JHANVI KANABAR

Tragedy Others

4.7  

JHANVI KANABAR

Tragedy Others

ધર્મક્ષેત્ર - કુરુક્ષેત્ર - 12

ધર્મક્ષેત્ર - કુરુક્ષેત્ર - 12

5 mins
523


(આગળના અંકમાં આપણે જોયું કે, વિચિત્રવીર્ય પદ્માવતી નામક નર્તકીની મોહજાળમાં ફસાય છે અને મૃત્યુ પામે છે. કુમાર દેવવ્રત વિચિત્રવીર્યના નિશ્ચેતન દેહને જોતા આઘાત પામે છે અને મહારાણી સત્યવતી બેશુદ્ધ થઈ જાય છે. રાજકુમારી અંબાલિકા અને રાજકુમારી અંબિકા અલ્પસમયના સૌભાગ્ય પર અશ્રુ વરસાવે છે. સેનાપતિ પદ્મનાભ સમજી જાય છે કે, આ કોઈ દુશ્મન રાજ્યનું કૃત્ય છે. હવે આગળ..)

અમુક ક્ષણોમાં જાણે કે કેટલુંય બની ગયું હતું. વિચિત્રવીર્યના વિવાહની ધામધૂમ હતી, સાજ-શણગાર અને શરણાઈઓથી વાતાવરણ ગુંજી રહ્યું હતું, હર્ષોલ્લાસમાં તલ્લીન એવું હસ્તિનાપુર હવે શોકમાં ગરકાવ હતું. હ્રદયને હચમચાવી મૂકે તેવી ડરામણી અને અંધકારમય રાત્રી રાજમહેલને ઘેરી વળી હતી. મહારાણી સત્યવતીના ભાનમાં આવતા જ તેમનું હૈયાફાટ રુદન રાજમહેલના ખૂણેખૂણાને હલબલાવી રહ્યું હતું. કુમાર દેવવ્રતે પુત્રો જેવા પોતાના બે નાના ભાઈઓને ગુમાવ્યા હતાં. ચિત્રાંગદનું મૃત્યુ યુદ્ધભૂમિમાં થયું હતું તો વિચિત્રવીર્યનું મૃત્યુ રાજમહેલમાં પોતાની હાજરીમાં જ થયું હતું. પોતાના પર જ ક્રોધિત કુમાર દેવવ્રત અત્યંત દુઃખી હતા. આવા દુઃખમાં તેમને રાજકુમારી અંબાના શાપિત શબ્દો યાદ આવ્યા, `હે દેવવ્રત ભિષ્મ ! તમારા જીવનની શાંતિ હણાઈ જશે. જે હસ્તિનાપુરની સુખ શાંતિ અને સેવાર્થે તમે તમારું જીવન અર્પિત કર્યું છે એ જ હસ્તિનાપુરના સિંહાસન પર ધર્મની સ્થાપના માટે જીવનભર સંઘર્ષ કરશો. તમે કદીય સુખી નહિ રહો.’ તિરસ્કૃત અને ભગ્ન હ્રદયી રાજકુમારી અંબાની કટુવાણી જાણેકે સાર્થક થઈ રહી હતી. કુમાર દેવવ્રતનું મન ક્યાંય શાંતિ નહોતું પામતું. માતા સત્યવતીનો ખાલી ખોળો અને હસ્તિનાપુરનું રિક્ત સિંહાસન બંને એક જેવા ભાસતા હતાં.

દુઃખ અને નિરાશાઓથી ઘેરાયેલ હસ્તિનાપુર નગરી માટે સમય પણ ધીરો પડી ગયો હતો, છતાંય સમય વીતી રહ્યો હતો. મહારાણી સત્યવતી, કુમાર દેવવ્રત અને અન્ય સભાસદો રિક્ત સિંહાસનને જોઈ ચિંતામગ્ન હતા. રાજા વગરનું રાજ્ય એવું આ હસ્તિનાપુર અનાથ હતું, પરંતુ કુમાર દેવવ્રત જેવો શક્તિશાળી અને પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવતા સ્તંભનો આધાર હોવાથી કોઈ રાજ્ય તેના પર કુદ્રષ્ટિ નાખવાની હિંમત કરી શકતું નહોતું. કુમાર દેવવ્રત પણ વિચિત્રવીર્યના કમોતથી સજાગ થઈ ગયા હતા. આખરે પ્રજા પણ તેમના માટે પુત્ર સમાન હતી. તેમનું રક્ષણ કુમાર દેવવ્રતનો પ્રથમ ધર્મ હતો.

મહારાજ શાંતનુની છબીને નિહાળતી મહારાણી સત્યવતી જાણે કે મહારાજ શાંતનુ સાથે મૂક સંવાદ કરી રહી હતી. વહેતા અશ્રુને રોકી, છબી સમક્ષ બે હાથ જોડી વંદન કર્યા અને સેનાપતિ પદ્મનાભને તુરંત સભા બોલાવાની આજ્ઞા કરી.

મહારાણી સત્યવતીએ મુખ્ય સિંહાસનની જમણી બાજુના સિંહાસન પર સ્થાન લીધું અને કુમાર દેવવ્રતે મુખ્ય સિંહાસનની ડાબી બાજુના સિંહાસન પર સ્થાન ગ્રહણ કર્યું. સભાસદો પોતાના સ્થાન પર બિરાજમાન થયા. રાજપુરોહિત દેવશર્મા, મહામંત્રી શોભનદેવ તેમજ આરણ્યક મુનિ શૈખાવત્ય સભાસદોમાં મુખ્ય સ્થાન ધરાવતા હતા.

`હવે હવે આ રાજ્યનું શું કરવું છે દેવવ્રત ? પુત્ર ! હવે કુરુકુળના પ્રતાપી મહારાજ શાંતનુના વંશ, કીર્તિ અને પિંડનો આધાર એક માત્ર તું જ છે. પુત્ર તું બંને નવવધુઓ અંબાલિકા અને અંબિકા સાથે વિવાહ....’ શોકપૂર્ણ સ્વરે અકાળવૃદ્ધ બની ગયેલા મહારાણી સત્યવતીએ કહ્યું.

`માતા ! વિહ્વળ ન બનો. હું મારી પ્રતિજ્ઞાથી બંધાયેલ છું. હું કે મારી સંતતિ આ સિંહાસન ગ્રહણ ન કરે એ માટે મેં આજીવન અવિવાહિત રહેવાનું તથા બ્રહ્મચર્ય પાળવાનું વચન આપ્યું છે, માટે એ શક્ય નથી. ગુરુવર્ય આપ કોઈ ઉપાય સૂચવશો ?’ કુમાર દેવવ્રતે માતા સત્યવતીને અધવચ્ચે અટકાવતા, શાંત કરતા કહ્યું.

`સાધુ.. સાધુ... ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં પણ પોતાની પ્રતિજ્ઞામાંથી રતિભાર પણ ચલિત ન થનાર મેરુ શા અડગ ભીષ્મને હું નમું છું !’ ગુરુવર્યે નમન કરતાં કહ્યું.

`ગુરુવર્ય ! જો દેવવ્રત સિંહાસન ન સ્વીકારે અને વિવાહ પણ ન કરે તો હસ્તિનાપુરના ભાવિનું શું ? કુમાર દેવવ્રત જ આ વંશને આ રાજ્યને અડગ રાખવા સક્ષમ છે. તમે જ કહો, આ સિવાય અન્ય કોઈ માર્ગ છે ? રાજા વગરની અનાથ પ્રજાનું રક્ષણ કેવીરીતે સુનિશ્ચિત કરવું ?’ મહારાણી સત્યવતીએ વિહ્વળતાથી પૂછ્યું.

`રાજકુમાર દેવવ્રત સિંહાસન સ્વીકારવા તૈયાર નથી તેમજ વિવાહ કરવા પણ તૈયાર નથી એવામાં એક જ માર્ગ છે.’ ગુરુવર્ય કંઈક વિચારતા કહ્યું.

`શીધ્ર બતાવો માર્ગ ગુરુવર્ય !’ મહારાણી સત્યવતીએ વિચલિત થતા કહ્યું.

`નવવધુ અંબિકા અને અંબાલિકા સાથે પિતૃપક્ષ અથવા માતૃપક્ષમાંથી કોઈ પુરુષ નિયોગ કરે તો...’ ગુરુવર્યે સ્હેજ અટકતા આગળ કહ્યું, `જ્યારે પૃથ્વી ક્ષત્રિયવિહોણી થઈ ગઈ હતી ત્યારે ક્ષત્રિયત્વને ટકાવી રાખવા માટે આ પ્રથા અપનાવવામાં આવી હતી. કોઈ સુપાત્ર બ્રાહ્મણને યોગ્ય દાન દક્ષિણા આપી, આદરસત્કારપૂર્વક સંતાન ઉત્પત્તિ માટે નિમંત્રવામાં આવતા અને શુભ મૂહૂર્તે ક્ષત્રિયાણી સાથે એનો નિયોગ કરાવીને સંતતિ ઉત્પન્ન કરવામાં આવતી.’

મહારાણી સત્યવતી, કુમાર દેવવ્રત તથા અન્ય સભાસદો આ વાત સાંભળી ઊંડા વિચારમાં પડી ગયા. થોડા સમય માટે ક્યાંક વિચારમાં ખોવાયેલા મહારાણી સત્યવતીને અચાનક કંઈક સૂઝ્યું અને તેણે બે હાથ જોડી કહ્યું, `પુત્ર દેવવ્રત ! મારી દ્રષ્ટિએ એક પુરુષ છે જે પુત્રવધુ અંબિકા અને અંબાલિકા સાથે નિયોગ કરવા સંપૂર્ણ રીતે યોગ્ય છે. ગુરુવર્ય આપની આજ્ઞા હોય તો.....’

`માતા ! અવશ્ય કહો. કોણ છે એ મહાપુરુષ ? કોણ છે જે આપના મતે આ સિંહાસનને યોગ્ય વારસ આપી શકે એમ છે ?’ કુમાર દેવવ્રત અત્યંત આતુરતાથી પૂછી રહ્યા.

`પુત્ર ! એ મારો પુત્ર કૃષ્ણ દ્વૈપાયન વ્યાસ.’ સ્હેજ ક્ષોભથી નીચુ જોઈ દેવી સત્યવતી બોલી રહ્યા.

`મહામુનિ વેદવ્યાસ ? જેમણે વેદોના ભાગ પાડીને આર્યવર્તને પોતાના જ્ઞાનથી વેદભૂમિ બનાવી દીધી છે તે મહાન વેદવ્યાસ ?’ ગુરુવર્ય બોલી ઊઠ્યા.

“દ્વૈપાયન વ્યાસ”નું નામ સાંભળી કુમાર દેવવ્રત સમક્ષ એ દ્રશ્ય ઊભુ થઈ ગયું, જ્યારે તેઓ પિતા શાંતનુ માટે દેવી સત્યવતીને મનાવવા ગયા હતા. સેનાપતિ પદ્મનાભે તેમને જણાવેલું કે, સત્યવતીને ભૂતકાળમાં પરાશરમુનિથી એક પુત્ર છે કૃષ્ણ દ્વૈપાયન - જે આઠ વર્ષની ઉંમરે યોગવિદ્યા અને જનકલ્યાણર્થે પરાશરમુનિ સાથે ચાલ્યો ગયો છે. આ સત્ય મહારાજ શાંતનુ પણ જાણતા હતા અને કુમાર દેવવ્રત સ્વયં પણ જાણતા હતા.

દેવવ્રત ભિષ્મે સ્મિત કરતાં કહ્યું, `માતા ! આપની આ કથા હું જાણું છું. મહર્ષિ વેદવ્યાસ મારા ભ્રાતા થાય. એના જેવા શ્રેષ્ઠ બ્રાહ્મણ સમસ્ત વિશ્વમાં નહિ હોય. નિયોગ માટે આપણે એમને જ વીનવીએ.’

`પુત્ર વ્યાસે મને વચન આપ્યું હતું કે, માતા મને સ્મરશો અને હું આપની સેવામાં ઉપસ્થિત થઈશ.’ સત્યવતીએ કહ્યું.

એકાએક દાસી સભામાં પ્રવેશી અને કહ્યું, `કોઈ અત્યંત તેજસ્વી મહર્ષિ આપના દર્શન કરવા ઈચ્છુક છે.’

ઊંચા, જ્ઞાનની પ્રતિભાથી તેજસ્વી આભા ફેલાવતા, તીવ્ર આંખો, ભવ્ય લલાટ, જટા, દાઢી, મૂછ ધરાવતા, વલ્કલધારી એવા મહર્ષિ કૃષ્ણ દ્વૈપાયન વ્યાસ મંદ મંદ સ્મિત કરતાં અંદર પ્રવેશ્યા.

પ્રથમ દ્રષ્ટિ દેવી સત્યવતી તરફ કરતાં જાણે કે કહી રહ્યા હતા કે, `માતા ! તમે મારુ સ્મરણ કર્યું અને હું ઉપસ્થિતિ થઈ ગયો.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy