ધર્મક્ષેત્ર - કુરુક્ષેત્ર - 5
ધર્મક્ષેત્ર - કુરુક્ષેત્ર - 5
દેવવ્રત ભીષ્મ
(ગયા અંકમાં આપણે જોયું કે, મહારાજ શાંતનુ સત્યવતી પાસે પ્રેમપ્રસ્તાવ મૂકે છે અને સત્યવતીને પોતાના જીવનમાં સ્થાન આપવા ઈચ્છે છે. સત્યવતી નક્કી કરે છે કે હવે તે ત્યાગની યાતનાનો ભોગ નહિ બને.. તેથી તે મહારાજ શાંતનુ પાસે શરત મૂકે છે કે, કુમાર દેવવ્રતને સ્થાને મહારાજ શાંતનુ અને પોતાના પુત્રનો રાજ્યાભિષેક થાય. મહારાજ આ પ્રસ્તાવ માન્ય રાખતા નથી, જેને કારણે સત્યવતી અને મહારાજ શાંતનુ અલગ થઈ જાય છે. મહારાજ દેવી ગંગાનું સ્મરણ અને સત્યવતીનો વિરહ પોતાના હ્રદયમાં ધરબાવી દે છે.)
આજ મહારાણી ગંગા અને મહારાજ શાંતનુની તપસ્યાનું ફળ દેવવ્રત સ્વરૂપે હસ્તિનાપુરની પ્રજાને પ્રાપ્ત થવાનું હતું. હા, કુશરાજ ગૌરાંગ પોતાના ભાણેજને ઉત્તમ વિદ્યાથી સજ્જ કરી મહારાજ શાંતુને સોંપી રહ્યા હતા. જામદગ્નીના પુત્ર ઋષિ પરશુરામ પાસે શસ્ત્ર અને શાસ્ત્રની વિદ્યા પ્રાપ્ત કરી, પોતના સામર્થ્યથી હસ્તિનાપુરને સંપૂર્ણ આર્યવર્તમાં મહત્ત્વપૂર્ણ સ્થાન અપાવવા દેવવ્રત પોતાની માતૃભૂમિ પરત ફરી રહ્યા હતા.
કુમાર દેવવ્રતનું આગમન આજે હસ્તિનાપુરની તૃષાતુર પ્રજાની વર્ષોથી અતૃપ્ત આકાંક્ષાને તૃપ્ત કરવા જઈ રહ્યું હતું. સમગ્ર જનમેદની પોતાના ભાવિ રાજાના સંબોધનને ઝંખતી ઉભરાઈ રહી હતી. મહાસેનાપતિ, સૈનિકો વ્યવસ્થામાં વ્યસ્ત હતા. રાજકુમાર દેવવ્રતનું રાજ્યસભામાં પ્રવેશ કરવાનું મુહૂર્ત નજીક આવતું જતું હતું. કુમાર દેવવ્રતના દીર્ધાયુષ્ય અને કીર્તિમય જીવન માટે મંત્ર, જાપ અને યજ્ઞના ધ્વનિથી રાજ્યસભા ગુંજી ઊઠી હતી. આખરે એ શુભઘડી આવી પહોંચી અને એકાએક જયઘોષ ઊઠતો સંભળાયો. કુમાર દેવવ્રત મામા ગૌરાંગ સાથે રાજસભાના દ્વાર પર આવી પહોંચ્યા હતા. મહારાજ શાંતનુએ પ્રજાના જયઘોષને શાંત પાડતા કહ્યું, પ્રજાજનો આજ આપની સમક્ષ મારો નહિ પણ આપનો સૌનો કુમાર સમર્પિત કરું છું. પ્રજાએ મહારાજને અંતરના ઉમળકાથી જયધ્વનિથી વધાવી લીધા.
કુમાર દેવવ્રતની આંખો પ્રજાનું વાત્સલ્ય જોઈ ભીની થઈ ગઈ. પ્રજાને ઉદ્દેશતા તેમણે કહ્યું, પ્રિયજનો તમારા આ પ્રેમ અને લાગણી હું ખૂબ ખૂબ આભારી છું. મારું સ્થાન આપના અંતરના સિંહાસન પર છે, જે ઈન્દ્રાસન કરતાં વધારે મૂલ્યવાન છે. ઈશ્વર મને મારું એ સ્થાન શાશ્વત રાખવાની શક્તિ આપે એ જ પ્રાર્થના છે. જયધ્વનિ અને મૃદંગઘોષથી કુમારના આ અભિવાદનને પ્રજાએ ફરીવાર વધાવીઓ. રાજમહેલના પ્રાંગણમાં વિવિધ નૃત્ય, સંગીત અને શસ્ત્રસ્પર્ધાઓ યોજાઈ. કુમારના સુખ અને મનોરંજન અર્થે યોજાયેલ ઉત્સવમાં પ્રજાની ભાવિ રાજા પ્રત્યેની આંતરિક લાગણી દર્શન પણ થતું હતું. મહારાજ શાંતનુને આજે દિવંગત ગંગાદેવીનું સ્મરણ થઈ આવ્યું. મનોમન તે પ્રાર્થના કરી રહ્યા હતા,`હે મહાદેવી ગંગા ! આપણા કુમાર દેવવ્રત પર આપના આશીર્વાદ હંમેશા રહે ! તમારા બલિદાનનું મૂર્તિમંત સ્વરૂપ એવા કુમાર દેવવ્રતનું જીવન પ્રજાના કલ્યાણાર્થે સમર્પિત રહે એ જ અભિલાષા..’
કુમાર દેવવ્રતનું સ્વાગતોત્સવ સહર્ષ પૂર્ણ થયો. ભાવિ રાજાના વ્યક્તિત્વ અને પ્રજાવત્સલતા જોઈ હસ્તિનાપુરની પ્રજામાં પણ જાણે સુખ અને સંતોષ ફેલાઈ ગયો હતો. મહારાજ શાંતનુની દિનચર્યામાં આજે ફરી પરિવર્તન આવ્યું હતું. રાજસભાથી પરવારી મહારાજ પોતાના કક્ષમાં દેવી ગંગાના સ્મરણ અને સત્યવતીના વિરહ બંનેની યાતનાને હ્રદયમાં દબાવી ઝૂર્યા કરતા હતા. તેમની આ વ્યથા કક્ષના બંધ બારણામાંથી બહાર ન જાય તેનું તે ધ્યાન રાખતા. ખાસ કરીને વર્ષો પછી પોતાના જીવનમાં પાછા ફરેલા વ્હાલસોયા કુમાર દેવવ્રતને પિતાની વેદનાનો ભાસ ન થાય એ ભય તેમને સતત રહેતો. કદાચ તેઓ જાણતા હતા કે, પિતાના સુખ અર્થે દેવવ્રત રાજ ત્યાગતા ક્ષણનોય વિલંબ નહિ કરે અને હસ્તિનાપુરની પ્રજા પર તેનો પ્રભાવ દુઃપરિણામ લાવશે. વળી દેવવ્રત જેવો કુશળ અને પ્રજાવત્સલ રાજા જ હસ્તિનાપુર માટે યોગ્ય છે, એનું જ્ઞાન હતું તેમને. દિવસે દિવસે મહારાજ શાંતનુનું મન અને શરીર નબળા પડી રહ્યા હતા. કુમાર દેવવ્રત પિતાની અવસ્થાથી અજાણ નહોતા પરંતુ તેની પાછળનું કારણ જાણતા નહોતા.
સેનાપતિ પદ્મનાભ કુમાર દેવવ્રતની પિતા પ્રત્યેની ચિંતા સમજી ગયા હતા તેથી જ તેમણે મહારાજને વિનંતી કરી કે, `કુમાર દેવવ્રતનો રાજ્યાભિષેક કરી દેવામાં આવે. જો તેમને સત્યવતી અને મહારાજના સંબંધોની જાણ થશે તો પિતાના સુખ અર્થે કુમાર દેવવ્રત કોઈ અયોગ્ય નિર્ણય લઈ બેસશે અને તે હસ્તિનાપુરના હિતમાં નહિ હોય.’ મહારાજ શાંતનુને પણ આ નિર્ણય યોગ્ય લાગ્યો. તેમણે કુમાર દેવવ્રતના રાજ્યાભિષેકની ઘોષણા કરાવી.
પ્રજામાં ઉત્સવનું મોજુ ફરી વળ્યું. કુમાર દેવવ્રત જેવા ધર્મ પરાયણ અને સમર્થ યોદ્ધાને રાજસિંહાસન મળવાનું હોય તો તો મહારાજ શાંતનુના સમયમાં મળેલ સુખ, શાંતિ કાયમ બની રહે. ચારે તરફ નાચ-ગાન, કુશ્તિ પ્રદર્શન, શાસ્ત્રવિદ્યા પ્રદર્શન, શસ્ત્રવિદ્યા પ્રદર્શનની તૈયારીઓ થવા લાગી. રાજ્યાભિષેક સમયે પોતાના ભાવિ રાજાના મનોરંજન હેતુ પ્રજા વધુને વધુ શ્રમ કરવા લાગી. પરંતુ કુમાર દેવવ્રતને રાજ્યાભિષેકના આનંદને સ્થાને પિતાની લથડતી અવસ્થા વધુને વધુ ચિંતિત કરી રહી હતી. આ વિશે તેમણે સેનાપતિ પદ્મનાભ પાસેથી જાણવાનો નિર્ણય કર્યો.
સેનાપતિ પદ્મનાભ કુમાર દેવવ્રતના કક્ષમાં પ્રવેશ્યા. `કુમાર આપે યાદ કર્યા ? શું સેવા કરી શકું ?’
`આપ મારા આદરણીય છો. મને તમારી સેવાની નહિ પરંતુ માર્ગદર્શનની આવશ્યકતા છે. મારે જાણવું છે કે, પિતાજીની આ અવસ્થાનું કારણ શું છે ? એવી કઈ વાત છે ? જે તેમના હ્રદયને પીડા આપી રહી છે. હું જાણું છું કે, પિતાજી મને નહિ કહે. આથી જ હું તમને વિનંતી કરું છું કે, મને જણાવો કે હું કઈ રીતે પિતાજીને તેમની વ્યથાથી ઉગારી શકું ?’ અત્યંત વિનંતીપૂર્વક દેવવ્રતે પૃચ્છા કરી.
સેનાપતિ પદ્મનાભના સંકટમય સ્થિતિ અનુભવી રહ્યા હતા. કુમારને શું ઉત્તર આપવો ? એ સમજાતુ નહોતું.
સેનાપતિ પદ્મનાભ પાસે અન્ય કોઈ વિકલ્પ નહોતો. તેમણે સત્યવતીના જન્મથી આરંભ કરી, મહારાજ શાંતનુ સાથેના મિલન અને તેમના વિરહ સુધીની સમગ્ર વાત કુમાર દેવવ્રતને કરી.
`ઓહ ! બસ આ જ કારણ છે ? મારા પિતાની આ સ્થિતિનું ? ધિક્કાર છે મારા જેવા પુત્ર પર, કે જે પિતાની આ વ્યથાથી આજ સુધી અજાણ રહ્યો. આ વિકટ સમસ્યાનું નિરાકરણ હું તત્ક્ષણ જ કરીશ. ગંગા સરોવર તરફ પ્રસ્થાન કરવાની મારી વ્યવસ્થા કરો.’ કુમાર દેવવ્રતે અડગ મનોબળથી કહ્યું.
`પરંતુ કુમાર..’ પદ્મનાભે તેમને રોકવાનો પ્રયત્ન કર્યો પરંતુ કુમાર દેવવ્રત હવે થોભે એમ હતા નહિ.
સેનાપતિ પદ્મનાભ મહારાજ શાંતનુને જાણ કરે એ પહેલા તો કુમાર દેવવ્રતનો અશ્વ ગંગાસરોવર તરફ પ્રસ્થાન કરી ચૂક્યો હતો.
કુમાર દેવવ્રતને દાશરાજના વૃદ્ધ પણ અનુભવી ચક્ષુ ઓળખી ગયા. તેમણે કુમાર દેવવ્રતને પ્રણામ કર્યા અને પોતાનો પરિચય આપતા કહ્યો. `પધારો યુવરાજ દેવવ્રત ! હું દાશરાજ. સત્યવતીના...’
`પાલક પિતા ! તમારા અને દેવી સત્યવતીના જીવન વિશેની જાણકારી પ્રાપ્ત છે મને વડીલ. આ ઉપરાંત મારા પિતા મહારાજ શાંતનુ અને દેવી સત્યવતીના વિરહનું કારણ હું છું, એ પણ હું જાણું છું.’ દાશરાજને અધવચ્ચેથી અટકાવી હાથ જોડી નમ્રતાથી કુમાર દેવવ્રત બોલી રહ્યા હતા.
દાશરાજને આ મહાન રાજપુત્રની વિનમ્રતા સ્પર્શી ગઈ હતી.
`આપની આજ્ઞા હોય તો દેવી સત્યવતીને મળવા માંગુ છું.’ કુમાર દેવવ્રતે દાશરાજને કહ્યું.
`અવશ્ય યુવરાજ ! હું સત્યવતીને તમારો સંદેશો પાઠવું છું.’ કહી દાશરાજ સત્યવતીને બોલાવવા ઝૂંપડીમાં ચાલ્યા ગયા.
`કુમાર દેવવ્રત તને મળવા આવ્યા છે પુત્રી ! મારુ માન તો હઠ છોડી દે. મહારાજ શાંતનુને સમજવાનો યત્ન કર. મારુ સ્વપ્ન અને તારી માતાની અંતિમ ઈચ્છા પૂરી કરવાની આવી તક પાછી નહિ મળે.’ દાશરાજે ધીરેથી સત્યવતીને સમજાવતા કહ્યું.
સત્યવતી ઝૂંપડીની બહાર આવે એ પહેલાં જ હવામાં કોઈ અનુપમ પરિમલ પ્રસરી રહ્યો અને પરિમલ ધારિણી સત્યવતી બહાર આવી. એણે બે હાથ જોડી કહ્યું, `મહારાજ કુમાર ! દાશરાજદુહિતા સત્યવતીના...’
`ના...ના... માતા સત્યવતી ! પુત્રક દેવવ્રતના પ્રણામ સ્વીકારશો ?’ સત્યવતીને અધવચ્ચે જ અટકાવતા કુમાર દેવવ્રતે કહ્યું અને ઘૂંટણીએ પડી એને પ્રણામ કરી રહ્યા.
દાશરાજ આ જોઈ સ્તબ્ધ બની ગયા.
સત્યવતી પણ આ વિનમ્ર, નિઃસ્વાર્થ અને પ્રેમાળ કુમારને જોઈ પોતાનો ક્રોધ વિસરી ગઈ. આઠ આઠ વર્ષથી દબાયેલુ માતૃત્વ જોર કરીને ઉછળી રહ્યું. એનો પુત્ર વ્યાસ પણ આટલો જ.. દેવવ્રત જેટલો જ હશે ને. ? સત્યવતીના ધ્રૂજતા હાથ દેવવ્રતના સ્કંધ પર, ગાલ પર ફરી રહ્યા, પરંતુ તેના મુગટનો સ્પર્શ થતાં જ તેનું માતૃત્વ થંભી ગયું અને તે ફરી મૂળ અવસ્થામાં પાછી ફરી. પોતાના હાથ મુગટ પરથી ખેંચી લીધા.
કુમાર દેવવ્રત સમજી ગયા કે, માતા સત્યવતીના હ્રદયનું માતૃત્વ ક્યાં આવીને થંભી ગયું ? તેમણે વિના વિલંબે મુગટ ઉતારી સત્યવતીને ધરી દીધો અને કહ્યું, `જાણું છું માતા ! તમારી અસુરક્ષિતતાની ભાવના એ તમારા યાતનામય ભૂતકાળનું પરિણામ છે. હું પણ તમારા મમતાભર્યા સ્પર્શને જીવનપર્યંત અનુભવવા માંગુ છું. આ રાજમુગટ તેમાં વિધ્ન ઊભુ કરે છે, માટે હું રાજ સિંહાસનનો આ ક્ષણે ત્યાગ કરું છું. તમે પણ તમારામાંથી આ શંકાનો ત્યજો માતા અને મારા પિતા સાથે વિવાહ કરી લો. મારા પિતા મહારાજ શાંતનુને આજ આટલા વર્ષો લગી કોઈ કદી વિચલિત કરી શક્યું નથી. એને માતા, આપે એક ક્ષણમાં જ પોતાના બનાવી લીધા. એમનો તમારા પ્રત્યેનો પ્રેમ શુદ્ધ છે. કૃપા કરી મારી આ વિજ્ઞપ્તિ સ્વીકારો માતા.’
કુમાર દેવવ્રતની વાણી માતા ગંગાના નિર્મળ જળપ્રવાહની જેમ સત્યવતીના હ્રદયને શીતળતા પ્રદાન કરી રહ્યા હતા. સત્યવતીને મહારાજ શાંતનુ સાથે વીતાવેલ સમય સ્મરણ થઈ આવ્યો પણ તરત જ વળી તેને પોતાનો સંઘર્ષમય ભૂતકાળ પણ યાદ આવી ગયો. તેણે મક્કમ થઈ નિર્ણય કર્યો કે, પ્રેમની કસોટી કર્યા વગર કોઈનેય પોતાનું સર્વસ્વ સોંપવું નથી નથી ને નથી જ.
