Nilang Rindani

Tragedy

4  

Nilang Rindani

Tragedy

દીકરીનો પત્ર

દીકરીનો પત્ર

6 mins
368


ગોંડલની વોરા શેરીમાં આવેલ જ્યોતીન્દ્ર હાથીના ઘરના આંગણે સગાં વહાલાંની ચહલ પહલ વધી રહી હતી.....ઘડિયાળનો સમય સવાર ના ૮ નો બતાવતો હતો. સ્ત્રી વર્ગ સીધો ફળિયું પસાર કરી ને દીવાનખંડમાં જઈ રહ્યો હતો જ્યારે પુરુષ વર્ગ કોઈક ફળિયાંમાં તો કોઈક બહાર ઊભા હતા. હર કોઈ શ્વેત વસ્ત્રોમાં હાજર હતા. દરેકના ચહેરા ઉપર દુઃખ સ્પષ્ટ પણે વર્તાઈ રહ્યું હતું. દીવાનખંડની મધ્યમાં જ્યોતિન્દ્ર ભાઈનો નિશ્ચેતન દેહ શ્વેત ચાદરથી લપેટાયેલો પડ્યો હતો. તેમના દેહની નજીક દીવો પણ પ્રગટી રહ્યો હતો. કોઈકના મોબાઈલ ઉપર "ૐ ત્રંબકમ ...સુગંધિમ પુષ્ટિ..." વાગી રહ્યું હતું, જે વાતાવરણ ને વધારે ગંભીર કરી રહ્યું હતું. 

જ્યોતીન્દ્ર ભાઈ હાથી છેલ્લા ૩૫ વર્ષ થી વોરા શેરીમાં રહેતા અને પાછલા ૬ વર્ષ થી એકલવાયું જીવન જીવતા હતા. સંતાનમાં તેમને એક દીકરી ધ્વનિ હતી જેના લગ્ન રાજકોટ નિવાસી પૂલીન ચંદ્ર મેઢ ના દીકરા કૈવલ્ય સાથે થયા હતા. જ્યોતીન્દ્ર ભાઈના પત્ની હર્ષલા ૬ વર્ષ પહેલાં જ પોતાની જીવનલીલા સંકેલી લીધી હતી. અને ત્યાર બાદ જ્યોતીન્દ્ર ભાઈ એકલા જ રહેતા હતા. કોઈક વાર ધ્વનિ ગોંડલ આવી જતી તો કોઈક વાર જ્યોતીન્દ્ર ભાઈ રાજકોટ આંટો મારી આવતા હતા. એક રસોઈયણ રાખી હતી જે બન્ને વખત નું જમવાનું બનાવી આપતી હતી. પૈસે ટકે કોઈ તકલીફ નહોતી એટલે જ્યોતીન્દ્ર ભાઈ નિયમિત પણે દાન પણ કરતા. છેલ્લા થોડા વખતથી બિમાર રહેતા જ્યોતીન્દ્ર ભાઈ એ આખરે પોતાના શ્વાસ હેઠા મુક્યા અને ૭૫ વર્ષે વિદાય લીધી. ગોંડલની નાગરી નાતમાં પણ પ્રતિષ્ઠિત નામ હતું જ્યોતીન્દ્ર ભાઈ નું એટલે તેમને વિદાય આપવા માટે લગભગ આખી નાત આજે એકઠી થઈ હતી. ધ્વનિ ને જાણ કરી દેવામાં આવી હતી અને તે પણ ગોંડલ પહોંચવામાં જ હતી, અને તેની જ રાહ જોવામાં આવી રહી હતી. 

થોડી વાર થઈ હશે અને શેરીમાં એક ગાડી પ્રવેશી અને તેમાં થી ધ્વનિ અને કૈવલ્ય ઉતર્યા. જ્ઞાતિ ના અમુક લોકો સામે ચાલી ને ધ્વનિ ને ગાડી સુધી લેવા ગયા અને તેમને ઘરના દીવાનખંડ સુધી દોરી ગયા. વાતાવરણમાં ગંભીર સન્નાટો હતો. ધ્વનિ ના ચહેરા ઉપર સુકાયેલા આંસુ ના લીસોટા સ્પષ્ટ પણે દેખાઈ રહ્યા હતા. રડી રડી ને આંખો લાલ થઈ ગઈ હતી અને કેમ નહીં ? આખરે એક ની એક દીકરી હતી ધ્વનિ અને જ્યોતીન્દ્ર ભાઈ અને હર્ષલા બેન એ તેને ખૂબ જ લાડકોડમાં ઉછેરી હતી. પિતાનો નિશ્ચેતન દેહ જોઈ ને દુનિયાની કોઈ પણ દીકરી ભાંગી પડે અને ધ્વનિ પણ તેમાંથી બાકાત નહોતી. ધ્વનિ ધીરેથી પિતાના મસ્તક આગળ બેઠી અને પોતાની બન્ને હથેળી થી જ્યોતીન્દ્ર ભાઈ ના કપાળ ઉપર હળવેથી હાથ ફેરવી રહી હતી. જ્યોતીન્દ્ર ભાઈ ના કપાળ ઉપર અશ્રુભિષેક થઈ રહ્યો હતો. ધ્વનિ શાંત મુદ્રા એ તેમને જોઈ રહી હતી. બધી તૈયારી થઈ ચૂકી હતી. ગણતરી ની પળોમાં જ્યોતીન્દ્રભાઈની અંતિમ યાત્રા નીકળવાની તૈયારીમાં હતી. એક વડીલ લાગતા સજ્જન ધ્વનિની નજીક આવ્યા અને ધ્વનિ ને ખભે હાથ મૂકી ને મૃદુ સ્વરે બોલ્યા "બેટા, હિંમત રાખ, એક વાત નો સંતોષ રાખજે કે બહુ હેરાન નથી થયા, બાકી તો ઈશ્વર ના નિર્ણય આગળ આપણું શું ચાલે ? ચાલ બેટા, વિદાય આપવાનો સમય થયો છે, તું દર્શન કરી લે".....ધ્વનિ ઊભી થઈ....પોતાની સાથે લાવેલ પર્સમાંથી એક પરબીડિયું કાઢ્યું અને જ્યોતીન્દ્ર ભાઈ ના નિશ્ચેતન હાથની નીચે તેને મૂકી દીધું. ત્યાં હાજર સૌ કોઈ આશ્ચર્યચક્તિ થઈ ગયા. ધ્વનિ એ આ પરબીડિયામાં શું મૂક્યું હશે, પરંતુ ધ્વનિ જ જાણતી હતી કે તે પરબીડિયામાં તેણે શું મૂક્યું હતું. તે પરબીડિયામાં એક પત્ર હતો જે એક દીકરી એ તેના પિતા ને છેલ્લી વખત લખ્યો હતો, જેનો સારાંશ કંઇક આવો હતો.

બાબુ,

મને મળ્યા વગર જ જતા રહ્યા ? કેમ ? તમારા થી ખૂબ રિસાઈ છું હું. જ્યારે જ્યારે હું ગોંડલ આવતી ત્યારે ડેલો ખોલી ને હંમેશામાંરી રાહ જોતા અને આજે તમે આવ્યા પણ નહીં ? જાઓ....હવે હું ક્યારેય તમારી સાથે વાત નહીં કરું.....ના આવ્યા તો પણ વાંધો નહીં પણ થોડી રાહ પણ ના જોઈ મારા આવવાની ? તમારી ભાવતી દાળ ઢોકળી બનાવી આપત પણ તમે તો એ ખાધા વગર જ જતા રહ્યા ? એવી તે કેવી ઉતાવળ હતી, બાબુ ? અને આ શું શ્વેત વસ્ત્રો પહેરી ને સૂતા હતા ? તમને તો કોઈ દિવસ શ્વેત વસ્ત્રો પસંદ જ નહોતાં તો આજે કેમ જતી વખતે પહેર્યાં ? હું જ્યારે આવતી ત્યારે આપણે હીંચકે બેસતા હતા અને તમેમાંરામાંથે વહાલથી હાથ મૂકી નેમાંરા ખબર અંતર પૂછતા હતા અને આજે ? આજે તમે એ બધાનું સાટું વાળી નાખ્યું.....મારે તમારા માથા ઉપર હાથ મૂકી ને તમારા ખબર પૂછવા પડ્યા....અને તમે ઉત્તર પણ નહોતા આપતા.... બાબુ,મારી કોઈ વાત નું ખોટું લાગ્યું હતું કે એટલા નારાજ થઈ ગયા અને મારી સાથે વાત પણ ના કરી ? 

બાબુ, હવે જ્યારે તમે જવાનો નિર્ણય કરી જ લીધો છે તો હું શું કરી શકું ? પરંતુ મારી એક ફરિયાદ હંમેશા હતી કે તમે તમારું ધ્યાન બિલકુલ નહોતા રાખતા. તમે એવી દુનિયામાં જઈ રહ્યા છો જે સંપર્ક વિહોણી છે એટલે તમને મોબાઈલથી કહી પણ નહીં શકું એટલે એ બધું આ પત્રમાં જ લખ્યું છે, પછી કહેતા નહીં કે મને કેમ ના કહ્યું.....સૌથી પહેલાં તો તમે જ્યાં જાઓ છો ત્યાં કોઈ બગીચો હોય તો રોજ સવારે ચાલવા જવાનું છે કારણ કે તમને ડાયાબિટીસ છે.....બીજું એ કે નાસ્તો કર્યા પછી તમારી દવા લઈ લેજો....ફરી લખું છું કે ત્યાં હું તમને યાદ અપાવવા નહીં આવી શકું, તમારે જ તમારું કામ કરવું પડશે. અને હા...બહુ ઠંડા પાણી થી નહીં નહાતા નહિતર પાછી શરદી થઈ જશે. પાણી ગરમ કરી લેજો, આળસ નહીં કરતા. બહાર નીકળો ત્યારે લાકડી લેવાનું ભૂલતા નહીં....પાછા ક્યાંક પડશો આખડશો તો બીજી ઉપાધિ. બપોરે બરાબર જમી લેજો....અહીં તો હું રોજ ફોન કરી ને પૂછી લેતી હતી પણ ત્યાં તમારો સંપર્ક નહીં થઈ શકે. જમી ને જે દવાઓ લેવાની છે તે ભૂલતા નહીં. અહીં પણ યાદ દેવડાવી દેવડાવીને થાકી જતી હતી....ખબર નહીં એકલા શું કરશો ? પણ બાબુ, મહેરબાની કરી ને ધ્યાન રાખજો. અને સૌથી અગત્યનું..... નખ ખોતર ખોતર નહીં કરતા.... તમે પાછા લોહી કાઢશો અને તમને રૂઝ પણ જલ્દી નહીં આવે....બાબુ, તમે મારી ચિંતા નહીં કરતા હોં ? હું મારું ધ્યાન રાખીશ અને તમે તો મારી સાથે જ છો હંમેશા, એટલે તમને ખબર પડી જશે. કઇંક ભૂલ કરતી હોઉં તો કોઈક અજ્ઞાત રીતે મને ટપારજો. અરે....તમને તો છાપું એટલે પ્રિય...બાબુ, હું રોજ સવારે જોરથી છાપું વાંચી સંભળાવીશ તમને, એટલે ચિંતા નહીં કરતા. બપોરે ઊઠયા પછી હવે તો ચ્હા પણ તમારે જ બનાવવી પડશે, પણ જોજો, બહુ ખાંડ નહીં નાખતા....ઠીક છે ? બાબુ, રાત્રે સમયસર જમી લેજો અને ત્યાં તો ટીવી નથી એટલે સમયસર ઊંઘી જજો. પણ દૂધ સાથે જે દવા લેવાની છે તે પાછા ભૂલતા નહીં........બાબુ, આમ તો પત્રમાં બધી સૂચના લખી છે એટલે આ પત્ર સાચવશો. જો ખોઈ નાખશો તો પછી બીજો કોઈ જ રસ્તો નથી બીજો પત્ર મોકલવાનો. 

બાબુ, આ બધું એટલા માટે લખવું પડ્યું કારણ કે તમે ઉતાવળ કરી ને ઉપડી પડ્યા. હજી થોડો વખત રોકાઈ ગયા હોત તો ના ચાલત ? શું કહું બીજું તમને....એટલું જ કહીશ કે ધ્યાન રાખજો અને માં ને મળો તો મારા વતી તેના ગાલ ઉપર વહાલથી ટપલી મારજો.........આવજો બાબુ.

તમારી એક ની એક,

ટિકડુ.

એક દીકરીનો લાગણીથી નીતરતો પત્ર છે એક પિતા માટે....અને તે પણ અંતિમ પત્ર...કદાચ પત્રમાં લખાયેલા શબ્દો પણ લાગણીથી ભીંજાઈ ગયા હશે.....શક્ય તો જ્યોતીન્દ્ર ભાઈથી પણ નહોતું, પણ જો શક્ય હોત તો તે પણ આ પત્ર વાંચી ને ઈશ્વરના નિર્ણયને અવગણીને પાછા આવી ગયા હોત..!


Rate this content
Log in

Similar gujarati story from Tragedy