Win cash rewards worth Rs.45,000. Participate in "A Writing Contest with a TWIST".
Win cash rewards worth Rs.45,000. Participate in "A Writing Contest with a TWIST".

JHANVI KANABAR

Tragedy Others


4.5  

JHANVI KANABAR

Tragedy Others


ધર્મક્ષેત્ર કુરુક્ષેત્ર - 4 સત્યવતીનો મહારાજ શાંતનુને પ્રસ્તાવ

ધર્મક્ષેત્ર કુરુક્ષેત્ર - 4 સત્યવતીનો મહારાજ શાંતનુને પ્રસ્તાવ

5 mins 237 5 mins 237

(ગયા અંકમાં આપણે જોયું કે, મહારાજ શાંતનુના હ્રદયમાં સત્યવતી માટે કૂણી લાગણીઓ જન્મ લે છે. શું સત્યવતી પણ તેમના પ્રત્યે આ જ લાગણીઓ અનુભવે છે ? એ જાણવા તેઓ ગંગાસરોવર જઈ સત્યવતીને મળવાનું નક્કી કરે છે. આ બાજુ સત્યવતી પણ મહારાજના પોતાના પ્રત્યેના ખેંચાણને અનુભવે છે. પરંતુ તે નક્કી કરે છે કે, તેણે માત્ર ત્યાગને કારણે ઘણી યાતનાઓ સહન કરી, હવે તો જીવનમાં માત્ર ને માત્ર પામવું જ છે. હવે આગળ...)

મહારાજ શાંતનુ પ્રભાતના પ્રથમ પહોરે જ સ્નાનાદિક ક્રિયા પતાવી અશ્વ પર સવાર થયા. અશ્વ ગંગાસરોવર તરફ ગતિ કરી રહ્યો હતો, જાણે કે મહારાજના મનનો ઉદ્વેગ તે પણ જાણી ગયો હોય એમ અવિરત અને સતત ચાલી રહ્યો હતો.

સત્યવતી પણ મહારાજ શાંતનુને મળવા ઉત્સુક હતી, તેમના પ્રેમને પારખવા વ્યાકુળ હતી. ભૂતકાળમાં થયેલી દુઃખદાયી યાતનાઓને કારણે હવે ત્યાગ અને સંતોષના ગુણોને તેણે પોતાના જીવનમાંથી તિલાંજલિ આપી દીધી હતી. હવે તો બસ તેને માત્ર ને માત્ર પામવું હતું.

ગંગા સરોવર નજીક પહોંચતા એ જ મનભાવન પારિજાતની સુગંધે મહારાજ શાંતનુને ઘોડાની લગામ ખેંચી લેવા મજબૂર કરી દીધા. સત્યવતીનું આસપાસ હોવાનું અનુમાન મહારાજ શાંતનુએ કર્યું. તેમણે સુગંધની દિશામાં જોયું તો એક વૃક્ષને અઢેલીને ઉભેલી સત્યવતી કોઈ મૂર્તિ સમાન દીસતી હતી ! છુટ્ટા કાળા કેશ, એક શ્વેત વસ્ત્રમાં લપેટાયેલી ગોરી ચમકદાર કાયા જોઈ મહારાજ તેના મુખારવિંદને જોવા અધીરા બન્યા. સત્યવતીની સામે જઈ તેઓ ઊભા રહી ગયા પરંતુ અનિમેષ નયને આકાશ તરફ નિહાળી રહેલી સત્યવતીને તેનું ભાન જ નહોતું !

`સત્યવતી... સત્યવતી...! કઈ દ્વિધાએ આ અનુપમ સૌંદર્યની કાંતિ હણી લીધી છે ?’ મહારાજે સત્યવતીના કોમળ ખભા હલાવી પૂછ્યું.

મહારાજને જોઈ સત્યવતી વિચારોમાંથી બહાર આવી.

`પ્રણામ મહારાજ ! ક્ષમા કરશો... હું.. હું....’ સત્યવતી વાક્ય પૂરુ ન કરી શકી.

`કોઈ વિચારોમાં હતા, એ જોઈ શકું છું. જાણી શકું કે કઈ દ્વિધા તમને ઘેરી વળી છે ?’ મહારાજ શાંતનુએ પ્રશ્નાર્થ ભાવે કહ્યું.

`જી.. હું.. હું આપને મારા વિશે, મારા ભૂતકાળ સાથે સંકળાયેલ સંપૂર્ણ તથ્ય જણાવવા માંગુ છું.’ સત્યવતીએ મન મકક્કમ કરી કહ્યું.

`કહો સત્યવતી ! નિઃસંકોચ કહો.. હું આજે સ્વયં તમારા મનની વાત જાણવા અહીં આવ્યો છું.’ મહારાજે ઉત્સુકતા દાખવતા કહ્યું.

`તો સાંભળો મહારાજ ! હું યમના તટ પર માછીમારો વચ્ચે ઉછરેલી છું, પરંતુ હું મત્સ્ય કન્યા નથી. મારી માતા અદ્રિકા એક અપ્સરા અને પિતા વસુરાજા છે. હું રાજકન્યા છું. મારી માતાએ અંતિમ સમયે મારા પાલકપિતા દાશરાજ પાસે વચન લીધું હતું કે, મારા વિવાહ રાજ પરિવારમાં થાય. માછીમાર સમૂહના મુખી દાશરાજે પિતા બની મારુ લાલનપાલન કર્યું. એક રાજકન્યાને છાજે તે રીતે અધ્યયન કરાવ્યું.’

મહારાજ શાંતનુ સત્યવતીની વાત સાંભળી આશ્ચર્યચકિત થઈ ગયા હતા. વળી એ વાતનો સંતોષ પણ થયો કે, સત્યવતી મત્સ્ય કન્યા નહીં પરંતુ રાજકન્યા છે.

`અને દેવી ! તમારામાંથી આવતી આ મનમોહક ગંધનું રહસ્ય શું છે ?’

એ અંધારી.. ગાજવીજ સાથે થતી મેઘાએ સત્યવતીના જીવનને જડમૂળથી હચમચાવી મૂક્યુ હતું. ઋષિ પરાશર સાથેનું પોતાનું સહજીવન કઈ પરિસ્થિતિમાં સર્જાયુ હતું તે સવિસ્તાર મહારાજ શાંતનુને તેણે કહ્યું. આ રહસ્યમયી સુગંધ, એક અદ્ભૂત અને મહાજ્ઞાની પુત્ર વ્યાસ અને તે છતાં પોતાનું અકબંધ કૌમાર્ય આ ત્રણ ઋષિ પરાશર દ્વારા અપાયેલા વરદાન વિશે મહારાજને જણાવ્યું.

મહારાજ શાંતનુ વિસ્મય છતાં સત્યવતી પ્રત્યે સન્માનની ભાવનાથી આ બધુ સાંભળી રહ્યા હતા. સત્યવતીના જીવનનું સંપૂર્ણ સત્ય જાણ્યા બાદ તેઓ સત્યવતીની નજીક આવ્યા. તેની આંખોમાંથી વહેતા કાજળભર્યા અશ્રુને લૂછતા તેને સાંત્વના આપી અને કહ્યું, `આપ મહાન છો દેવી ! નિઃસ્વાર્થ ભાવે તમે એક મહા ઋષિને આશરો આપ્યો અને આપને એક જ્ઞાની અને સંસારના ઉદ્ધારક એવા પુત્રની માતા બનવાનું સૌભાગ્ય સાંપડ્યુ. મારી દ્રષ્ટિએ તમે વહેતા જળની માફક નિર્મળ અને શુદ્ધ છો. તમારા વિશે જાણ્યા પછી તમને પામવાની મારી ઉત્કંઠા વધી છે.’

`મને પામવાની ઉત્કંઠા ? તાત્પર્ય ?’ સત્યવતીએ મહારાજ સમક્ષ પ્રશ્નાર્થભાવે જોયુ.

`હા.. દેવી ! મારા જીવનથી તમે અજાણ નથી. હું દેવી ગંગાનું સ્થાન તો તમને નહીં આપી શકું પરંતુ મારા જીવનની રિક્તતાને પ્રેમથી ભરી દેવા આપની અભિલાષા સેવુ છું. દેવી ગંગા અને મારા પ્રેમનું પ્રતિક એવા મારા પુત્ર દેવવ્રતને યુવરાજ ઘોષિત કરી, રાજ્યનો કારભાર તેને સોંપી હું આપની સાથે શેષ જીવન આ ગંગાતટે જ વીતાવવા માંગુ છું.’ મહારાજે પોતાની ઈચ્છા વ્યક્ત કરી.

`નહીં... મહારાજ શાંતનુ ! હું તમારી આ ઈચ્છાને મારુ સમર્થન નહીં આપી શકું.’ સત્યવતીએ સ્પષ્ટ અને વિરોધજનક અવાજથી કહ્યું.

`સત્યવતી...?’ મહારાજના અવાજમાં વ્યગ્રતા હતી.

`મહારાજ શાંતનુ ! ત્યાગ અને સમર્પણની ભાવનાઓથી હું ઘણી યાતના ભોગવી ચૂકવી છું તેથી આ ભાવનાઓનો હું મારા જીવનમાંથી ત્યાગ કરી ચૂકી છું. તમે જો મને પામવા ઈચ્છતા હોવ મહારાજ તો મારી પણ કેટલીક ઈચ્છાઓની પૂર્તિ તમારે કરવી જોઈશે.’ સત્યવતીના સ્વરમાં સ્પષ્ટતાનો રણકાર હતો.

`નિઃસંકોચ જણાવો દેવી ! તમારી ઈચ્છાપૂર્તિ કરવા પૂર્ણ પ્રયત્ન કરીશ.’ મહારાજે અત્યંત વિનમ્રતાથી કહ્યું.

`તો સાંભળો મહારાજ શાંતનુ ! હસ્તિનાપુરના સિંહાસન પર હું આપણા પુત્રનો રાજ્યાભિષેક થાય તેવું ઈચ્છુ છું. કુમાર દેવવ્રતનો નહીં...’ સત્યવતીની વાણી નિરંકુશ થઈ વહ્યે જતી હતી.

`સત્યવતી ! એ શક્ય નથી.’ મહારાજ શાંતનુના અવાજમાં ઉગ્રતા આવી ગઈ હતી.

`તો તો મને પામવાની ઈચ્છાનો ત્યાગ કરો મહારાજ ! હું નથી ઈચ્છતી કે મારા પુત્ર હસ્તિનાપુરના સેવક બનીને રહે. ના એમને રાજગાદી મળે કે ના તેઓ માછીમાર બની શકે. એક માતા થઈને તેમના ભાગ્યમાં હું દાસત્વ ન લખી શકુંં.’ સત્યવતીએ મજબૂતાઈથી કહ્યું.

`દાસ ? સેવક ? શું બોલો છો દેવી ? કુમાર દેવવ્રત તેમના ભાઈઓ સાથે આવું વર્તન ન કરી શકે. તમે હજુ તેને જાણ્યા નથી. તમને તે પોતાની માતાનું સ્થાન આપશે. તમે એક વાર...’ મહારાજ શાંતનુએ સત્યવતીને સમજાવવા યત્ન કર્યો.

`મહારાજ ! મારી આ જ ઈચ્છા છે. જો તમે તેની પૂર્તિ કરી શકતા હોવ તો જ આપણું મિલન શક્ય છે, નહીં તો મને ભૂલી જવામાં જ તમારી ભલાઈ છે.’ મક્કમતાથી કહી સત્યવતી ત્યાંથી ચાલી ગઈ.

મહારાજ શાંતનુ વ્યથા અને ક્રોધ એવા મિશ્ર ભાવ અનુભવતા અશ્વ પર સવાર થઈ ત્યાંથી હસ્તિનાપુર તરફ ચાલી નીકળ્યા. મહેલમાં તેમના ઝડપથી ચાલતા પગલા પોતાના કક્ષમાં પ્રવેશતા જ ધીરા પડી ગયા અને તેઓ ફસડાઈ પડ્યા. સત્યવતીને ભૂલી જવાની વેદના તેમને માટે અસહ્ય હતી, પરંતુ રાજ્યની ભલાઈ માટે એક રાજાએ આ યાતનાને સહન કરવી અનિવાર્ય હતી.


Rate this content
Log in

More gujarati story from JHANVI KANABAR

Similar gujarati story from Tragedy