kiranben sharma

Tragedy Fantasy Inspirational

4  

kiranben sharma

Tragedy Fantasy Inspirational

દીપાવલી

દીપાવલી

4 mins
454


કાશ્મીરની પહાડી પરની સરહદ પર તંબુ તાણીને બેઠા બે સૈનિક, નાનકડું તાપણું કરીને હાથ શેકી રહ્યાં હતાં. ઠંડી તો કહે મારું કામ. બંને જવાન વાતોએ ચઢ્યાં. 

થોડા દિવસોમાં દીપાવલીનો તહેવાર આવશે, ઘણા વર્ષો થયા ઘરનાં પરિવારનાં લોકો સાથે દીપાવલીનો તહેવાર ઉજવ્યો નથી. આપણી હોળી, ધૂળેટી કે નવરાત્રી દિવાળી બધુજ રાત-દિવસ આ ઊંચી પહાડી ટેકરી પર બેઠા બેઠા, મનમાં બધા સ્વજનોની યાદને સંઘરી, તેમની યાદની ઉષ્મા મેળવી, આ જીવન માભોમનાં ચરણે સમર્પિત કર્યું. 

" કેપ્ટન પુનિત ! તમને એક ખાસ સંદેશ માટે બોલાવવામાં આવ્યા હોય, અત્યારે જ ડ્યુટી પર હાજર થાવ," 

બંને માંથી કેપ્ટન પુનિત ઊભો થયો અને સેલ્યુટ મારીને "જય હિંદ" બોલી તરત જ બીજી છાવણી તરફ રવાના થયા. 

 મનમાં શંકાના વાદળો ઘેરીને રાજવીર ત્યાં રોકાયો, ખબર નથી કેપ્ટન પુનિત શું સમાચાર લઈને આવશે ? ચારેબાજુ ઘનઘોર અંધારું અને બાજ નજરથી દરેક વસ્તુ પર નજર રાખી જરા સરખી પણ હિલચાલ થાય તો સતર્ક બની જતો. 

થોડીવારમાં કેપ્ટન પુનિત આવ્યા એ બોલ્યા, "ચાલ દોસ્ત ! હાકલ પડી મા ભારતીની ! પહાડની બીજી બાજુએ દુશ્મને ઘેરો ઘાલ્યો છે, અને ધીમે ધીમે આગળ વધી આપણી ચોકી પર તેમનો ઝંડો ફરકાવે, તે પહેલાં એમને હરાવી તેમની બધી બાજી ઊંધી વાળીને ભારતનો તિરંગો ત્યાં લહેરાવીશું. મિત્ર ! તમારે અહીંનું ધ્યાન રાખવાનું અને અમે અમુક જવાનોને લઈ એ બાજુ આગળ વધીએ. જીવતા રહીશું તો દીપાવલી સાથે ઉજવીશું. જય હિન્દ ! વંદે માતરમ ! " એમ બોલી, એકબીજાને ભેટીને બંને જવાન છૂટા પડયા.

દરેક છાવણીમાંથી ચુનંદા સૈનિકોની એક અલગ ટુકડી બનાવી, કેપ્ટન પુનિત જરૂરી સામાનનો થેલો ઉચકી એકદમ ધીમા પગલે, અવાજ કર્યા વિના, બધા સાબદા થઈને આગળ તરફ વધતાં ગયાં. તેમની ચાલમાં તેજી હતી. જેમાં તેમને સવાર પડતાં પહેલાં પહાડની બીજી બાજુ પહોંચવાનું હતું. અંધારાનો લાભ લઇ જલ્દીથી આગળ વધવાનું હતું. બીજી બાજુ બીજી દુશ્મન ટુકડી પણ આ બાજુ આવવા નીકળી ગઈ હતી.

છાવણીમાં હવે થોડા સૈનિક હતા. હવે આ જવાનોની ટુકડીનો કેપ્ટન રાજવીર બન્યો, અને દૂર પહાડ પરથી નીચે આવતા આછા અજવાળાની હિલચાલ પરથી અનુમાન બાંધી તેણે બીજા સૈનિકોને તરત જ સાવધ કર્યા. બધાએ છાવણીને તરત સંકેલી લીધી. ઝાડીઓમાં બધો સામાન સંતાડી દીધો. સળગાવેલી આગને હોલવી નાખી, અને પોતપોતાની જગ્યા શોધી છૂપાઈને પૂરતી તૈયારી સાથે, દુશ્મન સૈન્ય પર નજર રાખીને બેઠા. કેપ્ટન રાજવીર અને તેમની ટૂકડીએ ખાસ અંતરેથી દુશ્મન ટુકડીને જોઈને છાનામાના તેમની હિલચાલ પર નજર રાખી છૂપાઈને નિશાન તાકીને બેઠા, કેપ્ટન રજવીરે જણાવ્યું કે " જ્યાં સુધી હું ઈશારો ન કરું ત્યાં સુધી કોઈએ ફાયરિંગ કરવું નહીં."

 ભારતનાં બે જાબાંઝ વીર જવાનો પોતાની ટુકડીને લઈને માથે કફન બાંધીને, છૂપાઈને મોકાની રાહ જોઈ રહ્યા. કેપ્ટન રાજવીર અને કેપ્ટન પુનિતને દીપાવલીની વાત કરતા કરતા, અચાનક આ રીતે યુદ્ધની તૈયારી કરવી પડી.

 ઝાડની પાછળ સંતાઈને ઉભેલા કેપ્ટન રાજવીરની આંખમાં પોતાના પરિવાર સાથે ઉજવેલ ત્રણ વર્ષ પહેલાની દીપાવલી યાદ આવી ગઈ. પોતાની સુંદર પત્ની, નાની ઢીંગલી જેવી દીકરી, અને તેના માતા-પિતા તથા નાનકડો દીકરા જેવો જ ભાઈ, તેમની છબી તેની આંખ સામે તરવરવા લાગી. બધા જ તેને વીંટળાઈને જાણે ભેટી રહ્યાં હતાં, અને ખૂબ જ ખુશ હતાં. ઘરમાં પ્રગટાવેલા દીવડા પણ ઝળહળ રોશનીથી કેપ્ટન રાજવીરને વધાવી રહ્યાં હતાં. 

અચાનક પોતાના સાથીએ કેપ્ટન રાજવીરને ઢંઢોળ્યો, અને દુશ્મનની હિલચાલ પર ધ્યાન દોર્યું. સામેથી એમની હાજરીની જાણ થઈ હોય તેમ તેમની નજીક જ બોમ્બ આવી ફૂટ્યો. એક ધડાકો થયો, તરત જ બધા દૂર ખસી, પાછા સંતાઈ ગયાં, અને શસ્ત્રથી સજ્જ બની વળતો જેવો સંદેશ મળ્યો કે તરત સામે બોમ્બ ફેંક્યો અને જેવો ત્યાં બોમ્બ ફૂટ્યો, એક ચીસ સંભળાય, તથા બધાએ નાસભાગ કરી કે તરત બંદૂકની ગોળીઓનો મારો ચાલુ કરી, દુશ્મન સેનામાં ખળભળાટ મચાવી દીધો. દિવાળીના ફટાકડા ફોડતાં હોય તેવા ઉત્સાહથી મા ભારતી પર આંખ ઊંચી કરનાર દુશ્મન સૈન્યનો પળમાં ખાતમો બોલાવી દીધો. 

દુશ્મન સૈન્ય તરફથી કોઈ હિલચાલ ન જણાતા કેપ્ટન રાજવીર ટુકડીને લઈને આગળ વધ્યા અને ત્યાં પહોંચી દુશ્મન છાવણી પર ભારતનો તિરંગો ફરકાવી દીધો. 

બીજી બાજુ કેપ્ટન પુનિત રાતના ચાર કલાક સુધી છાનામાના ચાલીને, પહાડીની બીજી બાજુ પહોંચ્યા અને દુશ્મન છાવણી દેખાય તેમ સંતાઈને બેઠા, દુશ્મનોને તેમના આવવાની જાણ ન હતી. આથી મોકો જોઈને કેપ્ટન પુનિતે તેમના પર બોમ્બ ફેંક્યો અને એક તંબુને ઉડાડી દીધો. મોટી ચીસાચીસ સાથે દુશ્મન છાવણીમાં નાસભાગ થઈ, બધા ઝડપથી છૂપાઈ ગયાં. 

 કેપ્ટન પુનિત અત્યારે તો પૂરા હોશો હવાસમાં મા ભારતીનાં રક્ષણમાં લાગેલા હતા. તેમના ઘરેથી મુખ્ય છાવણીમાં સમાચાર આવ્યા કે તેઓ એક બાળકના પિતા બન્યા, પણ કેપ્ટન હાલ ખાસ મિશન પર હોય, તેમને સંદેશ ન આપ્યો. તેમની દીપાવલીકની છુટ્ટી પણ મંજૂર કરવામાં આવી હતી, એની પણ એમને જાણ ન કરવામાં આવી. 

 દુશ્મન સૈન્યએ તરત જ વળતો વાર કર્યો, અને આ બાજુ બોમ્બ અને અંધાધૂંધ બંદૂકની ગોળીઓ છોડવા લાગ્યા, કેપ્ટન પુનિત પાસે એટલા શસ્ત્ર ન હતા, બોમ્બ અને બંદૂકની ગોળી ઓછી હતી. આથી સાચવીને તેને વાપરવાની હતી. દુશ્મન સૈન્ય ધીમે ધીમે નજીક આવતું જણાતાં હતું, કેપ્ટન પુનિતે બધાને " વંદે માતરમ ! જય હિન્દ ! " કહી હાકલ કરી, અને મરણ્યા થઈને, મન-મગજમાં દીપાવલીનો વિચાર કાઢી, ખાલી મા ભારતીનાં રક્ષણને યાદ કરી, આગળ અને આગળ વધ્યા, અને દુશ્મન સૈન્યનો ખાત્મો બોલાવી દીધો. પરંતુ, છેલ્લી એક ગોળી દુશ્મનની કેપ્ટન પુનિતની છાતીમાં વાગી, અને તે "જય હિન્દ ! બોલતા ઢળી પડ્યા, એ વખતે તેમના સાથીએ તેમની દિવાળીની રજા મંજૂર થઈ અને તેમની ઘરે પુત્ર જન્મનાં સમાચાર આપ્યા, કેપ્ટન પુનિતનાં મુખ પર ખુશીનું હાસ્ય આવ્યું અને કહ્યું, " મા ભારતી ! તારા ચરણમાં મારું બાળક સમર્પિત કરું છું." બોલી આંખો બંધ કરી દીધી. તેમની આંખોમાં દીપાવલીનાં ફટાકડા અને દીવડાનો પ્રકાશ સ્પષ્ટ દેખાતો હતો.

 તિરંગામાં લપેટાયેલા તેમના પાર્થિવ શરીરને જ્યારે કેપ્ટન રાજવીર જ તેમના માદરે વતન લઈને ગયા, ત્યારે એક વીર યોદ્ધાને શોભે તેમ ગામ આખાએ અમર બનેલા કેપ્ટન પુનિતને ઢોલ નગારા અને દીવા પ્રગટાવી આવકાર્યો અને પૂરા માન-સન્માન સાથે તેમની અંતિમવિધિ તેમના દીકરાનો હાથ લગાડી કરાવી, પરિવારે પણ વીર શહીદની વીરતાને છાજે તેમ અમર બની ગયેલ પુનિતને ગૌરવભેર સન્માનિત કરતા તેમની પાછળ મળેલા પૈસાથી ગામમાં સાર્વજનિક પુસ્તકાલય અને પાણીની પરબ બંધાવી. 

કેપ્ટન પુનિત એક વીર યોદ્ધાને શોભે તેવું મૃત્યુ પામી અમર શહીદ થઈ ગયા. ગામ લોકોએ તે દીપાવલી 'અમરતાની દીપાવલી' તરીકે ઉજવી.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy