Read #1 book on Hinduism and enhance your understanding of ancient Indian history.
Read #1 book on Hinduism and enhance your understanding of ancient Indian history.

JHANVI KANABAR

Tragedy Others


4.5  

JHANVI KANABAR

Tragedy Others


ધર્મક્ષેત્ર - કુરૂક્ષેત્ર - 9

ધર્મક્ષેત્ર - કુરૂક્ષેત્ર - 9

4 mins 157 4 mins 157

આગળના અંકમાં આપણે જોયું કે, કાશીરાજ પોતાની ત્રણેય સુંદર રાજકન્યાઓ માટે સ્વયંવર રચી રહ્યા હતા જેનું આમંત્રણ હસ્તિનાપુર પણ પહોંચ્યું હતું. સત્યવતી અને કુમાર દેવવ્રત આ અવસરને ચૂકવા નહોતા ઈચ્છતા અને તેઓએ વિચિત્રવીર્ય સમક્ષ આ વિવાહ પ્રસ્તાવ રજૂ કર્યો, પરંતુ વિચિત્રવીર્ય સ્વયંવરમાં થતાં શક્તિ પ્રદર્શનને લીધે પોતાની સહમતિ આપી નહોતો શકતો. આ જોઈ મહારાણી સત્યવતી અને કુમાર દેવવ્રતે નિર્ણય કર્યો કે, કુમાર દેવવ્રત સ્વયંવરમાં પોતાની શક્તિનો પરિચય આપી ત્રણેય કન્યાને વિચિત્રવીર્યની અર્ધાંગિની બનાવવા અર્થે જીતી લાવે. કુમાર દેવવ્રત કાશીરાજમાં પોતાના થતાં અપમાનને કારણે ઉત્તેજીત થઈ જાય છે અને ત્રણેય રાજકન્યાનું હરણ કરી હસ્તિનાપુર તરફ રવાના થાય છે. માર્ગમાં કાશીરાજનું સૈન્ય તથા સ્વયંવરમાં ઉપસ્થિત શાલ્વરાજ ઘણા વિધ્ન ઊભા કરે છે પરંતુ દેવવ્રત સામે કોઈ ટકી શકતું નથી અને તે હસ્તિનાપુર પહોંચી જાય છે. હવે આગળ...

દેવી સત્યવતી કુમાર દેવવ્રત સાથે આવેલી ત્રણેય અપ્સરા જેવી રાજકન્યાઓને જોઈ આનંદિત થઈ ઊઠે છે અને કુમાર દેવવ્રતનું મસ્તક ચૂમી લે છે. વિચિત્રવીર્ય રાજકન્યાઓના અપ્રતિમ સૌંદર્યને જોઈ પોતાના સદ્ભાગ્યની મનોમન પ્રશંસા કરી રહ્યો હતો. કુમાર દેવવ્રતે વિચિત્રવીર્યની મુખરેખા જોઈ કહ્યું, `રાજપુરોહિત ! રાજ્યાભિષેક અને વિવાહનું એકસાથે જ મુહર્ત કાઢો. કેમ વિચિત્રવીર્ય ?’ વિચિત્રવીર્યના મુખ પર મોટાભાઈની ટીખળથી લજ્જાની રેખાઓ ઉપસી આવી.

ત્રણે રાજકન્યાઓ રથ પર જ બિરાજમાન હતી. આ આનંદમય વાતાવરણમાં અચાનક એક ડૂસકુ સંભળાઈ આવ્યું. કુમાર દેવવ્રત અને દેવી સત્યવતીનું ધ્યાન રાજકુમારીઓ પર ગયું. જોયું તો રાજકુમારી અંબા ચોધાર આંસુએ રડી રહી હતી અને બંને બહેનો તેને શાંત કરવાનો પ્રયાસ કરી રહી હતી. દેવી સત્યવતીએ પોતાનો મમતામયી હાથ રાજકુમારી અંબાના મસ્તક પર મૂક્યો અને કૂતુહલવશ પૂછ્યું, `પુત્રી ! શા માટે દુઃખી છો ? નિર્ભય થઈને કહે.’

દેવી સત્યવતીના વાત્સલ્યમયી શબ્દોથી રાજકુમારી અંબાએ ધૈર્ય જાળવ્યું અને હિંમત કરી કહ્યું, `માતા ! હું ક્ષોભ અને ભયથી કુમાર દેવવ્રતને કંઈ જ કહી ન શકી, પણ હું શાલ્વરાજને મનથી વરી ચૂકી છું. એ પણ મને ચાહે છે તેથી જ માર્ગમાં તે સૈન્ય સાથે આવી પહોંચ્યા હતા, પરંતુ કુમાર દેવવ્રત આગળ તેઓ પરાજિત થઈ ગયા.’ કહેતા રાજકુમારી અંબાની આંખો અશ્રુથી ફરી છલકાઈ ગઈ.

દેવી સત્યવતીએ આ સાંભળી તરત કુમાર દેવવ્રત સામે જોઈ આદેશ કર્યો. `પ્રેમનું યોગ્ય મૂલ્યાંકન થવું જ ઘટે. રાજકુમારી અંબાને એક સુશોભિત રથ અને થોડા અશ્વારોહીઓ સાથે શાલ્વરાજ પાસે જવાની વ્યવસ્થા કરો...’

કુમાર દેવવ્રત અને વિચિત્રવીર્ય સન્માનની નજરથી દેવી સત્યવતીની સામે જોઈ રહ્યા. દેવી સત્યવતીના આદેશ પ્રમાણે રાજકુમારી અંબાને શાલ્વરાજ પાસે મોકલી દેવામાં આવી.

****

આ તરફ શાલ્વરાજ કુમાર દેવવ્રતથી પરાજિત થવાના કારણે ધૂંધવાયેલો હતો. એવામાં હસ્તિનાપુરથી અશ્વારોહીઓ રાજ્યમાં પ્રવેશ્યા હોવાના સમાચાર શાલ્વરાજ સુધી પહોંચી ગયા. અપમાનિત થયેલા શાલ્વરાજે યુદ્ધ માટે તૈયારી કરવા માંડી પરંતુ તેને ખબર નહોતી કે, આ રાજકુમારી અંબાને સુરક્ષા અને સન્માન સાથે હસ્તિનાપુરથી વિદાય કરવા સાથે આવેલા અશ્વારોહીઓ છે.

હસ્તિનાપુરના સેનાપતિ કર્ણસેને શાલ્વરાજની સભામાં પ્રવેશવા પરવાનગી માંગી. શાલ્વરાજે દાંત ભીંસતા આજ્ઞા આપી.

સેનાપતિ કર્ણસેન રાજકુમારી અંબા સાથે સભામાં પ્રવેશ્યા. શાલ્વરાજ આશ્ચર્યથી રાજકુમારી અંબા સમક્ષ જોઈ રહ્યા હતા. સેનાપતિ કર્ણસેને પોતાના આવવાનો હેતું જણાવતા કહ્યું, `મહારાજ હસ્તિનાપુરપતિ ઘણા જ ઉદાર છે. તેઓને જ્ઞાત થયું કે, રાજકુમારી અંબા મનોમન તમને વરી ચૂક્યા છે અને તમે પણ તેમને ચાહો છો તેથી આપના પ્રેમનું માન જાળવતા રાજકુમારી અંબાને સન્માન સાથે અહીં મોકલ્યા છે. આપનું અને રાજકુમારી અંબાનું વૈવાહિક જીવન આનંદમય રહે ! એ શુભેચ્છા પણ પાઠવી છે.’

અપમાન અને પરાજયથી કાંપતા શાલ્વરાને હસ્તિનાપુરના આ વિવેક અને ઉદારતા સમજાયા નહિ. તેમણે આનો કંઈક બીજો જ અર્થ કાઢ્યો અને ગુસ્સાથી સેનાપતિ કર્ણસેનને કહ્યું, `એક યુદ્ધમાં મને પરાજિત કર્યો તો શું મને કાયર સમજી લીધો ? મારા પર ઉદારતા દાખવી રહ્યા છે. હું મારા શૌર્યથી જ જે ઈચ્છું તે મેળવી લઉં છું. કોઈના દાન સ્વીકારવાની સીમા સુધી તો હું કાયર નથી જ. તારા રાજા માટે ચૂંટાયેલું ફૂલ પાછુ લઈ જા.’

રાજકુમારી અંબા આઘાત અને આશ્ચર્યના મિશ્રિત ભાવ સાથે શાલ્વરાજ તરફ જોઈ જ રહી. શાલ્વરાજની નિરંકુશ અને અપમાનથી છલકતી વાણી વહ્યે જતી હતી. `બસ બસ !’ કહેતા અંબાનું શરીર ધ્રૂજી ઉઠ્યું હતું. `હું હું અહીં એક ક્ષણ પણ રહેવા નથી ઈચ્છતી.’ દુઃખ અને ધિક્કારની લાગણી અનુભવતી રાજકુમારી અંબા સેનાપતિ કર્ણસેન સાથે હસ્તિનાપુર પાછી ફરી અને નતમસ્તકે શાલ્વરાજને ત્યાં થયેલો વૃત્તાંત કહી ઊભી રહી.

દેવી સત્યવતી રાજકુમારી અંબાની દયનીય સ્થિતિને સમજી રહ્યા હતા. તેમણે રાજકુમારી અંબાને વિચિત્રવીર્ય સાથે વિવાહ કરી લેવા કહ્યું અને ભવિષ્યમાં તેની ગરિમાને કદી પણ ઠેસ નહિ પહોંચાડવાનું તથા તમામ અધિકાર આપવાનું વચન પણ આપ્યું.

ચૂપચાપ સાંભળી રહેલી રાજકુમારી અંબા અચાનક ક્રોધાગ્નિથી ભભૂકી ઊઠી અને કહ્યું, `હું મને જીતી લાવનારને જ હું પરણવા ઈચ્છું છું.’

દેવી સત્યવતીએ શાંતિથી રાજકુમારી અંબાને સમજાવતા કહ્યું, `પુત્રી ! સમગ્ર જગતને દેવવ્રતની ભીષ્મપ્રતિજ્ઞાની જાણ છે. તને પણ હશે જ કે, દેવવ્રત લગ્ન કરે એમ જ નથી. તેથી તારા એની સાથે લગ્ન અશક્ય છે.’

`પરંતુ માતા ! કુમાર દેવવ્રતને કારણે શાલ્વે મારો અસ્વીકાર કર્યો. હું દેવવ્રતનું ચૂંટાયેલું ફૂલ છું એમ કહી મારુ હડહડતુ અપમાન કર્યું છે. મને આ પરિસ્થિતિમાં લાવનાર કુમાર દેવવ્રત જ છે અને તેમણે મારો સ્વીકાર કરવો જ પડશે.’

`કાશીકન્યા ! હું આપનો અપરાધી છું. મને ક્ષમા કરો. પરંતુ તમારી આ જીદ હું માન્ય નહિ કરી શકું. હું તમારી સાથે વિવાહ ન કરી શકું.’ કુમાર દેવવ્રતે બે હાથ જોડી વિનંતીપૂર્વક રાજકુમારી અંબાને કહ્યું.

રાજકુમારી અંબા ક્રોધ અને અવહેલનાથી વ્યથિત હોવાથી કશું જ સમજવા તૈયાર નહોતી અને તેમણે હિમાલય પર જઈ મહાદેવની આરાધના કરવાનું નક્કી કર્યું. કુમાર દેવવ્રત પ્રત્યેની ધૃણા પોતાના હ્રદયમાં જ ભંડારી, તે સડસડાટ સભાની બહાર નીકળી ગઈ.


Rate this content
Log in

More gujarati story from JHANVI KANABAR

Similar gujarati story from Tragedy