ધર્મક્ષેત્ર - કુરુક્ષેત્ર - 13
ધર્મક્ષેત્ર - કુરુક્ષેત્ર - 13
(આગળના અંકમાં આપણે જોયું કે, વિચિત્રવીર્યના મૃત્યુ પછી હસ્તિનાપુરની પ્રજા અનાથ થઈ જાય છે. હસ્તિનાપુરના સિંહાસન અને મહારાણી સત્યવતીના ખોળાની રિક્તતા જોઈ દેવવ્રત ભીષ્મ અત્યંત દુઃખી છે. મહારાણી સત્યવતી મહારાજ શાંતનુની છબીને જોઈ એક નિર્ણય લે છે અને તુરંત સભા બોલાવે છે. સભાસદો સાથે મંતવ્ય કરતાં તેને નિયોગનો ઉપાય શ્રેષ્ઠ લાગે છે, જેમાં પુત્રવધુ અંબિકા અને અંબાલિકા કોઈ શ્રેષ્ઠ બ્રાહ્મણના નિયોગ દ્વારા સંતતિ પ્રાપ્ત કરે અને હસ્તિનાપુરને રાજાની પ્રાપ્તિ થાય. આ માટે મહારાણી સત્યવતીને મુનિ પરાશર દ્વારા પ્રાપ્ત થયેલ પુત્ર કૃષ્ણ દ્વેપાયન વ્યાસનું સ્મરણ થાય છે અને મુનિ વ્યાસે માતાને આપેલ વચન પ્રમાણે ઉપસ્થિત થાય છે. હવે આગળ...)
મહર્ષિ દ્વેપાયન વ્યાસને જોતાં જ સમગ્ર સભાસદો આશ્ચર્યચકિત થઈ ગયા. મહારાણી સત્યવતીની આંખો તો આજ બાવન વર્ષે પોતાના નટખટ, જિજ્ઞાસાના દરિયા સમાન, મા મા ! કરતાં પોતાની આસપાસ દોડતા દ્વેપાયનને આવા અલગ જ સ્વરૂપમાં જોઈ લાગણીવશ અશ્રુ વહાવી રહી હતી. આજે એ જ નિર્દોષ અને સમગ્ર સંસારથી અજાણ નિખાલસ બાળક એક જ્ઞાનની ઝળહળતી જ્યોત જ બની ગયો હતો. પોતાના જ્ઞાનની ધારાથી સમગ્ર આર્યવર્તને વેદભૂમિ બનાવનાર આજે સમગ્ર સંસારમાં મહર્ષિ વેદવ્યાસ તરીકે પૂજાય છે. પોતાના પુત્રએ પ્રાપ્ત કરેલ આ સિદ્ધિ આજે મહારાણી સત્યવતીના ચહેરા પર ગર્વની લાલિમા બની નિખરી રહી છે.
ભાવુક સત્યવતી વૃદ્ધત્વને હડસેલી પુત્ર તરફ દોડે છે. દાઢીધારી, ભવ્ય મસ્તકને બાળકની જેમ છાતીએ લગાડી ચૂમવા લાગે છે. શાંત સ્વસ્થ મહર્ષિ વેદવ્યાસ બાવન વર્ષે મળેલી માતાની ભાવોદ્વેગતાને સમજતા મૂકપણે આ વાત્સલ્યને વહેવા દે છે. માતા અને પુત્રના મિલનમાં વિધ્ન ન પાડતાં ભિષ્મ થોડીવાર સુધી માતા અને પુત્રનું વાત્સલ્ય દૂરથી જ નિહાળે છે. ધીરે ધીરે શાંત્વના અને ઠંડક આપતા પુત્રની બાહુપાશમાં પોતાની વિટંબણા અને દુઃખ સ્મરણ થતાં જ સત્યવતી ધ્રુસકે ધ્રુસકે રડી પડે છે. થોડીવારમાં પોતાની જાતને સ્વસ્થ કરી, પુત્ર વેદવ્યાસને સમગ્ર પરિસ્થિતિ જણાવે છે અને કુરુકુળની પુત્રવધુઓ સાથે નિયોગ કરવા વિનંતી કરે છે.
પિતા પરાશરમુનિની છત્રછાયા હેઠળ રહીને વેદવ્યાસ હજુ પણ માતાની આ સંસારના ક્ષણિક સુખને વળગી રહેવાની વાતોથી ચિંતિત થયા. મનોમન વિચારતા રહ્યા કે, 'માતાને જે સંસારથી જોઈતું હતું તે તેણે મેળવ્યું છે, મહારાજ શાંતનુનો ન્યોછાવર પ્રેમ, ચિત્રાંગદ જેવો બળવાન પુત્ર, વિચિત્રવીર્ય જેવો સૌંદર્યવાન પુત્ર વગેરે.. પરંતુ આ બધું જ તેના જીવનમાં થોડા સમય પૂરતુ જ રહ્યું. આ છતાંય હજુ પણ રાજ્ય, સત્તા એ બધા માટે માતા કેટલી ચિંતિત, વ્યાકુળ અને દુઃખી છે !' થોડા મનોમંથન બાદ તેમણે વિચાર્યું કે, માતાને માટે હજુ આ બધાથી વિલિપ્ત થવાનો સમય પાક્યો નથી માટે જે થાય છે તે થવા દેવું અને માતા પ્રત્યે પોતાનું કર્તવ્ય નિભાવવું.
નિયોગ માટે સહમત થતાં વેદવ્યાસે માતા સત્યવતીને કહ્યું, 'માતા ! આજ રાત્રિએ દેવી અંબિકાને નિયોગ માટે માનસિક રીતે પૂર્ણપણે સજ્જ કરી રાખજો. નિયોગ પહેલાં અને નિયોગ સમયે જેવી ભાવના અંતરમાં હોય તેવી ભાવનાભર્યું અંતર ઘડાય છે આવનાર સંતાનનું. દેવી અંબિકા સંપૂર્ણ મંગલ કામના સાથે, માત્ર વંશવૃદ્ધિ માટે સંતાનની કામના મનમાં રાખી નિયોગ માટે તત્પર રહે.'
કુરુકુળની પુત્રવધુ અંબિકા અને અંબાલિકાની એક રાજદાસી શુભાંગી ખૂબ જ સંસ્કારી અને સમજદાર વ્યક્તિત્વ ધરાવતી હતી. માતા સત્યવતીએ પુત્રવધુ અંબિકાને શારીરિક અને માનસિક રીતે નિયોગ માટે તૈયાર કરવાનું કામ દાસી શુભાંગીને સોંપ્યુ. દાસી શુભાંગીએ અંબિકાને સમજાવતા કહ્યું કે, 'મહર્ષિ આત્માની સુંદરતા પર ભાર મૂકે છે. અંતરની ભાવના જ સંસ્કારી, પરાક્રમી અને બળવાન સંતતિનું નિર્માણ કરે છે, માટે મનમાં ભક્તિભાવ અને તેમના સ્વરૂપથી જરાપણ વિચલિત થયા વગર તમારું શરીર તેમજ મન તેમને સમર્પિત કરી દો.'
દાસી શુભાંગીની વાતને અનુસરતા પુત્રવધુ અંબિકા નિયોગ માટે તૈયાર થઈ. મહર્ષિ વેદવ્યાસ અંબિકાના કક્ષમાં પ્રવેશ્યા. ભયંકર દુર્ગંધવાળું શરીર, પીંગળી જટા અને પીંગળી દાઢી જોઈ અંબિકાએ આંખો બંધ કરી દીધી અને દિપક બુઝાવી દીધો. કમને અને સૂગથી તેના હાથ વેદવ્યાસ ફરતે વીંટળાયા. વેદવ્યાસે પોતાનું કર્તવ્ય પૂર્ણ કર્યું.
બીજે દિવસે રાજવાટિકામાં વેદવ્યાસ માટે ઊભી કરાયેલ પર્ણકૂટિમાં માતા સત્યવતી પુત્ર વેદવ્યાસને મળવા ગયા. કૂતુહલતાવશ માતા સત્યવતીએ પૃચ્છા કરી કે, 'પુત્રવધુ અંબિકા કેવી સંતતિને જન્મ આપશે ?'
વેદવ્યાસે માતાની કુતૂહલતા શાંત કરતાં કહ્યું. 'માતા ! દેવી અંબિકાએ નિયોગ સમયે મારી અસુંદરતા જોઈ આંખો બંધ કરી દીધી હતી. આત્માની સુંદરતાને મહત્ત્વ આપવા કરતાં તેમણે શારીરિક આકર્ષણને મહત્ત્વ આપ્યું. આ માટે તેને પરાક્રમી અને શૂરવીર પુત્ર થશે પરંતુ તે અંધ હશે.'
રાજમાતા સત્યવતીએ કપાળ કૂટ્યું. તેમણે વ્યથિત હ્રદયે વેદવ્યાસને બીજી પુત્રવધુ અંબાલિકા સાથે નિયોગ કરવાની વિનંતી કરી. વેદવ્યાસે માતાની વિનંતીને અનુજ્ઞા માની સર્વોપરી રાખી. પુત્રવધુ અંબાલિકાને સમજાવવાનું કાર્ય પણ દાસી શુભાંગીને સોંપવામાં આવ્યું. દાસી શુભાંગીએ અંબાલિકાને સમજાવતા કહ્યું કે, 'મહર્ષિના દુર્ગંધમય શરીર અને ભયંકર સ્વરૂપને મહત્ત્વ ન આપતા તેમને પરમ ભક્તિ અને સમર્પિતતાથી સ્વીકારજો.'
મહર્ષિ વેદવ્યાસ અંબાલિકાના કક્ષમાં પ્રવેશ્યા. અંબાલિકા મહર્ષિ વેદવ્યાસના દુર્ગંધમય અને ભયંકર સ્વરૂપથી અવગત હતી, માટે તે અકળાઈ નહીં પરંતુ જેમ જેમ મહર્ષિ નજીક આવતા ગયા તેમ તેમ તેનું શરીર ડરથી ધ્રુજી રહ્યું અને તે ફીક્કી પડી ગઈ. મહર્ષિ વેદવ્યાસે અહીં પણ પોતાનું કર્તવ્ય પૂર્ણ કર્યું.
રાજમાતા સત્યવતી ફરીથી વેદવ્યાસને મળવા તેમની પર્ણકુટીમાં આવ્યા. વેદવ્યાસે માની કુતુહલતા શાંત કરતાં જણાવ્યું, 'દેવી અંબાલિકા ડરને કારણે ફીક્કી પડી ગઈ હતી માટે તેને પરાક્રમી, સંસ્કારી શૂરવીર પુત્ર થશે પરંતુ તેનું વર્ણ ફીક્કો હશે.'
માતા સત્યવતી આ વાતથી દુઃખી થયા પરંતુ તેમણે એ વાતથી સંતોષ માન્યો કે, હસ્તિનાપુરના રિક્ત સિંહાસનને અંધ રાજા કરતાં એક પૂર્ણ રાજકર્તા મળી રહેશે.
'માતા ! મને દુઃખ છે કે તને જોઈએ એવો સર્વગુણ સંપન્ન રાજકર્તા હું ન આપી શક્યો, પરંતુ રાજ્યવિસ્તારના રાજ્ય-વાતાવરણમાં સાત્ત્વિક સમતુલા જળવાઈ રહે એ માટે તેમજ મને જેવો જોઈએ છે તેવો માનસપુત્ર આપી જવા ઈચ્છું છું.' મહર્ષિ વેદવ્યાસે પોતાની ઈચ્છા માતા સમક્ષ રજૂ કરતાં કહ્યું.
'પુત્ર ! મારે જો ત્રીજી પુત્રવધુ હોત તો તને ઈચ્છિત પુત્ર પેદા કરવાની અનુજ્ઞા આપત.' માતા સત્યવતીએ અફસોસ વ્યક્ત કરતાં કહ્યું.
'માતા ! એવો માનવી જન્મથી, કુળથી, દેહથી કે વર્ણથી ઉચ્ચ નથી હોતો. હું એવો સુચરિત, સાધુચરિત અને સર્વના કલ્યાણનો વાંછુક મહાત્મા પુત્ર ઉત્પન્ન કરવા રાજદાસી શુભાંગી સાથે નિયોગ કરવાને ઈચ્છુક છું.' મહર્ષિ વેદવ્યાસે કહ્યું.
'શુભાંગી ? એ દાસી ?' રાજમાતાએ અત્યંત આશ્ચર્યથી પૂછ્યું.
'માતા ! હું માત્ર આ રાજ્યની રાજસી સાત્ત્વિક સમતુલા જાળવવા માટે જ નહિ પણ તમારું સૌનું કુળગૌરવ, જાતિગૌરવ પણ ખોટુ ઠેરવવા માંગુ છું. રાજરાણીની કુખે જ ઉચ્ચ કક્ષાનો પુત્ર જન્મે એવું અનિવાર્ય નથી. દાસી પણ ચક્રવર્તીને જન્મ આપી શકે.' વેદવ્યાસે માતાને સમજાવતા કહ્યું.
'પરંતુ પુત્ર ! એ દાસીપુત્ર હોવાથી એને હું રાજ્ય નહિ આપી શકું.' માતા સત્યવતીએ વ્યથિત સ્વરે કહ્યું.
'માતા ! કદાચ એને રાજ્ય આપવામાં આવશે તોપણ એ નહિ લે. ભીષ્મ અને મારી જેમ જ. આ જ કારણે તે મહાત્મા બનશે.' મહર્ષિ વેદવ્યાસે ગર્વાન્વિત સ્વરે કહ્યું.
'ભલે પુત્ર ! તારી વાણી ફળો. હું શુભાંગીને મોકલી આપીશ.'
માતા સત્યવતીએ દાસી શુભાંગી પાસે આ પ્રસ્તાવ મૂક્યો. દાસી શુભાંગી તો પોતાની જાતને ધન્ય સમજવા લાગી કે, આવા દિવ્ય મહર્ષિના સંતાનની માતા બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થશે. તે રાત્રે મહર્ષિ વેદવ્યાસની પર્ણકુટિમાં પ્રવેશી. વેદવ્યાસની દુર્ગંધ તેને માટે મહાસુગંધ બની રહી. મહર્ષિના જટા, વાળ, દાઢી, મૂછની કર્કશતા શુભાંગીને સ્વચ્છ, નિર્મળ અને સુંવાળા લાગી રહ્યા. સાદાઈ, સંતોષ અને સદભાવનાના પુષ્પ વેરતા મહર્ષિ વેદવ્યાસને ભગવત સ્વરૂપ ગણી ભક્તિભાવથી શુભાંગી તેમને વીંટળાઈ વળી. સાત્વિકતાથી પોતાનું સર્વસ્વ સમર્પતી શુભાંગી એમનામાં સમાઈ ગઈ. મહાપ્રાણનો જન્મ આવી જ પરમ પવિત્ર ક્ષણો થતો હોય છે.
