JHANVI KANABAR

Tragedy Others

4.5  

JHANVI KANABAR

Tragedy Others

ધર્મક્ષેત્ર - કુરુક્ષેત્ર - 6

ધર્મક્ષેત્ર - કુરુક્ષેત્ર - 6

4 mins
165


(ગયા અંકમાં આપણે જોયું કે, કુમાર દેવવ્રત સેનાપતિ પદ્મનાભ પાસેથી મહારાજ શાંતનુની વ્યથાનું કારણ જાણે છે અને તુરંત ગંગાસરોવર તરફ પ્રયાણ કરે છે. સેનાપતિ પદ્મનાભ તેમને રોકવાનો પ્રયત્ન કરે છે પરંતુ તે વ્યર્થ નીવડે છે. પદ્મનાભ મહારાજ શાંતનુને જાણ કરે છે કે કુમાર દેવવ્રત દેવી સત્યવતીને મળવા પ્રસ્થાન કરી ચૂક્યા છે. આ તરફ કુમાર દેવવ્રત મત્સ્યકન્યા સત્યવતીને મળે છે અને તેમની દરેક શરત મંજૂર રાખવાનું વચન આપે છે. હવે આગળ..)

ભીષ્મપ્રતિજ્ઞા 

મત્સ્યગંધાએ નીચુ જોઈ કહ્યું, `હા કુમાર ! મહારાજનો પ્રેમ, અણીશુદ્ધ છે, નિરવધિ છે. એ મારુ સૌભાગ્ય છે કે મહારાજ મને શતસહસ્ત્રગણો પ્રેમ આપવા તત્પર છે, પણ કુમાર કસોટી કર્યા વિનાનો પ્રેમ હવે તો મને સ્વીકાર્ય નથી. એકવાર મેં મારુ સર્વસ્વ કોઈને સમર્પિત કર્યુ હતું પણ હવે નહિ. હવે જે પોતાનું સર્વસ્વ મને સમર્પિત કરે એ જ મારા જીવનસાથી બની શકે. મહારાજ શાંતનુ એ કસોટીમાં હારી ગયા છે.’

`હું પુત્ર થઈને મારા પિતાને હારવા ન દઈ શકુ માતા ! નિશ્ચિંત રહો. હસ્તિનાપુરના સિંહાસન પર મહારાજ શાંતનુ અને મહારાણી સત્યવતીના કુમારો જ રાજ્ય કરશે. હું આજીવન હસ્તિનાપુરનો સેવક બનીને રહીશ.’ કુમાર દેવવ્રતની વાણીથી સમગ્ર પ્રકૃતિ જાણે કે શોકમય બની ગઈ. આકાશમાં કાળા વાદળો છવાઈ ગયા.

`તમે તો રાજ ત્યાગો છો પણ... તમારી સંતતિ ? તમારી સંતતિએ રાજ સિંહાસન પર પોતાનો અધિકાર સ્થાપ્યો તો ?’ સત્યવતીની વાણી પણ અસંયમિત થઈ વહી રહી હતી.

`મારી સંતતિ હસ્તિનાપુરનું રાજ્ય ન સ્વીકારે એની વ્યવસ્થા પણ હું જ કરીશ માતા ! મારી આ વાત પર વિશ્વાસ મૂકી તો જુઓ.. ‘ કુમાર દેવવ્રતે નિશ્ચિતતાથી કહ્યું.

`એ કઈ રીતે શક્ય બને કુમાર ?’ સત્યવતીએ આશ્ચર્યથી પૂછ્યું.

`એ શક્ય છે માતા ! ‘ કહી કુમાર દેવવ્રતે જળ હાથમાં લીધું

`મહારાજ શાંતનુ, વાત્સલ્યમૂર્તિ માતા સત્યવતી અને મારા પ્રિય નગરજનો, દેવો અને પિતૃને સાક્ષી માની હું આજ આ ક્ષણે ગંગા સરોવર પર ગંગાપુત્ર દેવવ્રત પ્રતિજ્ઞા લઉ છું કે, “આ રાજ્યને સંપૂર્ણપણે નિષ્કંટક બનાવવા મને સંતતિ જ ન થાય. હું આજીવન બ્રહ્મચર્ય પાળીશ. વિવાહ નહિ કરુ.”’ કુમાર દેવવ્રતના શબ્દો પૂરા થતાં જ વીજળીના કડાકા સાથે ધોધમાર વર્ષા થવા લાગી.

`પુત્ર ! આ શું કહે છે પુત્ર ? આ શું કર્યું ? મારે નથી જોઈતું મારા માટે કે મારા પુત્ર માટે રાજ્ય. મારે નથી જોઈતી સત્તા. મારે નથી જોઈતી તારા સુખના ભોગે મળતી નિષ્કંટકતા. તારી પ્રતિજ્ઞાનો ત્યાગ કર પુત્ર ! તું અને તારા પિતા શાંતનુ કસોટીમાં ઉત્તીર્ણ થયા. ધન્ય છે ! તારા પિતા અને દેવી ગંગાને કે જેમણે તારા જેવા પુત્રને જન્મ આપ્યો.’ સત્યવતીની આંખમાંથી પશ્ચાતાપના અશ્રુ વહી રહ્યા હતા.

`નહિ માતા ! સૂર્યચંદ્રની અટલતા જેટલી જ મારી પ્રતિજ્ઞા અટલ છે. મેં જે ઉચ્ચાર્યું છે એ સત્ છે અને દેવોની સાક્ષીએ ઉચ્ચારેલા શપથ છે. હું સત્યનો કે સત્ય પ્રતિજ્ઞાનો ત્યાગ ન કરી શકું.’

સેનાપતિ પદ્મનાભ અને મહારાજ શાંતનુ ગંગા સરોવર પહોંચ્યા ત્યાં તો કુમાર દેવવ્રતની પ્રતિજ્ઞાના ધ્વનિ તેમના કાન પર પડી ગયા હતા. દેવી સત્યવતી આક્રંદ કરતી ત્યાં જ બેભાન થઈ ગઈ હતી. સમય અને પરિસ્થિતિ હવે અંકુશમાં નહોતી રહી.

મહારાજ શાંતનુ સેનાપતિ પદ્મનાભ સાથે દુઃખી હ્રદયે હસ્તિનાપુર પરત ફર્યા. કુમાર દેવવ્રતે હસ્તિનાપુર આવી પિતા શાંતનુ અને દેવી સત્યવતીના વિવાહની તૈયારી આરંભી. હસ્તિનાપુરમાં વાયુવેગે આ વાત પ્રસરી ગઈ. પ્રજામાં સંતાપ વ્યાપી ગયો. કુમાર દેવવ્રત જેવા રાજાને સ્થાને હસ્તિનાપુરનું ભાવિ કોના હાથમાં જશે ? એ ચિંતા સૌ કોઈને કોરી ખાતી હતી. હસ્તિનાપુરમાં પ્રજા પોતાના મહારાજના વિવાહનું આયોજન તો કરી રહી હતી, પરંતુ તેમનામાં ઉત્સાહ અને આનંદની માત્રા નહિવત્ હતી. સૌ કોઈ મનોમન સ્વર્ગીય મહારાણી ગંગાની સરખામણી ભાવિ મહારાણી સત્યવતી સાથે કરી રહ્યા હતા. ક્યાં મહારાણી ગંગા કે જેમણે પ્રજાના હિતાર્થે કષ્ઠમય જીવન વ્યતીત કર્યું અને ક્યાં ભાવિ મહારાણી સત્યવતી કે જેમણે સ્વાર્થની પ્રત્યેક સીમા લાંધી દીધી હતી. પરંતુ કોઈને સત્યવતીની આ અનુચિત માંગણી પાછળની ખરુ કારણ ખબર નહોતી. તેના દુઃખદ ભૂતકાળ વિશે પ્રજા જાણતી નહોતી.

સત્યવતી કુમાર દેવવ્રતની પ્રતિજ્ઞાથી અત્યંત દુઃખી હતી. મનોમન ખૂબ જ પશ્ચાતાપ થઈ રહ્યો હતો કે, તેણે મહારાજ શાંતનુના પ્રેમનું મૂલ્યાંકન કરવા માટે થઈને કુમાર દેવવ્રતને અન્યાય કર્યો છે. હવે સ્થિતિ કોઈનાય અંકુશમાં નહોતી રહી. ભાગ્યને કોઈ બદલી શકવાનું નહોતું. શુભ મુહૂર્તમાં રાજકીય પરંપરાથી મહારાજ શાંતનુ અને દેવી સત્યવતીના વિવાહ સંપન્ન થયા. મહારાજા શાંતનુ, મહારાણી સત્યવતી, રાજ્યસભા તથા પ્રજા સૌ કોઈનું મન વ્યાકુળતા અનુભવી રહ્યું હતું પરંતુ કુમાર દેવવ્રતનું મન આજે આનંદિત થઈ ઊઠ્યું હતું. પિતાની છત્રછાયા સાથે આજે માતાનો મમતામયી ખોળો પણ પ્રાપ્ત થઈ ગયો હતો. સંપૂર્ણ વિધિવિધાન અને રિવાજો પૂર્ણ થયા પછી કુમાર દેવવ્રત માતા અને પિતાના આશીર્વાદ પામવા તેમની પાસે ગયા.

મહારાજ શાંતનુએ કુમાર દેવવ્રતને આશીર્વાદ આપતા કહ્યું, `પુત્ર ! તારી આ પ્રતિજ્ઞા એક પિતા માટે અત્યંદ દુઃખદાયી છે, પરંતુ પિતા માટે પોતાનું સર્વસ્વ ત્યાગી દેનાર તું ભવિષ્યમાં ભીષ્મ તરીકે ઓળખાઈશ અને તારી આ પ્રતિજ્ઞા ભીષ્મ પ્રતિજ્ઞા કહેવાશે. ઓ દેવો હું કુરુનંદન શાંતનુ આજ મારા સર્વસંચિત પુણ્ય વડે, મારા સમગ્ર જીવનતપની શક્તિ વડે મારા આ પુત્ર દેવવ્રતને વરદાન આપું છું કે, હે પુત્ર ભીષ્મ જ્યાં સુધી જીવવા ઈચ્છીશ ત્યાં સુધી મૃત્યુ પણ તારા પર પ્રભાવ ચલાવી શકશે નહિ. તારી આજ્ઞા થશે ત્યારે જ મૃત્યુ તારા પર પ્રભાવ ચલાવશે. તને ઈચ્છામૃત્યુ પ્રાપ્ત થશે.’ માતા સત્યવતી અને મહારાજ શાંતનુનો પ્રેમાળ હાથ દેવવ્રત ભીષ્મના મસ્તક પર ફરી રહ્યો હતો.

સમગ્ર પ્રજાએ કુમાર દેવવ્રતની ભીષ્મ પ્રતિજ્ઞા અને મહારાજ શાંતનુથી મળેલા ઈચ્છા મૃત્યુના વરદાનની વાત જાણી અને તેના પરિણામ સ્વરૂપ હસ્તિનાપુરના રાજસિંહાસન કરતા પણ ઉચ્ચ સ્થાન દેવવ્રત ભીષ્મને પ્રાપ્ત થયું હતું.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy