Win cash rewards worth Rs.45,000. Participate in "A Writing Contest with a TWIST".
Win cash rewards worth Rs.45,000. Participate in "A Writing Contest with a TWIST".

Varsha Vora

Tragedy


4.4  

Varsha Vora

Tragedy


ધરખમ અસ્તિત્વ

ધરખમ અસ્તિત્વ

7 mins 243 7 mins 243

૭ ભાઈબહેન ! ૪ ભાઈ અને ત્રણ બહેન. અશ્વિન સૌથી નાનો. કાકા બાપાના બહોળા કુટુંબમાં ૧૯ ભાઈબહેનોમાં સૌથી નાનું અસ્તિત્વ એટલે આપણા અશ્વિનભાઈ. એકના હાથમાંથી છૂટે એટલે બીજાના ખોળામાં તો પછી કો'કની કેડમાં તો કોઈના ખભે. જેમ બધા ઘરમાં નવરા પડે કે બહાર જાય એમ અશ્વિનની સ્થિતિ બદલાતી જાય. ભાઈસાહેબને જમીન પર અડવાનું આવ્યુજ નહિ એટલે જયારે ચાલતા શીખવા મંડ્યા ત્યારે ય પગ જમીનને અડે ત્યારે એમને અડવું અડવું લાગતું. કહોને કે જમીનથી બે ઈંચ અધ્ધર જ ડગ માંડતા શીખ્યા.

સમય જતા આ અનુભવ દિમાગમાં પણ ભરાવા માંડ્યો. હું એટલે કોણ ? હું કૈક નવીન કરવા જ જન્મ્યો છું. 

બધા ભાઈબહેનો એમના વડીલોએ બાંધેલા નિયમ અને સમયપત્રકને સારી રીતે અનુસરતા. રમવાના સમયે રમવું, જમવાના સમયે જમવું, ભણવાના સમયે ભણવું, અને સુવાના સમયે સુવાનું. વડીલોના ઘડેલા આ નિયમો અજાણપણે જ આપણા જીવનમાં શિસ્તના પાઠ ભણાવતા. જે આગળ ઉપર આપણા જીવનમાં આવનારી દરેક મુસીબતો, ઠોકરોને પાર કરવામાં સહાયરૂપ થતા. શરીર, મન અને જીવન બધાનો વિકાસ એકી સાથે થતો. 

પણ, આપણી વાર્તાના નાયક એવા અશ્વિનભાઈ, ખબર નહિ, એ કંઈક જુદી જ માટીના બનેલા હતા. એક નવતર અસ્તિત્વ. એમને કોઈ બંધનમાં બંધાવું ગમતું નહિ. પણ વડીલોને માન આપતા અને બધી શિસ્તનું પાલન કરતા. છતાં એમના મનમાં એક અલાયદું જીવન જીવવાની ધગશ, કંઈક નવીન કરી છૂટવાની હોંશ. એક અલગ જ વ્યક્તિત્વ ઊભું કરવાની ખેવના. એ ખ્યાલને એમણે પોતાની દૂરંદેશીથી હંમેશા પોષણ આપે રાખ્યું. પથ્થરમાંથી પાણી પેદા કરવાના એમના મનસૂબાને એ એમના હૈયાની હામનું ખાતર આપતા. કહોને કે બે અસ્તિત્વ સાથે જીવાતા હતા. એક જે આ દુનિયાને દેખાતું અને એક જે એમના મનમાં પોષાતું.

કહે છે ને કે, ઈશ્વર એમનેજ સાથ આપે જે સામે પુરે તરવાની હિંમત રાખતા હોય. સંજોગો અને સમયનો સમન્વય થવાની જ દેર હોય છે. એના દરબારમાં દેર છે અંધેર નથી. લોકો જયારે પોતાનું શહેર છોડવા તૈયાર ના હતા ત્યારે આ ભડવીર પરદેશ જવા તૈયાર થઈ ગયા. આગળ ભણવા જ તો. અને આમેય એમનો માહ્યંલો આ જંગી કુટુંબકબીલાની જંજાળમાં અટવાતો હતો અને એમાં આ અવસર મળ્યો. એકલતા અને નવીનતા બંને એ એમનામાં પુષ્કળ જોમ ભર્યું અને એઓ ખંતથી આગળ વધવા મંડ્યા. પોતાને મળેલા આ અવસરનો બરાબર ઉપયોગ કરીને એમણે ખુબ જ મુશ્કેલ એવી એમ. બી. એ. ની ડિગ્રી લઈને એમણે દેશમાં પાછા આવીને પછી સ્વપ્નમયી નગરી મુંબઈ તરફ ડગ માંડ્યા.

અશ્વિનભાઈને, અભાવો અને અજાણ્યાઓમાં રહેતા આવડી ગયું હતું. ખંત અને મહેનતથી આપબળે પોતાની એક ઓળખ ઊભી કરવામાં એમને કોઈ રોકી ના શક્યુ. હા, પોતે જેમ પોતાની જાતને વફાદાર રહ્યા એમ જ એમની બાળપણની એક માત્ર સખી લત્તા, એને એમણે પોતાની સાથે જ રાખી હતી. પોતાના વિચારો અને સાહસમાં. મુંબઈમાં નવા જીવનની નવી યાત્રા શરુ કરતા પહેલા એ બંને લગ્નગ્રંથીથી જોડાઈ ગયા અને જાણે બે સાહસો એક સાથે એમના જીવનમાં સાથે સાથે ચાલી રહ્યા હતા. પાંચ વર્ષમાં એમના જીવનરૂપી બાગમાં બે બાળકોનો જન્મ થયો. અને ધંધામાં પણ પોતાની સુઝબુઝ અને આવડતથી એક પછી એક નવા આયામ સર કરતા ગયા.

આ બાજુ બધા ભાઈઓ પણ પોતાના સંસારમાં ઠરીઠામ થઈ ગયા હતા. બહેનો પણ ખુબ સુખી સંસારમાં હતી. પોતાના માતાપિતાને એમણે મુંબઈ બોલાવી લીધા અને ખુબ સેવા કરી. નવી દુનિયા બતાવી અને એમના ખુબ આશીર્વાદ લીધા. હા, આ બધા કામમાં એમની પત્ની લત્તાનો મૂક સાથ અને સહકાર તો હંમેશા સાથે. બધું ખુબ સરળતાથી ચાલતું હતું અને...

અને એક દિવસ એમના મનમાં જાણે કલીએ પ્રવેશ કર્યો. એક ગેરસમજના મોજાએ એમના અસ્તિત્વને એક જોરદાર થપાટ મારી દીધી. અચાનક આવેલા આ સદમાએ સૌને અચંબામાં નાખી દીધા. પોતાની સખી અને સંગીની અને એમના બે બાળકોની માતાને એ માણસે - એક જીવતા, જાગતા, અલગ ધબકતા હૃદય કે અસ્તિત્વ તરીકે જોયું જ ન હતું. એમણે તો પોતાની પત્ની માટે પણ હું અને મારી એવો મિલ્કતભાવ પોષ્યો હતો જેનાથી લત્તા સદા અણજાણ જ રહી.

એક પાર્ટીમાં એક મિત્રએ લત્તા માટે એક અશિકાના શેર શું ઠોકી દીધો અને અશ્વિનભાઈ હેબતાઈ ગયા. પાર્ટીનો માહોલ અને મસ્તી ચાલતી હતી પણ પણ, એમણે પોતે જીવનમાં આગળ વધવાની અને કંઈક પામવાની ઘેલછા સિવાય કશું પોષ્યું ના હતું. અને આ શું? પતી ગયું. એમના મનમાં શંકાનો કીડો ઘર કરી ગયો. અને એ કીડાને એમના વહેમે પોષવાનું ચાલુ કર્યું. મારા પેલા અલ્લડ મિત્ર ભરતે, કોઈ બીજાની વાઈફની નહીને કેમ લત્તાની તારીફ કરી.

આ બાજુ લત્તા તો આ નવી ઊભી થયેલી પરિસ્થિતિથી સાવ જ અજાણ અને એ તો પોતાના રોજિંદા કામમાં મશગુલ રહેતી. એમનો એમની વહાલી સખી અને પત્ની પરનો ભરોસો તૂટતો ગયો. લત્તાને એમના વર્તનમાં કંઈક અજુગતું વર્તાવા માંડ્યું. ઘણું પૂછતાં પણ એને કઈ જવાબ ના મળતો, મળતું તો એક માત્ર લુખ્ખું હાસ્ય. એમના જીવનની નિખાલસતા, એ વિશ્વાસ,એ બાળકોની સાથેની મસ્તી અને રમત બધું ધીમી ધારે છૂટતું જતું હતું. બાળકો પણ પોતાના ખેલદિલ અને દોસ્ત જેવા પિતાનું આ પરિવર્તન જોઈ શકતા હતા પણ કઈ કરી શકવા અસમર્થ હતા. કારણકે ઈલાજ તો રોગ નો થાય પણ અહીંયા તો કોઈ રોગ દેખાતો જ ન હતો. અને વહેમ નું તો કોઈ ઓસડ હોય જ નહિ ને. અશ્વિનભાઈએ પોતાના કુટુંબને પોતાના વિશાળ વ્યક્તિત્વ ની આભામાં બાળકોને પોતાની રીતે ઉડવાની તક જ ન આપી હતી. પ્રેમના પાંજરામાં પૂર્યા હતા જાણે. પડ્યો બોલ ઝીલતાં બધા. પણ અચાનક આવી પડેલા આ ફેરફારને સમજવાની એમનામાં તાકાત પણ નહોતી અને આવડત પણ નહોતી.

પણ, લત્તાને કંઈક અઘટિત ઘટી રહ્યાનો અણસાર આવી રહ્યો હતો. ઈશ્વરે સ્ત્રીઓને જન્મજાત સમજ આપેલી છે. બહારની પાર્ટીઓ બંધ થઈ ગઈ. ઘરમાં દોસ્તોની મુલાકાતો ઓછી થઈ ગઈ, લગભગ બંધ જ થઈ ગઈ. એને થોડો ઘણો અંદાજ આવી ગયો. એને ભૂતકાળના બનાવોમાં ઊંડી ડૂબકી મારીને તાગ મેળવવાનો પ્રયાસ કર્યો. અને મળી ગયો એને, તાળો મળી ગયો. પોતાના પતિના વહેમનું કારણ શોધી લીધું. એણે અશ્વિનભાઈને લાગલું જ પૂછ્યું. બોલો તમને આજ વાત હેરાન કરે છે ને ? બોલો. એક સ્ત્રીના સ્વાભિમાનની વાત હતી આતો. પોતાના પતિના અહમને એ જાણતી હતી એટલે એને દયાભાવ લાવીને પૂછ્યું. તમને જે દુઃખ થયું છે એ તમારા મિત્ર ભરતે આપેલું છે. એમાં મારો શું વાંક છે ? મારા તરફથી તમને એવું કઈ લાગ્યું ?

અશ્વિનભાઈ કહે, તારા પાર મને સંપૂર્ણ ભરોસો છે લત્તા, પણ હું મારા સ્વભાવનો ગુલામ છું. હું તને કોઈ દોષ આપતો નથી. લત્તા કહે કે, ચાલો હવે દરદ મળી ગયું છે ને તો એનો ઈલાજ પણ શરુ કરી દો અને પાછી પહેલા જેવી મસ્તીથી જીવવાનું શરુ કરી દઈએ.

કેટલું સહજ લત્તા માટે, અશ્વિનભાઈએ વિચાર્યું. કેટલી નિખાલસતા પણ હું જીવનની દોટમાં થોડો પોરો ખાવાનું ભૂલ્યો. બધું ભોગવવાનું ભૂલ્યો. મને અને માત્ર મારા ભ્રમને પોષતો ગયો. જીવનમાં નકારાત્મક તબ્બકાઓ પણ આવે તો એને ઠોકરો મારીને આગળ વધવું પડે એવી સાદી સમજ લત્તામાં છે તો મારામાં કેમ નથી ? હું, હું કોણ ? અશ્વિન. બસ આગળ જવાબ ન મળ્યો. બધા પોતપોતાના કામમાં આગળ વધવા માંડ્યા પણ અશ્વિનભાઈ એમના આ સ્વભાવને બદલી ન શક્યા.અશ્વિનભાઈ એક સાવ નગણ્ય પ્રસંગ પરથી આવનાર ભયનું ભાથું બાંધી રહ્યા હતા. અને બસ હવે શંકાનું સ્થાન આ ભયે લઈ લીધું. અને એની અસર એમના જીવન પર, ધંધા પર, આગળ વધવાની ધગશ, એમના સહજીવન પર બધે પાડવા મંડી. ધીમી પણ મક્કમ ગતિએ એ પોતાની અનિચ્છાએ પણ કર્મની ગર્તામાં ધકેલાતા ગયા. એમને પોતાને આ ખેંચાણની સમજ પડતી ન હતી. ક્યાં ગઈ એમની પથ્થરમાંથી પાણી પેદા કરવાની તાકાત ? માટી ખોદતાં સોનુ કાઢતા માણસને કેમ કંચનને બદલે કથીર મળવા માંડ્યું ? પોતાનો સમય અને પોતાના સંજોગો ગયા ક્યાં ? શું આ પરિસ્થિતિ માટે પોતેજ જવાબદાર ન હતા ?

લતાની નજરે હા, પણ ધીમે ધીમે લત્તાથી દૂર થતા ગયા. કો'ક છેલબટાઉ ફ્રેન્ડની વાત યાદ આવી ગઈ. સ્ત્રી જ નર્કનું દ્વાર છે દોસ્ત યાદ રાખજે. આવી ધડ અને માથા વગરની સલાહ પણ અત્યારે એમના વહેમને આગળ ધકેલવાનું કામ કરતી હતી. એક છતની નીચે, છત ? ના, ના પોતાના બનાવેલા ઘરની ચાર દીવાલોમાં એ લત્તા સાથે રહી શકતા ન હતા. એની ભલમનસાઈ માટે એમણે માન હતું પણ એ વાત સ્વીકારવા માટે એમનું મન તૈયાર ન હતું.

લત્તા એ વાત નો દોર પોતાના હાથમાં લઈ લીધો. જુવો અશ્વિન, વસંત અને પાનખર, વરસાદ અને દુકાળ, દિવસ અને રાત, અંધારું અને અજવાળું, પૂનમ અને અમાસ, સૂર્યોદય અને સૂર્યાસ્ત આ બધા એકબીજાના વિરોધી છતાંયે એકબીજાના પર્યાય છે.

સુખ અને દુઃખ તો વારાફરતી આવે. ઈશ્વરે સર્જેલી એની દરેક યોજનામાં કંઈ ને કંઈ હેતુ છુપાયેલો હોય છે. આપણે તો પામર કહેવાય પણ ઈશ્વર નું ઉત્કૃષ્ટ સર્જન. આપણે આ બધું સમજી ના શકીએ તો કમ સે કમ એનો આદર તો કરીએ. શા માટે હું અને તું, મારું અને તારું ની મમત અને તોરમાં આગળ વધીએ. શા માટે એને સમર્પિત ના થઈ જઈએ ?

લત્તાની આટલીબધી સમજણભરી વાતો એમણે પહેલી વાર જ સાંભળી હતી. એમને અચરજ થયું પણ લત્તાને એટલું બધું એમણે બોલવાજ ક્યાં દીધી હતી.

લત્તા એ કહ્યું કે જો હુંજ તમારા પતનનું કારણ છું તો તમે મને છૂટી કરી દો. મારે કશું નથી જોઈતું. તમારા મનમાં મારા તરફનો અભાવ દૂર થાય તો અને મારા પરનો તમારો ભરોસો પાછો આવે તો આપણે ફરી પાછા મળીશું બસ. આનાથી વધારે કોઈ કેવી રીતે નિખાલસ હોઈ શકે ?

પણ અશ્વિનભાઈ લત્તાને સજા કરી શકતા ન હતા અને પોતાને નિખાલસ થતા ફાવતું ન હતું. આખરે આ બધી અસમંજસમાંથી છૂટવા એ પલાયનવાદ તરફ નીકળી ગયા.એકલાજ.... કોઈને કહ્યા વગર. ના લત્તાને, એમના બાળકોને કે એમના ભાઈબહેનોને. જાણે કે બધા સંબંધોને ભૂલવા માંગતા હતાં. કશુંજ સાથે ન લઈ ગયા.

હા સાથે લઈ ગયા તો પોતાનો અહમ અને હુંપદ. અને આમ એક ધરખમ અસ્તિત્વ પોતાના વહેમના વમળમાં અટવાઈને ક્યાંક ખોવાઈ ગયા !


Rate this content
Log in

More gujarati story from Varsha Vora

Similar gujarati story from Tragedy