JHANVI KANABAR

Tragedy Others

4.7  

JHANVI KANABAR

Tragedy Others

ધર્મક્ષેત્ર કુરુક્ષેત્ર હસ્તિનાપુર -2

ધર્મક્ષેત્ર કુરુક્ષેત્ર હસ્તિનાપુર -2

6 mins
223


(પરાશરમુનિનું સાયુજ્ય અને પુત્ર વ્યાસ પ્રત્યેના માત્ર આઠ જ વર્ષના માતૃત્વએ સત્યવતીના જીવનને દુઃખ અને એકલતાથી ભરી દીધુ છે. સત્યવતી પોતાના ભાગ્યમાં લખેલી પીળાનો સ્વીકાર કરી હવે આગળ વધવા માંગતી હતી તેથી તેણે પિતા દાશરાજ પાસે યાચના કરી કે, હવે તે અહીંથી દૂર જવા માંગે છે. દાશરાજે પુત્રીની વ્યથા સમજી અને પિતા પુત્રી ગંગાસરોવર તરફ પ્રસ્થાન કરે છે. હવે આગળ...)

સત્યવતી પિતા દાશરાજ સાથે ગંગા સરોવર કિનારે આવેલ વસંતોદ્યાનમાં વસવાટ કરવા લાગ્યા હતા. રૈવતકાકાએ તેમને યોગ્ય કામ અપાવી દીધુ હતું. સત્યવતી અને દાશરાજ એકબીજા સાથે આ પ્રાકૃતિક સૌંદર્યના ખોળે શાંતિથી જીવન પસાર કરી રહ્યા હતા. સત્યવતી હવે શસ્ત્રવિદ્યા અને ઘોડેસવારી જેવી પ્રવૃત્તિઓમાં મન પરોવી રહી હતી. છતાંય ઋષિ પરાશર સાથેનો સંસર્ગ અને પુત્ર વ્યાસનો વિયોગ તેને ઘણીવાર દુઃખી કરી જતો હતો.

ગંગા સરોવરથી થોડે દૂર આવેલ મહાન સામ્રાજ્ય એવા હસ્તિનાપુરના મહાપ્રતાપી રાજા કુરૂ દ્વારા સ્થાપિત કુરૂવંશ પર આજે વિપદા આવી પડી હતી. હસ્તિનાપુરના મહા પરાક્રમી રાજા શાંતનુ વ્યથિત હતા. હસ્તિનાપુરની પ્રજા કેટલાય વર્ષોથી અનાવૃષ્ટિ સામે ઝઝૂમી રહી હતી. એવામાં મહારાણી ગંગાએ કુરૂવંશના કુળદીપકને જન્મ આપ્યો પણ આ આનંદ ક્ષણિક હતો. કોઈ અગમ્ય રીતે નવજાત શિશુ અદૃશ્ય થઈ ગયું. આમ કરતાં કરતાં સાત સાત વાર મહારાણી ગંગાએ કુરૂવંશના કુળદિપકો ગુમાવ્યા. પ્રકૃતિની કઠોરતાની સાથે ભાગ્યની નિર્દયતા પણ હસ્તિનાપુર સહન કરી રહ્યું હતું. આજે આઠમી વખત મહારાણી ગંગાએ ગર્ભ ધારણ કર્યો હતો પરંતુ સમગ્ર રાજભવનમાં આનંદનું સ્થાન ચિંતાએ લઈ લીધુ હતું. ક્યાંક આ આઠમું બાળક પણ..... દિવસો વીતતા ગયા.

આજે અચાનક હસ્તિનાપુરના રાજભવનમાં કુશવતના રાજકુમાર ગૌરાંગનું આગમન થયું જાણીને મહારાણી ગંગાના આનંદની સીમા ન રહી. વર્ષો બાદ આવેલા નાના ભાઈ ગૌરાંગના આતિથ્યમાં કોઈ કમી ન રાખી. મહારાજ શાંતનુને પણ મહારાણી ગંગાના મુખ પર વર્ષો બાદ જોવા મળેલા આનંદથી સંતોષ થયો.

કુમાર ગૌરાંગે મહારાજ શાંતનુ સમક્ષ પોતાના આગમનનું પ્રયોજન બતાવતા કહ્યું, `મહારાજ ! પિતાજી મૃત્યુબિછાને છે અને છેલ્લી ઘડીએ પુત્રીનું મોં જોવા ઉત્સુક છે. આથી જો તમારી આજ્ઞા હોય તો બહેન ગંગાને લઈ જવા આવ્યો છું. વળી, ભૂતકાળમાં સાત વાર પોતાના નવજાત શિશુને ગુમાવવાને કારણે તમે અને બહેને જે કષ્ટ સહ્યા છે તેનું પણ નિરાકરણ આમાં હોઈ શકે.’

મહારાજ શાંતનુએ સહમતી દર્શાવતા કહ્યું,`મહારાજ શૈલરાજની અંતિમ ઈચ્છા પૂર્ણ થવી જોઈએ. મહારાણી ગંગા જરૂરથી આવશે. વળી, હું અહીની પ્રજા અને રાજભવનની વિકટ સ્થિતિને નિવારવા યજ્ઞ કરવાનું વિચારી જ રહ્યો છું. જો યજ્ઞના ફળસ્વરૂપ અનાવૃષ્ટિનો અંત આવે અને મહારાણી ગંગા કુરૂવંશના કુળદિપકને નિર્વિધ્ને દીર્ધાયુષ્ય આપે તો એનાથી રૂડુ બીજુ શું ? તમે સુખેથી લઈ જાવ. હું તમામ વ્યવસ્થા કરાવી દઉ છું.’

મહારાણી ગંગાનું મન પોતાની પ્રજાને આમ મૂકીને જવા નહોતું માનતું પરંતુ સમય અને પરિસ્થિતિ જોતાં તેમને મહારાજ શાંતનુ અને ભાઈ ગૌરાંગનો નિર્ણય યથાર્થ લાગ્યો. રાજકુમાર ગૌરાંગે વ્હાલસોયી બહેન ગંગા સાથે કુશવતી રાજ્ય તરફ પ્રયાણ કર્યું.

મહારાજ શાંતનુએ ઋષિ દુર્વાસાના માર્ગદર્શન હેઠળ અનાવૃષ્ટિના નિવારણ અર્થે યજ્ઞ આરંભ્યો. સત્ સત્ ઋષિઓના હોમહવનથી યજ્ઞ કરવામાં આવ્યો. નવ દિવસ સુધી ચાલતા યજ્ઞનો આજે છેલ્લો દિવસ હતો. યજ્ઞના છેલ્લા દિવસે ઈન્દ્રદેવને કૃપા આ બાર-બાર વર્ષથી તૃષાતુર ધરા પર થઈ અને ધોધમાર વર્ષા થઈ. ચારે તરફ ઉલ્લાસ છવાઈ ગયો. પ્રજાના આનંદની કોઈ સીમા નહોતી રહી. પોતાના રાજાને મન ભરીને આશિષ આપી પ્રજા સુખમાં ઝૂમી રહી હતી. આ આશિષ જાણે ફળ્યા હોય એમ કુશવતીથી સમાચાર આવ્યા કે મહારાણી ગંગાએ પુત્રને જન્મ આપ્યો છે. રાજભવનમાં સર્વત્ર આનંદ છવાઈ ગયો. પ્રજા તો યુવરાજના જન્મના સમાચાર સાંભળી આનંદ કિલ્લોલ કરવા લાગી. ચારે તરફ ઉત્સવની તૈયારીઓ થવા લાગી પરંતુ આ આનંદ રાજભવન, પ્રજા ખાસ કરીને મહારાજા શાંતનુ માટે ક્ષણિક હતો. થોડી જ સમયમાં બીજા ખરાબ સમાચાર આવ્યા કે, મહારાણી ગંગા પુત્રના જન્મ પછી સ્વર્ગ સીધાવ્યા છે. સાત પુત્રો ગુમાવ્યા બાદ મહારાણી ગંગાએ આ આઠમા પુત્ર પરનો મૃત્યુયોગ હટાવી પોતના પર લઈ લીધો હતો. મહારાણી ગંગાએ રાજ્યના ઉજ્જવળ ભાવિ માટે પોતાનું બલિદાન આપ્યું હતું. મહારાજ શૈલરાજનું પણ મૃત્યુ થયું હતું.

ઉત્સવથી ગાજતુ હસ્તિનાપુર અચાનક શાંત પડી ગયું. પ્રજાને સંતાન માની હંમેશા તેમના સુખ માટે પ્રાર્થના કરતા મહારાણી ગંગાના મૃત્યુ પછી જાણે પ્રજા મા વિહોણી બની ગઈ હતી. મહારાજા શાંતનુ અત્યંત દુઃખ અને વ્યથા અનુભવતા હતા. છેલ્લા કેટલાય સમયથી તેઓ રાજકીય પ્રવૃત્તિથી અળગા થઈ ગયા હતા. યમુના નદીના કિનારે જઈ મહારાણી ગંગા સાથે વીતાવેલી ક્ષણોનું સ્મરણ કર્યા કરતા હતા.

કુશવતીના મહારાજ શૈલરાજના મૃત્યુ પછી યુવરાજ ગૌરાંગનો રાજ્યાભિષેક થયો. આજે તેઓ મહારાજ શાંતનુને મળવા તથા પોતાની બહેન ગંગાની ઈચ્છા જણાવવા હસ્તિનાપુર આવ્યા હતા. મહારાજ શાંતનુની વ્યથા જોઈ તેમને ખુબ જ દુઃખ થયું. તેમણે મહારાજ શાંતનુને પોતાના આવવાનું પ્રયોજન જણાવતા કહ્યું, મહારાજ બહેન ગંગાએ આપને મૃત્યુસંદેશ પાઠવ્યો છે કે, એના મૃત્યુ પછીની પ્રત્યેક ક્ષણે એ આપની સમક્ષ, આપની પાસે જ છે અને સદાસર્વદા રહેશે. જ્યારે પણ તમે સ્મરણ કરશો ત્યારે એ આપની સમક્ષ પ્રત્યક્ષ થશે જ. આ ઉપરાંત બીજી વિજ્ઞપ્તિ એ કરી છે કે, `અહીંનું વિદ્યાનું ક્ષેત્ર તેમને અત્યંત મર્યાદિત જણાય છે. તેથી કુમાર દેવવ્રતને શસ્ત્ર અને શાસ્ત્રની વિદ્યા અર્થે કુશવતીમાં જ રહેવા દેવામાં આવે.’

મહારાજ શાંતનુ પ્રિયા ગંગાના શબ્દો સાંભળી અત્યંત શોક અનુભવવા લાગ્યા. આટલા લાંબા સમય બાદ તેમને પિતા બનવાનું સૌભાગ્ય મળ્યું પણ... પણ.... હવે એ પણ ભાગ્યમાં નથી.... થોડીવાર આંખો મીંચી અને ગૂઢ વિચારમાં ડૂબી ગયેલા મહારાજ શાંતનુએ આંખો ખોલી. ગૌરાંગની સામે જોઈ કહ્યું, `ગંગા માત્ર મહારાણી નહીં, પરંતુ મારા રાજ્યની રાજમાતા હતી. આજ સુધી તેમણે હંમેશા સંતાન સમાન પ્રજાની સુખશાંતિ માટે જ નિર્ણય લીધા છે. મારા પુત્ર માટે તેમણે લીધેલો આ નિર્ણય પણ મને માન્ય છે. કુમાર દેવવ્રત જ્યારે શસ્ત્ર શાસ્ત્રમાં નિપુણ થાય ત્યારે જ મારી પાસે આવે. હસ્તિનાપુર એ દિવસની આતુરતાથી પ્રતિક્ષા કરશે.’

એ દિવસથી મહારાજ શાંતનુ રાજ્ય અને પ્રજા પ્રત્યેના પોતાના કર્તવ્ય માટે સભાન બન્યા. પ્રજાના હિત માટે ભોગ આપનાર પોતાની જીવનસંગિની ગંગાના બલિદાનને વ્યર્થ ન જવા દેવું એવું મનોમન નિર્ધાર કર્યો. હસ્તિનાપુર ફરી જીવંત બની ગયું. મહારાજ શાંતનુને રાજહિત અર્થે પણ પુનઃ વિવાહ કરવા માટે વિનંતી કરવામાં આવતી પરંતુ મહારાજ શાંતનુ પત્ની ગંગાનું સ્થાન કોઈને આપી શકવા માટે અસમર્થ હતા. તેઓ પોતાની વ્યથા અને પીળા દૂર કરવા યમુના નદીને કિનારે જતા. અપ્રત્યક્ષ એવા મહારાણી ગંગાને પોતાની સમક્ષ અનુભવતા. તેમની સાથે વાર્તાલાપ કરતા. મહારાજ શાંતનુને કુશવતીથી કુમાર દેવવ્રતના વિદ્યાભ્યાસ અને કુશળતાના સમાચાર સમયસર મળી રહેતા. મહારાજે હવે પોતાની એકલતાનો બીજો માર્ગ પણ શોધી લીધો હતો. એ હતો મૃગયા અથવા નગરચર્યા. સાદા વેષે સામાન્ય નાગરિક તરીકે પ્રજામાં ભમીને એમના અંતરની વાતો સાંભળવામાં મહારાજને વધુને વધુ રસ પડવા માંડ્યો. પોતાની છાપ પ્રજાના મનમાં કેવી એ એમને જાણવા મળતું. સૌને એમના માટે માન હતું છતાં ટીકા કરનારાય એમને મળી રહેતા. પ્રજામાં કુમાર દેવવ્રત વિશે પણ ચર્ચાઓ થતી. તેમને જાણવા મળ્યું કે ભાવિ રાજા તરીકે કુમાર દેવવ્રત પાસે પણ પ્રજાને ઘણી આશાઓ છે. મહારાજ આ જોઈ ખુશ થઈ જતાં.

એકવાર મહારાજ શાંતનુ મૃગયા માટે નીકળ્યા. મૃગયા કરતાં કરતાં તેઓ ગંગાસરોવર પાસે આવેલા વસંતોદ્યાનમાં પહોંચી ગયા. એક અદ્ભૂત અને આહ્લાદક સુગંધથી તેમનું મન પ્રફુલ્લિત બની ગયું. દૂર દૂર સુધી સુગંધ ફેલાયેલી હતી. ક્યાંથી આવતી હતી આ મનમોહક સોડમ ? મહારાજે દૂર સુધી દ્રષ્ટિ કરી, ક્યાંય પારિજાતના પુષ્પછોડ ન હતા પણ આ ગંધ પારિજાતની ન હતી. એ બેબાકળા બની ચારે બાજુ જોઈ રહ્યા. ધ્યાનપૂર્વક તેમણે જોયું તો લાંબા કાળા વાળ જલસપાટી પર ફેલાયેલા હતા અને સુવર્ણમય સુપુષ્ટ નારીદેહ જલ પર તરતો હતો. હિલોળા લેતા માંસલ બાહુઓ, પાતળીયે નહીં અને જાડીયે નહીં એવી કમર.... હવે એ નારી કિનારા નજદીક આવી પહોંચી હતી. વાતાવરણ ઉન્મત્ત સુગંધથી ભરાઈ ગયું હતું. આ સુગંધ એ નારીદેહની જ હતી.

ક્રમશ:


Rate this content
Log in

Similar gujarati story from Tragedy