે કળાએ ખીલી ઉઠેલી સંધ્યા હતી. એ રમણીય સાંજની સાક્ષીએ રુચાએ રોજરને કહ્યું હતું,

“મને તેં તારી જીવલેણ આદત પાડી છે રોજી, મને તારા સિવાય કોઇની મદદ નહીં ખપે.”

“રુચુ, મૈં હું ના!”

એક રુચા અને એક રોજર.

બસ, વાત તો આ બન્નેની પણ ઇન્દ્રધનૂષના દરેક રંગ સમાયેલી.

બન્નેની નાત-જાત, ધર્મ સાવ અલગ.

પણ નસીબમાં એક થવાની રેખા દોરાવીને આવેલાં બન્ને કોલેજમાં દોસ્ત અને ધીરે ધીરે હમકદમ બનતાં ગયાં. 

યોગ્ય સમય થયો અને રુચાના ઘરમાં એના લગ્નની વાત થવા લાગી. અને એક દિવસ રુચાએ રોજરના નામનો ઉલ્લેખ કરી જ દીધો. એ જ રીતે રોજરે ઘરમાં રુચાના નામને પ્રવેશ આપી દીધો.

સ્વાભાવિક રીતે જ બિલકુલ અલગ જિંદગી જીવતા બે પરિવારનો વિરોધ જ હોય. 

પ્રતિક્ષા અને પરિક્ષાનો સમય શરુ થયો. અને કેટલીય શરતો સાથે પૂરો પણ થયો. 

રુચા અને રોજર સપ્તપદી અને ચર્ચના રીત-રિવાજો પૂરા કરી એક થયાં.

રોજરની સવાર રુચાએ ક્રોસની બાજુમાં પધરાવેલાં મા ગાયત્રીના ગાયત્રીમંત્રથી શરુ થતી તો રુચાની સવાર માતાજીની બાજુમાં બિરાજેલ કરુણામૂર્તિ ઇશુ ખ્રિસ્તની પ્રેયરથી પ્રકાશમાન થતી.

પાંચ વર્ષમાં જિંદગી હાઈ-વેની જેમ સડસડાટ દોડતી થઈ. રોજર કંપનીમાં બહુ ઉંચી પદવી પર તો રુચા બેન્કમાં પ્રભાવશાળી કામ પ્રદાન કરીને ઉંચાઈ સર કરી રહી હતી.

બેન્કના કામે ગોવા ગયેલી રુચાને રાતે હોટલમાં સ્નાન કરતી વખતે ગાંઠ જેવું કંઇક અનુભવાયું. ઘેર પહોંચીને રોજરને જણાવ્યા વગર ડોક્ટરને ત્યાં પહોંચી ગયેલી રુચાના બધા ટેસ્ટનાં પરિણામ કેન્સર સુધી આવ્યાં. 

રાતે જમીને રોજની જેમ બહાર વરંડામાં ટહેલતા રોજરને રુચાએ કહ્યું,

“રોજી, તને ચા બનાવતાં આવડે?”

“હા.”

“રોજી, તને જમવાનું બનાવતાં થોડું-ઘણું ફાવે?”

“રુચુ, કેમ આવું પૂછે છે?”

રોજરનો હાથ પકડીને કુમાશથી સહેલાવતાં રુચીએ કહ્યું,

“જો ડીઅર, કેન્સરની ટ્રીટમેન્ટમાં તો થોડો વધુ સમય જાય ને!”

રોજર શૂન્યમનસ્ક બની ગયો.

પછી શરુ થયો બંનેની જિંદગીનો કપરો સમય. 

રુચાનું પ્રથમ ઓપરેશન સફળ રહ્યું. કિમોથેરાપી અને રેડિએશનની સાથે રોજરની અખંડ પ્રેમભરી માવજતથી રુચા ફરી બેન્ક જતી થઈ. 

માથાના વાળ બધા નીકળી ગયા. 

ડોક્ટરની કૃત્રિમ વાળની સલાહનો જવાબ આપતાં રુચાએ હળવાશથી કહ્યું,

“બહારનો કોઈ સહારો મને નહીં ફાવે.

ડોક્ટર, એક જ જીવલેણ આદત પડી છે કે મને રોજર સિવાય કોઈની મદદ ખપતી નથી.”

સ્કાર્ફ સાથે ફરી રુચા સ્માર્ટ તૈયાર થઇને બેન્ક જતી થઈ ગઈ. રોજરને રુચાની નાજૂક તબિયત માટે દિલમાં એક કાંટો જરુર ખૂંચતો રહેતો પણ સમય ચાલતો થયો.

રુચાને બેન્કની ઉત્તમ કામગીરી માટે ૨૦૦૫ના વર્ષમાં “બેસ્ટ પર્સનલ બેંકર”નો એવોર્ડ, 

૨૦૦૯ના વર્ષમાં “વિદેશી મૂડીરોકાણ માટે બેસ્ટ પરફોર્મર”નો એવોર્ડ મળ્યો.

 રોજર કંપનીમાં ડાયરેક્ટરની પદવી મેળવી ચૂક્યો હતો. અને જિંદગી ખુશહાલ ચાલી.

અને એક દિવસ ફરી અંધકારે પ્રેમી પારેવાં પર તરાપ મારી. 

ફરી સારવારનો પીડાદાયી તબક્કો શરુ થયો. 

પણ વીસમી સદીની ઝાંસીની રાણીએ બહાદૂરીથી સામનો શરુ કર્યો. 

કેન્સરની કપરી સારવાર સાથે બેન્કમાં પણ ઝનૂનથી કામ કરતી રુચા જાણે જિંદગી ફાસ્ટ ફોરવર્ડ જીવી લેવાના નિર્ણય પર આવી ચૂકી હતી.

ફરી કિમોથેરાપી તો ફરી ૨૦૧૦ના વર્ષમાં “હાઇએસ્ટ ઇન્સ્યોરન્સ ઇન્વેસ્ટર” માટેનો એવોર્ડ. 

૨૦૧૧માં રેડિએશનના બે અઠવાડિયા પછી મોસ્કોમાં “ધ મોસ્ટ સક્સેસફુલ એચીવમેન્ટ” એવોર્ડ રુચાએ પીડા સાથે સસ્મિત સ્વિકાર્યો.

હવે તો લિવરમાં પાણી ભરાતું હોવાથી ચાલવાનું બંધ થતાં દોડતી કારકિર્દી વ્હીલચેર પર ગોઠવાઇને સફળતાના તમામ સોપાન સર કરી રહી હતી. 

રોજરના અત્યંત પ્રેમાળ હૂંફભર્યા સહવાસમાં રુચાની વેદના બેવડા ઝનૂનથી તેજસ્વી કારકિર્દીના ઘડતરમાં મગ્ન હતી. 

એ અરસામાં ૨૦૧૩ના યાદગાર વર્ષમાં અતિ ગરિમાભર્યો ઝળહળતો એવોર્ડ “તેજસ્વિની -ધ સુપર વુમન એચિવર” રુચાને મળ્યો ત્યારે રુચાએ રોજરની મદદથી એ સ્વિકાર્યો. એ રાતે રોજર બહુ ઉદાસ હતો. અતિશય નબળાઈ છતાં રુચાએ કહ્યું, “રોજી, કાલની પિક્ચરની ટિકીટ બુક કરાવ દોસ્ત, આવડી મોટી તેજસ્વી સફળતા માટે પાર્ટી તો બનતી હૈ..”

રોજર આંસુને સ્મિતમાં પલટાવવામાં માહેર થઈ ગયો હતો. 

એણે ટિકીટ બુક કરાવી. રુચા થિયેટરની નોર્મલ સીટમાં તો પેટમાં અતિશય પાણી ભરાવાથી સમાઈ શકે એમ જ નહોતી. 

વટભેર થિયેટર ઓથોરીટીની પરમિશન લઈ વ્હીલચેર પર મસ્તીથી પોપકોર્ન અને થમ્સ-અપ સાથે રુચાએ બાજુની સીટમાં બેઠેલા રોજરની આંગળીઓમાં આંગળી ભરાવી પિક્ચર માણ્યું.

 રુચા કુદરત સાથે ધુઆંધાર લડાઈ લડતી રહી. ૨૦૧૪ના એપ્રિલમાં અત્યંત ગંભીર પરિસ્થિતિમાં એને હોસ્પિટલમાં છેલ્લી વાર દાખલ કરવામાં આવી.

ડોક્ટરોએ લાઇફ સપોર્ટિંગ સિસ્ટમની ભલામણ કરતાં મહાપ્રયાસે રુચાએ ડોક્ટરના કાનમાં કહ્યું,

“એક જ જીવલેણ આદત પાડી છે. મને રોજર સિવાય કોઇની મદદ ખપતી નથી.” 

અને રોજરના હાથમાંથી હાથ છોડાવ્યા વગર એ ખૂબ લડી મર્દાની મારી નાની બેન - હા, અમારી નાની બેન રુચા એની તેજસ્વી, પ્રકાશમાન, સમાજને ઉદાહરણરુપ જિંદગી ઇતિહાસને સોંપીને વિરામ પામી ગઈ. જિંદગીની રમતમાં લૌકિક રીતે એ હાફ સેન્ચ્યુરી પણ પૂરી ન કરી શકી પણ ચાલીસ વર્ષમાં એ સો વર્ષની સંપૂર્ણ જિંદગી અને સન્માન પ્રાપ્ત કરતી ગઈ.

આજે પણ રોજરનો શયનખંડ એની મુમતાઝની મબલખ મીઠી યાદો સાથે તાજમહાલ સમ ગર્વિલો ભાસે છે.

હમ યાદોંકે ફૂલ ચડાયેં, ઔર આંસુકે દિપ જલાયેં..


Rate this content
Log in

Similar gujarati story from Drama