ધ કિંગ
ધ કિંગ


વાત એ સમયની છે જ્યારે દેસાઈ ઇન્ડસ્ટ્રીઝના માલીક મિ.ધનંજય દેસાઈએ રાજ ગ્રુપ ઓફ કંપનીને ટેકઓવર કરી લીધી, રાજ ગ્રુપ ઓફ કંપની દેવળીયા થઈ ગઈ અને મી. ધનંજય દેસાઈ કન્સ્ટ્રક્શન બિઝનેસમાં ધ કિંગ ઓફ ઇન્ડસ્ટ્રીઝ બની ગયા. છતાં પણ રીઅલ કિંગ તો મિ.લલિતરાજ જ રહયા.
વાત એ સમયની પણ છે જયારે લલિત અને ધનંજય, બે ગર્ભશ્રીમંત કુટુંબના બે નબીરા ખાસ મિત્રો હતા. બંનેના ઘરનું વાતાવરણ એટલું સરખું કે કોઈને અતડું લાગે જ નહીં. સ્કૂલ સાથે, કોલેજ સાથે, રખડવાનું સાથે અને સાથે જ ખાનદાની વેપારમાં પણ જોડાયા. સમય વીતતો ગયો અને થોડાક જ વર્ષોમાં દેસાઈ ઇન્ડસ્ટ્રીઝની લગામ ધનંજય દેસાઈના હાથમાં આવી ગઈ અને રાજ ગ્રુપ ઓફ કંપનીના સર્વોચ્ચ શિખરે લલિત રાજ આરૂઢ થયા. મિત્રતા અને ઘરોબો વેપાર ધંધાની સ્પર્ધામાં ક્યાંક ઓસરવા લાગ્યો હતો. જે બાબતે મિત્રો કરતા પરિવાર સતેજ થઈ ગયો હતો. આગળ વધવાની દોડમાં માણસ ઘણું બધું પાછળ છોડી દે છે, એ વાત વડીલો અને કન્સ્ટ્રક્શન કંપનીઓના માનંધાઓ બહુ સારી રીતે જાણતા હતા. લલિત કોલેજના સમયથી ધનંજયની એકની એક લાડકી બહેન શેફાલીને પસંદ કરતો હતો જે વાતની જાણ શેફાલીને પણ હતી. એક વખત લલિતે પોતાના મનની વાત પોતાના ઘરમાં કરી. શેફાલી માટે વિરોધ કરવાનો જ ન હોય અને વળી બે સ્પર્ધક કંપનીઓ વચ્ચે સંબંધ બંધાય તો બે કુટુંબો વચ્ચે ફરી એ જ મિત્રતા અને ઘરોબો સ્થપાઈ જશે એવું સહુ કોઈનું માનવું હતું.
પણ, પરિસ્થિતિ સાવ ઉલટી સર્જાઈ. લલિત અને શેફાલીનું એક થવું ધનંજય સિવાય સહુ માટે આનંદનો વિષય હતો જ્યારે ધનંજયને સતત એ વિચાર આવતો કે એની બહેન એના વિરોધી કે કંપેટીટર-સ્પર્ધક સાથે સંબંધ બાંધી રહી છે. લગ્ન થયા પણ એ કારણે લલિત અને ધનંજય વચ્ચેની મૂક દુશ્મની સપાટી પર આવી ગઈ. વાત એ હદે વણસી કે ધનંજયને લલિતનું નામ કે રાજ ગ્રુપ ઓફ કંપનીનું નામ આંખમાં કણાની જેમ ખૂંચવા લાવ્યું. એ બિઝનેસ રાઈવલી એ રીતે વ્યાપી કે ધનંજયે શેફાલી સાથેનો સંબંધ તોડી નાખ્યો. છતાં, લલિત ક્યારેય ધનંજય પ્રત્યે વિરોધ કે કટુવાણી બોલતા જણાયો ન હતો. ધનંજય પણ બોલ્યા વગર એક પછી એક કોન્ટ્રાકટ મેળવતો જતો અને ખૂબ ઝડપી અને મક્કમ ગતિએ આગળ અને આગળ વધતો જતો. આ આગળ દોડવામાં એ લગ્ન ન કરી શક્યો પણ રાજ ગ્રુપ ઓફ કંપનીને ખૂબ પાછળ છોડી બહુ આગળ નીકળી ગયો. બીજી તરફ રાજ ગ્રુપ ઓફ કંપની ધીરે ધીરે અને પારદર્શક રીતે પ્રગતિ કરી રહી હતી, ધનંજયને પોતાની સફળતા કરતા લાલિતને પછડાટ આપવામાં વધુ આનંદ આવતો. ગુસ્સો અને કોઈને પછાડવાની નીતિ એને પોતાને જ પછાડે છે. આપખુદશાહીમાં લેવાતા નિર્ણયો સાચા સાબિત થતા પણ એ કારણે કુટુંબના સભ્યો ઘણા દૂર થઈ ગયા એનાથી અને એની જ ઉંમરના ઘણા પોતાનો ભાગ લઈને દેસાઈ ઇન્ડસ્ટ્રીઝમાંથી છુટા પડી ગયા. આ છુટા પડેલા દરેકને લલિતે થાય એટલી મદદ શેફાલી મારફત કરી અને સહુને પગભર કર્યા, જ્યારે ધનંજયએ પોતાના જ કુટુંબીઓની સામે પણ ન જોયું. સફળ પણ એકહથ્થુ શાષન ચાલતું હતું ધનંજયનું. પૈસો આવ્યો, સફળતા મળી અને નંબર વન બનવાનો આનંદ પણ. પણ, હજુ સંતોષ ન હતો. બીજા, ત્રીજા, ચોથા.. અરે દસ નંબર સુધી રાજ ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝનું નામોનિશાન ન હતું. છતાં, પોતાના જ કુટુંબીઓ લલિત પાસે કેમ જાય છે ની અદેખાઈ અને ગુસ્સાને કારણે રાજ ગ્રુપ ઓફ કંપનીને કાવાદાવા રમીને દેવાળીયા કરી નાખી અને લઇ લીધી આખી કંપની. રસ્તા પર લાવી દીધો લાલિતને ત્યારે જઈને આનંદ મળ્યો એને અને હવે એ કિંગ હતો કંસ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રીનો.
એક દિવસ જ્યારે એ લાલિતને મળવા એના ફ્લેટ પર ગયો ત્યારે દેસાઈ ઇન્ડસ્ટ્રીઝના છુટા પડેલા કુટુંબીઓ, એમનો પરિવાર, લલિત, શેફાલી, એના બાળકો સાથે મળી લલિતનો જન્મ દિવાસ ઉજવતા હતા. લલિતે ધનંજયને આવકર્યો, પાર્ટી કરી, જમાડયો અને કહ્યું, આ લોકોનો સાથ, આ પરિવાર એ મારી કમાણી છે. તું આજે કિંગ છે ઇન્ડસ્ટ્રીનો દોસ્ત, એકલો છે. હું બધું ગુમાવી બેઠો છું છતાં ઉભા થવા માટે મારી પાસે ખભા છે. હવે તું જ કહે, રીઅલ કિંગ કોણ છે?