દેશની સંસ્કૃતિ
દેશની સંસ્કૃતિ
ભારત દેશ અનેક વિવિધતાઓથી સભર અને ઉત્સવોનો દેશ છે. ભારતની પ્રત્યેક ગલીઓમાં આપણને કંઈક ને કંઈક વિશેષતા જોવા,જાણવા અને અનુભવવા મળે છે. અનેક વિશેષતાઓ અને વિવિધતાઓથી આપણો ભારત દેશ ખૂબ જ સમૃદ્ધ બન્યો છે.
ભારતીય સંસ્કૃતિ અને પ્રકૃતિનું સામંજ્ય ખૂબ જ અદ્ભુત રહયું છે જે આપણને વિચારવા મજબૂર કરે છે.
હિંદુ દ્રષ્ટિએ મંદિરો, મંદિરોનાં ઘંટ, ભગવાનનાં અનેકવિધ રૂપો, દેવ-દેવીઓનાં રંગબેરંગી અનેકવિધ વસ્ત્ર પરિધાનો, જળાભિષેક અને મહત્વ, આપણાં સમાજમાં અવારનવાર દર્શન દેતા ભગવાધારી બંધુઓ, સાધુઓ, રોડસાઈડની નાનકડી દેરીઓ વિગેરે આપણા દેશનાં અભિન્ન અંગો છે.
આપણાં દેશમાં જીવનમાં ઉત્સાહ અને ઉમંગથી તરબતર કરાવનાર અદ્ભુત રંગો, ભાતીગળ કલ્ચર, આદિવાસી સ્ત્રીઓનો રજવાડી ઠાઠ, ભાતીગળ લીંપણ, ગોખ,ગોખલા કે ઝરૂખા, પાળિયા, શિલાઓ કે સ્મારકો, રૂપસુંદરીઓ, ચપ્પલ કે મોજડીઓમાં પણ રંગબેરંગી કલાકૃતિઓની વિશેષતાઓ ભારતીય સંસ્કૃતિ અને કલાકૃતિનો અદ્ભુત સમન્વય કરે છે જે ખરેખર મંત્રમુગ્ધ કરી દે છે.
આધુનિકતાની દોડમાં હવે પાછા વળીને જોઉં છું તો મારો દેશ ખૂબ જ સમૃદ્ધ અને રાજવી લાગે છે.
મારો દેશ સંસ્કૃતિ અને પ્રકૃતિ વિશે સભાનતાથી જાગૃત કરવાનું કાર્ય કરે છે. ભારતીય સંસ્કૃતિ, પ્રકૃતિ સાથે એટલી તો તાદામ્ય ધરાવે છે કે આપણાં પૂર્વજોએ સહજ રીતે જ જીવન સાથે વણી લીધાં હતાં. મારાં ભારત દેશની સંસ્કૃતિ અને પ્રકૃતિનું સામ્રાજ્ય ખૂબ જ અદ્ભુત રહયું છે જે આપણને વિચારવા મજબૂર કરે છે.
માનવી અને કુદરતનો અદ્ભુત આસબાબ જ્યાં માનવી-માનવી કે દરેક સ્ત્રી-પુરુષ, પશુ-પંખીઓ કે પછી કહું ડગલે ને પગલે...નીતનવો અહેસાસ કરાવતો હોય એવી હિન્દવી સંસ્કૃતિને ઉજાગર કરે છે.
મારા દેશની હિંદ સંસ્કૃતિનો મૂળ હેતુ પરમાત્મા, પ્રકૃતિ કે પરબ્રહ્મનું જીવ સાથેનું ઉચ્ચતમ જોડાણ જ કહી શકાય.
