Vandana Vani

Drama

4.5  

Vandana Vani

Drama

પ્રેમકહાની

પ્રેમકહાની

2 mins
239


"તેનાથી પંદર વર્ષ મોટો અને ઉપરથી સાત વર્ષના ગાંડા છોકરાની જવાબદારી! ખબર નહીં કેમ ચાલશે સંસાર."

"આ તો ભાઈ પૈસાની કમાલ છે નહીંતર આટલી રૂપાળી, ગુણિયલ છોકરી માટે સમાજમાં છોકરાઓની ક્યાં કમી છે?"

વીસ વર્ષની રેવા પાંત્રીસ વર્ષના કેશવને પરણી ત્યારે ગામમાં વાતોના વાવાઝોડા એ ગંભીર સ્વરૂપ લઈ લીધું. 

નગરશેઠ કેશવને ત્યાં સાત પેઢી ખાતા ન ખૂટે એટલું ધન પણ તેની વહુ સુખ ભોગવવા એક જન્મ પણ પૂરો ના રહી. તેની પહેલી પત્ની માયાએ બાળકને જન્મ આપતાની સાથે જ દુનિયાને અલવિદા કહી દીધી. વિધવા માના ભરોસે મોટા થતાં બાળક માટે જરૂરિયાત કરતા વધારે દૂધ, રમકડાં, મેવા-મીઠાઈની રેલમછેલ રહેતી. પણ એક ન પુરાય એવી ખોટ હતી માના વ્હાલની! દિકરા અમરને ડોકટરે સામાન્ય તપાસ પછી જ તેની મંદબુદ્ધિનો અણસાર આપી દીધો હતો. ફરી બીજો ઝાટકો કેશવ સહન કરે ત્યાં તો રાતે સૂતેલી મા એક સવારે ઊઠી જ નહીં ને!

આટલું મોટું ઘર, મંદબુદ્ધિનો દિકરો અને વેપાર બધું કેશવ માટે એકલે હાથે સાંભળવું મુશ્કેલ હતું. એનો એક જ ઉપાય હતો, બીજા લગ્ન. ખોરડાની ઈજ્જત અને પૈસાને કારણે નાજૂક,ગુણિયલ રેવાનું માંગુ તેના બાપે સામેથી નાખ્યું. વાજતે-ગાજતે રેવા કેશવના ઘરની શોભા બની ગઈ.

લગ્નના બીજે દિવસે રોજની જેમ કેશવ ઊઠીને નાવણીયે જતા ટુવાલ શોધવા લાગ્યો.

"ચા તૈયાર છે, તમારું બધું ઠેકાણે પહોંચી ગયું છે. ઝટ પરવારીને આવો." તેણે મીઠા શબ્દોથી પહેલા નાહી લીધું. અમર તેના પહેલા તૈયાર થઈને બેઠો હતો. હવે કેશવને એટલું તો સમજાઈ ગયું કે મારું બધું ઠેકાણે પડી ગયું છે.

પરવારીને ઘરની બહાર નીકળતો હતો ને બાજુમાંના કાશીબા રોજની જેમ આવીને સામે ભટકાયા.

"વાહ આજે તો કંઈ એકદમ સમયસર ને? ભાઈ ધણીનું ધ્યાન તેની ધણિયાણી સિવાય કોઈ ન રાખે." આગળ ચલાવતા "વહુ અમરને નાસ્તો આપ્યો? તેને ચામાં બિસ્કિટ બોળીને ખવડાવવા પડે છે. આ તો મને થયું કે નવી માના રાજમાં છોકરો બરાબર છે કે નહીં તે જોઈ આવું!" બોલતા કંઈક ઈશારો કરતા બહાર નીકળી ગયા.

"ભગવાનને પામવા હોય તો મંદિરને પણ પવિત્ર માનવું પડે. તેની પૂજા કરવી પડે." દાદીની વાત રેવાને બરાબર ગળે ઉતરી ગઈ હતી. સવારે વહેલી ઊઠી નહાઈ-ધોઈ, ઘર ચોખ્ખું કરી, અમરને નવડાવી દૂધ-નાસ્તો કરાવી, રસોઈમાં વળગી. આખો દિવસ કામમાં ક્યાં જતો રહ્યો તે ખબર ન પડી. રાતે રાહ જોતા કેશવને મૂકી અમર પાસે આવી. માથે ફરતા હાથને કારણે અમરને આજે આળોટવું ન પડ્યું. બરાબર ઊંઘમાં પડી ગયો છે એ જાણ્યા પછી રેવા કેશવમય થવા ઉતાવળી બની.

હળવેકથી ઊઠી ત્યાં તેને પાલવ કશેક ભેરવાયો હોય એવું લાગ્યું. પાછળ વળી તો અમર પકડીને અડધો બેઠો થઈ ગયો હતો.

"બોલ શું થયું?"

"હું તને મા નહીં કહું!"

રેવા એકદમ છોભીલી પડી ગઈ. ભ્રમર ખેંચાઈ ગઈ.

"તુ મારી ધણિયાણી બન, કાશીબાએ કહ્યું કે ધણીનું ધ્યાન તેની ધણિયાણી સિવાય કોઈ ન રાખે" અમર એકીશ્વાસે બોલી ગયો.

રેવાએ અમરને છાતીએ ભીંસ્યો," હા પહેલા હું તારી ધણિયાણી, તારું બરાબર ધ્યાન રાખીશ."

ને શરુ થઈ એક પ્રેમકહાની! 


Rate this content
Log in

Similar gujarati story from Drama